વાર્તાદ્વયી – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

[1] હું જીવી લઈશ – મધુભાઈ ભીમાણી

સૂરજ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યો હતો. વાયરો તદ્દન શાંત થઈ ગયો હતો. ઝાડ પરનું એક પાનેય હાલતું નહોતું. ખરી બપોરનો-બળબળતો તડકો ધનસુખના ઘરમાં પ્રસરી ગયો હતો. કે’વાય કે ઘરમાં તે સૂતો હતો, પણ ખરેખર તો એ આળોટતો હતો. પડખું ફરતાંય દાઝતો હતો. ધનસુખને ક્યાંય ચેન પડતું નહોતું.

એ પરાણે ઊઠ્યો. થોડું પાણી પીધું. ઘડીક હાશકારો થયો. હવે શું કરવું ?- એવો વિચાર આવતાં જ બીજો વિચારેય સપાટી પર આવી ગયો. વૈશાખ મહિનાની કાતીલ બપોર કાંઈ આજે પહેલી વાર જીવનમાં આવી નથી. આજે કેમ આમ અકળ અસ્વસ્થતા અનુભવું છું ? ધખધખતી ધરતીની જેમ હુંય અંદરખાને કેવો તપી રહ્યો છું ? શું થયું છે મને ? લાવ, ફરી એક વખત પાણી પી લઉં- અંદર થોડી શાંતિ થાય તો. તરત તેને વર્તાયું કે પોતે જે અનુભવી રહ્યો છે તે અગનજાળ બહાર કરતાં પોતાની અંદર વધારે હતી. શરીર પરના પરસેવાની સાથે સ્મરણની સરવાણીનો અહેસાસ થયો. સ્મૃતિની વાછંટ અંદરની ગરમીને થોડી રાહતરૂપ લાગી. મોટા ચાર ઓરડાથી ભરેલી તેની આ વિશાળ બંગલીમાં ધનસુખ એકલો નથી. પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીથી ભરેલા તેના સંસારમાં એક કમી છે, તે તેની પત્ની સ્વર્ગસ્થ વર્ષાની. પોતે વિધુર થયાની વેદના તેને વારંવાર પીડા આપે છે. તે એકલો અને અટુલો પડી ગયો. વર્ષા વગરની એકલતા શૂળ જેવી લાગે છે. અંદર-બહાર કેવું કેવું થયા કરે છે.

પુત્ર, પુત્રવધૂ, પૌત્રી બે દિવસથી એક સંબંધીને ત્યાં વ્યાવહારિક કામે ગયાં છે. ઘરમાં ધનસુખ એકલો છે. તેથી આકરી બપોર વધારે આગ જેવી લાગે છે. તેનો જીવ મૂંઝારો અનુભવતો હતો. ખાલીપો વધારે બોઝીલ બનતો ગયો. આવા વૈશાખ મહિનાના પ્રખર તાપમાં વર્ષા તેની બાજુમાં હોય. તેની હાજરીમાત્ર શીતળતા આપે. ‘વર્ષા નથીનો’ સંતાપ ગળે વળગી પડ્યો. મનોમન બોલી ઊઠ્યો, ‘તારા વગરનું આ તે કેવું જીવન ? ઘરમાં દીકરો-વહુ મારી ખૂબ કાળજી લે છે. પપ્પાને ઓછું ન આવે તેનું ધ્યાન રાખે છે. ટપુકડી તો નાનું રમકડું છે. દાદાને વહાલ આપે. બચ્ચી ભરે. આ બધું સમીપે હોવા છતાં ધનસુખને કંઈક ખૂટતું લાગે.

વર્ષા સાથે વરસો ગયાં એમ નહીં, પણ સહજતાથી આનંદપૂર્વક વીત્યા એમ કહેવાય. એમના જીવનમાં ચણભણાટ નહોતો તેમ નહીં, પણ સહ્ય હતો. વર્ષાનો ધીરગંભીર સ્વભાવ, હળવાશથી બધી ગમગીનીને હડસેલો મારી દેવાની તેની કોઠાસૂઝ, તેની મધમીઠી જબાન…. શું શું યાદ કરું ? તું નથી તો કંઈ નથી. હું કંઈ નવી નવાઈનો વિધુર નથી. જિંદગીમાં છૂટા પડવાનું નિશ્ચિત છે. બન્ને એકસાથે જાય તેવું તો ક્યાંથી બને ? પણ વર્ષા વગર રહેવું ખૂબ ખટકે છે. હર પળે યાદ આવ્યા જ કરે છે. યાદ તારી એકાંતમાં સતાવે છે. રસકસ વગરનું જીવન લાગ્યા કરે છે.

પત્ની તરફ માયા હોવી એમાં કાંઈ વિશેષતા નથી, પણ વર્ષા, તું ખરેખર માત્ર મને નહીં, પણ બધાંને ખૂબ વહાલી હતી. અડોશી-પડોશી, મિત્રો, સગાંસંબંધી બધાંને તારા તરફ ભરપૂર આદર હતો. બધાં સાથે સ્નેહતંતુ જાળવવાની તારી ફાવટ આજેય બધાં યાદ કરે છે. તારી વાણીમાં ઠપકો હોય તો તેનીય કદર થતી. તું જ કહે, વર્ષા, તારી યાદ સતત કેમ ન આવે ? આવતી કાલે દીકરો-વહુ-પૌત્રી પાછાં ફરશે. ઘર પાછું ગાજતું થઈ જશે. સાથે બેસી વાતો કરીશું. સાથે જમવા બેસીશું. હસીખુશીમાં રહીશું, પણ વર્ષા…. તારી તોલે કોઈ ન આવે, તું તો તું હતી.

સ્મરણોના સ્પર્શે શાતા વળતી હોય તેમ ધનસુખે અનુભવ્યું. તેને થયુંય ખરું કે સંસારના સ્ટેજ પર આવી પડેલો આ વિધુરનો પાઠ સહજતાથી ભજવી લેશે- ભજવવો જ પડશે ને ? મનોમન ધનસુખે બોલી લીધું : અલબત્ત, દેહરૂપે તું નથી એટલું જ, બાકી વર્ષા, તું ક્યાં નથી ? ઘરના ખૂણેખૂણે તું છે. લોહીના કણે કણે તું છે. લાગે છે હવે હું જીવી લઈશ.
.

[2] સા…ઈ…ક…લ – હરિશ્ચંદ્ર

ચાર એકુ ચાર ! ચાર દુ આઠ ! ચાર તેરી બાર !… બહાર લૉનમાં ગાડી આવી ચૂકી છે. બાબુની ગાડી…. ચાર ચોક સોળ ! ચાર પંચુ વીસ……, પણ હવે અવાજ ધીમો થઈ રહ્યો છે. આંખો લૉન પર સ્થિર. બાબુ, જિત, સુમી વગેરે ત્રણ પૈડાંવાળી સાઈકલ પર બેસી ધમાચકડી મચાવી રહ્યાં છે…. દીનુ પણ ક્યારે ત્યાં જઈ ચઢ્યો તેને પોતાને ખબર નહીં. મોઢેથી ગણગણતો હતો… પાંચ પંચા પચીસ….

જિતુએ જોરથી ધક્કો માર્યો અને સાઈકલ ઝડપથી દોડી. બધાં બાળકો હસી પડ્યાં. દીનુયે હસ્યો. ‘ચૂપ, અબે ! તું કેમ હસે છે ?’ બાબુએ મુક્કો ઉગામતાં કહ્યું. એ ખિસિયાણો પડી ગયો. ઘરમાં દોડી એણે માના ખભા હલાવી નાખ્યા : ‘તું કહેતી હતી ને સાઈકલ લાવી આપવાનું ?’ માએ તડાક કરતોકને તમાચો માર્યો, ‘બૅબી જાગી જશે તો તારી ખેર નથી. ચોપડીના કેવા લીરા કરી મૂક્યા છે !…. સાઈકલ જોઈએ છે ? ચલ હઠ, આંક પાકા કર !’

ચાર-પાંચ દિ’ સુધી પછી એણે સાઈકલનું નામ ન લીધું. આંક ગોખતો રહ્યો. રાતે ઊંઘમાં ક્યારેક બબડતો, સા…ઈ…ક…લ…, પરંતુ પાછા દવાદારૂ અને બીજા ખરચામાં પૈસા પૂરા થયા અને સાઈકલ કાંઈ આવી નહીં. તે દિ’ પપ્પાએ તો કહ્યું હતું કે સાઈકલ લાવીશું….. ‘તે ફાંસીએ ચઢાવી દે એમને. બે વહેંતનો ટીણિયો !’ બીજે દિ’ પપ્પા ત્રણ રૂપિયાની ચાવીવાળી મોટર લાવ્યા, પણ દીનુ એને અડક્યો જ નહીં. તે દિવસ પણ સારો મેથીપાક મળ્યો. ‘દીનુ, તું જીદ ન કર. હમણાં આ મોટરથી રમ….’ પણ એ એકનો બે ન થયો. થોડા દિવસ એ ભારે ખામોશ રહ્યો. ચૂપચાપ ખાતો-પીતો, લેસન કરતો. ન ભાવતું શાક પણ ગળે ઉતારી જતો.
‘આજકાલ કેટલો કહ્યાગરો થઈ ગયો છે !’
‘કડકાઈનું પરિણામ. છોકરાંવને માથે ચઢાવીએ તો મૂઆ ફાટી જાય !’

હવે એ અગાસી પર ચઢી એકલો એકલો રમતો. વચ્ચે ડોકિયું કરી નીચે સાઈકલ ફેરવતાં અને ધમાચકડી મચાવતાં છોકરાંવને જોઈ લે. અગાશીમાં લાકડી લઈ ઘોડો-ઘોડો રમતો રહે. ત્યાં એક દિવસ બાબુએ બૂમ પાડી, ‘દીનુ ! સાઈકલ પર બેસવું હોય તો આવી જા !’
‘નથી બેસવું !’
‘ચાલ ને યાર ! બધાંને ત્રણ, તને ચાર ચક્કર ફેરવીશ.’
‘જૂઠું બોલે છે ?’
‘ના, સાચકલું. જા, સોગન !’
એ લાકડી ફેંકી ધડાધડ નીચે ઊતર્યો.
‘અબે જા… આવ્યો મોટો બેસવાવાળો !…..’ કહી અંગૂઠો બતાવી બાબુ સાઈકલ દોડાવી ગયો. બધાં બાળકો ખડખડાટ હસ્યાં. ત્યાર બાદ એ ઘણા આંક ગોખી ચૂક્યો. એક દિવસ બપોરની વેળા. બધાં નિરાંતે ઘોરતાં હતાં. એણે જોયું કે લૉનમાં જિતુની સાઈકલ પડી હતી. એના પગ અજાણતાં એ ભણી વળ્યા. રોમાંચ સાથે એણે હૅંડલ પકડ્યું. ઘણી હિંમત ભેળી કરી, પોચીપોચી ગાઈ પર એ બેઠો, પણ પૅડલ મારવા જાય છે, ત્યાં તો…. ‘મમ્મી, આપણી સાઈકલ દીનુએ તોડી નાખી !’ ગભરાટમાં દીનુ નાઠો અને ઘરમાં ખાટલા નીચે ભરાઈ ગયો. સાઈકલ ઊંધી પડી ગઈ. જિતુની માએ કકળાટ કરી મૂક્યો…. ‘જુઓ, તમારા પાટવીનાં પરાક્રમ !… અમે ક્યાં ના પાડીએ છીએ. છોકરાંવ ભેળો રમે, પણ ચીજનું નુકશાન તે શેં સહેવાય !’ તે દિ’ દીનુને પહેલી વાર ભાન થયું કે મા કેટલી કસાઈ બની શકે છે ! રાતે પિતાએ પણ ઝૂડી-ઝૂડીને અધમૂઓ કરી નાખ્યો, ‘બદમાશ, પડોશી સાથે દુશ્મની કરાવે છે ?’

પછી તો બાળકો જેવાં સાઈકલ લઈ લૉન પર આવતાં કે દીનુ દહેશતમાં ને દહેશતમાં ક્યાંક ચાલ્યો જતો, જ્યાં બાળકોનો રમવાનો અવાજ સુદ્ધાં ન પહોંચે. કાં તો બૅબીને રમાડવા મંડતો કે માને કામમાં મદદ કરવા લાગતો. સાઈકલનાં નામ પર ઘોડાની લાકડીનેય ફેંકી દીધી હતી. લૉન તરફ જોવાનુંયે બંધ કરી દીધું હતું. એક દિવસ એ ઘરના પાછળના ભાગમાં ઈંટોના ટુકડામાંથી ઘર બનાવી રહ્યો હતો, ત્યાં ‘દીનુ, બેટા દીનુ !’ એવો પપ્પાનો મીઠો અવાજ ઘણા દિવસે કાને પડ્યો. ખરડાયેલા હાથ સાથે જ એ બહાર આવ્યો.
‘જો બેટા ! તારે માટે સરસ સાઈકલ આણી.’
‘લઈ આવ્યા કે ?’ રસોડામાંથી મા પણ બહાર આવી. પણ દીનુ ક્યાં છૂ થઈ ગયો, ખબર ન પડી. ‘દોસ્તોને કહેવા દોડ્યો હશે’, પણ એ તો મકાન બનાવવામાં જ રત હતો.
‘અરે, તેં તો પાછા ગારામાં હાથ નાખ્યા. જો કેવી સોજ્જી ગાડી છે ! ખૂબ ફેરવજે. જા, હાથ ધોઈ નાખ.’ પણ દીનુએ ઊચું ન જોયું.
‘ઠીક, તો પછી મકાન બનાવીને સાઈકલ ફેરવજે.’

પરંતુ થોડા વખત બાદ મા-બાપે કશોક અવાજ સાંભળ્યો. જોયું તો સાઈકલ ઊંધી પડી હતી અને દીનુ ઈંટોથી તેનો ભુક્કો બોલાવી રહ્યો હતો. પ્રહાર પર પ્રહાર…..
‘દીનુ !’ બાપે ધડાધડ તમાચા મારી દીધા, પણ દીનુની આંખમાંથી આંસુ ન સર્યું. આંખમાંથી અંગારા વરસતા હતા. નસકોરાં ફૂલી ગયાં હતાં. રહી-રહીને મા-બાપની પકડમાંથી છૂટી સાઈકલ પર પ્રહાર કરવા એ બહાવરો બન્યો હતો.

(શ્રી પાનૂ ખોલિયાની હિન્દી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “વાર્તાદ્વયી – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.