[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
વરસી રહી છે આફત, કઈ કાળઝાળ થઈને
સુખ સૌ ઊડી રહ્યાં છે, જાણે વરાળ થઈને
દરરોજ હું ચણાતો, દરરોજ ધ્વસ્ત થાતો
પ્રત્યેક ક્ષણ જીવું છું, હું કાટમાળ થઈને
ઓચિંતું આવી ચડતાં, જીવલેણ થઈ ગયું એ
આવ્યું જો સુખ તો આવ્યું, લીલો-દુકાળ થઈને
સિક્કા ઘડી રહ્યો છું, ખુદને ભૂંસી રહ્યો છું
માણસ મટી ગયો છું, હું ટંકશાળ થઈને
મા-બાપનાં લલાટે લખ્યું હતું પરમ દુઃખ
દીકરીએ જીવવાનું કોરું કપાળ થઈને
આધાર મારો લઈને, ઈશ્વર ગઝલ વણે છે
હું તો જીવી રહ્યો છું, બસ હાથશાળ થઈને
4 thoughts on “ગઝલ – કુલદીપ કારિયા”
ઈશ્વર ગઝલ વણે – સરસ અભિવ્યક્તિ.
થેન્ક્સ
Waw,su dardne gazlnu sundar savrup apyu 6e.
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.