હું વિમાન બનું છું – ચન્દ્રકાન્ત ટોપીવાળા

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.]

[dc]એ[/dc]ક જ જગ્યાએ ખોડાયેલું વૃક્ષ જોઉં છું તો, મને બે પગ છે, એનો આનંદ આવે છે, તો, પશુના ચાર પગની ઉડાઉગીરી જોતાં મારા બે પગની કરકસરનું મને ગૌરવભાન થાય છે. હા, પંખીને ઊડતું જોઉં છું ત્યારે મને મારા બે પગની અને મારી પણ દયા આવે છે. ‘કિરાતાર્જુનિયમ’ મહાકાવ્યના એક સર્ગમાં નારદ આકાશથી ઊતરતા હોય એવું વર્ણન આવે છે, એ વાંચીને હું મનમાં ને મનમાં ભયંકર ઈર્ષ્યાનો ભોગ બનું છું.

જવા દો, એટલે જ જ્યારે જ્યારે વિમાનમાં મુસાફરી કરું છું ત્યારે ત્યારે હું વિમાનમાં બેસતો નથી, હું વિમાન બનું છું. એની પાંખો મારી પાંખો બની જાય છે, એની ધ્રુજારી મારી આનંદની ધ્રુજારી હોય છે, એની ઘુર્રાટી મારા ગર્વની ઘુર્રાટી હોય છે. એનાં બે પૈડાં જમીનથી ઊંચકાય, એની સાથે હું ઊંચકાઈ જાઉં છું આકાશમાં, ભૂરા ભૂરા આકાશમાં, વાદળો પર સવાર વાદળો વચ્ચે, વાદળો ચીરતો, વાદળોની ઉપર…. હા, ઊડતાં પહેલાં વિમાનની પરિચારિકા અકસ્માતના સમયમાં શું શું કરવું એની નિદર્શન દ્વારા સૂચના આપે છે, ત્યારે મને થોડીકવાર તો થાય છે કે ઘોરખોદિયાની જેમ જમીન ખોદીને છેક ઊંડે સુધી પહોંચી જાઉં- પડવાનો કોઈ ભો જ નહીં. પણ ત્યાં તો હું અધ્ધર થાઉં ને પેટમાં ‘પતંગિયાં’ ફફડે ન ફફડે ને હું પતંગિયા જેવો હળવો ફૂલ….

કોઈ કાળે, મુંબઈમાં નીચેથી ઘરમાં બેઠાં બેઠાં, ઉપર જતાં વિમાનો તો ઘણાં જોયેલાં. નાનાં અમથાં, લાઈટો ચમકાવતાં, અવાજ સાથે પસાર થાય ત્યારે બ્હાર ડોકાઉં, પણ ત્યારે કલ્પના નહોતી કે એવા જ કોઈ વિમાનમાં પહેલીવાર મારાં બે પ્રિય પાત્રોને ચઢાવી, હું અધ્ધર જીવે જમીન પર રહીશ. પોરબંદરમાં ત્યારે વિમાનસેવા. પોરબંદરથી મુંબઈના એ વખતના બાપુની ગાડીના પ્રવાસમાં છએક મહિનાની મારી દીકરીનું શું થાય ? પત્ની અને દીકરી બંનેને વિમાનમાં મોકલ્યાં તો ખરાં પણ વિમાનમાં વગર ચઢ્યે હું વિમાનની સાથે રહ્યો. મારી પહેલી હવાઈ સફર તો અકસ્માત વગર, અકસ્માતે જમ્મુથી દિલ્હીની હતી. પત્ની અને દીકરી સાથે કાશ્મીર તો ગયો પણ જમ્મુથી વળતાની કોઈ ટ્રેનમાં જગા ન મળે ! ખબર પડી કે નાનું એવ્રો પ્લેન દિલ્હી પહોંચાડી શકે તેમ છે. એવ્રો લીધું. એવ્રો ઊડ્યું. કાશ્મીરની હિમાલય ઘાટીઓને વટાવતું, પર્વતોની ટોચોને પાર કરતું અને દરેક ટોચ વટાવતા મારા શ્વાસને અધ્ધર કરતું છેવટે દિલ્હી ઊતર્યું. હું પાર ઊતર્યો.

પછીનો મારો વિમાનપ્રવાસ મારા અનુભવમાં પરોવાવા કરતાં બીજાના અનુભવમાં પરોવાની મારી મજાને ખાતર યાદગાર બન્યો. મુંબઈમાં કોઈ કાર્યક્રમ. હું અને ચિનુ મોદી મુંબઈ જવાના હતા. ચિનુનો આ પહેલો વિમાનપ્રવાસ હતો. અને એનો હું સાક્ષી હતો. ચિનુને ગજબ ગભરાટ. એ વખતે તો ઍરપૉર્ટ પહોંચાડવા માટે બસ ચાલુ- બસે અમને સવારના પહોરમાં ઍરપૉર્ટ પર ખડકી દીધા. અમે પ્લેનમાં ગોઠવાયા. બારીની બેઠક માગી. ચિનુ બારી પાસે, હું ચિનુ પાસે, ચિનુ બારી બહાર જુએ, હું ચિનુને જોઉં, એના કૌતુકને જોઉં- આ પ્રાણાન્તરનો પ્રવાસ હતો.

એકવાર દિલ્હીમાં કોઈ કામ માટે જવાનું થયું. સવારે જઈને રાત્રે પાછા ફરવાનું હતું. કોઈ જાતની તપાસ વગર સવારના પહોરમાં નીકળી પડ્યો. પહોંચ્યો તો ખબર પડી કે દિલ્હીના ખરાબ હવામાનને કારણે પ્લેન દિલ્હીથી ઊપડ્યું જ નથી. અમને ઍરપૉર્ટથી હોટેલમાં મૂકવામાં આવ્યા. ખાઓ, પીઓ, લહેર કરો. પ્લેન આવશે ત્યારે ઍરપૉર્ટનું વાહન લઈ જશે. એક કલાક, બે કલાક, ત્રણ કલાક, ખાસ્સા પાંચ કલાક વીત્યા પછી હું પ્લેનમાં ચઢ્યો. દિલ્હી પહોંચ્યો. ત્યાં પાંચ કલાકમાં કરવાનું કામ માત્ર દોઢેક કલાકમાં પતાવી, મારતી ટેક્સીએ ફરી ઍરપૉર્ટ પર. ફરી ઍરપોર્ટ પર વિમાનનો વિલંબ. ફરી હૉટેલ, ફરી એક બે ત્રણ કલાક. હું વિમાન નથી, વિમાનની પાંખ મારી પાંખ નથી એવો અહેસાસ આપતો હું અધમૂઓ વિમાનમાં ચઢ્યો અને અધમૂઓ વિમાનથી ઊતર્યો… આમ જ ક્યારેક વિમાનમાં કલકત્તા ગયો. વિમાનની જવા-આવવાની ટિકિટો સંસ્થાએ કોઈ એજન્ટ મારફતે રિઝર્વ કરાવેલી. જતાં તો બડી મસ્તીથી ગયો. પણ આવતા મારી મસ્તીની એસીતેસી થઈ ગઈ. વળતાં કલકત્તાના ઍરપૉર્ટ પર રિપોર્ટિંગ સમયે પહોંચી ગયો. કાઉન્ટર પર પહોંચ્યો. કાઉન્ટરની મેડમ કહે કે, ‘તમારી ફલાઈટ રદ થઈ છે.’ મેં કહ્યું, ‘તો હવે શું કરવાનું ?’ તો કહે, ‘એક પ્લેનમાં તમને ચઢાવીએ. તમારે મુંબઈ જવાનું અને મુંબઈથી બીજે દિવસે સવારે તમને અમદાવાદ લઈ જઈએ. રાત્રે તમારા ખર્ચે તમારે રોકાવાનું.’ મેં કહ્યું, ‘બીજું શું કરી શકાય ?’ તો કહે, ‘આ ટિકિટ રદ કરાવી બીજી એરલાઈનમાં તમે જઈ શકો છો.’ હું દોડ્યો, રિફંડ માટે. રિફંડ શાનું મળે ? મારી ટિકિટ એજન્ટે કઢાવેલી. કહે ‘એજન્ટ પાસે જાઓ.’ કલકત્તાથી રિઝર્વ થયેલી ટિકિટના અજાણ્યા એજન્ટને અજાણ્યા શહેરમાં હું ક્યાં શોધું ? અંદર ઘૂસ મારી. ઑફિસરને મળ્યો. મારી પરિસ્થિતિ સમજાવી. એને પરિસ્થિતિ સમજવા છતાં સમજવી નહોતી. રકઝક, ભારે રકઝક, બીજી એરલાઈનના વિમાનનો સમય હાથથી જતો હતો. મારો, મારા ઊંચા અવાજ સાથે મરણિયો પ્રયત્ન. છેવટે રિફંડ. દોડતા હાંફતા બીજી એરલાઈનના કાઉન્ટર પર માંડ માંડ ટિકિટ મળી. પ્લેનમાં ચઢ્યો ત્યારે મારા ઉત્સાહની પાંખો સદંતર કપાઈ ગયેલી હતી. હું પાંખ વગરનો કોઈ તોતિંગ પંખાળી વસ્તુ પર સવાર હતો.

પાંખબાંખ તો જાય જ્યાં જવાની હોય ત્યાં, બે પગ જ બરાબર છે એવું એવું ડહાપણ પણ વિમાને મને આપ્યું છે. એકવાર કલકત્તાથી જ પાછો ફરતો હતો. આ વખતે વિમાનમાં ચઢતી વેળાએ તો કોઈ તકલીફ ના થઈ. તબિયતથી વિમાનમાં બેસવાનો આનંદ લીધો. તબિયતથી હવાઈ મુસાફરીની મજા લઈ રહ્યો હતો. અમદાવાદ આવવા આવવામાં હતું. એનાઉન્સમેન્ટ પણ થઈ ચૂક્યું. કમરે પટ્ટો પણ બાંધી લીધો. ત્યાં વિમાન ઊંચું ને નીચું થવા લાગ્યું. ગોળ ગોળ જાણે ચક્કર માર્યા કરે. રહી રહીને પાઈલટે જાહેર કર્યું કે અમદાવાદના રનવે પર કોઈ અકસ્માત થયો છે, અને જ્યાં સુધી અડચણ રનવે પરથી હટે નહીં ત્યાં સુધી ઊડતા રહેવું પડશે. આ ઊડ્યા જ કરવાની વાત-થી હું ગભરાયો. વિમાનનું ઈંધણ ખલાસ થશે તો ક્યાંક ગમે ત્યાં ઈમરજન્સી લૅન્ડિંગ કરવું પડશે તો- ક્યાંક ઈમરજન્સી લેન્ડિંગમાં વિમાન ટુકડેટુકડા થઈ ભડકે બળ્યું તો- મને થયું ભાઈ, હું જમીન પર શું ખોટો હતો ! તે આમ આકાશનો લહાવો લેવા નીકળી પડ્યો. મને, બીજાને, આખા જગતને કંઈ કંઈ સંભળાવ્યું… ત્યાં સંભળાયું, ‘હવે આપણે સહીસલામત લેન્ડિંગ કરી શકીએ છીએ.’ હાશ, જમીન પર આવ્યાનો મોક્ષ જેવો આનંદ હતો.

ત્યાં તો, બીજે ફેરે ફરી હું વિમાન બની ગયો છું. એની પાંખો મારી પાંખ બની ગઈ છે, એની ધ્રુજારી એ મારી ધ્રુજારી બની ગઈ છે, એની ઘુર્રાટી મારા ગર્વની ઘુર્રાટી બની ગઈ છે. એનાં બે પૈડાં જમીનથી ઊંચકાઈ ગયાં છે, હું ઊંચકાઈ ગયો છું આકાશમાં, ભૂરા ભૂરા આકાશમાં, વાદળો પર સવાર, વાદળો વચ્ચે, વાદળો ચીરતો, વાદળોની ઉપર….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.