- ReadGujarati.com - http://www.readgujarati.com -

ચંદરવો – દિનેશ પાંચાલ

[‘અંતરનાં ઈન્દ્રધનુષ’ પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સદગુણ

સોના કરતાંય વધુ મૂલ્યવાન શું ? કદાચ સદગુણો. એક માણસ પાસે કેવળ દશ ગ્રામ સોનાનો સુવર્ણચંદ્રક છે. બીજો માણસ સ્મગલર છે. તેની પાસે સોનાની પાટો છે જેનું વજન કીલોમાં છે. છતાં સમાજનાં ત્રાજવાંમાં સોનાની પાટોને બદલે દશ ગ્રામના સુવર્ણચંદ્રકનું પલ્લું ભારે રહે છે. સદભાગ્યે હજી સમાજમાં સાધનશુદ્ધિનું મહત્વ જળવાઈ રહ્યું છે. એથી દશ કિલો સોનું પણ તેના માલિકની દાણચોર તરીકેની ઓળખને ભૂંસી શકતું નથી. ઊજળી સિદ્ધિથી મેળવેલું દશ ગ્રામ સોનું માણસને ‘ગોલ્ડમેડાલિસ્ટ’ તરીકે કીર્તિ અપાવે છે. રૂપજીવિનીના ગળામાં કોઈ ગ્રાહક પંદર તોલાનો હાર પહેરાવે તોપણ એક મંગળસૂત્ર વિના તેનું સ્ત્રીત્વ અધૂરું રહે છે. સોનામાં સુગંધ નહીં, સદગુણો ભળવા જોઈએ.

[2] પરવાનગી પ્રેમની…

કૉલેજમાં દાખલ થતા પ્રત્યેક યુવાનને તેનાં માબાપે બે વાત ભારપૂર્વક સમજાવવી જોઈએ : કૉલેજ ભણવા માટે હોય છે, પ્રેમ કરવા માટે હોતી નથી, એથી કબીરજીની સલાહ ધ્યાન પર ન લઈશ : ‘પોથી પઢ કર જગ મરા, પંડિત હુઆ ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોય…!’ છતાં એક શરતે તું પ્રેમ કરી શકે છે. કૉલેજમાં અત્યંત રૂપાળી યુવતીએ પણ તારી નોંધ લેવી પડે એવી જ્વલંત આભ્યાસિક સિદ્ધિ તું હાંસલ કરીશ તે સ્થિતિ તારે માટે પ્રેમનો ‘વિઝા’ – (‘નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ’) પ્રાપ્ત કરવા જેવી ગણાશે. એક વાત કદી ના ભૂલીશ. કૉલેજ એ લવ-ગાર્ડન નથી, જિંદગીના હાઈવે પર આવેલો એક માત્ર પેટ્રોલ પંપ છે. જ્ઞાનના પેટ્રોલથી તારી દિમાગની ટાંકી ફૂલ કરી લેજે. છતાં કૉલેજમાં ગયા પછી પ્રેમમાં ન પડવાથી તારી ઈજ્જતને બટ્ટો લાગશે એવું તને લાગે તો ભલે પ્રેમમાં પડજે, પણ પ્રેમ પીરિયૉડિકલી નહીં, પરમેનન્ટલી કરજે, અર્થાત લવ કરજે, લફરું નહીં !

[3] ભિક્ષાન્દેહિ

બરોડા રેલવે સ્ટેશન પર એક ભિખારી ભિક્ષા માગી રહ્યો હતો. એક શિક્ષકે તેને કહ્યું : ‘તારા હાથ સલામત છે. ભીખ માગવાને બદલે મહેનત-મજૂરી કેમ નથી કરતો ?’ ભિખારીએ કહ્યું : ‘સાહેબ, મજૂરી કરું છું તો માત્ર 80 રૂપિયાનો બાંધેલો રોજ મળે છે. પણ આ ધંધામાં સાંજને છેડે નાખી દેતાંય સો-દોઢસો રૂપિયા મળી રહે છે. મંદિરે બેસું તો આંકડો ડબલ થઈ જાય છે.’ બાજુમાં એક ફ્રેશ ડિપ્લોમા ઍન્જિનિયર બેઠો હતો. તેણે શિક્ષકને કહ્યું : ‘સાહેબ, હું ડિપ્લોમા એન્જિનિયર છું. મને પૂરા આઠ કલાકના સખત પરિશ્રમ બાદ માત્ર પચાસ રૂપિયા મળે છે. આ દેશમાં એન્જિનિયર કરતાં ભિખારીનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે.’ બચુભાઈ કહે છે : ‘આ ઘટનામાંથી એક આશાનું કિરણ દષ્ટિગોચર થાય છે. શિક્ષણના શૅરમાર્કેટમાં ભણતરના ભાવ ભલે ગગડી ગયા હોય, પણ દેશના શિક્ષિત યુવાનોએ નિરાશ થવાની જરૂર નથી. ભણ્યા પછી પગારમાંથી પૂરું ન થઈ શકે તો હજીય એક માર્ગ બચ્યો છે : ‘ભિક્ષાન્દેહિ…..!’ લાગવગ કે ભ્રષ્ટાચાર વિનાનો પ્રામાણિક ધંધો !’

[4] ગ્રૂપ-સક્સેસ

કંદોઈની દુકાનમાં માવો અને ખાંડ લડી પડ્યાં. ખાંડે માવાને કહ્યું : ‘મારા વિના માણસ તને જીભેય ના અડાડે….!’ માવો બોલ્યો, ‘તું ખાંડ ના ખા… મારા વિના તારીય શી કિંમત ?’ કંદોઈએ બેઉને સમજાવ્યાં, ‘લડો નહીં. તમે બન્ને પરસ્પર વિના અધૂરાં છો. માવો ન હોય તો પેંડા બની શકતા નથી અને ખાંડ વિના પણ તે અશક્ય !’

પેંડાનું અસ્તિત્વ ખાંડ, માવો અને કંદોઈની ગ્રૂપ-સક્સેસ છે. જીવનમાં ઘણી બાબતો ભેગી મળે પછી તેનું સહિયારું મૂલ્ય ઊપજે છે. ફટાકડામાં જામગરી હોય પણ બારુદ ન હોય તો ? આરામખુરશી સુંદર હોય પણ તેમાં કાપડ ન હોય તો ? કુહાડી મજબૂત હોય પણ તેમાં હાથો ના હોય તો ? રાજકારણીઓના શરીરે ખાદી હોય પણ સ્વભાવે પ્રમાદી હોય તો ? તેઓ ભાષણ કરી જાણે તેટલું પૂરતું નથી, તેમને શાસન કરતાં પણ આવડવું જોઈએ.

[5] ઓવરડ્રાફટ

‘બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી’ એવું ક્યાંક સાંભળેલું. હાલ એનો સાક્ષાત્કાર થયો. બી.કૉમ થયેલા એક માણસનો પગાર પાંચ હજાર અને એ ખર્ચે છ હજાર…. દર મહિને હજારનું દેવું થાય. માણસ અભ્યાસમાં એકાઉન્ટન્સી ભણે અને જીવનમાં તેને અવગણે ત્યારે આવા ફજેતા રોકી શકાતા નથી. પરલોક સુધારવા માટે રોજના સો ગાયત્રીમંત્રો લખતો માણસ રોજ ઘરખર્ચનો હિસાબ લખે તો એનો આ ભવ બગડતો અટકે. ખર્ચનો હિસાબ ન રાખનાર કે પોતાના પગારની આમાન્યા ન રાખનાર માણસે સંસારના બૅલેન્સશીટમાં આવા ઓવરડ્રાફટ વેઠવા પડે છે. કાળક્રમે તેનું આખું જીવન જંગી ખાધવાળા બજેટ જેવું દેવાળિયું બની જાય છે. કોઈએ કામની વાત કહી છે : ‘પૈસા આંખ મીચીને કમાઓ પણ ખર્ચતી વેળા આંખ ખુલ્લી રાખો, કેમ કે માણસ જે કમાય તેનાથી નહીં, જે બચાવે તેનાથી પૈસાદાર બને છે.’ જીવનના જુગારમાં પણ બહુ જોઈ-વિચારીને પત્તાં ઊતરવા રહ્યાં. એ પત્તાં ચાહે રમવાનાં હોય કે ચલણી નોટોનાં….!

[કુલ પાન : 176. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]