શા માટે ? કોના માટે ? – મોહમ્મદ માંકડ

[‘ચાલતાં રહો, ચાલતાં રહો’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]‘આ[/dc]જકાલ માણસો પોતાની તબિયતનું ધ્યાન રાખતા નથી.’ એક ભાઈએ મને કહ્યું. એમની ઉંમર સાઠેક વર્ષની હતી. ‘જુઓ, આટલાં વર્ષે પણ હું કેટલો તંદુરસ્ત છું ? મને ભાગ્યે જ કોઈ રોગ થાય છે અને થાય છે તો પણ જલદી મટી જાય છે. કોઈ દવા, કોઈ ઈન્જેકશન હું ક્યારેય લેતો નથી. કુદરતી ઉપચારો કરું છું અને કુદરતી જીવન જીવું છું. મારી દિનચર્યા તમને કહું : વહેલી સવારે જાગું છું. શૌચાદિથી પરવારીને, સ્વસ્થ થઈને મોર્નિંગ વૉક માટે જાઉં છું. કલાક દોઢ-કલાક ચાલું છું. ઘેર આવીને થોડી વાર આરામ કરું છું. પછી થોડાં યોગાસનો કરું છું. પછી માલિશ કરું છું. શરીરના એકેએક અંગને કસરત અને માલિશનો લાભ મળવો જોઈએ. માલિશ કર્યા પછી સ્નાન કરું છું. પછી પ્રાર્થનામાં બેસું છું.

ઘણી વાર પ્રાર્થના લાંબી ચાલે છે. મન સ્વસ્થ અને શાંત થાય ત્યાં સુધી પ્રાર્થના કરું છું. જમવાનો સમય થાય એટલે જમી લઉં છું. જમવામાં ખાખરા, બાફેલાં શાકભાજી, સૂકો મેવો, મોસમનાં ફળો, દૂધ અથવા છાશ ઋતુ પ્રમાણે લઉં છું. મીઠું કે ખાંડ હું લેતો નથી. ઘણી વાર રસોઈની વાનગીઓ હું મારી મેળે જ બનાવું છું. એથી ઘરના માણસોને અને મને બન્નેને અનુકૂળતા રહે છે. જમ્યા પછી તરત જ હું આરામ કરું છું. જમ્યા પછી માણસે કોઈ પ્રવૃત્તિ કરવી ન જોઈએ. શરીરના જે અવયવો કામ કરતા હોય એને વધારે લોહી જોઈએ છે. જમ્યા પછી હોજરીનું કામ શરૂ થાય છે. એટલે એને વધારે લોહી મળવું જોઈએ. એ વખતે જો આપણે બીજું કામ કરીએ તો હોજરીમાં લોહીની એટલી મોટી ખોટ પડે છે અને પરિણામે આપણે અનેક રોગોના શિકાર બનીએ છીએ.

બપોરના સમયે જો ગરમી વધારે હોય તો એ સમય હું વાચન, મનન અને ચિંતનમાં ગાળું છું. જો ગરમી ઓછી હોય તો વહેલો ઘર બહાર નીકળી જાઉં છું. મારા માટે શાકભાજી, ફળો વગેરેની ખરીદી હું જ કરું છું. નોકર સાથે હોય તોપણ ખરીદી હું જાતે જ કરું છું. માણસો પોતાના ખોરાકની ચીજો તરફ ખૂબ જ બેદરકાર રહે છે. પરિણામે ગમે તેવું વાસી અને સડેલું એમને પેટમાં પધરાવવું પડે છે. સાંજે પણ હું યોગાસનો અને પ્રાણાયામ કરું છું. રાત્રે વહેલા ભોજન કરું છું. પ્રાર્થના કરું છું અને સૂઈ પણ વહેલો જાઉં છું. શરીરને તો જેવી ટેવ પાડીએ એવી પડે. શરીર તો યંત્ર છે. જો તમે તેને સાફસૂફ રાખો, યોગ્ય આહારવિહાર આપો તો વર્ષો સુધી તે નિરોગી રહી શકે.’

એમની વાત સાંભળીને મને થયું કે, એમાં જરાય ખોટું નહોતું. એ રીતની દિનચર્યાથી શરીરને જરૂર નીરોગી રાખી શકાય, પણ દિવસ આખો શરીરને નીરોગી રાખવામાં જ ખર્ચાઈ જાય, પછી ? આ તો ‘હેલ્થ ફોર હેલ્થ્સ સેઈક’ જેવું થાય. તબિયત સરસ રહે, પણ જિંદગીનું એકમાત્ર કામ તબિયત સુધારવાનું જ હોય એવી સ્થિતિ નિર્માણ થાય. મોટી હોટલનો કોઈક રસોયો રસોઈ પાછળ આખો દિવસ ગાળી શકે અને ફક્કડ રસોઈ બનાવી શકે, પણ બીજા સામાન્ય માણસોને એ પરવડી શકે ? આપણા એક પત્રકારદંપતીને હું ઓળખું છું. એ પત્રકારમિત્ર સ્પષ્ટ કહે છે કે, રસોઈ પાછળ અર્ધા-પોણા કલાકથી વધારે સમય ગાળવો એ જિંદગીનો કીમતી સમય વેડફી નાખવા બરાબર છે. બાજરાના રોટલા, દૂધીનું શાક, દૂધ, દહીં, કાચાં શાકભાજી જે કાંઈ થોડા સમયમાં તૈયાર થઈ શકે અને પૌષ્ટિક હોય એવું ભોજન કરી લેવું. રાંધવામાં અને જમવામાં જ જો સમય ગાળીએ તો બીજું કામ ક્યારે કરીએ ?

એટલે, મહત્વનો પ્રશ્ન એ છે કે જિંદગીમાં બીજું કોઈ કામ કરવું છે કે નહિ ? રાંધવા-જમવા સિવાય, તબિયત સુધારવા સિવાય, પૈસા કમાવા સિવાય બીજું કોઈ મહત્વનું કામ જિંદગીમાં કરવાનું છે કે નહિ ? માણસ સ્વભાવે જ અતિરેક કરનારો છે. જેની પાછળ લાગે એની પાછળ લાગે છે. પૈસા પાછળ દોડનાર પૈસા પાછળ જ દોડ્યા કરે છે. કીર્તિ પાછળ પડનાર પોતાની બધી શક્તિ એમાં જ ખર્ચી નાખે છે. ભાગ્યે જ થોડી વાર થોભીને એ વિચારે છે કે, એનું આ વર્તન યોગ્ય છે કે નહિ ? તબિયત સારી રાખવી જ જોઈએ. તંદુરસ્તી જીવનની પહેલી જરૂરિયાત છે. નીરોગી શરીર વિના કોઈ કામ સારી રીતે થઈ શકતું નથી કે જીવનનો કોઈ આનંદ માણી શકાતો નથી; પણ પ્રશ્ન એ છે કે, શરીરને નીરોગી રાખવા પાછળ જ જો જિંદગીનો બધો સમય ખર્ચી નાખવાનો હોય તો બીજા કોઈ કામ માટે કે જિંદગી માણવા માટે સમય રહેશે કઈ રીતે ? આવું જ પૈસા અને કીર્તિનું છે. પૈસા અત્યંત જરૂરી છે, પરંતુ એ કમાવા પાછળ જ જો જિંદગી ખર્ચી નાખવાની હોય તો એનાથી મળશે શું ? પૈસા મળશે, પણ પૈસા દ્વારા મેળવી શકાય એવી કોઈ સારી વસ્તુ મળશે નહિ. એવી વસ્તુઓને માણવાનો કે ભોગવવાનો આનંદ મળશે નહિ. સવારથી સાંજ સુધી માત્ર પૈસા જ આપણા અસ્તિત્વ ઉપર છવાયેલા રહેશે અને રાત્રે પણ એ આપણને છોડશે નહિ.

જેના લોહીમાં પૈસા કમાવાની ધૂન જ માત્ર દોડતી હોય એવા વેપારીની પેલી જૉક આ બાબતમાં યાદ રાખવા જેવી છે. એક વેપારીને સખત તાવ આવ્યો. સગાંવહાલાં ભેગાં થઈ ગયાં. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે ટેમ્પરેચર લીધું. આઘાતથી કહ્યું, ‘એકસો છ છે !’ વેપારીએ અર્ધ બેભાનવસ્થામાં ડૉક્ટરના શબ્દો સાંભળ્યા. તરત જ બબડાટ કર્યો, ‘એકસો સાત…. થાય એટલે… વેચી નાખો !’ એને તો લે-વેચ અને નફામાં જ રસ હતો. માણસ જ્યારે કોઈ વસ્તુ પાછળ લઈદઈને પડે છે ત્યારે પ્રમાણભાન ભૂલી જાય છે. ‘હેલ્થ ફોર હેલ્થ્સ સેઈક’ કે ‘મની ફોર મનીઝ સેઈક’થી એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. પૈસા કમાવાની ધૂનમાં એક વાર માણસ એવી સ્થિતિમાં જઈ પહોંચે છે કે પોતે શા માટે, કોના માટે પૈસા કમાય છે એ જ ભૂલી જાય છે. આવી સ્થિતિ કોઈ પણ બાબતમાં બની શકે છે.

એટલે, જ્યારે કોઈ કામ આપણે કરીએ ત્યારે આપણી જાતને બે પ્રશ્નો પૂછવા જોઈએ. એક તો, આ કામ પાછળ હું જે સમય ગાળું છું એને લાયક એ છે ખરું ? અને બીજું, એની સફળતા દ્વારા મને ખરેખર શું પ્રાપ્ત થઈ શકે તેમ છે ? જિંદગી સારી રીતે જીવવા માટે નીરોગી શરીર, સારી આબરૂ, પૂરતા પૈસા જરૂરી હોય છે. પરંતુ એમાંથી કોઈ વસ્તુ એવી નથી કે જેના સામેના પલ્લામાં આપણી આખીય જિંદગી મૂકવી પડે. કોઈ પણ વસ્તુ- પછી ભલે ને તે ગમે તેટલી જરૂરી કે કીમતી હોય – આપણી જિંદગીનો બધો જ સમય ખાઈ જવાની હોય એનાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી. અને નીરોગી શરીર, પૈસા આબરૂ એ તો પાયાની વસ્તુઓ છે. એની પાછળ પણ જો આપણો બધો સમય ખર્ચી નાખવાનું યોગ્ય ન હોય, તો બીજી અનેક ક્ષુલ્લક બાબતોમાં સમય ખર્ચવાનું કેટલું યોગ્ય ગણાય ?

માણસનું ડહાપણ એમાં છે કે, દરેક કામ કરતી વખતે અતિરેકથી બચે અને સમય શક્તિમાં પ્રમાણભાન બરાબર જાળવે. સમતોલ અને સુખી જિંદગી માટે એ ખૂબ જ આવશ્યક છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “શા માટે ? કોના માટે ? – મોહમ્મદ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.