ગુલમર્ગ – વિનોદિની નીલકંઠ

[પુનઃપ્રકાશિત]

[ઈ.સ 1982માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગદ્યસંચય – ભાગ:2’ માંથી સાભાર.]

gumarg1

[dc]સો[/dc]હામણા કાશ્મીરનું ગુલમર્ગ એ એક સુન્દરતમ સ્થળ છે. એક વખત જોયું હોય તો કોઈ તેને ભૂલી શકતું નથી. આ વખતે મેં અગિયાર વર્ષે ફરી ગુલમર્ગ જોયું, પણ જાણે તે ચિર-પરિચિત ! કાશ્મીરનાં બીજા સર્વ સ્થળો કરતાં ગુલમર્ગની શોભા કાંઈક ન્યારી જ છે. લીલાંછમ ઘાસથી ઢંકાયલી સુંદર ઢળકતી ટેકરીઓની આસપાસ ગુલમર્ગ ગામ વસેલું છે. જોડાજોડ જ બરફથી સદા ઢંકાયેલા રહેતાં ખેલનમર્ગનાં શિખરો, ગુલમર્ગની શોભામાં અનેકગણી વૃદ્ધિ કરે છે.

શ્રીનગરથી તંગમર્ગ સુધી મોટરનો રસ્તો છે, પછી ગુલમર્ગનો પહાડ ચઢવા માટે પગરસ્તો છે. ઘોડા તથા ડોળી પણ મળે છે. ગુલમર્ગ દરિયાઈ સપાટીથી 9000 ફીટ ઊંચું છે. ત્યાં ફિરોઝપુર નામની નાની નદી છે, પણ મુગ્ધાવસ્થા છોડી યુવાવસ્થામાં પ્રવેશતી સુંદરીના જેવો જ તેનો તનમનાટ છે. ઉત્સાહભર્યા ધસારાથી તે વહી જાય છે. અમે ગુલમર્ગ ગયાં તે દિવસે ખૂબ વરસાદ વરસતો હતો. ઘેરાં કાળા ઘનઘોર વાદળથી નભ છવાઈ ગયું હતું. ઠંડો વાયુ શરીર-સોંસરવો આરપાર નીકળી જતો હતો. પલળતાં, ટાઢે ધ્રૂજતાં અમે સમીસાંજે ગુલમર્ગ પહોંચ્યા.

ગુલમર્ગમાં ગજબ ટાઢ ! સંધ્યાસમયે ભાણ ડૂબ્યો ને ઠંડીનું રાજ્ય શરૂ થઈ જાય. રાત્રે નવ વાગ્યામાં તો થરમૉમિટરનો પારો છેક 37 ડિગ્રી સુધી ઊતરી જાય. ઓરડામાં ભીંત-સઘડી તો લગભગ આખો દિવસ જલતી રાખવી પડે. થોડા વર્ષો પહેલાં દેશના ભાગલા પડ્યા તે પછી ત્યાં લૂંટારા આવ્યા હતા. કાશ્મીરી લોકો તેને ‘કબાલી લોક’ કહે છે. તે લૂંટ પછી ગુલમર્ગ ગામ સૂમસામ બની ગયું હતું. જાણે કોઈ જાદુગરે ચમત્કારી લાકડી ફેરવી ત્યાંના તમામ માનવીઓને જાદુને બળે અદષ્ય ન બનાવી દીધાં હોય ! એવું શાન્ત નિર્જન અને નીરવ તે ગામ ભાસતું હતું.

મહાદેવને પ્રસન્ન કરવા પાર્વતીએ વ્રત આદર્યું હતું. પાર્વતી પાંદડું સુદ્ધાં ન આરોગી ‘અપર્ણા’ બન્યાં હતાં. છતાં જ્યારે મહાદેવનું તપ ન ચળ્યું ત્યારે કામદેવે પોતાના મિત્ર વસંતની સહાયથી, હિમાલયના કૈલાસ નામક શિખર ઉપર અકાળે વસંતઋતુ પ્રગટાવી દીધી હતી ! તે વખતની શોભા નિહાળવા તો દેવો જ ભાગ્યશાળી બન્યા હશે. પરંતુ કાંઈક તેવું જ જોવાનું સદભાગ્ય ગુલમર્ગમાં પ્રાપ્ત થયું. શિયાળો પૂરો થયો હોઈ હિમ ઓગળતું જતું હતું, અને વસંતઋતુ બેસી ચૂકી હોઈ ફૂલ ખીલતાં જતાં હતાં. વસંતાવતાર ને તે સમયે અદ્દભુત નયનમનોહર દશ્ય જોવાનું અહોભાગ્ય મળ્યું ત્યારે હિમસુતા પાર્વતીની આખ્યાયિકા સાંભરી આવી હતી. ગુલમર્ગની પડખે ચોકીદાર જેવા ઊભેલા ખેલનમર્ગનાં શિખરો તો એવાં બરફથી આચ્છાદિત હતાં, કે જાણે બરફની ચાદર ઓઢીને પર્વતરાજ હિમાલય સૂઈ ગયો ન હોય ! અને છતાં તદ્દન નજીકનાં ગુલમર્ગનાં મેદાનો, આંખને ગમી જાય એવા લીલારંગથી છવાઈ ગયાં હતાં. અને તેની ઉપર રંગીન ફૂલોથી જાણે ભરચક ભાત ચિતરાઈ રહી હતી. વૈશાખી વાયરાથી પીગળતા બરફના ઢગલાઓની પાસે લગોલગ ગુલાબી રંગના પહાડી ફૂલથી ઘણી જગાએ મેદાન ભરાઈ ગયાં હતાં અને ગુલમર્ગનું નામ સાર્થક બનાવી રહ્યાં હતાં.

gulmarg2વળી, તે મેદાનોમાંથી એક નાનકડો, હસતો રમતો વહેળો પસાર થઈ રહ્યો હતો, તેને કાંઠે કાંઠે સફેદ અને વાદળી ફૂલનાં ઝૂમખાં ઊભરાઈ રહ્યાં હતાં. કેવા સ્વછંદી, બેફિકર, અખૂટ ઉદાર ત્યાંની વનશ્રી ! ગુલમર્ગથી એક હજાર ફીટ ઊંચે ખેલનમર્ગનાં બરફભર્યાં શિખરો છે, ત્યાં બરફ ઉપર જ રમી શકાય એવી રમતો રમાય છે. એક સમયે અંગ્રેજોનું આ પ્રિય ધામ હતું. હવે આપણા લોકોએ પણ તેને અપનાવ્યું છે. હિન્દી સૈનિકો ત્યાં ખૂબ ગમ્મત કરતા દીઠા. ખેલનમર્ગથી આગળ એકદમ ઉભડક ચઢાણ ચઢતાં આલાપથ્થર નામની જગા આવે છે. ત્યાં ચઢતાં વાર લાગે છે. પણ ઊતરવા માટે લાકડાની એક સ્લેજ (બેસાય એવી એક પ્રકારની ઠેલણગાડી) મળે છે તેમાં બેસી બરફ ઉપર સરકી પડવાનું ! થોડી જ મિનિટોમાં સરસરાટ ઝપાટાબંધ નીચે ઊતરી જવાય છે. ખેલનમર્ગથી હરમુખ અને વિશ્વવિખ્યાત નંગા પર્વતનાં દર્શન થાય છે. ગરુડરાજની ચાંચ જેવું શિખર એટલું બધું ઊંચું છે કે અમે નવ હજાર ફીટ ઊંચે ચઢેલાં, છતાં ઊંચે જોઈએ ત્યારે આકાશનાં વાદળાંઓથી પણ ઘણે ઊંચે, નંગા પર્વત પોતાનું સૌથી નિરાળું સ્થાન જમાવીને ઊભેલો દેખાયો. અચળ અને દેદીપ્યમાન તેને જોતાં જ શ્રી ઉમાશંકરનું ‘નંગાપર્વત’નું કાવ્ય સૌને યાદ આવ્યું. નંગા ખરેખર અજેય છે. કાશ્મીરી લોકો કહે છે કે નંગા પોતાના ઉપર અર્ધા રસ્તા સુધી માણસોને ચઢવા દે છે અને પછી આક્રમણ કરનારને ખાઈ જાય છે !

સંસ્કૃત ભાષાનાં રસિયાં એવા મારાં વડીલ બહેન શ્રી સરોજબહેને શોધી કાઢ્યું કે નંગા પર્વતનું અસલ નામ, સંસ્કૃત નામ ‘અનંગ પર્વત’ હશે. કારણ સંસ્કૃતમાં ‘નંગ’ નહિ પણ ‘નગ્ન’ શબ્દ છે. અને દરેક બરફવાળો પહાડ ઝાડપાન વગરનો હોય છે જ, આ કાંઈ એકલો જ એ રીતે નગ્ન નથી. વળી, નંગા પર્વતની પાસે જ હરમુખ પર્વતનું શિખર છે. હરમુખની સાથે નંગ નહિ પણ અનંગ હોવો જોઈએ એવો તર્ક સંભવે છે. આ ખ્યાલ સૌને ગમી ગયો. હિમાલયનાં બીજા શિખરોનાં નામ પણ યાદ આવ્યાં : કૈલાસ, નીલકંઠ, ત્રિશૂળ, ગૌરીશંકર, બધી શંકર અને પાર્વતીની આસપાસ વીંટળાયલી નામાવલિ છે. નંગા પર્વત એટલો ભવ્ય છે કે તે ખરેખર વિકરાળ લાગે છે. એને જોઈને જ જાણે ભયની એક ધ્રુજારી શરીરમાં ફરી વળે છે. અભિમાની ભયાનક કોઈ રાક્ષસ જેવો એ નંગા પર્વત ! તેને દૂરથી જ પ્રણામ !

આવા સુંદર ગુલમર્ગને છોડીને છેવટ ઘર ભણી પ્રયાણ કરવું પડ્યું. પરંતુ નીકળતી વખતે હિમાલયને કોલ દીધો છે કે બનશે તેટલાં જલદી ફરી તારા દર્શન માટે દોડી આવીશું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગાંધીજીના ચમત્કારનું રહસ્ય – ગુણવંત શાહ
અધ્યયન દ્વારા કામમાં પ્રાણસંચાર – વિનોબા ભાવે Next »   

2 પ્રતિભાવો : ગુલમર્ગ – વિનોદિની નીલકંઠ

  1. aishwarya says:

    બહુ જ સરસ

  2. Velji Shah says:

    Pravash varnnan is beautifully presented,it is like we are traveling together,enjoying the beautiful scenery.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.