- ReadGujarati.com - http://www.readgujarati.com -

ભાવિ વહુને કેટલીક શિખામણો – કલ્પના દેસાઈ

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]પણા સમાજમાં કન્યાવિદાયના પ્રસંગને ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. એ સમયે માંડવામાં વાતાવરણ પણ ઘણું જ ગંભીર બની જતું હોઈ ઘણા નરમ દિલના લોકો જમીને ચાલતાં થાય છે, કન્યાવિદાય સુધી રોકાતાં નથી. જ્યારે ઘણી સ્ત્રીઓ કન્યાવિદાય વખતે પોતાનો ભૂતકાળ યાદ કરીને રડવા માંડે છે. એમનાથી કોઈનું પણ દુઃખ જોવાતું નથી. ગંગા-જમનાની ધોધમાર વર્ષામાં મન મજબૂત કરીને કોરા રહેવાનું, કોઈ પણ વાંકગુના વગર મોં પાડીને આમતેમ ફાંફાં મારવાનું દુષ્કર કામ એ સમયે જો કોઈ નિષ્ઠાથી કરતું હોય તો તે છે – વરરાજા ! છતાં ય, એના તરફ જોવાની કોઈને જરાય ફૂરસદ હોતી નથી. કદાચ ધીરજના પાઠ શીખવાની કે રડતી સ્ત્રી તરફ સ્થિર નજરે જોવાની કે ન જોવાની આ શરૂઆત હોઈ શકે – કદાચ !

ખેર, કન્યાને વિદાય કરતી વખતે અપાતી શિખામણો પણ જમાના પ્રમાણે બદલાવા માંડી હશે. આવા સમયે પુત્રને ધ્યાનમાં રાખીને કન્યા કે વહુના હાથમાં પુત્રનો હાથ સોંપતી વખતે, ભાવિ સાસુ જો થોડી શિખામણો કે સૂચનાઓ કે નોંધો કે વિનંતીઓ કરે તો કંઈ ખોટું નહીં એમ હું માનું છું. જોઈએ કેટલીક વિનંતીઓ….

‘બેટા (વહુને બેટા-બેટા કરવાથી એ ખુશ રહે છે એવા ભ્રમમાં રહેવું.), મારા દીકરાને ક્યારેય અમે ઊંચા અવાજે બોલાવ્યો નથી એટલે એની સાથે ધીરેથી બોલજે…’

‘મારા દીકુને સવારમાં ઊઠતાં બૌ વાર લાગે છે. એટલે એને કલ્લાક પહેલાથી ઉઠાડવા માંડજે-કંટાળ્યા વગર…’

‘ઉઠતાંની સાથે એને બે કપ ફર્સ્ટ કલાસ ચા જો તું ધરી દેશે તો તારો આખો દિવસ સુધરી જશે. નહીં તો આટલી નાની અમસ્તી વાતમાં એના બાપની જેમ એને ઘર માથે લેવાની ટેવ છે. નાની નાની વાતમાં કચ કચ સારી નહીં.’

‘નાનપણથી આજ સુધી મારા દીકરાની દરેક સગવડ મેં ખડે પગે સાચવી છે. બધાનું કહેવું છે કે, મેં એને બગાડી મૂક્યો છે. એકના એક દીકરાને નહીં સાચવું તો શું કરું ? મારું બીજું છે પણ કોણ ? આખરે તો લગ્ન પછી એ પરાયો જ થવાનો છે ને ? તને પણ તારા માબાપે લાડ લડાવ્યાં હશે ને ?….’

‘એમ તો દરેક વસ્તુ એની જગ્યાએ જ હોય છતાં ય એને બધી વસ્તુઓ બૂમો પાડીને ન માગે તો ચેન પડતું નથી. જેમ કે, ‘મમ્મી…. ટૂથબ્રશ ક્યાં છે ? મમ્મી…. પેસ્ટ નથી મળતી….. મમ્મી ચા મૂકજે….’ નહાવા જતાં પહેલાં એ કોઈ દિવસ બાથરૂમમાં જોતો નથી કે ટુવાલ-કપડાં-સાબુ છે કે નહીં ! મારી સતત કાળજી રાખવા છતાં એને રોજ જ કંઈ ન મળે એટલે એની બૂમાબૂમ ચાલુ જ રહે. તું એનાથી બિલકુલ કંટાળતી કે ગભરાતી નહીં. ‘ચાલ્યા કરે…’ સમજીને ચલાવી લેજે. બોલાચાલીમાં સમય નહીં બગાડતી.’

‘એને હરતાંફરતાં ખાવાની સારી કે ખરાબ ટેવ છે. વળી ઘરની એટલે કે મારા હાથની એને અમુક જ વાનગીઓ ભાવે છે. મોટે ભાગે તો સાંજે એ દોસ્તો સાથે બહાર જ ખાઈને આવતો હોય છે. એટલે ખાવા બાબતે તું એનું માથું નહીં ખાતી. જે ખાય તે- કંઈક તો ખાય છે એમ કરીને મન વાળજે. ને તને મન થાય તો તું પણ એને કંપની આપજે- એને ગમશે.’

‘મારા દીકરાને બીજાઓ જેવી એટલે કે, આજના છોકરાઓ જેવી ખોટી આદતો નથી. ફક્ત મોબાઈલ-ઘડિયાળ અને બાઈકનો એને ગાંડો શોખ છે. નવાં મોડેલ નીકળ્યાં નથી કે એણે લીધાં નથી ! એકનો એક દીકરો છે અમારો ! અમે એના શોખ પૂરા નહીં કરીએ તો કોણ કરશે ? હા, જરા કેરલેસ છે એટલે આ બધી વસ્તુઓની કાળજી ઓછી રાખે ને ગમે ત્યાં મૂકી દે છે પણ એનું ધ્યાન હવેથી તારે રાખવાનું છે. એમ તો એને રૂમમાં ગમે ત્યાં ટુવાલ, કપડાં કે બૂટ-ચંપલ નાંખવાની ટેવ છે. જો કે, આ ટેવ તો મોટે ભાગે બધા છોકરાઓની મેં જોઈ છે એટલે જવા દેવાની. એમ પણ આપણને આખો દિવસ ઘરમાં શું કામ હોય ? કચકચ કરવી ને બધાના મૂડ બગાડવા એના કરતાં આવા ઝીણા ઝીણા કામ કરી લેવા સારા.’

‘બસ બેટા, આ તો અગાઉથી તને જણાવ્યું હોય તો મારા બેટાને તકલીફ ના પડે… બીજું શું ? જેમ જેમ બીજી વાતો યાદ આવશે તેમ જણાવતી રહીશ. એમ તો મારો દીકો બૌ ડાયો છે. દોસ્તોને મદદ કરવામાં એ પાછું વાળીને જોતો નથી. તું તો વળી નસીબદાર છે કે એને ફરવાનો ગાંડો શોખ છે. આનાથી વધારે તને શું કહું ? મારા દીકરાને મેં હવે તારા હાથમાં સોંપ્યો. એની બરાબર કાળજી રાખજે ને ખુશ રાખજે. મારા આશીર્વાદ તમારી સાથે જ છે.’

હવે ભાવિ વહુનો જવાબ પણ જરા જોઈ લઈએ.

‘ડીયર મોમ,

તમે અમારી બિલકુલ ચિંતા કરશો નહીં. આ જ બધી વાતો – સેમ ટુ સેમ- મારી મમ્મી તમારા દીકરાને કહેવાની હતી. સારું થયું. અમે બંને સરખેસરખાં હોઈ અમને કે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. થેન્ક યૂ. બાકીની વાતો આવીને.’