આવકારો – યશવંત ઠક્કર

[‘નવનીત સમર્પણ’ સામાયિક, જુલાઈ 2012માંથી સાભાર.]

ચોથા કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. પાયલ સિવાય તમામ શ્રોતાઓએ તાળીઓ પાડી.
‘તાળીઓ તો પાડ. કૅમેરો આપણા પર છે.’ હેમંતે ધીમેથી પાયલને કહ્યું.
‘ભલે રહ્યો. ખોટી તાળીઓ પાડવાનું મન નથી થતું.’ પાયલે જવાબ આપ્યો.
‘તો શા માટે આવી છે ?’
‘હું મારી મરજીથી નથી આવી. તું પરાણે લાવ્યો છે.’
‘સૉરી, મને એમ કે તને આ કાર્યક્રમમાં મજા આવશે.’
‘મજા આવે એવું આમાં શું છે ?’
‘ધીરે બોલ. કોઈ સાંભળશે તો.’
‘ચાલ બહાર. મને કંટાળો આવે છે.’
‘ચાલુ કાર્યક્રમમાં બહાર નીકળશું તો ખરાબ લાગશે. બેસી રહે.’

….પાંચમા કવિએ પોતાનું કાવ્યપઠન શરૂ કર્યું : ‘યુગોના યુગો સુધી ઊભો રહ્યો તારી પ્રતિક્ષામાં….’
‘બસની રાહ જોતા હશે.’ પાયલને મજાક સૂઝી.
‘પાયલ, પ્લીઝ….’ હેમંતે કહ્યું.
પાયલ મોઢા પર હાથ મૂકીને હસતી રહી. પાંચમા કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. ફરીથી શ્રોતાઓએ તાળીઓ પાડી.
‘પાયલ, જરા તો વિવેક જાળવ. વિચાર તાળીઓ પાડવામાં તારું શું જાય છે ?’
‘શા માટે ? દંભ કરવા ?’
‘દંભ કરવા માટે નહિ. કવિનું મન રાખવા.’
‘મારે નથી રાખવું. તારે રાખવું હોય તો રાખ. હું તો ચાલી.’ પાયલ ઊભી થઈને, ખુરશીઓ વચ્ચેથી જગ્યા કરતી સભાખંડની બહાર નીકળવા લાગી.

હેમંત એને જતી જોઈ રહ્યો. એ મૂંઝાયો કે હવે શું કરવું ? આટલા બધા લોકોની વચ્ચેથી બહાર કેમ નીકળવું ? જોનારા તો એમ જ વિચારે ને કે કવિતાના કાર્યક્રમમાં રસ નહોતો તો આવ્યાં શા માટે ? વળી, આ કાર્યક્રમનું પ્રસારણ ટેલિવિઝન દ્વારા થવાનું હોવાથી કેમેરો પણ સતત સક્રિય હતો. પાયલે દરવાજે પહોંચીને હેમંત તરફ જોયું. એની નજરમાં આદેશ હતો. હેમંત એ આદેશ ઉથાપી ન શક્યો. એ પણ ઊભો થયો અને સંકોચ સાથે સભાખંડની બહાર નીકળી ગયો. આ રીતે બહાર નીકળવું એને યોગ્ય લાગ્યું નહિ, પરંતુ પાયલના સહવાસ વગર બેસી રહેવાનું કામ તો એના કરતાં પણ કપરું હતું.
‘હાશ !’ પાયલે ખુલ્લી હવામાં ઊંડો શ્વાસ લેતાં કહ્યું.
‘પાયલ, આ રીત છે ? અવિનાશકાકાને કેવું લાગશે ?’
‘એમની માફી માગી લઈશું.’
‘થોડી વાર માટે બેસી રહી હોત તો સારું હતું. એમનો વારો આવવાનો જ હતો.’
‘ક્યારે આવવાનો હતો ? યુગોના યુગો પછી ?’ પાયલની ચંચળતા કાબૂ બહાર જવા લાગી.

‘એમણે કેટલા પ્રેમથી આમંત્રણ આપ્યું હતું ! આપણે આવું કરવા જેવું નહોતું !’ હેમંતનો અફસોસ હજી ઓછો થયો નહોતો.’
‘હેમંત, શું કરું ? મને જરાય મજા આવતી નહોતી. કાર્યક્રમનું નામ તો ‘વસંતને આવકારો’ હતું પણ, ક્યાંય વસંતનો અનુભવ થતો નહોતો. બધું જ જાણે કે બનાવટી લાગતું હતું. આયોજકોનો પરિચય, પ્રમુખશ્રીનો પરિચય, એમનો પરિચય આપનારનો પણ પરિચય, કવિઓનો પરિચય, એ તમામનું સ્વાગત ! માઈક સામે આવનાર જાણે માઈક છોડવા માગતો જ નહોતો. કેટલાં ભાષણો ? ખરો કાર્યક્રમ તો એક કલાક પછી શરૂ થયો. એમાંય સંચાલક પાછા ચાંપલું ચાંપલું બોલ્યા કરે. ને કવિઓની કવિતામાં ક્યાંય વસંતનો ખરો રંગ હોય એવું લાગતું નહોતું. બધું જ ત્રાસદાયક.’
‘ચલાવવું પડે. કવિતાના કાર્યક્રમો તો આવા જ હોયને ?’
‘એવું કોણે કહ્યું ? કવિતાના કાર્યક્રમો પણ મજાના કેમ ન બની શકે ? પાંચદસ વસૂકી ગયેલા કવિઓની સામે; ઊભા રહીને ચાલતી ન પકડી શકે એવા લાચાર, ઉંમરલાયક અને કહ્યાગરા શ્રોતાઓને બેસાડી દેવાથી શું વસંતને સાચો આવકારો આપ્યો કહેવાય ? તેં જોયું ને ? તારીમારી ઉંમરના શ્રોતાઓ કેટલા હતા ? માંડ ચારપાંચ ! એ પણ ઊંચાનીચા થતા હતા.’
‘આપણે તો અવિનાશકાકાનું માન રાખવા આવ્યાં હતાં. એમને સાંભળી લીધા હોત તો સારું હતું,’
‘એમને એમના ઘરે જઈને, મન ભરીને સાંભળી લઈશું. બસ ? હવે જવા દે એ વાત.’
‘ચાલ, ક્યાં જવું છે ? બોલ.’ હેમંતે પોતાની બાઈક પાસે ઊભા રહીને પૂછ્યું.
‘લાવ. ચાવી મને આપ.’ પાયલે ચાવી માટે હાથ લંબાવ્યો.
‘કેમ ?’ હેમંતે પૂછ્યું, ‘આજે બાઈક ચલાવવાનું મન થયું છે ?’
‘હા, આજે હું તને કશેક લઈ જઈશ. તું પાછળ બેસી જા.’

પાયલે બાઈક ભગાવી. નગર વીંધાતું ગયું…. નગર પૂરું પણ થઈ ગયું અને પાછળ રહી ગયું. એક તો પાયલનો સહવાસ અને ઉપરથી વાસંતી હવાનો સ્પર્શ ! હેમંતનો કાવ્યપઠનનો કાર્યક્રમ અધૂરો છોડ્યાનો અફસોસ પણ પાછળ રહી ગયો.
‘પાયલ, તું ક્યાં લઈ જાય છે ?’
‘બેસી રહેને. મજા નથી આવતી કે શું ?’
‘મજા તો આવે છે પણ, દૂર જવું હોય તો બાઈક હું ચલાવી લઉં.’
‘કેમ ? મારા પર ભરોસો નથી કે પછી પાછળ બેસવા બદલ શરમ આવે છે ? બાઈકની ચાવી આપવા બદલ પસ્તાવો તો નથી થતો ને ?’
‘ના યાર ! એમાં પસ્તાવો કેવો ? દિલ જેવું દિલ આપી દીધા પછી ચાવી તો કઈ મોટી ચીજ છે ?’
‘વાહ ! યે બાત હૈ. આને કહેવાય કાવ્યપઠન.’
‘જોજે. તાળીઓ ન પાડતી.’
‘મરવાની બીક લાગે છે ?’
‘બીક તો લાગે જને. માંડ જીવવાની મજા આવી છે.’

હાઈવે પર બાઈક ભાગતી રહી…. વાહનોના અવાજ વચ્ચેથી બંને વચ્ચેના સંવાદો રસ્તો કાઢતા રહ્યા… વગડાઉ હવાને બંનેના ચહેરા ઝીલતા રહ્યા. …ને પાયલે બાઈક ધીમી પાડીને રસ્તાના કાંઠે ઊભી રાખી દીધી.
‘શું થયું ?’ હેમંતે પૂછ્યું.
‘જો હેમંત, પેલી રહી વસંત. ચાલ, આવકારો આપી દઈએ.’ પાયલે એક ટેકરી પર આંગળી ચીંધી. હેમંતે જોયું તો, લાલ લાલ ફૂલોથી ભરચક એક કેસૂડો કોઈ નવયુવાન કવિની અદાથી ઊભો હતો !

Leave a Reply to durgesh oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “આવકારો – યશવંત ઠક્કર”

Copy Protected by Chetan's WP-Copyprotect.