- ReadGujarati.com - http://www.readgujarati.com -

નાપાસ થવાની મોસમ – વિનોદ ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

[dc]જ[/dc]ગ્ગાડાકુ ફેઈમ (અને ‘ચિત્રલેખા’ના તંત્રી સદગત) હરકિસન મહેતાને ડૉક્ટર થવાનું મન હતું, ડૉક્ટર થઈ અંતરિયાળ ગામડાંઓમાં જઈ તેમને ગરીબ લોકોની સારવાર કરવી હતી. પણ ઈશ્વરને એ મંજૂર નહોતું. માણસને મારવાના તેના અબાધિત હક્ક પર એવો જ બીજો માણસ તરાપ મારે એ ઈશ્વરને કેમ ગમે ? આ કારણે જેમાં નાપાસ થવું અઘરું હતું એ ફર્સ્ટ ઈયર સાયન્સમાં તે નાપાસ થયા. ધારો કે તે એક સફળ ડૉક્ટર થયા હોત તો ખાસ્સાં નામ અને દામ કમાઈ શક્યા હોત. કિન્તુ મેડિકલ સાયન્સમાં કહેવાયું છે કે ડૉક્ટરની સફળતાનો આધાર તેના હાથે કેટલા દરદી મર્યા એના પર છે.

એકસો દરદીઓને માર્યા હોવા છતાં એ ડૉકટર અધૂરો-બિનઅનુભવી ગણાય છે, પરંતુ એક હજાર માણસોને આ લોકમાંથી પરલોકમાં ટ્રાન્સફર કર્યા પછી જ તે એ રોગનો સ્પેશિયાલિસ્ટ મનાય છે અને આમ જોવા જઈએ તો હરકિસનભાઈ સ્પેશિયાલિસ્ટ ન બની શક્યા તેમ છતાં ડાકુઓ પરની તેમની નવલકથાઓમાં ડાકુઓના હાથે તે કેટલા બધા માણસોને ખતમ કરાવી-કરી શક્યા છે ! જે કામ તેમણે ડૉક્ટર બનીને કર્યું હોત એ જ કામ તે દાકતરી ભણવાનો ખોટો ખર્ચ કર્યા વગર સાવ મફતમાં કરી શક્યા ! એટલું જ નહિ, અહીં તો ગ્રાહક સુરક્ષા મંડળવાળાય તેમના વાંકડિયા વાળને સીધા કરવાની સ્થિતિમાં નહોતા.

હરકિસનભાઈને ગુજરી ગયે આજે દસ વર્ષ થઈ ગયાં છતાં આજે પણ તે એટલા જ પ્રજાપ્રિય છે. આ પરથી કહી શકાય કે વાચકોનો ડાકુપ્રેમ આજેય ઓછો થયો નથી. આપણા પોલિટિશિયનોનાં પરાક્રમો જાણવાને પરિણામે વાચકોને ડાકુઓનું આકર્ષણ વધી ગયું હોય એમ પણ બને. હરકિસન મહેતાએ તેમની શરૂઆતની નવલકથાઓમાં ડાકુઓને ગુજરાતમાં પોપ્યુલર કર્યા. ત્યારબાદ આ ડાકુઓએ હરકિસનને ગુજરાતના ઘેર ઘેર મબલક પ્રસિદ્ધિ અપાવી, લોકપ્રિયતા અપાવી-ડાકુઓ પણ રાખરખાપતમાં માનતા હોય છે એનું આ જ્વલંત ઉદાહરણ નથી ? જોકે મુખ્ય વાત અહીં પાસ-નપાસની છે. જીવનની પરીક્ષાને આ ઔપચારિક પરીક્ષાનાં પરિણામો સાથે જોડીને દુઃખી થવાની જરૂર નથી.

એમ તો મહાત્મા ગાંધી જ્યારે માત્ર મોહનદાસ કરમચંદ ગાંધી હતા ત્યારે બીજા ધોરણમાં ખરાબ રીતે નાપાસ થયા હતા. ઈતિહાસનો આ ઘડવૈયો ઈતિહાસમાં શૂન્ય માર્ક લાવેલો- ઈતિહાસ ઘડનાર માટે ઈતિહાસ ભણવો અઘરો હોય છે. ભૂગોળ અને અંગ્રેજીના પેપરમાં પણ એટલા જ માર્ક્સ હતા – સાવ ઝીરો ! પણ એ જમાનામાં એકડિયા-બગડિયામાં કોઈને રોકી રાખવાનો રિવાજ નહોતો એ કારણે ત્રણ ત્રણ વિષયોમાં ફેલ હોવા છતાં આ છોકરો ભવિષ્યમાં દેશનો મહાન નેતા બનવાનો એમ લાગવાથી મોહનને ઉપરના ધોરણમાં જવા દીધા હતા, પ્રગતિ (!) પત્રકમાં લખવામાં આવ્યું હતું, ‘ઉ.ચ.’ (ઉપર ચડાવ્યા છે.) મિ. એમ. કે. ગાંધીએ મેટ્રિકની પરીક્ષા અમદાવાદમાંથી આપી હતી પણ મેટ્રિકનો ખાડો પહેલી વખત કૂદી શક્યા નહોતા. બીજા ટ્રાયલે તે મેટ્રિક પાસ થયેલા. બહુ જ એવરેજ સ્ટુડન્ટ હતા એ. તેમના ચુસ્ત અનુયાયી હતા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે પણ પહેલા ટ્રાયલે મેટ્રિક થવાનું પસંદ નહોતું કર્યું. બીજા ફેરામાં મેટ્રિક પાસ કરેલી. મારી આંખ સામે આ ક્ષણે મારા જેવા ભણવામાં નબળા વિદ્યાર્થીઓ જ તરવરે છે. એટલે આજે તો એમની વાત કરવામાં મને છૂપો આનંદ આવી રહ્યો છે, એનું કારણ કદાચ આત્મસ્થાપન પણ હોય !

ગાંધી અટકને અભ્યાસમાં તેજસ્વી થવા સામે પહેલેથી જ જાણે લહેણું નહોતું. જેમના નામે આજે ઓપન યુનિવર્સિટી ચાલે છે તે શ્રીમતી ઈન્દિરા ગાંધી ભણવામાં સાવ ઠોઠ હતાં એવું એક સમયે તેમના સહાધ્યાયી રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ અને સદગત વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે. એ અગાઉ પણ પોતાના મિત્ર પીલુ મોદી આગળ ભુટ્ટોએ એવી ચાડી-ચુગલી ખાધી હતી કે પંડિત જવાહરલાલ નહેરુની દીકરી પ્રિયદર્શીની કેમ્બ્રિજમાં મારા કલાસમાં હતી ને ભણવામાં તો સાવ ઢબ્બુ પૈસાના ઢ જેવી હતી. પીલુ મોદીએ તેમના પુસ્તક ‘માય ફ્રેન્ડ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો’ માં આ બધું વિગતે લખ્યું છે. જોકે ઈન્દિરાજી કે તેમના બે પુત્રો રાજીવ અને સંજયને પહેલેથી જ ભણતર ચડ્યું નહોતું અને સોનિયાજી પણ દસમું ધોરણ પાસ કે બારમું ધોરણ એ મુદ્દે સટ્ટો ખેલવા સટોડિયાઓ પણ તૈયાર નથી.

રાજકારણને માંડી વાળીને સાહિત્યની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદ જેમના આશીર્વાદ મેળવવા નડિયાદ ગયેલા ને વિદ્વાન તરીકે પાછળથી પંકાયેલા તે મણિલાલ નભુભાઈ દ્વિવેદી મેટ્રિકમાં હતા ત્યારે સંસ્કૃત વિષયમાં જ નાપાસ થયા હતા અને જેમને કારણે નડિયાદ સાક્ષરભૂમિ તરીકે ઓળખાય છે તે નડિયાદના વતની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ના કર્તા ગોવર્ધનરામ મા. ત્રિપાઠી બી.એ.માં એક વાર અને એલ.એલ.બી.માં ત્રણ ત્રણ વાર નાપાસ થયેલા- અંગ્રેજીમાં આને હેટ્રિક કહે છે. તેમનું આવું અસાધારણ પરિણામ જોઈ ગો.મા.ત્રિ.ની શક્તિઓ વિશે શંકા જાય. ‘સરસ્વતીચંદ્ર’ આ માણસે તો નહિ જ લખી હોય એવો વહેમ કદાચ પડે. તે બીજી વાર એલ.એલ.બી.માં નાપાસ થયા ત્યારે તેમના પરમ સ્નેહી ડૉ. વિઠ્ઠલ ગોખલે જેવાએ પણ ગોવર્ધનરામને નારાજગીથી કહ્યું હતું : ‘ગોવર્ધન, અત્યાર સુધી તારી શક્તિ માટે મને ઊંચો ખ્યાલ હતો, પણ હવે મને તારી શક્તિમાં શંકા થાય છે.’

કોઈની સાથે સ્પર્ધા કરવા નહિ, પણ એમ જ મોરારીબાપુ મેટ્રિકમાં ત્રણ ત્રણ વખત નાપાસ થયા હતા- ના, આ અફવા નથી. ખુદ મોરારીબાપુએ જાહેરમાં આ કહ્યું છે. આઈન્સ્ટાઈન, ટાગોર, ચંદ્રવદન મહેતા, જે. કૃષ્ણમૂર્તિ, તારક મહેતા, શેખાદમ આબુવાલા, વિનોદ ભટ્ટ વગેરેને પણ પીળા પાડે એવા બે વિદ્વાનોની વાત કરવી છે. ‘કરતાં જાળ કરોળિયો’ કવિતા નાનપણમાં જ શીખેલા રતિલાલ સાં. નાયક ઈન્ટર આર્ટ્સમાં લોજિક કહેતાં તર્કશાસ્ત્રને લીધે એકડ ત્રગડ તેર વખત નાપાસ થયા હતા. નાપાસ કરનાર ખલનાયક સમા આ તર્કશાસ્ત્રને તેર તેર વાર ઘૂંટતા ઘૂંટતા નાયક રતિલાલે મનોમન નક્કી કરી નાખ્યું કે હવે તો લોજિક નહિ કે પછી હું નહિ – આ પાર કે પેલે પાર. આ વખતે પાસ ના થવાય તો જીવનની પરીક્ષામાંથી ડ્રોપ લઈ લેવો- આપઘાત કરી નાખવો. તેમના આ સંકલ્પથી લોજિક ખુદ ડરી ગયું. તે ઉત્તીર્ણ થઈ ગયા. પછી તો આ નાયકસાહેબ સફળ પ્રોફેસર થયા ને એક વિદ્વાન લેખે આજે તેમનું સન્માન થાય છે.

રતિલાલ નાયકની પાછળ લોજિક પડી ગયેલું એ રીતે ગણિતે ભોગીલાલ સાંડેસરાનું લોહી પીધેલું. ગણિત સાથે પરાણે પ્રીત કરી તેમાં પાસ થવાનું ફરજિયાત હોવાથી મેટ્રિકમાં તે સાત વખત નાપાસ થયા હતા. એમાં જોકે છ વખત તો કોઈની મદદ લીધા વગર, પોતાની મેળે નાપાસ થયા હતા. ત્યાર બાદ યશવંતભાઈ શુક્લે તેમને ગણિતની પરીક્ષા વખતે માર્ગદર્શન આપેલું એટલે આ વખતે તે શુક્લસાહેબની મદદથી નાપાસ થયા, પરંતુ તે યશવંતના નામ સાથે યશ જોડાયેલો હોઈ ચમત્કાર થયો. બનેલું એવું કે બોમ્બે યુનિવર્સિટીએ બીજગણિતના પેપરમાં એક દાખલો ભૂલથી ખોટો પૂછી નાખ્યો એટલે આ ભૂલનો ભોગ ભોગીલાલ ના બને એ વાસ્તે પરીક્ષામાં બેઠેલા તમામ ભોગીલાલોને છ છ માર્ક્સ ઉમેરી આપવામાં આવ્યા ને આમ મુન્ના મેટ્રિકમેં પાસ હો ગયા. કોલેજમાં ગણિત મરજિયાત હતું એટલે તેમના નસીબ આડેનું ગણિત ખસી જતાં ભોગીલાલ વિદ્વાન સંશોધક ડૉ. ભોગીલાલ સાંડેસરા બની ગયા. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નોન-મેટ્રિક પાસ છે. છતાં તે નસીબના બળિયા હોવાથી તેમને મુખ્યમંત્રી થવામાં ભણતર ના નડ્યું. ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓમાં કેશુભાઈથી ઓછું ભણેલો કોઈ મુખ્યમંત્રી આપણને નસીબ થયો નથી. કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા એ અરસામાં કોઈ મા તેના સાતમા આઠમા ધોરણમાં ભણતા છોકરાને ફટકારતી ત્યારે પડોશણ એ છોકરા તરફ સહાનુભૂતિ બતાવતાં છોકરાની માને એમ કહીને વારતી કે બસ કરો સવિતાબહેન, એને બહુ મારશો નહિ, છોકરો ખાસ નહિ ભણે તોપણ સી.એમ.માંથી તો નહિ જ જાય.

આ બધું લખવા પાછળ કહેવાનું તો એટલું જ પ્રાપ્ત થાય છે કે આ બધા આમ તો નસીબના ખેલ છે. તેમ છતાં કેશુભાઈ સવજીભાઈ પટેલ નિશાળે જતા બાળક હશે ત્યારે કોઈ જ્યોતિષીએ તેમની પાસે જઈને એમ નહિ કહ્યું હોય કે જા બચ્ચા, બડા હોકર તૂ એક દિન ગુજરાત કા નાથ બનેગા. અને કેશુભાઈ ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારે ઘણા આઈ.એ.એસ કક્ષાના અધિકારીઓને સી.એમ.ના હાથ નીચે ને તેમની આંખ હેઠળ ફરજ બજાવવાની થઈ હતી. આ ઓફિસરો પૈકી એકાદ ઓફિસરને પણ કોઈ ભવિષ્યવેત્તાએ અગાઉ નહિ જણાવ્યું હોય કે ‘હે જાતક ! તારા જીવનમાં એવા દિવસો પણ આવશે, જ્યારે તારા ભણતર વિશેનો તારો ઘમંડ ભાંગીને ભુક્કો થઈ જશે. તારો ફાંકો ઊતરી જશે. તારાથી ઘણું જ ઓછું ભણેલા માણસના હુકમોનું તારે નતમસ્તકે ‘યસ સર, યસ સર’ કહીને પાલન કરવાનું થશે ને એ વખતે તને ઈન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ-હીન ગ્રંથિથી પીડાવાનો અનુભવ થશે. તારી જાતને એવું પૂછવાનું તને મન થશે કે ‘સ્કૂલ અને કોલેજોની પરીક્ષાઓમાં તો હું પ્રથમ નંબરે પાસ થતો હતો, પણ જીવનની પરીક્ષામાં હું પાસ કહેવાઉં ખરો ?’