જીવનની સ્કૂલનો વિદ્યાર્થી છું – મનીષ પટેલ

[ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘જીવને મને શું શીખવ્યું’ પુસ્તકમાંથી સાભાર. આ કૃતિના સર્જક શ્રી મનીષ પટેલ અમદાવાદમાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવાં જાણીતા આહાર-વિહાર સંકુલ ચલાવે છે. તે તો તેમનો વ્યવસાય, પણ સાહિત્ય, સંગીત, નાટક વગેરે કળાઓમાં એમનો રસ ‘નવરસ’ કરતાંય વધારે છે. તેમનાં આહારગૃહોમાં તેમણે પુસ્તકઘર રાખ્યાં છે. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજે છે.]

[dc]જી[/dc]વન એક ભરપૂર રોમાંચક ચલચિત્ર જેવું છે. જીવન એ અનેક ઘટનાઓ, પ્રસંગો, વાતો, યાદો, સંબંધો, સત્યો, રુદન, હાસ્ય, થાક, કંટાળો, હાંફ, ગુસ્સો, પ્રેમ, જલસો, મૈત્રી, અજાણ્યાપણું – જેવાં અનેક પાસાંઓથી વણાયેલું હોય છે. આ ચલચિત્રના હીરો આપણે પોતે જ હોઈએ છીએ. અને આ તમામ પાસાંઓ આપણને કશુંક ને કશુંક શીખવી જતાં હોય છે.

ક્યારેક એવું પણ લાગે છે કે જીવન એક સ્કૂલ છે અને હું તેનો વિદ્યાર્થી છું. સ્કૂલમાં જેમ અમુક સમય થાય એટલે ઑટોમેટિક પિરિયડ બદલાઈ જાય એમ જીવનમાં પણ સમયે સમયે પરિસ્થિતિના પિરિયડો બદલાતા રહે છે. ક્યારેક ગણિતનો પિરિયડ હોય છે તો ક્યારેક ગુજરાતીનો, ક્યારેક વિજ્ઞાનનો પિરિયડ હોય છે તો ક્યારેક સમાજશાસ્ત્રનો. જીવન પણ વિવિધ પિરિયડોથી ભરેલું છે અને દરેક પિરિયડ આપણને કશુંક શીખવી જાય છે. સારું-નરસું, ખરું-ખોટું, હસવું-રડવું, પ્રેમ-નફરત, ઈર્ષા-વહાલ જેવા અનેક તાંતણાઓ આપણે જીવનના આ પિરિયડમાંથી શીખીએ છીએ. આંખ બંધ કરીને જ્યારે હું વિચારવા બેસું છું ત્યારે મારી સામે આખું જીવન ઝાંખુંપાંખું તાદશ્ય થઈ જાય છે. અને જીવનમાં ભણેલા અનેક સારા-નરસા પિરિયડો દેખાઈ આવે છે. અનેક ઘટનાઓ, પ્રસંગો, વ્યક્તિઓ, વાતાવરણો મારી આંખ સામે તરવરવા લાગે છે. જીવનમાં જે પાઠ ભણ્યો, જેમાંથી જે શીખ્યો એની આછી-પાતળી છબી રચાઈ જાય છે.

કેવું આશ્ચર્ય કહેવાય ! જીવનની સ્કૂલમાં શિક્ષક પણ આપણે અને વિદ્યાર્થી પણ આપણે જ ! અને આ પરિસ્થિતિમાં રહીને સતત શીખતા રહેવાનું. મારા જીવનમાં પણ અનેક પ્રસંગો, ઘટનાઓ, વ્યક્તિઓ, વાતાવરણે અગત્યનો ભાગ ભજવ્યો છે અને આ બધાંએ મારા જીવનને હંમેશાં કંઈક ને કંઈક શીખવ્યું છે. બાળપણમાં દાદાની આંગળી ઝાલીને જગતને જાણે દાદાની આંગળીના ટેરવેથી જોતાં શીખ્યો. દાદાએ મને કૅરિંગનેસ શીખવી. પોતાની અને બીજાની કાળજી લેવાનું એમણે મને શીખવ્યું. માત્ર આપણે જ મહત્વના નથી હોતા. જગત અનેક લોકોથી બનેલું છે અને હંમેશાં બીજાને મદદ કરવાની ભાવના દાદાએ મને આપી અને એમણે આપેલી આ ભાવનાને મેં બને ત્યાં સુધી જાળવી રાખવાના પ્રયત્નો કર્યા છે. દાદાએ મને કૅરિંગનેસ દ્વારા જગત તરફનો રસ્તો ચીંધ્યો તો મમ્મીએ મારામાં સંસ્કારો અને શુભ ગુણોનું સિંચન કર્યું, સંસ્કારોનો માર્ગ ચીંધ્યો. મિત્રોએ મને સહાનુભૂતિ આપી અને પરિસ્થિતિ સામે લડવાની હિંમત પૂરી પાડી, જીવનના આનંદને ઊજવવાની એક દિશા ચીંધી આપી. મારા મામા હંમેશાં મારી સાથે રહ્યા છે. એમણે મને જીવનના ખૂબ અગત્યનાં સત્યો સમજાવ્યાં છે એવું મને લાગે છે. તેમણે મારામાં સાહિત્યરુચિ જગાવી. આમ આ બધી જ વ્યક્તિઓ વચ્ચે મનીષ નામનો છોડ ધીરે ધીરે પાંગરતો રહ્યો છે, ખીલતો રહ્યો છે, મહેકતો રહ્યો છે, સતત શીખતો રહ્યો છે.

સતત મહેનત અને વ્યાવસાયિક કટિબદ્ધતાને કારણે ‘રજવાડું’એ પણ મને ઘણી સફળતા અપાવી. ‘રજવાડું’નો સ્ટાફ, મિત્રો, સગાંસંબંધીઓ અને અહીં આવતા તમામ લોકો – એ મારા જીવન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વણાયેલા છે. એમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. મને એક પ્રસંગ યાદ આવે છે જ્યારે મેં ‘રજવાડું’ શરૂ કર્યું ત્યારે થોડા સમય બાદ જ બિઝનેસ ઘરાનાના ખૂબ જ શ્રીમંત એવાં એક બહેન અમારે ત્યાં આવેલાં. એમની બે દીકરીનાં લગ્ન લેવાનાં હતાં. પણ ઘરમાં અમુક સામાજિક અગવડો અને હેરાનગતિને કારણે તેમણે ‘રજવાડું’માં પોતાનો અવસર ઊજવવાનું નક્કી કર્યું અને તેઓ મને મળ્યાં. મારા માટે તો આ ખૂબ જ આનંદની ઘડી હતી.

તેમના આ અવસરે અમે આખા રજવાડુંને જેમ પરંપરા મુજબ શણગારીએ છીએ તેમ સુંદર રીતે શણગાર્યું. એમની દરેક માગણી પૂરી કરી. એમની દીકરી અમારા પરિવારની જ હોય એમ અમે આખા સ્ટાફે ખૂબ જ દિલ દઈને કામ કર્યું. મહેમાનોની તકેદારી, જમવાની વ્યવસ્થા, બેસવા-ઊઠવાની વ્યવસ્થા એમ અનેક નાની નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખ્યું. આ બહેનનો બધો ભાર હળવો કરી નાખ્યો. આ પ્રસંગમાં એમના મનનો ભાર સાવ હળવો થઈ ગયો. જ્યારે દીકરીની વિદાયવેળા હતી ત્યારે આ પ્રસંગને ધ્યાનમાં લઈને દરેક બાબતની એટલી કાળજી લીધી કે આવનાર મહેમાનો તથા અન્ય તમામ મહેમાનો અભિભૂત થઈ ગયા. જ્યારે આ પ્રસંગ પૂરો થયો ત્યારે એ બહેન મારી પાસે આવ્યાં અને માત્ર એક વાક્ય બોલીને મારા ખભે માથું મૂકીને રડી પડ્યાં. એમણે કહ્યું, ‘તમે મારા દીકરાની જેમ આખો પ્રસંગ ઉપાડી લીધો.’ અને એ સમયે મારી આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. એમની દીકરીને મેં પણ મારી બહેનને વિદાય કરતો હોઉં એટલી જ લાગણીશીલતાથી વિદાય કરેલી, અને આ પ્રસંગે એમણે મને જે આશીર્વાદ આપ્યા એ જ મારી ખરી મૂડી હતી, ખરી કમાણી હતી. રૂપિયા તો બધા કમાય છે, હું આશીર્વાદ કમાઉં છું.

આવા અનેક પ્રસંગોએ મને સતત ધબકતો રાખ્યો છે. આવી અનેક ઘટનાઓની સુગંધે જ મારા જીવનને સતત મહેકતું રાખ્યું છે. આ બધામાંથી હું કોઈ પણ પ્રકારનો ભાર રાખ્યા વિના જીવનનો ભાર ઉપાડતાં શીખ્યો છું, દુઃખને સહન કરવાની રીતો શીખ્યો છું. અને આ બધી રીતોએ મને એટલો સબળ બનાવ્યો છે કે ક્યારેક તો એવી પણ ખબર ન હોય કે હું જે વેઠી ગયો એ દુઃખ હતું. જીવને મને જિંદગીના અઘરા દાખલા ગણતા શીખવ્યું છે, સંબંધોની મહેકને પ્રસરાવતાં શીખવ્યું છે. આ રીતે આદર અને સત્કાર દ્વારા મારી સાથે કામ કરતાં માણસોને શીખવું છું, શીખવવાનો પ્રયત્ન કરું છું.

જીવનમાં હું ઘણું બધું શીખ્યો છું અને જીવને મને ઘણું બધું શીખવ્યું છે, પણ હજી એમાં ઘણું બધું શીખવાનું બાકી પણ છે. હું જીવનની સ્કૂલનો આજીવન વિદ્યાર્થી છું. મને બર્નાર્ડ બેરેન્સને કહેલું એક વાક્ય યાદ આવે છે, ‘જીવન એ કદી પાછા ન ફરી શકાય એવો એકમાર્ગી રસ્તો છે.’ આપણે બધાએ આ વન-વે પરથી પસાર થવાનું છે. રસ્તામાં આવતી અનેક ક્ષણોને જીવવાની છે, જાણવાની છે, માણવાની છે અને ઊજવવાની છે. એ દરેક ક્ષણ જીવનમાં ચોક્કસ પ્રકારના રંગો પૂરી જાય છે. હંમેશાં દંભથી દૂર રહેવાનો પ્રયત્નો કરનાર હું હંએશાં મૈત્રીની ઝંખના સેવતો હોઉં છું. ક્યારેક મને મારું જીવન પૂછે કે ‘બોલ મનીષ, તેં મને અત્યાર સુધી કેવી રીતે સાચવ્યું ?’ ત્યારે હું વિચારું છું કે ભગવાને મને જેવો બનાવ્યો છે એમાં હું ઊણો ન ઊતરું એટલી શક્તિ મારામાં હંમેશાં રહે. એમાં જ હું મારા જીવનનું ગૌરવ જોઉં છું. અંતે માત્ર જયંત પાઠકની બે જ પંક્તિઓ કહેવી છે :

મને જિંદગી ને મરણની ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.

Leave a Reply to vinod Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “જીવનની સ્કૂલનો વિદ્યાર્થી છું – મનીષ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.