મૌન…..! – રેણુકા દવે

[‘તથાગત’ સામાયિક જુલાઈ-ઑગસ્ટ-2012માંથી સાભાર. આપ રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9879245954 સંપર્ક કરી શકો છો.]

[dc]તા[/dc]ળું ખોલ્યું ને ઘરમાં પગ મૂક્યો ત્યારે ઘંટડી વાગી રહી હતી. રીવાએ હાથમાં પેકેટ્સ સોફા પર મૂકતાંક પર્સમાંથી ફોન લીધો. રાહુલનો હતો.
‘બોલ, રાહુલ !’
‘સાંભળ, એક ગુડ ન્યુઝ છે. આપણે જે પેલો ટ્રેઈનિંગનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો ને તે મંજૂર થયાનો આજે દિલ્હી હેડ ઑફિસથી ઈમેઈલ આવ્યો છે. મને પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ આપી છે. સોમવારે પંદર દિવસ માટે દિલ્હી જવું પડશે.’
‘અરે વાહ, કોન્ગ્રેટ્સ યાર…. પ્રમોશન !’
‘હા, પ્રમોશન અને પગાર વધારો બંને !’
‘વાહ ! કોન્ગ્રેચ્યુલેશન…! સેલિબ્રેશન ?’
‘હા, ચોક્કસ. તું થોડી રિલેક્સ થઈને સાંજનો કંઈ પ્રોગ્રામ પ્લાન કર ને મને કહે. તું કહે તે ફાઈનલ, બસ ?’
‘ઓ…કે…. હમણાં કરું છું તને ફોન.’ રીવાના અવાજમાં ખુશી છલકાતી હતી. તેણે ફોન મૂક્યો અને સાંજ માટે કંઈક સરસ પ્રોગ્રામ વિચારવા લાગી.

રીવા અને રાહુલના છએક મહિના પહેલાં લગ્ન થયાં હતાં. બંને ‘મેડ ફોર ઈચ અધર’ જેવું કપલ હતું. રાહુલ એક મલ્ટીનેશનલ કંપનીમાં ચાર મહિના પહેલાં જ જોડાયો હતો. તે ખૂબ ઉત્સાહી અને આગવી સૂઝવાળો યુવાન હતો. રીવાએ પણ તેની સાથે જ MBA કરેલું પણ તેને ઘર સંભાળવું વધુ ગમતું. છેલ્લા એક મહિનાથી બંનેએ આ પ્રોજેક્ટ પર ખૂબ કામ કર્યું હતું. આથી આજના સમાચાર રીવા માટે પણ એટલા જ ખુશીના હતા. તે આજના દિવસનું ખાસ ‘સેલિબ્રેશન’ કરવા માંગતી હતી, કંઈક યાદગાર ઢંગથી.

રાહુલને તેના હાથની પંજાબી ડીશ પસંદ હતી અને તેની મનપસંદ મીઠાઈ હતી ગાજરનો હલવો. તેણે નક્કી કરી લીધું અને જરૂરી વસ્તુઓની યાદી બાજુના ગ્રોસરી સ્ટોરમાં ફોન કરી લખાવી દીધી. રાહુલને મેસેજ કરી જણાવી દીધું અને મૂવીની બે ટિકિટ લાવવાનું પણ કહી દીધું. વૉર્ડરોબમાંથી રાહુલની પસંદગીની સાડી અને જ્વેલરી ટેબલ પર કાઢી રાખી અને તે રસોડામાં કામે લાગી. સાડા ત્રણ વાગ્યા હતા. રાહુલ છએક વાગે આવે ત્યાં સુધી બધું તૈયાર રાખીશ અને હું પણ તૈયાર થઈ જઈશ. પછી જમીને સાત વાગ્યાના મૂવીમાં….! તેણે ફટાફટ ગેસ ચાલુ કરી કૂકર ચડાવ્યું. એક બાજુ ચા પણ મૂકી. ત્યાં રીંગ વાગી. રાહુલ હશે, તેણે ફોન લીધો. તેની ક્લાસમેટ વાણીનો ફોન હતો, ‘કેમ છે રીવા, ક્યાં ખોવાઈ ગઈ છે. ફોન જ નથી કરતી ને ?’

વાણી….. રીવા અને રાહુલની કલાસમેટ. બંનેથી દસેક વર્ષ મોટી. સ્ત્રી-સ્વાતંત્ર્યના બહાના હેઠળ વાણીએ લગ્ન કર્યાં ન હતાં. વિચિત્ર સ્વભાવને કારણે કલાસમાં બધાથી તરછોડાયેલી વાણીને માનવતાના ધોરણે રીવા મદદ કરતી. આથી વાણી તેના પર અધિકાર જમાવતી થઈ ગઈ હતી. લોકો જોડે અનેક પ્રકારની માનસિક તાણ વચ્ચે રહેતી વાણી આ પરિસ્થિતિમાંથી બહાર આવવા અનેક પ્રકારની ક્રિયા-પ્રક્રિયા અને યોગ-પ્રયોગનો આશરો લેતી અને રીવાને તેનો વિસ્તૃત અહેવાલ આપતી.

‘બોલો, વાણીબેન, મજામાં ?’ રીવાએ ખભાના સહારે ફોન પકડ્યો અને હાથ કામમાં વ્યસ્ત રાખ્યા.
‘અરે રીવા, સાંભળ, મારી સમસ્યાનો એક અદ્દભુત ઉપાય મળી ગયો !’
‘અચ્છા ? ચાલો સરસ, તમારી ઘણા વખતની શોધ પૂરી થઈ.’ રીવાએ શાક સમારતાં કહ્યું.
‘અરે પણ તું પૂછ તો ખરી કે ક્યો ઉપાય ?’
‘કયો ઉપાય ?’ રીવાએ પૂછી નાખ્યું. કૂકરની વ્હીસલ વાગી. કંઈ સંભળાયું નહીં પણ રીવાએ અભિપ્રાય આપી દીધો, ‘બહુ સરસ….!’
‘શું થયું કે તે દિવસે છાપામાં એક ન્યૂઝ વાંચ્યાને હું તરત જ મળવા….’ વાણીનો અવિરત વાણી-પ્રવાહ ચાલુ થયો જે ક્યારે અટકશે તે કહી શકાય તેમ ન હતું. ખભા પર ફોન ટેકવી કામ કરવું ફાવતું ન હતું. તે રાહ જોઈ રહી હતી કે આ બંધ થાય તો ચા પીઉં. અડધી કલાક સુધી તે સતત બોલતી રહી. રીવાનું માથું ફાટફાટ થવા લાગ્યું. નછૂટકે તેણે વચ્ચે જ વાણીની વાત કાપીને પૂછ્યું,
‘વાણીબેન, તમે ચા પીધી કે નહીં ?’
‘ચા…? અરે સાંભળ, ગુરુબાબાએ ચાની તો બિલકુલ ના પાડી અને કહ્યું કે……’ રીવાને થયું કે તેને તાત્કાલિક એક કપ ચા પીવી પડશે નહીં તો મગજ કામ કરતું બંધ થઈ જશે. તેણે ફરી વાણીને અટકાવીને કહ્યું, ‘વાણીબેન, હું તમને થોડીવારમાં ફોન કરું છું.’ અને ફોન ઑફ કર્યો. તેનો હાથ, ખભો, માથું બધું દુઃખી ગયું હતું.

ઘડિયાળનો કાંટો સાડાચાર તરફ ધસી રહ્યો હતો. તેને ખબર હતી કે હમણાં ફરી રીંગ વાગશે. બે જ મિનિટમાં રીંગ વાગી. તેણે વાગવા દીધી ને ફરી કામે લાગી. રીંગ વાગતી બંધ થઈ અને તેને હાશ થઈ. તેણે ફટાફટ ગાજરના ટુકડા મિક્સરમાં નાખીને ક્રશ કરી લીધા અને ઑવનની પ્લેટમાં ખાંડ, ઘી અને માવો ભેળવી રહી હતી ત્યાં ફરી લાંબી રીંગ વાગી.
‘હા, બોલો વાણીબેન,’ ઓવન ચાલુ કરતા તે બોલી.
‘ઊંઘી ગઈ તી કે શું ? કેટલી રીંગો મારી.’
‘અરે, ના. ના. જરા કામમાં હતી તેથી, બોલો…’
‘આ તને કહેવાનું તો રહી જ ગયું કે તારેય આ શિબિરમાં ભાગ લેવો હોય તો….’ રીવા હં…હં…. કરતી રહી. ઘડિયાળમાં જોયું. પોણા છ….! બાપ રે….! તેણે વચ્ચેથી વાત કાપતાં કહ્યું, ‘તમે આ બહુ સરસ લાભ મેળવ્યો. આજે થોડી કામમાં છું તો કાલે વાત કરીએ ?’
‘હા, આમ ઉતાવળમાં વાત ન થાય….. હું તને છે ને એની પદ્ધતિ શીખવીશ.’
‘સારું…. ચલો… બાય….!’

રીવાએ ફોન મૂક્યો. હે ભગવાન…! કેટલો ઘોંઘાટ ભર્યો છે આમના દિમાગમાં….! અને પાછા વાતો કરે છે…. ડોરબેલ વાગી. રાહુલ આવી ગયો. હજુ તૈયાર થવાનું બાકી હતું ! સારું થયું કે ફોન કરતાં કરતાં કામ ચાલુ રાખ્યું, નહીં તો આજની મજા બગડી જાત. તેનું ઉતરેલું મોં જોઈ રાહુલે તરત જ સમાચાર આપ્યા, ‘સાતના શોની ટિકિટ ના મળી. દસ વાગે જઈએ ?’
‘હા. હા. એમ જ કરીએ. તો ચાલ, પહેલા થોડી ચા પીએ.’ રીવાને હાશ થઈ. સાંજે જમતાં જમતાં તેણે રાહુલને બધી વાત કરી. રાહુલે પૂછ્યું,
‘પણ એ તો કહે, આટલી લાંબી લાંબી ચર્ચાનો વિષય શું હતો ?’
‘મૌનનો મહિમા….!’ રીવા બોલી.
‘હેં….?!’ રાહુલ આશ્ચર્યથી રીવા સામે જોઈ રહ્યો પછી બંને હસી પડ્યાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “મૌન…..! – રેણુકા દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.