ભારતીય ચેતના (ભાગ-2) – એ. પી. જે. અબ્દુલ કલામ

[ દેશભરના શાળા, કૉલેજ કે વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને પુછાયેલા ખૂબ રસપ્રદ અને રોચક પ્રશ્નોનું સંકલન ગતવર્ષે ‘ભારતીય ચેતના’ પુસ્તકરૂપે પ્રકાશિત થયું છે, જેમાંથી આપણે કેટલાક પ્રશ્નો એક લેખ રૂપે માણ્યા હતાં. આજે તેનો બીજો ભાગ માણીએ. આ પ્રશ્નો યુવાનોનાં સ્વપ્નો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનાં પ્રતિબિંબ પ્રગટ કરે છે અને ડૉ. કલામના જવાબો પણ સશક્ત, સંગઠિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો રાહ દેખાડે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આપના જીવનમાં સૌથી વધારે આનંદની પળ અને સૌથી વધારે અંધકારમય કલાક કયો હતો ? (ઈશાન ચક્રવર્તી, રામકૃષ્ણ મિશન વિદ્યાલય, નરેન્દ્રપુર, કોલકતા.)

પોલિયોગ્રસ્ત બાળકો જ્યારે હળવાં કેલિપર પહેરી દોડતાં અને કૂદતાં હતાં, તે જોઈ મને આત્યંતિક આનંદ થયો હતો. ત્રણ જ માસના સમયમાં મારાં માતા-પિતાનું મૃત્યુ પામવું, અલબત્ત 103 અને 93 વર્ષની પાકટ વયે, એ મારા અંધકારમય કલાક હતા.

[2] આપના બાળપણમાં બનેલ એવો કોઈ બનાવ કહેશો જેને આપ આજે પણ ભૂલ્યા ન હો ? (આર. અરવિંદ, ચેન્નાઈ.)

મને મારા પાંચમા ધોરણના શિક્ષક શ્રી શિવસુબ્રમણ્યમ યાદ આવે છે. તેમણે અમને તેમના પ્રવચનથી અને રામેશ્વરમાં વાસ્તવિક દશ્યો બતાવી પક્ષીઓ કેમ ઊડે છે તે સમજાવ્યું. આ એક એવો અવિસ્મરણીય બનાવ છે જે મારી સ્મૃતિમાં હંમેશ માટે જડાઈ ગયો છે. તેણે જ મને વિજ્ઞાનનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી.

[3] આપના જીવનમાં શું મહત્વાકાંક્ષા હતી અને આપ તે સિદ્ધ કરી શકયા છો ? (રાજ ડોગરા, ઉધમપુર.)

જીવનમાં કોઈ જ સિદ્ધિ અંતિમ નથી હોતી. તે તો અનંત હોય છે. વ્યક્તિ સતત એક મિશનમાંથી બીજા મિશનમાં આગળ વધે છે. ક્યારેક તમે સફળતા મેળવો છો. ક્યારેક સફળતા તમારાથી દૂર પણ રહે છે, પણ તમારે તો એક મિશનમાંથી બીજાં મિશનમાં આગળ વધવા સતત મહેનત કરવાની છે. આ જ જીવન છે.

[4] એક વિખ્યાત વિજ્ઞાની બનવા આપે ક્યાંથી પ્રેરણા મેળવી ? (સ્મૃતિ, કેન્દ્રીય વિદ્યાલય, આર.કે. પુરમ, ન્યુ દિલ્હી.)

ત્રણ લોકોએ મને જીવનમાં પ્રેરણા આપી અને મને એક મિશન આપ્યું. પહેલા હતા રામેશ્વરમમાં મારી શાળાના પાંચમા ધોરણના શિક્ષક. તેમનું નામ હતું શિવસુબ્રમણ્યમ ઐયર. તેમણે મને જીવનમાં ઉડ્ડયન વિશે બધું જ શીખવાનું મિશન આપ્યું. મારા જીવનમાં બીજી જે વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા પ્રો. સતીશ ધવન જેમણે સમસ્યાઓને આપણી માલિક કેમ ન બનવા દેવી તે અને ધ્યેય સિદ્ધ કરવા સખત કામ કરવાનું શીખવ્યું. ત્રીજી જે મહાન વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા ડૉ. વિક્રમ સારાભાઈ જેમણે મને ધ્યેય સિદ્ધિનું મહત્વ શીખવ્યું.

[5] આપે ભારતની ભાવિ અપેક્ષાઓને પ્રગટ કરે તેવું એક પુસ્તક ‘ભારત-2020’ લખ્યું છે. ઊંડાણથી વિચારવા કઈ બાબતે આપને પ્રેર્યા ? આપને શું એમ ખાતરી છે કે આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે હોવા છતાં આપે જે ધ્યેયો સૂચવ્યાં છે તે ભારત સિદ્ધ કરી શકશે ? (હીમાની, એપીજે સ્કૂલ, જલંધર)

‘ભારત 2020’ એ તો 1987માં વિજ્ઞાન અને ટૅક્નોલૉજી ખાતાંની ‘ટૅકનૉલૉજી ઈન્ફર્મેશન એન્ડ ફોરકાસ્ટિંગ કાઉન્સિલ’ દ્વારા જે પ્રોજેક્ટ હાથમાં લેવાયો હતો, તેનું પરિણામ છે. તે વખતે તે કાઉન્સિલનો હું અધ્યક્ષ હતો. અમે વિવિધ ક્ષેત્રોમાંથી પાંચસો નિષ્ણાતોને કામ સોંપ્યું અને ‘ભારત 2020’ની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી. ભારતીય અર્થકારણ એ એક અબજ લોકોનું બનેલ વિશાળ અર્થકારણ છે. આપણે જે કંઈ પણ કરવાનો પ્રયાસ કરીએ, તેનાં પરિણામ બાબતે તો રાહ જોવી પડે. એટલે અમે વીસ વર્ષનો સમયગાળો લીધો અને 2020નું વર્ષ પસંદ કર્યું જ્યારે ભારત એક વિકસિત દેશમાં ફેરવાઈ જશે. ભારત આ ધ્યેય પૂરું કરવાની દિશામાં ખૂબ આગળ વધી ગયું છે. આપણી યુવા પેઢી પાસે ‘હું કરી શકું’ની દઢતા હોવી જોઈએ, તો જ ‘ભારત 2020’ના ધ્યેયો પૂરાં થઈ શકશે તેની ખાતરી આપી શકાય.

[6] એક ઉત્તમ શિક્ષકનાં, આપના મતે, કયાં લક્ષણો છે ?

ઉત્તમ શિક્ષક એ છે જે બાળકોને ચાહે છે અને ભણાવવાનું જાણે છે. તે સામાન્ય બાળકોને તેમની કાર્યક્ષમતા સુધારવામાં મદદરૂપ થવા જોઈએ. તે શિક્ષણને એક મિશન તરીકે જોતા હોવા જોઈએ, જ્યાં તે માત્ર વિદ્યાર્થીને ભણાવતા જ નથી, પણ પ્રબુદ્ધ નાગરિકો તૈયાર કરે છે જે દેશમાં પરિવર્તન લાવશે.

[7] માણસ વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં ઝડપી પ્રગતિ કરી રહ્યો છે, પણ સમાંતરે તે ઈશ્વરમાં વિશ્વાસ પણ ગુમાવી રહ્યો છે. આપ એમ માનો છો કે ઈશ્વરમાં વિશ્વાસ રાખવો એ પ્રગતિના માર્ગમાં અવરોધરૂપ છે ? (રાણી સતફળે, નવ ભારત વિદ્યાલય, નાગપુર.)

જે લોકોએ વિજ્ઞાનમાં શ્રેષ્ઠ કામ કરેલ છે તેમાંના મોટા ભાગના ઈશ્વરમાં માનનારા છે. E=mc2 શોધનાર આઈન્સ્ટાઈન પણ જ્યારે જ્યારે આકાશગંગાઓ કે તારાઓ જોતા, ત્યારે તે વિશ્વના આ ચમત્કાર અને તેના સર્જક વિશે આશ્ચર્ય વ્યક્ત કરતા. ડૉ. સી.વી. રામનનો પણ અધ્યાત્મ તરફ ઝુકાવ હતો. જો આપણે ઈશ્વરમાં દઢ શ્રદ્ધા રાખીને વિજ્ઞાન અને ટૅકનૉલૉજીને વિકસાવીએ, તો અનેકગણાં પરિણામો આવશે.

[8] ભારત માટે ગરીબી એ સૌથી મોટો પડકાર છે. ગરીબી ઘટાડવા કે તેને તદ્દન નાબૂદ કરવામાં વિજ્ઞાનનો ઉપયોગ કરી શકાય ? (મલ્લિકા, આર.પી.વી.વી., સૂરજ મલ વિહાર, ફરીદાબાદ.)

ખરેખર ગરીબી આપણા માટે સૌથી મોટો પડકાર છે. વિજ્ઞાન આપણા દેશમાં ગરીબી ઘટાડવામાં મદદ કરી રહ્યું છે. દાખલા તરીકે, ઈન્ફર્મેશન અને કમ્યુનિકેશન ટૅકનૉલૉજીએ આપણા ઘણા અતિ દૂરના વિસ્તારોને જોડી દીધા છે. સાથે રિમોટ સેન્સીંગ ટૅકનૉલૉજી પણ ખેડૂતોને અનેકરીતે મદદ કરી રહેલ છે.

[9] આપણે આપણાં બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેમ વધારી શકીએ ? (પૂનમ ગૌતમ, પુણે યુનિવર્સિટી, પુણે.)

આપણે બાળકોને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરવાં જોઈએ અને તેના જવાબ આપવા માટે આપણામાં પૂરતી ધીરજ હોવી જોઈએ. આપણે તેમને પ્રશ્નો પૂછતાં અટકાવવાં ન જોઈએ. જિજ્ઞાસા જ સર્જકતાનો પાયો છે અને પ્રશ્ન પૂછતાં મન સાથે મળીને જ વૈજ્ઞાનિક વલણનું સર્જન થશે.

[10] માતા-પિતા તથા શિક્ષકોનું અત્યંત દબાણ, અભ્યાસક્રમનું ખૂબ દબાણ, તાણ અને સમાજમાં લઘુતાગ્રંથિની ભાવના- આ બધા વચ્ચે જો આપણે શુદ્ધ વિજ્ઞાનમાં પ્રવેશ લઈએ, તો આપ માનો છો કે આપણે ભારતનું સ્વપ્નું સિદ્ધ કરી શકીએ ? (પી. અરુણા, બેંગલોર.)

સૌથી સફળ લોકો એ હોય છે, જેઓ બીજા લોકોના અભિપ્રાયોની પરવા કર્યા વિના, પોતાને જે વિષય અને કામમાં રસ અને વલણ હોય છે તેને પસંદ કરે છે.

[કુલ પાન : 176. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ભારતીય ચેતના (ભાગ-2) – એ. પી. જે. અબ્દુલ કલામ”

Copy Protected by Chetan's WP-Copyprotect.