વિચારકણિકા – કાકા કાલેલકર

જ્ઞાન અસીમ છે, જેટલું શીખીએ એટલું ઓછું છે. એટલે જો આપણે એમ વિચારીએ કે બધું શીખી લીધા પછી બીજાને શીખવશું, તો એ ભૂલ છે. જેટલું શીખતા જાઓ, એટલું શીખવતા પણ જાઓ. અમારી પાસેથી તમે વિદ્યાર્થીઓ જે કંઈ મેળવો એ ખેડૂતો, વણકરો, હરિજનો, દલિતોને આપો. અને એ રીતે જ્ઞાનનો તંતુ આગળ વધાર્યે જ જાઓ !
******

જો ગૌરીશંકરનું શિખર એકલું એકલવાયું હોત, તો એ આંખને ખૂંચત. સેંકડો નાનાંમોટાં શિખરો હજારો માઈલ સુધી સળંગ ઊભાં છે, એની વચ્ચે જ ગૌરીશંકર અને ધવલગિરિ તેમ જ નંદાદેવી ને ત્રિશુળ આદિનાં ઉત્તુંગ શિખરો ભવ્ય રીતે શોભી રહ્યાં છે. એ જ પ્રમાણે કોઈ માણસ એકલો શૂરો બની પોતાનું જ જ્ઞાન વધાર્યે જાય અને મહાપંડિત બને એથી કંઈ દેશ એટલો સુશોભિત અને સમૃદ્ધ નથી બનવાનો, જેટલો ઘેરઘેર થોડાથોડાયે જ્ઞાનના ફેલાવાથી એ સમૃદ્ધ થવાનો છે. જ્યારે લાખો અને કરોડો લોકોમાં કેળવણી સર્વવ્યાપી બનશે, ત્યારે એમાંથી જે થોડા મહાવિદ્વાન પાકશે એ ઘણી ઊંચી પંક્તિના હશે.
******

એક વાતનું સતત ધ્યાન રાખવું. આપણે જે મંડળીમાં બેઠાં હોઈએ ત્યાં ચાલતાં હાસ્ય-વિનોદ, વાતચીતની ભૂમિકા આપણી હાજરી વડે ઊંચી ચડવી જોઈએ – એ નીચે ન જવી જોઈએ. આપણી કેળવણી અને સંસ્કારિતાનું એ ખાસ પ્રમાણ છે.
******

મહાન વિચારકો પણ ઘણી વાર જમાનાના દોષોથી પર રહી શકતા નથી. એરિસ્ટોટલ જેવા વિશ્વવ્યાપી બુદ્ધિવાળા ફિલસૂફને પણ ગુલામીની પ્રથા સ્વાભાવિક લાગી. શંકરાચાર્ય જેવા અદ્વૈતવાદી પણ ‘વેદો’નું ઉચ્ચારણ સાંભળનાર અંત્યજનને સજાપાત્ર ગણતા. ભક્ત કવિ તુલસીદાસે તો ઢોર-ગમાર સાથે સ્ત્રીને તાડનનો અધિકાર આપી દીધો ! મહર્ષિઓ પોતાના જમાનાના સર્વોત્તમ પુરુષો હોય છે. પણ તેથી કાંઈ તેઓ જમાનાની અર્પૂણતાઓથી પૂર્ણપણે પર નથી હોઈ શકતા.
******

અજ્ઞાન દૂર કરવા માટે હજાર વરસની જરૂર નથી. ખોટા ખ્યાલો ને ભ્રમણાઓ છોડી દેતાં ઘણી વાર લાગે છે. પણ અજ્ઞાન તો પોલાણ જેવું છે, એને દૂર કરતાં વાર નથી લાગવાની. કોઈ ઓરડીમાં બસો વરસનું અંધારું હોય, પણ બારણું ખોલો એટલે અંધારું હતું-નહતું થઈ જાય.
******

બે હજાર વરસ પછી જગતના ઈતિહાસમાં ગાંધીજી વિશે એક જ વાક્ય લખવાની સગવડ હોય, તો તે વખતના ઈતિહાસકાર લખશે કે : ‘એ જમાનામાં અન્યાયનો પ્રતિકાર કરવા માટે સત્યાગ્રહરૂપી અહિંસક શસ્ત્ર શોધી કાઢનાર ગાંધી ઉત્તમ સેનાપતિ હોવા ઉપરાંત સમાજનું આખું રૂપ ફેરવનાર મનીશી હતો.’ બાકીની બધી વસ્તુ ગૌણ છે. કરોડો માણસો ત્યાગ અને તપસ્યા કરી શકે છે એ વિશ્વાસ ગાંધીજીએ પેદા કર્યો, એ એમની ભારત માટે સૌથી મોટી સેવા છે.
******

કન્યાકુમારીમાં ત્રણ સાગરોનો સંગમ છે. ત્યાં મેં જે ધન્યતા અનુભવી છે, તેવી ભવ્યતા એક હિમાલયને છોડીને અને ગાંધીજીના જીવનને છોડીને અન્યત્ર ક્યાંય અનુભવી નથી.
******

આપણા સામાજિક દોષો શબ્દથી ધોવાય એવા નથી. આપણા પરસેવાથી જ આપણે તે ધોવા પડશે. અને આજે તેમ નહીં કરીએ, તો કાલે આપણા દીકરાઓના લોહીથી ધોવા પડશે.
******

દુનિયામાં જ્યાં જ્યાં અન્યાય થાય છે, ત્યાં ત્યાં જુલમ ગુજારનાર તો પાપી હોય જ છે, પણ જુલમ સહન કરનાર પણ ઓછું પાપ નથી કરતો. ભયભીત દશામાં રહેવું, અન્યાય સહન કરવો, અજ્ઞાન રહેવું, આળસમાં આયુષ્ય વિતાડવું – એ પણ પાપનો એક પ્રકાર જ છે. દુષ્ટતાના જુલમ કરતાં અજ્ઞાન, વહેમ, અભિમાન અને સમાજહિતના ખોટા આદર્શને લીધે થયેલા જુલમ ઓછા ભયાનક નથી હોતા.
******

દાન કરતાં પણ ત્યાગનું મહત્વ વધારે છે. દાન કરવાથી આપણે ગરીબોનાં કષ્ટ ઓછાં કરીએ છીએ, પણ સમાજહિતને અર્થે સંપત્તિનો ત્યાગ કરવાથી આપણે ગરીબોની ગરીબી જ કાઢી નાખીએ છીએ.
******

કૅમેરા જે જુએ છે તે બધું જ છબીમાં નોંધી લે છે. પણ ચિત્રકાર જ્યારે ચિત્ર ચીતરે છે ત્યારે કઈ વસ્તુ ઉઠાવદાર બનાવવી, કઈ ગૌણ કરવી, કઈ વસ્તુ કાઢી નાખવી અને કઈ ઉમેરવી, એ જાણે છે. વિષયના આત્માને ચિત્રકારનું વરેણ્ય વફાદાર હોઈ વધારે સાચું નીવડે છે.
******

બગીચામાં ફૂલો ઉપર મેં એટલાં બધાં ભાતભાતનાં પતંગિયાં જોયાં કે મને ખાતરી થઈ કે ઝાડ ઉપર બેસી બેસી કંટાળે એટલે ફૂલો જ પતંગિયાં બની ઊડવા માંડે છે.
******

આપણે ગમે તે વસ્તુની ગમે એટલી ચર્ચા કરીએ, પણ આખરે એટલું તો ધ્યાનમાં રહેવું જોઈએ કે ચર્ચાને અંતે કંઈક ચોક્કસ કામ કરવાનું છે.
******

દુનિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુઃખની વાત છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રીડગુજરાતી : આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી
આવકારો – યશવંત ઠક્કર Next »   

3 પ્રતિભાવો : વિચારકણિકા – કાકા કાલેલકર

  1. Ankita says:

    Saras vichar kanikao che, aabhar ahi mukva badal…

  2. Chirag says:

    વાહ…. મજા આવી ગઈ…. ખુબ ઉમદા વિચારો.

  3. devina says:

    many new thoughts..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.