ઝાકળબિંદુ – અનુ. ઝવેરચંદ મેઘાણી

[ રવીન્દ્રનાથ ટાગોરના આ કાવ્યમાં ભગવાનના પ્રતીક તરીકે સૂર્ય છે અને ભક્તના પ્રતીક તરીકે ઝાકળનું બિંદુ છે. તેનો અનુવાદ શ્રી ઝવેરચંદ મેઘાણીએ કર્યો છે.]

ઝાકળના પાણીનું બિંદુ
એકલવાયું બેઠું’તું,
એકલવાયું બેઠું’તું ને સૂરજ સામે જોતું’તું.
સૂરજ સામે જોતું’તું ને ઝીણું ઝીણું રોતું’તું.
‘સૂરજ ભૈયા ! સૂરજ ભૈયા ! હું છું ઝીણું જલ-બિન્દુ.
મુજ હૈયે તમને પધરાવું શી રીતે હે જગ-બન્ધુ !
તમે દૂર વાદળમાં વસતા, સાત અશ્વને કરમાં કસતા,
બ્રહ્માણ્ડોની રજ રજ રસતા ઘૂમો છો બન્ધુ !
તમ વ્હોણું મુજ જીવન સઘળું અશ્રુમય હે જગબન્ધુ !’

‘જલબિન્દુ રે જલબિન્દુ ! ઓ નાજુક જલબિન્દુ !’
સૂરજ બોલે, ‘સુણ બન્ધુ !
હું તો ત્રિલોકમાં ફરનારો, કોટિ કિરણો પાથરનારો,
ગગને રમનારો.
તેમ છતાં હું તારો તારો હે ઝાકળબિંદુ !
તોય મને તું વ્હાલું વ્હાલું બાળાભોળા જલબિંદુ !
તુજ હૈયે હું પોઢી જાણું ! હે ઝાકળબિન્દુ !
તુજ સરખો નાનકડો થૈને, તુજ અંતરમાં આસન લૈને,
ઈન્દ્રધનુની રમતો રમવા આવીશ હે બિન્દુ !
તુજ જીવનમાં પ્રકાશ લાવું, તુજ અશ્રુને હાસ્ય બનાવું,
હે નાજુક બિન્દુ !’

હસતે મુખડે સૂરજતણા જલ-બિન્દુમાં જઈ સમાણા,
રુદન ભર્યા જીવનમાં ગાણાં ગાઈ રહ્યું ઝાકળબિંદુ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ઝાકળબિંદુ – અનુ. ઝવેરચંદ મેઘાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.