દુબઈની યાદગાર સફર – મૃગેશ શાહ

[ વિશેષ લેખ હોવાને કારણે આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી.]

[dc]હૉ[/dc]લમાં યોજાયેલા ચિત્ર પ્રદર્શનમાં કોઈક ચિત્ર તરફ ધારી-ધારીને જોઈ રહેલા મુલાકાતીને જોઈને ચિત્રકારને તેના તરફ અહોભાવ જાગ્યો. પોતાના ચિત્રની લાક્ષણિકતા સમજાવવા માટે ચિત્રકારે મુલાકાતીની પાસે જઈને કહ્યું, ‘માનવમનના અતલ ઊંડાણનું આ રેખાંકન છે.’ પેલો મુલાકાતી આંખનું મટકું માર્યા વગર ચિત્રકારની સામે જોઈ રહ્યો અને પછી ધીમે રહીને બોલ્યો, ‘ઓહો, એમ છે ? મને તો એમ કે જલેબીની ડિઝાઈન છે….!!’ – આમ તો આ પ્રચલિત જૉક છે પરંતુ ઘણો સમજવા જેવો છે. ખાસ કરીને પ્રવાસની બાબતમાં તે લાગુ પડે છે. એક જ સ્થળની મુલાકાતે ગયેલા બે પ્રવાસીઓના અનુભવો સાવ સામે છેડેના હોઈ શકે છે ! એક જણ માટે તે અપાર-અવર્ણનીય આનંદની અનુભૂતિ હોય છે, જ્યારે બીજા માટે તે કંટાળાજનક મુસાફરી હોય છે.

હકીકતે કોઈને પ્રવાસના અનુભવ વિશે પૂછવું જ ખોટું છે. પ્રવાસ અનુભૂતિનો વિષય છે. અનુભૂતિ દરેકની એક સરખી કેવી રીતે હોઈ શકે ? ઘણા લોકો એકમેકને પૂછતા હોય છે કે ચારધામની યાત્રા કેવી છે ? મસૂરી કેવું છે ? સિંગાપોરમાં જમવાની તકલીફ તો નથી પડતી ને ? આ ઋતુમાં દુબઈ જવાય કે કેમ ? પ્લેનમાં કંટાળો આવે કે સમય પસાર થઈ જાય ? તમે યુરોપ કેટલા દિવસ માટે ગયા હતા ? – આ બધા પ્રશ્નોનો આમ જોવા જઈએ તો કંઈ જ અર્થ નથી. હા, વોશિંગમશીન લેવાનું હોય તો કોઈને પૂછી શકાય કારણ કે એ જ મોડલ હોય તો એની સુવિધાઓ અંગે તમને માહિતી મળી રહે. પરંતુ પ્રવાસની બાબતમાં આમ થઈ શકે નહીં. અંધારી રાતે કોઈને એકલા પડી જવાનો ડર લાગતો હોય, જ્યારે એ જ પરિસ્થિતિમાં કોઈ બીજાને રોમાંચ થતો હોય છે. આમાં કોનો અભિપ્રાય સત્ય ગણવો ?

બીજી એક મહત્વની બાબત એ છે કે આપણી અંદર જે કંઈ પડ્યું હોય છે એવી દુનિયા આપણને બહાર દેખાય. ‘જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ’ એમ આપણે ત્યાં કહેવાયું છે. ભારતની ધરતી પર વિમાન ઊતરે ત્યારે બાજુબાજુમાં બેઠેલા બે પ્રવાસીઓ મનઃસ્થિતિ સાવ જુદી હોઈ શકે ! જેની પાસે વિચારવૈભવ છે તેને હિમાલય, ગાંધી, ટાગોર, ગંગા, લોકસાહિત્ય, સંતપરંપરા અને કોણ જાણે કેટલુંય યાદ આવે છે અને એની આંખો ઊભરાય છે. એની પાસે જ બેઠેલા પ્રવાસીને મનમાં થાય છે કે ફરીથી એ જ ઘોંઘાટ અને ટ્રાફિકની સમસ્યા શરૂ ! – આમાં કોઈની વિચારધારા ખોટી છે એમ કહેવાનો ઉદ્દેશ નથી. સવાલ માત્ર દષ્ટિનો છે. તમે શું અનુભવો છો એની આ વાત છે. પરદેશમાં વિશાળ ગગનચૂંબી ઈમારતો પાસેથી પસાર થતી વખતે કોઈના મનમાં એમ થાય છે કે અહીં મારી પોતાની એક ઑફિસ હોય તો કેવું સારું. જ્યારે બીજાના મનમાં એમ થતું હોય છે કે ક્યારે આ સિમેન્ટના જંગલમાંથી બહાર નીકળીએ અને ખુલ્લા મેદાનોની હરિયાળી માણીએ ? જે એકને મન મૂલ્યવાન હોય, એની બીજાને મન કંઈ જ કિંમત ન હોય. એથી પ્રવાસની બાબતમાં કોઈની સરખામણી ન થઈ શકે. એકની અનુભૂતિ બીજાને કામ ન લાગી શકે. દરેકનો પોતાનો અલગ દષ્ટિકોણ છે. જ્યાં સુધી પોતાની રીતે આપણે ન અનુભવીએ ત્યાં સુધી કશું જ કહી શકાય નહીં. એ જ રીતે, આપણા અભિપ્રાય કરતાં બીજાનો અભિપ્રાય સદંતર જુદો પણ હોઈ શકે – એ પણ સ્વીકારવું રહ્યું.

આટલી પૂર્વભૂમિકા સાથે હું આપની સમક્ષ મારા દુબઈના પ્રવાસની કેટલીક અનુભૂતિઓ આ લેખ દ્વારા વહેંચવાની કોશિશ કરું છું, જે સંપૂર્ણરીતે મારી વ્યક્તિગત વિચારધારા છે. આપનો અનુભવ એનાથી તદ્દન અલગ હોઈ શકે છે. ટૂંકાગાળાના પ્રવાસોમાં મોટેભાગે ખૂબ ઊંડું દર્શન થઈ શકતું નથી પરંતુ જે કંઈ અનુભવાયું, સમજાયું, વિચારાયું અને શબ્દસ્થ કરી શકાયું તે અહીં એક લેખ રૂપે આપવાનો પ્રયાસ કર્યો છે.

દુબઈ પ્રવાસ માટે ઉત્તમ સમય નવેમ્બર-ડિસેમ્બર થી ફેબ્રુઆરી-માર્ચનો કહેવાય છે. વળી, વર્ષની શરૂઆતમાં ‘દુબઈ ફ્રેસ્ટીવલ’ પણ યોજાતો હોય છે જે સમયે આખા વિશ્વમાંથી અનેક પ્રવાસીઓ ઊમટી પડે છે. ખાસ કરીને શૉપિંગ બાબતે આ શહેરને ઘેલું લાગ્યું છે. જે કોઈ અહીં આવે, તે શૉપિંગ કર્યા સિવાય પરત જઈ શકતો નથી. પરંતુ મારે માટે દુબઈ પ્રવાસનો ઉદ્દેશ જરા અલગ હતો. મારે ત્યાંના ગુજરાતી વાચકોને મળવું હતું અને એ સાથે પરદેશની ધરતી પર થતી ગુજરાતી પ્રવૃત્તિઓ, ત્યાંની જીવનશૈલી અને સૌના રસપ્રદ અનુભવો વિશે ઘણું બધું જાણવું હતું. ગુજરાતથી દૂર ગુજરાતની સુગંધ કેવી રીતે પ્રસરે છે, એ એક અભ્યાસનો વિષય છે. શૉપિંગના ડિસ્કાઉન્ટ કરતાં ભાષાના ડિસ્કશનમાં મને વધારે રસ હતો અને તેથી આ જુલાઈના ભરઉનાળાની ઋતુમાં ત્યાં જવાનું નક્કી કર્યું. આ માટે તમામ આયોજન અને સહયોગ કર્યો રીડગુજરાતીના જ એક વાચકમિત્રએ અને બધો જ કાર્યક્રમ નિયત સમય પ્રમાણે ગોઠવાઈ ગયો.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની છબી ધાર્યા કરતાં સાવ જુદી નીકળી. આખી રાતનો ઉજાગરો કરીને વહેલી સવારે એરપોર્ટ જાણે ગાઢ ઊંઘમાં સરી પડ્યું હોય એવું શાંત દેખાતું હતું. ધીમે ધીમે મુસાફરોની સંખ્યા વધી રહી હતી. સૌ કોઈ પોતાનાં સગાં-સ્નેહીઓને અલવિદા કહેવામાં વ્યસ્ત હતાં. વહેલા આવી ચઢેલા મુસાફરો એરપોર્ટની અંદર પ્રવેશીને આરામથી પોતાની બેગ ગોઠવતાં હતાં. મારી પાસે જ બેઠેલા એક ભાઈ તો જાણે બેગ ગોઠવ્યા વગર આવ્યા હોય એમ ચારેબાજુ પોતાનો સરસામાન ફેલાવીને નિરાંતે બેઠા હતાં. ખાખરા, થેપલાં, તલની ચિક્કીના ડબ્બા, નાના-મોટાં બે-ત્રણ વાસણો – બધું ફેલાયેલું પડ્યું હતું ! જે મુસાફરો દુબઈથી આગળ લંડન કે અમેરિકા જઈ રહ્યાં હતાં એમનો સામાન ઘણો વધારે હતો. કસ્ટમ, ઈમિગ્રેશન અને સિકિયોરીટીની તપાસ પૂરી થયા બાદ સૌએ બાલ્કનીમાં બેસવાનું હતું. મુસાફરોમાં કેટલાક સપરિવાર હતાં તો કેટલાક રોજગારી અર્થે દુબઈ જઈ રહ્યાં હતાં. અમુક પરદેશના લોકો પણ હતાં. વિમાનમાં સૌ પ્રથમ વ્હીલચેરમાં બેઠેલા મુસાફરોને પ્રવેશ આપવામાં આવ્યો. એ પછી નાનાં બાળકો અને તેમના માતાપિતાને મોકલવામાં આવ્યાં. અંતે બધા મુસાફરોએ ઍરોબ્રીજથી વિમાનમાં પ્રવેશીને પોતાની સીટ મેળવી. શુક્રવારને લીધે ધાર્યા કરતાં ભીડ ઓછી હતી. મારી આસપાસની ઘણી સીટો ખાલી હતી.

તમામ ઔપચારિક વિધિઓ બાદ પ્લેન ઉપડવાની જાહેરાત કરતાં પાઈલોટે કહ્યું કે ‘આપણે પશ્ચિમ દિશા તરફથી ટૅક ઑફ કરીશું.’ ખૂબ જ હળવાશથી ટૅકઑફ થયા બાદ જોતજોતામાં વિમાન ઘણી ઊંચાઈ પર પહોંચી ગયું. આંતરરાષ્ટ્રિય વિમાનો મોટે ભાગે 40,000 થી 44,000 ફૂટની ઊંચાઈ પર ઊડે છે અને એના જ કારણે તે પ્રમાણમાં વધારે સ્થિર રહી શકે છે. બહારનું દ્રશ્ય નયનરમ્ય હતું. આકાશમાં જાણે વાદળોની ખેતી થતી હોય એવું લાગતું હતું ! ચૉકલેટની ઉપર જેમ રેપર હોય એમ આખી પૃથ્વીને જાણે કુદરતે વાદળોનું રેપર લગાડ્યું હશે એવી કલ્પના મનમાં થતી હતી. તમામ પરીલોકની વાર્તાઓ એના સર્જકોએ પ્લેનમાં બેસીને જ વિચારી હશે ને ?! પ્લેનની મુસાફરી પ્રમાણમાં થોડી કંટાળાજનક એટલા માટે હોય છે કારણ કે અહીં કોઈ સ્ટેશન આવતું નથી ! કોઈ મુસાફરો ચઢતાં-ઊતરતાં નથી. ટ્રેનમાં જે આસપાસના લોકોની ભાતભાતની વાતો સાંભળવા મળે, એવો લ્હાવો અહીં મળતો નથી. આપણે તો ટોળાંઓ જોવાથી ટેવાયેલાં છીએ, એટલે આટલું બધું એકાંત અને શાંતિ તો કેમ ફાવે ?! કદાચ એટલે જ વિમાનમાં દરેક સીટની સામે સ્ક્રીન આપવામાં આવે છે. રિમોટનો ઉપયોગ કરીને એમાં તમે હિન્દી, અંગ્રેજી ચેનલો જોઈ શકો છો, સંગીત સાંભળી શકો છો અને રમતો રમી શકો છો. આ ચેનલોમાં પ્રથમ ત્રણ ચેનલો વિમાન જ્યાંથી પસાર થઈ રહ્યું હોય તેનો નકશો, વિમાનની આગળના કેમેરાનું દ્રશ્ય અને વિમાનની પાછળ લગાડેલા કેમેરાનું દ્રશ્ય દર્શાવે છે. થોડું વાંચતા, સંગીત સાંભળતા કે ભોજન કરતાં સમય પસાર થઈ જાય છે. વડીલો ક્યારેક પગને કસરત આપવા માટે વિમાનમાં સતત ચાલતા રહે છે. બાળકોને ઍરહોસ્ટેસ તરફથી કલર સાથે રંગ પૂરવા માટે ચિત્રપોથી અને રમકડાં આપવામાં આવે છે. મારી આસપાસ બેઠેલા ઘણા લોકો નજીકની સીટો ખાલી હોવાથી બે-ત્રણ સીટ રોકીને આરામથી લંબાવીને સૂઈ ગયા હતાં. આવા દ્રશ્યો ટ્રેનના સ્લીપર કોચની મુસાફરીની યાદ અપાવે એવા હતાં.

બરાબર અઢી કલાકની મુસાફરી બાદ દુબઈની ધરતીનો સ્પર્શ થતાંની સાથે જ સૌ મુસાફરો પોતાનો મોબાઈલ ચાલુ કરીને પોતાના કુટુંબીજનોને ફોન જોડવા લાગ્યાં. ઍરોબ્રીજમાંથી બહાર નીકળતાની સાથે જ વિશાળ ઍરપોર્ટ જોતાં કોઈ ઝાકઝમાળવાળા ઈન્દ્રલોકમાં પ્રવેશ કર્યો હોય એવી અનુભૂતિ થાય છે. ‘All passengers this way’ લખેલા બોર્ડને લીધે કઈ તરફ જવાનું છે એનું સ્પષ્ટ દિશાસૂચન મળી રહે છે. તે છતાં, સામેના કાઉન્ટર પર પૂછવાથી કઈ કઈ ઔપચારિકતાઓ પૂરી કરવાની છે તેની માહિતી મેળવી શકાય છે. સૌ પ્રથમ ‘Eye Scanning’ માટે જવાનું હોય છે. લાઈનમાં ઊભા રહીને ત્યાંના અરબી પહેરવેશ પહેરેલા ઑફિસર સામે બેસીને સ્કેનિંગ મશીનમાં જોવાનું હોય છે. મશીનમાં દેખાતી પીળી લાઈટ લીલા કલરની ન થઈ જાય ત્યાં સુધી સામે જોઈ રહેવાનું હોય છે. એ પછી વિઝા પર સિક્કો મારવામાં આવે છે. ત્યારબાદ સિકિયોરીટી ચેક અને ઈમિગ્રેશનની વિધિ આટોપીને પોતાનો સામાન જે નંબરના બેલ્ટ પર આવવાનો હોય તે તરફ જવાનું રહે છે. જો કે સામાન કયા બેલ્ટ પર આવશે તેની જાહેરાત પ્લેનમાં જ કરી દેવામાં આવતી હોય છે, જેથી સરળતા રહે છે. સામાન લઈને ‘Exit’ તરફ જવાનું હોય છે. હું પહોંચ્યો ત્યારે શુક્રવારની નમાઝનો સમય હોવાથી ઍરપોર્ટ પર ભીડ ઘણી ઓછી હતી. પરિણામે તમામ વિધિઓ સહેલાઈથી પૂરી કરીને હું બહાર નીકળવાના રસ્તે સમય કરતાં વહેલાં જઈ પહોંચ્યો ત્યારે હોટેલનો ડ્રાઈવર હજુ મને લેવા માટે આવ્યો નહોતો. મુસાફરોની સુવિધા માટે અહીં ‘Help desk’ રાખવામાં આવેલું છે. તેઓ આપણા વતી હોટેલ કે સ્થાનિક ફોન જોડીને આપણને મદદરૂપ થાય છે. હોટેલ પર ફોન કરતાં મને જણાવવામાં આવ્યું કે ડ્રાઈવર ત્યાંથી નીકળી ગયા છે. મારે ફક્ત થોડોક સમય એમની પ્રતિક્ષા કરવાની હતી. અહીં મુસાફરો અને મુલાકાતીઓ માટે બેસવાની આરામદાયક સગવડ છે, જેથી થોડો સમય પ્રતિક્ષા કરવામાં વાંધો નથી આવતો. થોડા સમય બાદ ડ્રાઈવર સાથે જ્યારે ઍરપોર્ટની બહાર નીકળવાનું થયું ત્યારે રણવિસ્તારના પવનો અને ગરમી કેવી હોય એનો બરાબર અહેસાસ થયો !

દુબઈમાં ‘Left Hand Drive’ છે જેથી બધો ટ્રાફિક ઊંધી દિશા તરફ જઈ રહ્યો હોય એમ લાગે છે. કદાચ ભારત કરતાં જુદી પદ્ધતિ હોવાને કારણે આંખો ટેવાતા વાર લાગે છે. ચોખ્ખા વિશાળ રસ્તાઓ, એક સરખી ગતિએ જતા વાહનો, વગર પોલીસે લાલ લાઈટ પાસે ઊભા રહી જતાં વાહનોનો કાફલો, ઊંચા મકાનો, વિવિધ ફલાય-ઑવર – આ બધું જ એક સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રનો પરિચય આપે છે. એનાથી સ્વચ્છ અને સુંદર મહાનગરની આપણા મનમાં પહેલી છાપ અંકિત થાય છે. અહીં બે પૈંડાના વાહનો જોવા મળતા નથી. તેનો ઉપયોગ ફક્ત પિઝા ડિલિવરી કે કુરિયર પૂરતો સીમિત છે, પરંતુ એ માટે સર્વિસ રોડ જુદા હોય છે. મુખ્ય રોડ પર ટોયટા, ઓડી, ફરારી જેવી મોંઘીદાટ કારો પૂરઝડપે પસાર થતી જોઈ શકાય છે. 1300 CC થી નીચેની ગુણવત્તાનું વાહન અહીં સ્વીકાર્ય ન હોવાથી બધી જ કારો ઓટોમેટિક ટ્રાન્સમિશન સહિત વિવિધ આધુનિક સુવિધાઓથી સુસજ્જ હોય છે. દુબઈનું ચલણીનાણું ‘દીરહામ’ છે, જેને ટૂંકમાં ‘AED’ અથવા ‘DHS’ કહે છે. પેટ્રોલનું પિયર કહેવાતા આ દેશમાં પેટ્રોલનો ભાવ આશરે 1.52 DHS છે, જેથી કાર ફેરવવી સસ્તી છે પરંતુ કાર પાર્કિંગમાં ઊભી રાખવી મોંઘી છે ! અહીંની પાર્કિંગ સિસ્ટમ સમજવા જેવી છે. પીળા કલરના પટ્ટા પર એકાદ-બે મિનિટ પીકઅપ માટે કાર ઊભી રાખી શકાય છે, જ્યારે સફેદ કલરના પટ્ટા પર લાંબા ગાળા માટે કાર પાર્કિંગ થઈ શકે છે. પાર્કિંગનો દર 10 DHS પ્રતિ કલાકનો છે. મોટે ભાગે પાર્કિંગ મેળવવામાં ઘણી તકલીફ પડે છે. કાર ઊભી રાખ્યા બાદ ઠેર-ઠેર પાર્કિંગ ટીકિટ મેળવવા માટે મશીનો મૂકવામાં આવ્યા છે. એમાં સિક્કો કે નોટ નાખવાથી પાર્કિંગ ટિકિટ મળી રહે છે. બહુધા ત્યાંના રહેવાસીઓ આ મશીનનો ઉપયોગ ન કરતાં SMS સિસ્ટમનો ઉપયોગ કરીને પાર્કિંગ કરે છે. આ SMS સિસ્ટમમાં તમારે તમારો કાર્ડ નંબર અને પાર્કિંગ ઝોન નંબર ટાઈપ કરીને એક SMS મોકલવાનો હોય છે. તમારા મોબાઈલ બેલેન્સમાંથી નિશ્ચિત રકમ કપાઈ જાય છે અને તમને ‘Your parking is successfully generated’ એવો સંદેશો મળે છે. એક કલાક બાદ ફક્ત ‘Y’ ટાઈપ કરીને પાર્કિંગ રિન્યુ કરી શકાય છે. એ જ રીતે અહીં ટોલ રોડ પર કોઈ ટોલગેટ હોતા નથી. ફક્ત ‘Toll Road’ લખેલું હોર્ડિંગ જ જોવા મળે છે. એ રોડ પરથી પસાર થતાંની સાથે જ કાર પર લગાડેલા ખાસ પ્રકારના સ્ટીકરમાંથી અમુક રકમ કપાઈ જાય છે અને એનો સંદેશો મોબાઈલ મારફતે આપને મળી જાય છે. પ્રત્યેક કારનું અહીં દર વર્ષે પાસિંગ કરાવવું પડે છે. અત્યંત શુદ્ધ પેટ્રોલ વપરાતું હોવાથી ધૂમાડા-પ્રદૂષણને અહીં બિલકુલ અવકાશ નથી. કારમાં સામાન્ય ખરાબી હોય તો એ દૂર કર્યા વગર કાર પાસ થઈ શકતી નથી. આ રીતે દરેક કાર અહીં એકદમ સુસજ્જ અને વ્યવસ્થિત હોય છે. તદુપરાંત, વિકસિત દેશોની જેમ જ અહીં જલ્દીથી લાયસન્સ મળી શકતું નથી. એ માટે ઘણી પરીક્ષાઓ આપવી પડે છે.

વીસેક મિનિટમાં હું હોટલ ડોલ્ફિન પર જઈ પહોંચ્યો. આ હોટલ જે વિસ્તારમાં આવેલી છે તેને ‘બર દુબઈ’ કહે છે. ખાસ કરીને મીનાબજારથી તે ખૂબ નજીક છે. આસપાસ પુષ્કળ દુકાનો આવેલી છે, જેમાં ખાસ કરીને રેસ્ટોરન્ટસ, ઈલેક્ટ્રોનિક્સ, કાપડ વગેરેનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ગુજરાતીઓની વસ્તી પુષ્કળ છે જેથી ત્યાં ગુજરાતી ભોજન સરળતાથી મળી રહે છે. આમ પણ, દુબઈમાં જમવાનો કોઈ પ્રશ્ન નથી કારણ કે અહીં મહત્તમ ભારતીયોની વસ્તી છે અને તેમાંય ખાસ કરીને દક્ષિણ ભારતીય કેરેલાના લોકો ખૂબ મોટા પ્રમાણમાં છે. આથી દક્ષિણ ભારતીય વિવિધ વાનગીઓ અહીંની તમામ રેસ્ટોરન્ટ્સમાં મળી રહે છે. પરંતુ જો તમારે શુદ્ધ ગુજરાતી ભોજનનો સ્વાદ માણવો હોય તો તમારે ‘બર દુબઈ’ આવવું પડે છે.

પ્રથમ દિવસે મારા ટૂર-ઑપરેટરે બપોર બાદ સીટી ટૂરનું આયોજન કર્યું હતું જેથી મારે જમી-પરવારીને તૈયાર રહેવાનું હતું. મારી સાથે આ જ હોટલમાંથી એક વડીલ દંપતિ જોડાયું હતું. ટોયટાની ઈનોવા કારમાં અમે બપોરબાદ સીટી ટૂરમાં નીકળ્યા અને સૌપ્રથમ ‘દુબઈ ક્રીક’ જઈ પહોંચ્યા. આ એક કુદરતી બનેલી ખાડીનો વિસ્તાર છે. અહીં રાત્રિ સમય દરમ્યાન ક્રુઝ ચાલે છે અને દિવસ દરમ્યાન બોટ-ટેક્ષી દ્વારા સામે કિનારે જઈ શકાય છે. મેટ્રો ટ્રેન માટે જે કાર્ડ કઢાવ્યું હોય તે અહીં બોટ-ટેક્ષી માટે પણ વાપરી શકાય છે. નયનરમ્ય ખાડીને કિનારે ઊભા રહેતાં ગરમ હવાનો સ્પર્શ પામીને અમે સૌ ‘દુબઈ મ્યુઝિયમ’ના બહારથી દર્શન કરીને ‘ગોલ્ડ માર્કેટ’ તરફ જવા રવાના થયા. આ સોનાબજારને અહીં ‘Gold Souk’ કહે છે; જેમાં ‘Souk’ નો અર્થ બજાર થાય છે. દુબઈમાં જો કે સોનાનો ભાવ તો આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે લગભગ સરખો જ છે પરંતુ અહીંના સોનાની શુદ્ધતા સૌથી વધારે છે, જેથી પ્રવાસીઓ અહીંથી ખરીદવું વધારે પસંદ કરે છે. આ Gold Souk ની એક શેરી તરફ આંગળી ચીંધીને અમારા ટૂર-ઑપરેટર અમને કહી રહ્યા હતા કે આ વિસ્તારમાં સોનાના થાળી-વાટકાથી માંડીને સોનાના પીપડા સુદ્ધાં મળી રહે છે ! માર્ગમાં આવેલ મસ્જિદ, ગોલ્ડન સિનેમા, ડ્રાયડૉક વગેરેનું દર્શન કરીને અમે જુમેરાહ બીચ જઈ પહોંચ્યા. દુબઈનો આ સૌથી પ્રખ્યાત બીચ છે. નીલવર્ણનો સ્વચ્છ અને શાંત દરિયો કેટલો સુંદર લાગે છે ! અહીં તો કલાકોના કલાકો પણ ઓછા પડે. સફેદ રેતીમાં સમુદ્રનું ફીણવાળું પાણી એકરૂપ થઈ જતું લાગે છે. પોતાના વિશિષ્ટ ધનુષ્ય જેવા આકારને કારણે દરિયાની અંદર આવેલી જગપ્રસિદ્ધ ‘જુમેરાહ બીચ હોટલ’ સૌ કોઈનું ધ્યાન ખેંચે છે.

બીચ પછી અમે જઈ પહોંચ્યા ‘Palm Island’. દરિયામાં માણસોએ બનાવેલો અદ્દભુત ટાપુ ! એને દુનિયાની આઠમી અજાયબી પણ કહેવામાં આવે છે. ફૂલની પાંદડીના આકારનો આ ટાપુ 5×5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં 1400 જેટલા વિલા અને 2500થી વધુ એપાર્ટમેન્ટ્સ છે. કરોડો રૂપિયાના ખર્ચે મળતાં આ દરેક મકાનને અહીં પોતાનો પ્રાઈવેટ બીચ મળે છે. આ ટાપુના એક છેડેથી બીજા છેડે જવા માટે જે ટ્રેન બનાવવામાં આવી છે એને ‘Monorail’ કહે છે. ‘Gateway’ થી શરૂ થતી આ ટ્રેન વિશાળ કમાનવાળી સુપ્રસિદ્ધ ‘Atlantis Hotel’ સુધી જાય છે. સહેજ પણ અવાજ વિના ખૂબ ઝડપથી સરકતી આ ટ્રેનમાં બેસવા માટે સોફા જેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ચકચકિત પ્લેટફોર્મ, ઓટોમેટિક દરવાજા અને એટલી જ સુંદર ટ્રેનની આંતરિક ડિઝાઈન આપણું મન મોહી લે છે. એટ્લાન્ટિસ સ્ટેશનમાંથી બહાર નીકળતાં સીધું જ એટ્લાન્ટિસ હોટલમાં પ્રવેશી શકાય છે. અહીં મૉલ આવેલો છે, જેમાં દેશ-વિદેશની અનેક ચીજવસ્તુઓ મળે છે. વિશિષ્ટ કહી શકાય એવું અહીં ‘Gold ATM’ જોવા મળે છે, જેને ‘Gold to Go’ નામ આપવામાં આવ્યું છે. આ ATM માં ક્રેડિટકાર્ડ નાંખીને જે તે સોનાના સિક્કાની ડિઝાઈન પસંદ કરતાં એ સિક્કો ATM માંથી બહાર નીકળે છે ! હોટલની અંદર જ વિશાળ એક્વેરિયમ અને વોટરપાર્ક આવેલા છે. ઉનાળાના સમયમાં રજાના દિવસે ઘણા મુલાકાતીઓ બાળકોને લઈને વોટરપાર્કમાં મહત્તમ સમય પસાર કરે છે. હોટલ પાસેનો દરિયો ખૂબ જ શાંત અને જાણે લીલી ચાદર પાથરી હોય તેવો છે ! દૂરથી આ આખું પરિસર એકદમ અદ્દભુત અને પરીલોકની કથાઓ જેવું લાગે છે.

આજના દિવસનું અમારું અંતિમ આકર્ષણ હતું વિશ્વનો સૌથી મોટો મોલ, એટલે કે ‘દુબઈ મૉલ’ અને વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ, એટલે કે ‘બુર્જ ખલિફા’. ‘શૉપિંગ’ નામનો વાયરસ અહીં સર્વત્ર ફેલાયેલો છે. શૉપિંગ પણ ચેપી રોગ હોઈ શકે છે તે અહીં આવ્યા બાદ સમજાય છે. આશરે 20,000 થી 30,000 કારપાર્કિંગની ક્ષમતા ધરાવતો આ મૉલ કેટલો વિશાળ હશે એની તો કલ્પના જ કરવી રહી ! આ મૉલ ફરવા માટે એક આખો દિવસ પણ ઓછો પડે ! ખાસ કરીને શુક્રવારની રજાના દિવસે અહીં માણસો ઊમટી પડે છે. દુબઈના રસ્તા પર જેટલી ભીડ ન દેખાય એનાથી અનેકગણી ભીડ મૉલમાં જોવા મળે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં નજરે ચઢે છે. ઉનાળાના દિવસોમાં બગીચાઓમાં જઈ ન શકાતું હોવાથી મૉલનું આકર્ષણ વધારે રહે છે. જીવનજરૂરિયાત માટે ટ્રોલી ભરી-ભરીને વસ્તુઓ ખરીદવાની જરૂર આપણને કેમ નહીં પડતી હોય ? – એવો પ્રશ્ન સ્વાભાવિક મનમાં થાય છે. મને ઘણીવાર વિચાર આવે છે કે રજાના દિવસની સાંજ દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે. એ સાંજે જો પૈસા ખર્ચવામાં ન આવે તો જાણે મનમાં નિરસતા વ્યાપી જાય છે ! આ અસર હવે ભારતમાં પણ અનુભવાય છે. જેઓ આર્થિક રીતે સદ્ધર છે તેઓ રવિવારનો સમય મૉલ-મલ્ટિપેક્સમાં પસાર કરે છે. અન્ય લોકો આ ઉચ્ચવર્ગને જોઈને પોતાની અક્ષમતા પર શરમ અનુભવે છે અને ગમે તે રીતે પોતાની ખરીદશક્તિ વધારવાનો પ્રયાસ કરે છે. અગાઉ જે આનંદ મામા-માસીને ત્યાં ભેગા થઈને વગર ખર્ચે ગપ્પાં મારવામાં આવતો, એમાં હવે કોઈને રસ નથી. કશુંક ખરીદવામાં આવે તો જ પોતે સક્ષમ છે એવો અહેસાસ થાય છે. પરદેશમાં તો કોઈ વિકલ્પ નથી પરંતુ આપણી પાસે મનોરંજનના અનેક વિકલ્પો છે, તે છતાં આપણે પણ આ વૈશ્વિક અસરથી મુક્ત રહી શક્યા નથી એનો અફસોસ છે. કદાચ આ જ કારણથી દુબઈમાં રહેતા આપણા ગુજરાતીઓ હસતાં હસતાં કહે છે, ‘દુબઈની કમાણી, દુબઈમાં સમાણી….’ પહેલાં તો અનેક પ્રકારના સાધનો ખરીદવાનાં અને પછી આખી જિંદગી એને અપડેટ કરતાં રહેવાનું – આમ ને આમ જ જીવન ચાલ્યું જાય છે ! સવાલ એ નથી કે આ બધું ખોટું છે, સવાલ એ છે કે આપણા માટે આટલું બધું જરૂરી છે ખરું ? ચારેતરફની ઝાકઝમાળ અને આંખો આંજી દે તેવી ચકાચૌંધ આ દુનિયામાં આપણે આપણા વિવેકનો દીપ પ્રગટાવેલો રાખીએ તો જ અહીં નિરાંતે ફરી શકાય તેમ છે.

મારી વ્યક્તિગત વાત કરું તો મારે બહાર જમવાનું ઘણું ઓછું થાય છે. વર્ષમાં કદાચ એકાદ-બે વાર હોટલમાં જવાનું થાય તો થાય. પરંતુ હવે એમ સાંભળવા મળે છે કે ગુજરાતના મહાનગરોમાં રવિવારે તમામ મોટી હોટલોમાં રાહ જોવી પડે છે. જેમને 100 રૂ.નું ગુજરાતી પુસ્તક મોંઘુ પડતું હોય એવા અનેક લોકો રવિવારે સપરિવાર હોટલમાં જમીને 1000 રૂ.નું બિલ આરામથી ચુકવતા હોય છે. જેમ કપડાંની બાબતમાં અમુક બ્રાન્ડના કપડાં સ્ટેટ્સ ગણાય છે તેમ અમુક હોટલોમાં અમુક પ્રકારની ડિશ ઑર્ડર કરવી એ પણ હવે સ્ટેટ્સ ગણાય છે. જમવાની વાત ભાખરી-શાક પૂરતી સીમિત નથી રહી. વ્યવસ્થિત લંચ-ડિનર માણવા માટે ચાઈનિઝ-મેક્સિકન-થાઈ જેવા વિવિધ ફૂડનો ઊંડો અભ્યાસ હોય એ જરૂરી છે. ક્યા પ્રકારની ડિશમાં કેવા પ્રકારના મસાલા હશે, કેવા પ્રકારનું ગાર્નેશિંગ હશે, એની સાથે મેચિંગમાં બીજી કઈ ડિશ ઑર્ડર કરી શકાય એનું તમને જ્ઞાન હોવું જોઈએ, નહીં તો શિરા સાથે મેગી ખાધા જેવું થાય ! જમવાની બાબત એટલી કોમ્પ્લિકેટેડ થતી જાય છે કે એકસરખા નામ ધરાવતી અનેક વાનગીઓ આરોગનારને પોતાને જ ખબર નથી હોતી કે એ કઈ વાનગી જમી રહ્યા છે ! તે છતાં લોકો દેખાદેખી એકબીજાનું જોઈને શીખવાનો પ્રયાસ કરતાં હોય છે. દુબઈમૉલના વિશાળ ફુડકોર્ટમાં તમે અનેક વ્યંજનોમાં અપાર વૈવિધ્ય જોઈ શકો છો. ભાતભાતનાં પીણાં, વાનગીઓ અને આઈસ્ક્રીમનો અહીં પાર નથી. જે માંગો તે બધું જ મળે છે. દુનિયાની દરેક પ્રકારની વેજ/નોન-વેજ વાનગીઓનો આ જાણે મોટો દરિયો છે ! ઊંચા કદના હટ્ટાકટ્ટા પરદેશીઓ તો પિઝાને પૂરીની જેમ ખાઈ જતાં જોવા મળે છે ! રાત્રે 11-12 વાગ્યે પણ આ ભીડ જરાય ઓછી નથી થતી. જ્યારે આપણા ગામડાંઓમાં રાત્રે વાળું કરીને રામસાગર પર એક-બે ભજનો ગાઈને સૌ જંપી ગયા હશે, ત્યારે દુનિયાના આ બીજા છેડે આટલા બધા માણસો અડધી રાત્રે અહીં હજુ જમી રહ્યાં છે એ જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. વાહ પ્રભુ, તારી દુનિયા !

દુબઈમૉલનું અન્ય આકર્ષણ છે ‘ઍક્વેરિયમ’. આ વિશાળ ઍક્વેરિયમમાં દરિયાઈસૃષ્ટિની ઝલક જોવા મળે છે. શાર્ક, વ્હેલ સહિત વિવિધ પ્રકારની માછલીઓ અહીં જોઈ શકાય છે. લાકડાની સબમરીનમાં અંદર પ્રવેશતાં સમુદ્રના પેટાળમાં ડૂબકી લગાવ્યા જેવો આનંદ મળે છે. દુબઈમૉલની મુલાકાત લઈને અમારે બરાબર રાત્રે 8:15 કલાકે વિશ્વના સૌથી ઊંચા એવા ‘બુર્જ ખલિફા’ના પ્રવેશદ્વાર પાસે પહોંચવાનું હતું. અમારું બુકિંગ 8:30 કલાકનું હતું. ‘બુર્જ ખલિફા’ની મુલાકાત માટે ઓનલાઈન બુકિંગ અગાઉથી કરાવવું પડે છે. રજાના દિવસે ખાસ કરીને જલ્દીથી ટિકિટ મળતી નથી. આ સ્થળની મુલાકાત માટે એકદમ યોગ્ય સમય સાંજે 6 થી 8 નો છે કારણ કે એ સમયે દિવસ અને રાત્રી – એમ બંનેનો નઝારો જોવા મળે છે. પરંતુ એ સમયની ટિકિટ મળવી દુર્લભ છે. પ્રવેશદ્વારની પાસે આ બિલ્ડિંગનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે અને તેની કેટલીક વિગતો દર્શાવવામાં આવી છે. 200 કરતાં વધુ માળની આ ગગનચુંબી ઈમારતમાં પ્રવાસીઓને 124મા માળે લઈ જવામાં આવે છે. ત્યાં ઑબ્ઝર્વેટરી બનાવવામાં આવી છે. આ ઈમારતનું વજન 5,00,000 ટન છે. તેમાં 57 ઍલિવેટર છે અને આશરે 12,000થી પણ વધારે કન્સ્ટ્રક્શન કંપનીઓએ તેની માટે કામ કર્યું છે. બાંધકામ શરૂ થયા બાદ પ્રત્યેક વર્ષે એની ઉંચાઈ કેટલી વધારવામાં આવી તેની વિગતો ત્યાં લખેલી જોવા મળે છે. સિક્યોરિટિની તપાસ બાદ બે માળ જેટલું એસ્ક્લૅટર દ્વારા ચઢીને ઍલિવેટરના દરવાજા સુધી પહોંચવાનું હોય છે. ‘બુર્જ ખલિફા’ મુખ્યત્વે ‘At The Top’ તરીકે ઓળખાય છે. એથી ઍલિવેટરના દરવાજા પાસે ‘At The Top’ લખેલું નજરે પડે છે. ઍલિવેટરમાં આશરે 15-20 જણને એક સાથે પ્રવેશ આપવામાં આવે છે. વિશ્વનું આ સૌથી ઝડપી ઍલિવેટર કહેવાય છે. તે આશરે 42.3 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉપર જાય છે પરંતુ તેમાં બેસનારને તેનો અણસાર સુદ્ધાં આવતો નથી. ઍલિવેટર શરૂ થયા બાદ મુખ્ય લાઈટ બંધ કરીને અંદર ઝગમગતી રોશની શરૂ કરવામાં આવે છે. તેમાં આજુબાજુ લગાડેલા LED સ્ક્રીન પર આ ઈમારતનો ઈતિહાસ બતાવવામાં આવે છે, સાથે સાથે મંદ સંગીત શરૂ થાય છે. પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવતાં જેમ આંકડાઓ ફરતા જાય તેમ ઍલિવેટરના સ્ક્રીનમાં માળની સંખ્યા વધતી જાય છે અને તે સાથે સંગીતની ઝડપ પણ વધતી જાય છે. આશરે 45 સેકન્ડમાં 124માં માળે પહોંચતા રોમાંચ થઈ આવે છે. અહીં વિશાળ ખુલ્લી ગૅલરીને કાચની દિવાલો છે. પવનના સૂસવાટા અનુભવી શકાય છે. દૂર દૂર સુધી જોતાં આખું દુબઈ લગ્નમંડપના શણગારેલા માંડવા જેવું લાગે છે. ચારે તરફ ઝગમગાટ અને રોશની દેખાય છે. ‘બુર્જ ખલિફા’ના પ્રાંગણમાં સતત બે કલાકે યોજાતો સંગીતમય ફાઉન્ટન-શૉ અહીં ઉપરથી પણ જોઈ શકાય છે. આ ભવ્યતાને અનુભવતા એકવીસમી સદીના આ સ્થાપત્યને સલામ કરવાનું મન થાય છે. આશરે એકાદ કલાકનો સમય પસાર કરીને અમે નીચે આવ્યાં અને પહેલા દિવસનો પ્રવાસ પૂરો કરીને રાત્રે હોટલ પરત ફર્યા.

બીજો આખ્ખો દિવસ પસાર કર્યો દુબઈના બે વિશાળ મૉલ જોવામાં. મોટેભાગે ટૂર-ઑપરેટરો બપોર પછી કે સાંજની ટૂર રાખે છે જેથી પ્રવાસીઓ દિવસ દરમ્યાન મૉલ વગેરેમાં જઈને ખરીદી કરી શકે. ત્યાંના નિવાસી એક વાચકમિત્ર સાથે હું સૌપ્રથમ ‘The Mall of Emirates’ જઈ પહોંચ્યો. અગાઉ જણાવ્યા પ્રમાણે, અહીંના કોઈ પણ મૉલના બીજા છેડે સુધી પહોંચવું મુશ્કેલ છે. વિશ્વની અનેક મોટી બ્રાન્ડની દુકાનો અહીં જોવા મળે છે. આ મૉલનું મુખ્ય આકર્ષણ છે ‘Ski Dubai’. મૉલની અંદર જાણે સ્વીઝરલૅન્ડ ઊભું કરવામાં આવ્યું છે ! આ વિભાગમાં ચારેકોર બરફ છવાયેલો રહે છે. અંદરનું તાપમાન -2 ડિગ્રી જેટલું રાખવામાં આવે છે. બરફ પર સરકવા માટે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે અને તે માટેનો પહેરવેશ મેળવવા માટે એક અલાયદો વિભાગ ઊભો કરવામાં આવ્યો છે. ટિકિટ મેળવીને સૌપ્રથમ તમારે તમારો પહેરવેશ પસંદ કરવાનો હોય છે. એ પછી અંદર પ્રવેશ કર્યા બાદ જુદા જુદા વિભાગોની મુલાકાત લઈ શકાય છે. દૂર બરફના પર્વત સુધી જવા માટે રૉપ-વે સહિત ટ્રૉલીઓ ફરતી રહે છે. બાળકો માટેના અલગ આકર્ષણો છે. આ વાતાવરણમાં પ્રવેશ્યા બાદ તમે યુ.એ.ઈ.માં છો તે ભૂલી જવાય છે ! ખરેખર, ધનની શક્તિ કેટલી બધી છે કે તે રણમાં પણ બરફવર્ષા કરાવી શકે છે ! આ મૉલમાં ત્રણેક કલાક પસાર કર્યા બાદ હું અમારા વાચકમિત્ર સાથે ‘IBN Battuta’ મૉલ જઈ પહોંચ્યો. અરબી સાહસીક પ્રવાસીના નામ પરથી આ મૉલનું નામ રાખવામાં આવ્યું છે. આ થિમ પર આધારિત શૉપિંગ મૉલ છે. અહીં 275 જેટલી દુકાનો સહિત 50 રેસ્ટોરન્ટ અને ફૂડકોર્ટ છે. 21 સ્ક્રીનના થિયેટર ઉપરાંત IMAX થિયેટર પણ છે. આ મૉલ છ વિભાગમાં વહેંચાયેલો છે જેને આ પ્રમાણે નામ આપવામાં આવ્યા છે : China court, India court, Persia court, Egypt court, Tunisia court અને Andalusia court. જે તે વિભાગને તેના નામ પ્રમાણે શણગારવામાં આવ્યો છે. જેમ કે, ભારતના વિભાગમાં વિશાળ કદનો હાથી અને ગામઠી પહેરવેશ પહેરેલા સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યા છે. આજુબાજુની દિવાલો પર નકશીકામ જોઈ શકાય છે. એ રીતે ચીનના વિભાગમાં પ્રવેશતાં વિશાળકદનું વહાણ, ખડકો, લાલ રંગની દિવાલો અને ડ્રેગનની જુદી જુદી આકૃતિઓ નજરે પડે છે. તમે જે તે રાષ્ટ્રમાં જઈને ત્યાંથી ચીજવસ્તુઓ ખરીદી રહ્યા હોવ એવો અનુભવ થાય છે. દરેક વિભાગો એટલા મોટા છે કે ત્રણ-ચાર કલાકનો સમય ફાળવ્યા બાદ પણ તમે માંડ બે-ત્રણ વિભાગો જોઈ શકો છો.

બીજા દિવસની રાત્રે દુબઈની ઓળખ સમી ‘dhow cruise’ ની સફર માણવાનો લ્હાવો મળ્યો. ખાસ પ્રકારની બોટ દ્વારા દુબઈ ક્રીકની યાત્રા કરાવતા અહીં ટેરેસ પર મૅજિક-શૉ બતાવવામાં આવે છે. રાત્રિના સમયે વાતાવરણમાં ગરમી ન હોવાથી આ સફર આરામદાયક લાગે છે. મારી સાથે એક પાકિસ્તાની પરિવાર હતો અને એમની નાની દીકરીઓ ખૂબ મજાક-મસ્તી કરતાં શણગારેલી ઊંચી ઈમારતોના ફોટા પાડી રહી હતી. એ દીકરીઓને જ્યારે ખબર પડી કે હું ભારતથી છું ત્યારે એમણે એના પિતાજીને પૂછ્યું, ‘ડેડી, ઈન્ડિયા પાકિસ્તાન કરતાં મોટું છે ?’ તેમની નિર્દોષ રમતોની મજા માણતાં સફર આગળ વધી રહી હતી. એકાદ કલાક બાદ બોટમાં જ અમને ડિનર પીરસવામાં આવ્યું. બે-અઢી કલાકની સફરમાં દુબઈની આ ખાડીના બંને છેડાનો સ્પર્શ કરીને અમારી બોટ યથાસ્થાને પરત ફરી. મોડી રાત્રે હોટલ પરત ફર્યા બાદ આજની સફરના યાદગાર અનુભવો મેં નોંધી લીધા.

ત્રીજા દિવસે ઘણા બધા વાચકમિત્રોને મળવાનું થયું અને એમની સાથે ત્યાંની જીવનશૈલી અંગે કેટલીક બાબતો જાણવા મળી. દુબઈમાં મોટેભાગે કેરેલાના લોકોની વસ્તી વધારે છે. આથી મોટે ભાગે ત્યાંની શાળામાં કેરેલાની શિક્ષિકાઓ વધુ હોય છે. વળી, તેઓ થોડો સમય નોકરી કરીને અન્ય ક્ષેત્રોમાં ચાલ્યા જાય છે તેથી શાળામાં શિક્ષિકાઓ સતત બદલાતી રહે છે. એક વાચકમિત્ર મને જણાવી રહ્યા હતા કે, આ જ કારણે આપણા ગુજરાતી બાળકોની બોલીમાં ક્યારેક દક્ષિણ ભારતીય અંગ્રેજીની છાંટ વર્તાય છે. તેમના ઉચ્ચારો જાણે તમિલ જેવા થઈ જાય છે ! વળી, શાળામાંથી બાળકોને ઈન્ટરનેટથી ડાઉનલોડ કરવાનું પુષ્ક્ળ કામ સોંપવામાં આવે છે. ક્યારેક તો ભણાવવા કરતાં ડાઉનલોડનું કામ વધી જાય છે ! જો કે બધી શાળાઓમાં આમ નથી થતું પરંતુ ઘણીવાર એવું બને છે કે જે શાળા યોગ્ય લાગતી હોય તે રહેઠાણથી ખૂબ દૂર હોય અને પરિણામે બાળકને સવારના ટ્રાફિકને કારણે વહેલા ઊઠીને ત્રણ કલાક સ્કૂલબસમાં જ પસાર કરવા પડે ! આ હાડમારી ન થાય એ માટે માતાપિતા બાળકને નજીકની શાળામાં મૂકવાનું વધુ પસંદ કરે છે. બાળકોને અહીં અંગ્રેજી સાથે અરબી ભાષા શીખવી પડે છે. માતા-પિતા નોકરી-વ્યવસાય અર્થે દુબઈ આવ્યા હોવાથી એમને અરબી શબ્દોનો બહુ પરિચય હોતો નથી. આ કારણે ઘણીવાર એવું બને છે કે કેટલાક નવા અરબી શબ્દો માતાપિતાને બાળકો પાસેથી શીખવા મળે છે ! ગમે તેટલા વર્ષ સુધી રહેવા છતાં દુબઈમાં કાયમી નિવાસી બની શકાતું નથી. અહીં તમને મકાન ફક્ત ભાડે મળે છે. સારા વિસ્તારોમાં આશરે 50,000 થી 65,000 DHS નું વાર્ષિક ભાડું હોય છે જ્યારે શારજહા જેવા દૂરના વિસ્તારોમાં આશરે 25,000 થી 35,000 DHS નું ભાડું હોય છે. અહીંના ઘરો સુંદર અને અદ્યતન સુવિધાવાળા હોય છે. પોતાના ફર્નિચર સિવાય ઘરના સમારકામની કોઈ ચિંતા ભાડુઆતે કરવાની હોતી નથી. એ.સી.થી લઈને પ્લમ્બિંગ સુધીનું તમામ સમારકામ એક ફોન કરતાંની સાથે તુરંત જ થઈ જાય છે. હવા-ઉજાસવાળા ફલેટોમાં પણ ગરમ હવાને કારણે બારી-બારણાં બંધ કરીને સતત એ.સી. ચાલુ રાખવું પડે છે. પરદેશની એક સ્વાભાવિક લાક્ષણિકતા છે કે અહીં પડોશી કોણ છે એની કોઈને ખબર હોતી નથી. પરંતુ આમાં અપવાદ હોઈ શકે છે. અમારા એક વાચકમિત્ર કહી રહ્યા હતાં કે તેમના પડોશમાં બે-ત્રણ પાકિસ્તાની કુટુંબો છે અને તેમની સાથે એમના પરિવારને એટલો બધો ઘરોબો છે કે ભારતથી આવેલા તેમના માતા-પિતાને પણ જમવા માટે પડોશીઓ બોલાવે છે. નાત-જાત, ધર્મના ભેદભાવ અંગે મીડિયા ભારતમાં જે સનસનાટી ફેલાવ્યા કરે છે એવું અહીં કશું જ નથી. સૌ સાથે મળીને એકમેકના થઈને રહે છે. પરસ્પર એકમેકના તહેવારો ઉજવે છે અને સૌને આદર આપે છે. ‘માણસ’ નામનું એકમાત્ર લેબલ અહીં ચાલે છે, અન્ય કોઈ લેબલોને સ્થાન નથી. ‘વસુદૈવ કુટુંમ્બકમ’નો મંત્ર અહીં આચરણમાં મૂકાયેલો જોઈ શકાય છે. જુદા જુદા દેશોમાંથી આવેલા લોકો સાથે રમીને બાળકો મોટા થાય છે, જેથી એક કરતાં વધુ ભાષાઓ તેઓ સમજી શકે છે. નોકરી કરતાં લોકો જે તે તહેવારની એ જ દિવસે ઉજવણી કરી શકતાં નથી, પરંતુ એ નિમિત્તે શુક્ર-શનિવારે ભેગા થતાં હોય છે. ખુલ્લા મેદાનોમાં બાળકો ક્યારેક વગર ઉત્તરાયણે પતંગ ચગાવવાની મજા માણી લે છે. ફટાકડાં જાહેરમાં ફોડી શકાતાં નથી પરંતુ અમુક નિશ્ચિત સ્થાનોમાં સામાન્ય દારૂખાનું ફોડી શકાય છે. દુબઈ ગુજરાતી સમાજના કાર્યક્રમો અવારનવાર યોજાતા રહે છે. સત્સંગની ઘણી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. નોકરિયાત લોકો માટે દુબઈનું જીવન આમ તો મુંબઈ જેવું છે પરંતુ જરા વધારે સ્પષ્ટાપૂર્વક કહેવું હોય તો એમ કહી શકાય કે : મુંબઈને ઝીણી ગળણીથી ગાળી લેતાં જે કંઈ બાકી બચે તે દુબઈ. એટલે કે ટ્રાફીક, ભીડ, હાડમારી, ઘોંઘાટની અશુદ્ધિઓ ઉપર રહી જાય અને ગળાઈને શુદ્ધ રૂપે મળે નવી ટેકનોલોજી, સ્થિર આવક અને ઉત્તમ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ.

દુબઈમાં ફરવા માટે સૌથી સરળ માધ્યમ છે મેટ્રો ટ્રેન. જો તમારે વધારે ફરવાનું હોય તો ટિકિટ લેવા કરતાં 20 DHS નું કાર્ડ કઢાવી લેવાનું સસ્તું પડે છે. જમીનની અંદર આવેલા મેટ્રો સ્ટેશનના કોઈ પણ કાઉન્ટર પરથી તમને આ કાર્ડ મળી જાય છે. 20 DHS ના કાર્ડની સામે તેમાં 14.50 DHS જેટલું બેલેન્સ મળે છે. જ્યારે પણ તમે મેટ્રોની મુસાફરી કરવા ઈચ્છો ત્યારે તમારે આ કાર્ડ ત્યાંના મશીન પાસે ટચ કરવાનું હોય છે. એ કર્યા પછી જ Entry/Exit નો દરવાજો ખૂલી શકે છે. આ સુવિધામાં તમારા કાર્ડમાંથી કેટલી રકમ બાદ થઈ છે અને છેલ્લી કેટલી બેલેન્સ રકમ રહી છે, એ પણ બતાવવામાં આવે છે. કાર્ડ આશરે પાંચ-સાત વર્ષ સુધી ચાલે છે. તમારે જરૂરિયાત પ્રમાણે એમાં રકમ ઉમેરતાં રહેવાનું હોય છે. ચકચકિત મેટ્રો સ્ટેશન તથા મેટ્રો ટ્રેનની સ્વચ્છતા અને સુઘડતા ઊડીને આંખે વળગે તેવાં છે. ટ્રેનમાં આટલી શાંતિથી મુસાફરી કરી શકાય એ દશ્ય જ ભારતના લોકોને આશ્ચર્ય પમાડે તેવું છે. ન કરવી હોય તો પણ મુંબઈની ટ્રેનો અને ગુજરાત ક્વીન જેવી અપડાઉનની ટ્રેનો સાથે તેની સરખામણી થઈ જાય છે. ક્ષણિક મનમાં થઈ આવે છે કે આપણે ત્યાં પણ મુસાફરી આટલી આરામદાયક બને તો કેટલું સારું, પણ પછી વસ્તીનો ખ્યાલ આવતાં મનને વાળી લેવું પડે છે.

ત્રીજા દિવસની સાંજે ખૂબ જ પ્રખ્યાત એવી ‘ડેઝર્ટ સફારી’ની રોમાંચક મજા માણવા માટે મારે તૈયાર રહેવાનંઅ હતું. ટૂર-ઑપરેટર બરાબર સાડાચાર વાગ્યે મને લેવા માટે હોટલ પર આવી પહોંચ્યા. રસ્તામાંથી અમે એક બીજા પ્રવાસીને પણ સાથે લીધા. તેઓ બાંગ્લાદેશના નિવાસી ડૉક્ટર હતા. ખૂબ જ ઋજુ સ્વભાવના આ ડૉક્ટર ગાંધીવિચારધારાના પ્રેમી હતા. જ્યારે તેમણે જાણ્યું કે હું ગુજરાતથી છું ત્યારે એમણે ગાંધીજીના કયા પુસ્તકો વાંચ્યા છે એ અંગે મને વિસ્તારથી વાત કરી. વિનોબા-ગાંધી પ્રત્યે એમના મનમાં અપાર આદર હતો. ડૉક્ટર ખૂબ મિલનસાર સ્વભાવના હતા. ટૂંક સમયમાં જ જાણે અમે ખૂબ પરિચિત મિત્રો બની ગયા. 70 કિ.મી.ની સફર કાપીને અમે થોડા સમયમાં રણવિસ્તાર તરફ જઈ પહોંચ્યા. દૂર દૂર સુધી રેતીના ઢોળાવો નજરે ચઢતા હતા. પહોળા રસ્તાઓની બંને તરફ રેતીની ટેકરીઓ હતી. મુખ્ય દરવાજાની પાસે અમારી જેમ ઘણા બધા લોકો આવી પહોંચ્યા હતાં. અહીંથી અમારે અમારી કાર બદલવાની હતી. રણમાં અંદર જવા માટે અહીં ‘Land cruiser’ જેવી મજબૂત અને સક્ષમ કારનો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ટુર ઑપરેટરે જણાવ્યા મુજબ હું અને ડૉક્ટર – અમે બંને એક બીજી કારમાં જઈને બેઠાં. ત્યાં અમારી સાથે એક ચાઈનીઝ ભાઈ હતા. અમારી આગળ એક અમેરિકન કપલ હતું અને એની આગળની સીટ પર એક રશિયન દંપતિ હતું. આમ, જાણે બધા જ જુદા જુદા દેશના લોકોનો સમન્વય થયો હતો. ડ્રાઈવર ત્યાંના નિવાસી અરેબિયન હતા. તેમને રણમાં ચલાવવા માટે વિશિષ્ટ તાલીમ લેવી પડે છે. સરકાર તરફથી એમને આ માટે ખાસ મંજૂરી આપવામાં આવે છે. એમનો પહેરવેશ પણ ત્યાંનો વિશિષ્ટ પોશાક હતો.

બધાએ બરાબર સીટબેલ્ટ બાંધી લેવાનો હતો. કારમાં ફૂલ એ.સી. રાખવામાં આવ્યું હતું. અરેબિયન મ્યુઝીક શરૂ થતાંની સાથે જ અમારી કાર ઝડપભેર રેતીના ઢૂવાઓ તરફ દોડવા માંડી. વાંકા-ચૂંકા, ઊંચા-નીચા ઢૂવાઓ પરથી કાર ઊંચે ચઢીને નીચે પછડાતી ત્યારે સૌના મોમાંથી આછી ચીસ નીકળી જતી. જાણે કોઈ રાઈડમાં બેઠા હોઈએ એમ લાગતું હતું. ખાસ કરીને ડેઝર્ટ સફારીની આ મુસાફરી બહુ રોમાંચક અને થ્રિલિંગ માનવામાં આવે છે પરંતુ મને એમાં કંઈ થ્રિલિંગ જેવું લાગ્યું નહીં ! મારી બાજુમાં બેઠેલા ડૉક્ટર મને પૂછી રહ્યાં હતાં કે તમને કંઈ ડર જેવું નથી લાગતું ? મેં તેમને હસતાં હસતાં કહ્યું કે ‘અમારે ત્યાં અમદાવાદ-વડોદરામાં તમે ચોમાસામાં ઑટોરીક્ષા કરો તો આવા જ અનુભવો થાય ! એટલે હું એનાથી ટેવાઈ ગયો છું ! વળી, રીક્ષામાં તો સીટબૅલ્ટ પણ ના હોય…..! એટલે આમાં તો કશું જ ગભરાવા જેવું નથી.’ મને તો ખખડધજ એસ.ટી. બસ અને રીક્ષા કરતાં ઘણું સારું લાગતું હતું. પરંતુ મારી આજુબાજુ બેઠેલા લોકો થોડા નર્વસ થઈ ગયા હતા. એટલામાં અમારી ગાડી રેતીના એક ઢૂવા પર ફસાઈ એટલે અમારે સૌએ નીચે ઊતરવું પડ્યું. બધાને જરાક રાહત થઈ. ડ્રાઈવરે પાવડો લઈને રેતી ખસેડવા માંડી. અમે સૌ ત્યાં સુધી ફોટોગ્રાફી કરવામાં રોકાયા. મારી સાથે ચાલી રહેલા ડૉક્ટર મને કહી રહ્યા હતા કે ‘તમે મૂળ શુદ્ધ શાકાહારી છો એટલે તમને કંઈ ન થયું. અમે બધા સ્વાભાવિક રીતે જ નોન-વેજીટેરિયન છીએ. એટલે અમારા મન થોડા નબળાં હોય છે. અમે આ બધું સહન કરી શકતાં નથી. શાકાહારી લોકોમાં મનની શક્તિ બહુ હોય છે. ખરેખર, તમે શાકાહારી છો એ બહુ મોટી સિદ્ધિ છે….’ મને એમની વાત સાંભળીને આશ્ચર્ય થયું કારણ કે જે આપણા માટે સહજ હોય છે એ બીજાને સિદ્ધિ જેવડું મોટું લાગતું હોય છે. ગળથૂથીમાંથી મળી ગયેલી બાબતો ગર્વ લેવા જેવી હોય છે, એ જાણીને આનંદ થયો. ફરી પાછા અમે ગાડીમાં ગોઠવાયા અને એકાદ કલાકની કૂદાકૂદ કરીને છેલ્લે કેમ્પ વિસ્તારમાં જઈ ચઢ્યા. ખુલ્લા આકાશમાં રેતીની ટેકરીઓ પાછળ ધૂંધળો બની ગયેલો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો, તો બીજી તરફથી ચાંદામામા ડોકિયું કરી રહ્યાં હતાં. આકાશમાં બહુ તારાઓ દેખાતા નહોતાં. કેમ્પ વિસ્તારમાં પ્રવેશતા ગોળ ફરતે ગામઠી રેસ્ટોરન્ટની જેમ ખાટલા અને તકીયા ગોઠવવામાં આવ્યાં હતાં. સૌ એવા થાકી ગયા હતા કે બધાએ એક સાથે ખાટલા શોધીને પડતું જ નાખ્યું ! અમારી સાથે જે ચાઈનીઝ મિત્ર હતા એમને ભાષાની ખૂબ તકલીફ થતી હતી. એમને અંગ્રેજી પણ સમજાતું નહોતું. ખાટલામાં બેઠા બેઠા વિચારતાં એમણે આ માટે એક ઉપાય શોધી કાઢ્યો. પોતાના હાથ જેવડા મોટા સેમસંગ ગેલેક્સી ફોનમાં એમણે અંગ્રેજી-ચાઈનિઝ ભાષાના અનુવાદની એપ્લિકેશન ખોલી. એમણે ચાઈનિઝ ભાષામાં ટાઈપ કરીને કંઈક લખ્યું અને પછી ‘Translate’ નું બટન દબાવી તેનું અંગ્રેજી કર્યું અને મને બતાવ્યું. તેઓ મને પૂછવા માગતાં હતાં કે ‘What is your name ?’ એ પછી મેં મારું નામ એમને અંગ્રેજીમાં લખીને આપ્યું અને તેમણે એનો ચાઈનીઝ અનુવાદ કર્યો. એમને મારા નામનું ઉચ્ચારણ કરતાં ભારે મુશ્કેલી પડી પણ મને એમાં ઘણું રમૂજ થયું. એ જ રીતે મેં એમનું નામ પૂછ્યું તો મને જાણવા મળ્યું કે એમનું નામ ‘સંચીલી’ છે. જો કે મને પણ એમના નામનું ઉચ્ચારણ કરતાં ઘણી જ મુશ્કેલી પડી. હું એમનું નામ ઉચ્ચારી શક્યો એનાથી એ ખુશ ખુશ થઈ ગયા ! ભાષાની ભીડ પડે ત્યારે ટેકનોલોજી કેવી મદદરૂપ થઈ શકે છે, એ પણ જાણવા મળ્યું. આ બધી નિર્દોષ પળોનો આનંદ ખૂબ યાદ રહી ગયો. કેમ્પમાં બેલે ડાન્સ અને લોકનૃત્ય પ્રદર્શિત કરવામાં આવી રહ્યા હતાં. એ સાથે ડિનરની વ્યવસ્થા હતી. શૉપિંગ માટે નાની-મોટી ઘાસની ટટ્ટીથી બનાવેલી દુકાનો, ઊંટ સવારી, મીની બાઈક-રાઈડ જેવાં અન્ય આકર્ષણો કેમ્પમાં હતાં. જમી પરવારીને ‘ડેઝર્ટ સફારી’નો રોમાંચક અનુભવ યાદ કરતાં અમે સૌ ગ્રુપફોટો લઈને છૂટાં પડ્યાં અને અમારા નિવાસ તરફ ગતિ કરવા લાગ્યાં.

જોતજોતામાં દુબઈ રોકાણનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. અહીં પ્રવાસીઓ મોટે ભાગે છેલ્લા દિવસે ખરીદી કરતાં હોય છે. ખરીદીમાં ખાસ કરીને અહીંના પ્રખ્યાત વિવિધ પ્રકારના ખજૂર, ચોકલેટ્સ અને ડ્રાયફ્રૂટ મુખ્ય છે. મીના બજાર જાણે કે વડોદરાનું મંગળ બજાર છે ! નાની-મોટી અનેક દુકાનોમાં વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ મળી રહે છે. દુબઈથી લોકો LED ટેલિવિઝનની ખરીદી ખાસ કરતાં હોય છે કારણ કે અહીં હોલસેલ વેપારીઓ પાસેથી (મૉલમાંથી નહીં) તે ઘણી ઓછી કિંમતે મળી રહે છે. વળી, 32 ઈંચના ટીવી સુધી કોઈ ડ્યુટી ભરવાની હોતી નથી. ઍરપોર્ટ પર લગભગ દરેક જણના સામાન સાથે એક ટી.વી.નું બૉક્સ જોઈ શકાય છે. ખરીદીમાં થોડો સમય વીતાવીને ભોજન લીધું અને હું હોટલ પરત ફર્યો. હોટલની પાસેના વિસ્તારમાં એક હવેલી અને શિવમંદિર આવેલા છે તેમ જાણવા મળ્યું અને મેં મુલાકાત લેવાનું વિચાર્યું. બે-ચાર જણને પૂછતાં એ શેરીનો રસ્તો મળી ગયો. આસપાસમાં વિશાળ મસ્જિદ અને કેટલીક દુકાનો આવેલી હતી. કોઈ પણ દુકાનમાં મંદિરનો રસ્તો પૂછતાં મુસ્લિમચાચા બહાર નીકળીને રસ્તો બતાવતાં હતાં – એ એક સ્મરણીય ઘટના હતી. જો કે બપોરનો સમય હોવાથી મંદિર બંધ હતાં એથી બહારથી જ દર્શન કર્યાનો આનંદ મેળવ્યો.

હવે દુબઈને અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. સમીસાંજે ટ્રાફિકમાંથી પસાર થતાં હૉટલની કાર મને એકાદ કલાકે ઍરપોર્ટ છોડી ગઈ. સામાન સહિત મેં ફરીથી ઈન્દ્રલોકમાં એટલે કે દુબઈના ઍરપોર્ટમાં પ્રવેશ કર્યો. સિક્યોરિટી, કસ્ટમ અને ઈમિગ્રેશનની તમામ ઔપચારિકતાઓ પતાવીને બીજા માળે બેસવાનું હતું. આ વિશાળ પરિસર ‘Duty Free’ માર્કેટ તરીકે પ્રખ્યાત છે. સેંકડો દુકાનોમાં દેશ-વિદેશની હજારો ચીજવસ્તુઓ જોવા મળે છે. વિશ્વના અનેક પ્રવાસીઓ અહીંથી પુષ્કળ ખરીદી કરે છે. લોકોને આટલું બધું શું ખરીદવાનું હશે એવો પ્રશ્ન વારંવાર મનમાં થયા કરે છે ! જેઓ આગળ જતી ફલાઈટમાં વચ્ચે થોડો સમય માટે અહીં રોકાયા હોય તેઓ પણ ખરીદી કરવાનું ચૂકતા નથી. થોડી વાર બાદ અમદાવાદ જતી ફલાઈટ માટે 212 નંબરના દરવાજા પાસે હું જઈ પહોંચ્યો. દરવાજા પાસે જાણે મીની ગુજરાત ભેગું થયું હતું ! રાત્રિની આ એક જ ફલાઈટ હોવાને કારણે ભીડ વધારે હતી. લોકો ભાતભાતની વાતો કરીને સમય પસાર કરી રહ્યાં હતાં. સમય કરતાં અડધો કલાક મોડી ઊપડેલી મારી ફલાઈટ જ્યારે મધ્યરાત્રિએ કચ્છની સરહદથી ભારતમાં પ્રવેશી ત્યારે અનોખો રોમાંચ થઈ આવ્યો અને એમ મોટેથી બોલવાનું મન થઈ આવ્યું કે ‘सारे जहां से अच्छा हिंदोस्तान हमारा……’.

દુબઈની રોમાંચક સફર પૂરી થઈ. ઘણું બધું નવું જોવા, જાણવા અને શીખવા મળ્યું અને સાથે સાથે જે આપણી પાસે અગાઉથી જ છે તેનો ગર્વ પણ થયો. ચિત્રકાર જેમ પોતાનું ચિત્ર બનાવ્યા બાદ તેને દૂરથી જુએ છે તેમ ભારતની મહેંક ભારતની બહાર રહીને દૂરથી માણવાનો અવસર મળ્યો. ટેકનોલોજી, સ્વચ્છતા, સુઘડતા, શિસ્ત અને નિયમિતતામાં વિશ્વના અનેક દેશો આપણાથી આગળ છે અને એ માટે તેઓ પ્રતિબદ્ધ છે એમ જાણીને તેમની આ સિદ્ધિને સલામ કરવાની ઈચ્છા થઈ. એ સાથે પરંપરાગત જીવન, પારિવારિક સ્નેહ, શીલ અને સંયમી જીવનની આપણી વિચારધારા તથા આપણું ભારતીય દર્શન અને આપણી આંતરિક સમૃદ્ધિ કેટલાં અગત્યનાં અને મહત્વનાં છે એ પણ સમજાયું. પરિવાર સાથે હિંચકા ખાવાનો આનંદ, પાડોશી સાથે ભેગાં બેસીને તુવેરો ફોલવાનો આનંદ, ઉનાળામાં ધાબે ગાદલાં પાથરીને અલકમલકની વાતો કરવાનો આનંદ અને એવા તો કોણ જાણે કેટલાય આનંદ આપણને સાવ અનાયાસ મળી ગયા છે, જેણે આપણને શૉપિંગ સિન્ડ્રોમથી બચાવી લીધા છે – એ વાતનું ગૌરવ થયું. ખેર, આ કંઈ તુલનાત્મક અભ્યાસ નથી. દરેક દેશની પોતાની સંસ્કૃતિ અને પરંપરા છે. જે જ્યાં છે ત્યાં બરાબર છે. આપણે જેટલું શુભ છે એટલું લઈને ચરૈવેતિ-ચરૈવેતિની જેમ ચાલતાં રહેવાનું છે કારણ કે જીવન સતત ચાલતું રહે છે. ગુણ-દોષનું પૃથ્થકરણ કરવા કરતાં જ્યાં છીએ ત્યાં ભારતીય બનીને રહીએ તોય ઘણું. ફરી ક્યારેક અન્ય કોઈ વાચકમિત્રો સાથે અન્ય દેશોની મુલાકાત લેવાનું આયોજન થશે તો પુનઃ આપની સામે મારા અનુભવો લઈને ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી સૌને પ્રણામ !!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચંદરવો – દિનેશ પાંચાલ
પ્રતિનિધિ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી) Next »   

67 પ્રતિભાવો : દુબઈની યાદગાર સફર – મૃગેશ શાહ

 1. ajitgita says:

  આદ્ભુત્ I felt that હ જાતે જ દુબઈ ફિર ર્હ્યો હોઉ.
  Fantastic experience.By this way i happened to be there bcz of your nice writings.thanks a lot for all this.

 2. Chirag Vithalani says:

  તમારો દુબઈ પ્રવાસ વાંચવાની બહુ મજા આવી. રૂબરૂ પ્રવાસ કર્યો હોય તેવું સુંદર વર્ણન કર્યું છે.

 3. dolat vala zamrala ૯૩૭૪૮૯૩૨૦૫ says:

  આપનો દુબઇ પ્રવાસ વાચી અને ચિત્રો જોઇ અનહદ આનંદ થયો આભાર

 4. Chandrakant Lodhavia says:

  શ્રી મૃગેશભાઈ,
  દુબઈનું પ્રવાસ વર્ણ ખુબ સુંદર થયું છે. વાંચતા એવી અનુભુતિ થઈ કે તમારી સાથે હું પણ સહપ્રવાસ ક્રરી રહ્યો છું. પ્રવાસની ઘણી વાતો ચિવટથી બારીકાઈ પૂર્વક કરી છે. આપે ઘરબેઠે દુબઈ પ્રવાસ કરાવ્યા બદલ આનંદ આપ્યા બદલ આભાર્.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 5. kalpana desai says:

  આ લેખ વાંચીને દુબઈ જવાનું મન ના થાય તો જ નવાઈ!સરસ વર્ણન.

 6. chintan says:

  સર ખુબજ સરસ લખાન તમે લય્ખુ ચે તમરો ખુબ્ખુબ આભર્

  જય હિન્દ્

 7. Harsh says:

  ખુબ સરસ વર્ણન . . .. .

 8. Hemant Milishia says:

  are Mrugeshbhai, ame yajman banvano moko chuki gaya. ane ha dubai jova mate 4 divas to ochha pade.. minimum 10 days jaruri chhe..fari planning karo tyare khas janavjo. sundar lekh…

 9. manilalmaroo says:

  really good and best, with100%true, beacuse my daughter is living there and usuvally i goto dubai really good place to see and enjoy. i like your writting and blouge. thankyou. manilal,m,maroo marooastro@gmail.com

 10. Dipam Zaveri says:

  સરસ લેખ્

  દુબઈ જઈ ને જાણવાનુ મન થઈ ગયુ.

  જો ક્યારેક જવાનુ થશે તો આપનો સમ્પર્ક કરેી ને વધારે માહિતિ આપવા વિનતેી.

  આભાર…

 11. PATHAK RASHMIN says:

  મ્રુગેશ્ ભઇ,

  પ્રવાસ નું આટલું રોચદાર શૈલી માં વર્ણન વાંચી કાકાકાલેલકર યાદ આવી ગયા
  કેટલાક વાક્યો સુવિચાર જેવા છે .શોપિંગ એક ફોબિયા (રોગ) થઇ ગયો છે
  તેમાંથી બચવું મુશ્કેલ તો છે જ પણ અશક્ય નથી .ઠીક છે ભાઈ કમાઓ ને ખર્ચો
  અસંતોષ ની આગ લાગી હોય ત્યારે લાયબંબા કંઇજ કામના નથી લેખ સર્વોતમ રહ્યો
  આવા લેખો આપતા રેહજો

 12. bhumika says:

  i will awaiting 4 this at very first when you declared for dubai trip.i m so happy to read it.i want to visit dubai once in life.
  i get so many information by reading this.thank you very much mrugheshbhai 4 share it.

 13. Devang Kharod says:

  I appriciate the feeling :‘सारे जहां से अच्छा हिंदोस्तान हमारा……’

  ……Always…

 14. Bijal Bangdiwala says:

  nice a lekh vachta aevu lagu ke hu pan dubai ma fri rhi chu

 15. સરસ મજા આઈ

 16. HEMANT says:

  હુ જાતે જ દુબઇ મા ફરતો હોય એવુ લાગ્યુ .આભાર .

 17. હર્ષ રાજેન્દ્રકુમાર જોષી says:

  નમસ્તે મૃગેશભાઈ,
  તમારા દુબઈ પ્રવાસવર્ણનની જે પૂર્વભૂમિકા છે એ ખરેખર સચોટ અને સરસ છે. વિશ્વપ્રવાસી ગુજરાતીઓએ આ પૂર્વભૂમિકામાંથી ઘણું શીખવા જેવું છે.

 18. nilam doshi says:

  great..we have also visited Dubai with your words..
  nice one..Mrugeshbhai..

 19. Moxesh Shah says:

  પ્રવાસ અનુભૂતિનો વિષય છે. – વાહ! ખૂબ સુંદર.

  “હર ફિક્ર કો શોપિંગ મે ઉડાતા ચલા ગયા”….પહેલાં તો અનેક પ્રકારના સાધનો ખરીદવાનાં અને પછી આખી જિંદગી એને અપડેટ કરતાં રહેવાનું – આમ ને આમ જ જીવન ચાલ્યું જાય છે !

 20. Chintan Oza says:

  મૃગેશભાઈ…દુબઈ પ્રવાસવર્ણન ખુબજ મસ્ત લાગ્યુ. આપનો લેખ વાંચીને હુ જ્યારે 6th મા હતો ત્યારે સ્કૂલમાથી ૨ દિવસનો પ્રવાસ આયોજીત થયો હતો અને એમા હુ અને મારી બહેન ગયા હતા તેનુ વર્ણન મે એક પત્ર દ્વારા મારા ફોઈને લખીને મોકલાવ્યુ હતુ તે યાદ આવી ગયું. ખરેખર..વાંચીને કોઈ અજાણ્યા પ્રદેશમા ફ્રરવા જવાની ઈચ્છા થઈ ગઈ. થેન્કસ ફોર શેરીંગ..

 21. Shivani says:

  Really nice one. Now i want to go Dubai.

 22. digam says:

  ખુબ જ સરસ ચ્હે …..
  waw ……………
  I like ……………………

 23. suryakantshah says:

  Dear Mrugesh

  Nice,Superb,excellant. The way yr presentation is such a way that we are in travelling. Command of Gujarati shailly is superb. keep it.

 24. રસપ્રદ આલેખન – જાણૅ પ્રત્યક્ષ પ્રવાસ માણ્યો હોય તેવો અનુભવ થયો.

  સહુ પોત પોતાના સ્થાને મહાન છે. જ્યારે સરખામણી થાય ત્યારે આનંદ ચાલ્યો જાય

  આપે ઘણું સમતોલ વર્ણન કરેલ છે.

  આવી રીતે વિધ વિધ પ્રદેશોની મુલાકાત લેતા રહો અને તેમનો આસ્વાદ અમને કરાવતા રહો તેવી અભ્યર્થના.

 25. Vasant Prajapati says:

  Really very good presentation of the article. i hv also visited dubai more then often bu t never elebrated to my family so nicely. first time i was their in hotel Astoria in 1993. & today dubai is different

 26. Dinesh says:

  મ્રુગેશ ભાઇ તમારો દુબઇ પ્રવાસ લેખ ખુબ જ સરસ લગ્યો.

 27. Bhupendra R Shah says:

  સ ર સ ) shooting, editing, and scoring rely on rhythm.

 28. Hemant Milishia says:

  Friends,

  I am living at Sharjah and working in Dubai. If you need any info or help when you r planning to come to UAE you can contact me. Most welcome.

  Email: hemcrown@gmail.com

  Hemant

 29. Mittal Patel says:

  ખુબ જ સરસ વર્ણન કર્યુ છે મ્રુગેશભાઈ… વાંચવાની મજા પડી ગઈ. અમે ફરવા ગયા હતા એની યાદ આવી ગઈ. ખુબ જ મજા પડી હતી અમને પણ.

 30. dipak prajapati says:

  good…….

 31. મ્રુગેશભાઈ
  સુન્દર લેખ. દુબઈની દરેક વાતો હૂબહૂ દર્શાવી છે. દુબઈને તમે જે રીતે જોયું અને માણ્યું એ દરેક પળને તમે દિલથી અનુભવીને વાચકને માટે જે રીતે રજૂ કરી છે આપને ધન્યવાદ. આ લેખ વાંચીને ઘણાં મિત્રો ને દુબઈ આવવાની ઈચ્છા થશે. હું તો દુબઈમાં છું , દુબઈની વાતો આપની કલમથી માણવાની મને પણ મજા આવી. વાચક મિત્રો તમને એટલું તો જણાવિશ કે મ્રુગેશભાઈ સાથે વાતો કરવાનો મને ઘણો સમય મળ્યો. ઉમદા વ્યક્તિત્વવાળા સરળ વ્યક્તિ છે , તમારા દેશમાં આવે તો એમને મળવાનું ચૂકશો નહીં .
  કીર્તિદા

  • PRAFUL SHAH says:

   BEN KIRTIDA, THANKS FOR YOUR KIND INVITATION AND FIRST LET ME THANK AND CONGRATULATE SHRI MUGESHBHAI SHAH, I LOVE HIM FOR HIS HARD WORK FOR WE GUJARATI OF GOPIO. I ALWAYS VISIT AND REQUEST MY SENIOR THREE CLUBS (3)- MEMBERS AND MANY MORE TO READ THIS GUJARATI WEB SITE I LOVE TO READ.
   I AM 89, STILL WILL TRY IF I MAY GET GOOD COMPANY NOT MORE BUT ONE OR TWO TO VISIT FROM USA. I VISITED EUROPE WITH 17 COUPLES IN 2005 ,NEARLY MIDDLE AGED OR NEARLY SENIORS, ONE YOUNG LADY WAS FROM INDIA WITH HER COLLEGE GOING GIRL, AND WAS REPENTING HOW I WILL ENJOY?
   I TOLD I AM N0T 81 TURN IT TO 18 I AM YOUNG DADAJI TO GIVE YOU COMPANY AND WE BOTH DADAJI AND GRAND-DAUGHTER ENJOYED THE TRIP. I AM AND WILL TRY TO VISIT THANKS.I LOVE THIS ARTICLE WORTH SHARING TO FRIENDS AND CREAT ATYRIP IF GOD PERMIT, IF NOT CALLED ME OR SEND RIDE FOR HAVEN OR HELL, I DON’T KNOW BUT ENJOY BUT JUST TO KNOW. I LOVE BHARAT BUT NOW AMERICAN WIFE INDIAN NRI, THINKING TO CONTINUE OR TO BE BACK INDIAN..SARE JHA SE ACHHA… WHERE YOU ENJOY AND POCKET PERMIT. DONT BORROW AND ENJOY, STAY IN LIMIT, SORRY TO ADVISE GRACE ME WITH A PRAYER TO GOD MY DREAM MAY COME TRUE THANKS, I WILL TRY TO SEE YOU, I HAVE SOME FRIENDS IN DUBAI ONE MORE THANKS.

 32. suhas gurjar says:

  અદભુત!

 33. DHARMESH TRIVEDI says:

  રસાળ શૈલિ મા પ્રવાસ વર્ણન વાચવા નિ ખરેખર ખુબ ખુબ મઝા આવેી…

 34. vimala says:

  મ્રુગેશભઈ,આપને થયેલ અનુભુતી અભિવ્ય્ક્તિ કરીને આપે અમને અભિભૂત કર્યા તે માટે તો આભાર ….સાથે-સાથે સહજ છતાં તલસ્પર્શી અને તટ્સ્થ વર્ણન વાંચતા કાકા સહેબ,સ્વામી આનંદ ,પ્રિતી સેનગુપ્તા,રમણલાલ શાહ વગેરે યાદ કરાવી દેવા બદલ ફરી-ફરી આભાર.
  એક-એકશબ્દ ,વાક્ય,ફકરા,બધુ જ ગમતુ,પણ છેલ્લો ફકરો??!!! બહુ સરસ સમાપન. ભવિષ્યમાં આવા સ્વાદીષ્ઠ ભોજન પિરસતા રહી અમારી ભુખ ભાંગ્તા રહેશો એ આશા સહ નમસ્તે.
  છેલ્લે એક વાક્ય ઉતારું…”ગળથૂથીમાંથી મળી ગયેલી બાબતો ગર્વ લેવા જેવી હોય છે”

 35. manubhai1981 says:

  દુબઇનુઁ આબેહૂબ દર્શન લેખમાઁ કરાવી તમે ભાઇ ઘણુઁ જ ઉપકારક
  કામ કર્યુઁ છે.અભિનઁદન . એ. ટી. એમ મશીનનો ઉપયોગ કર્યો કે ?
  સચિત્ર વર્ણન ખૂબ જ અસરકારક બન્યુઁ છે.દુબઇના પરિચિતોનો જો
  પરિચય ફોન નઁ. સહિત આપશો ,તો અમારા જેવાઓને કામ લાગશે.
  સુગ્ન્યેશુ કિઁ બહુના ?જોડણી સુધારો જણાવશો ને ?બાપુજીને પ્રણામ !
  આવજો ! જય સીતારામ………..મનવઁતના નમસ્કાર !

 36. Raj says:

  Mrugeshbhai very good article .thanks for all infermation
  raj

 37. harin says:

  આપનો દુબઇ પ્રવાસ વાચી અને ચિત્રો જોઇ અનહદ આનંદ થયો આભાર……..

  આભાર ………………………………………………

 38. Rajni Gohil says:

  અમને તો વગર ટિકિટે અને કોઇ પણ જાતની મુશ્કેલી વગર દુબઇની સફર કરવા મળી.
  જો આપણું મન preoccupied ન હોય તો સાચી મઝા માણી શકાય. સુંદર પ્રવાસ વર્નન બદલ મૃગેશભઇનો આભાર.

 39. Jagdish C. Dalal says:

  અમે દુબાઇ જવાના આભાર્

 40. કનકભાઈ રાવળ says:

  મ્રુગેશભાઈ: ખુબજ સરસ દુબાઈની મુસાફરી કરાવી

 41. pradip shah says:

  દુબઇનું સરસ વર્ણન ! ખુબ સરળ ભાષામાં લખેલા આ લેખમાં દર્શાવેલા સ્થળો હાલ એક ટી.વી. સિરીયલમાં જોવાઇ રહેલાં છે !

 42. Madhavjibhai Gamdha says:

  આ લેખ વાંચીને દુબઈ જવાનું મન ના થાય તો જ નવાઈ!સરસ વર્ણન.

 43. વાહ ! પ્રવાસ નું આબેહુબ વર્ણન .મેં ક્યારેય ‘દુબઈ’જોયું નથી.હા,પરદેશ જોયા છે.પણ આ વર્ણન વાંચીને જાણે હુ ત્યાં છું એવું જ લાગે.ફોટા પણ બહુ સરસ છે.

 44. nilesh shah says:

  ંસ્સ્ક્ક્લ્લોવોઊલ્,,,

 45. PRIYAVADAN PRAHLADRAY MANKAD says:

  Excellent article. Felt like i myself had toured Dubai. Congrats a lot for the superb article.

 46. KANAIYALAL A PATEL says:

  Shri Mrugeshbhai ,

  Nice Tour & Nice article.

  આ જાતરા તમે કરિ પન આનદ મને આવો

 47. SHARAD MODY says:

  એક અવિસ્મ્ર્નિય લેખ , નવા પ્રવાસિને સરસ માર્ગ્ દર્શન . સહિત્ય નિ અનુભુતિ . દુબઐ એત્લે નાનુ વિશ્વ. મારા ઘના અભિનન્દન .

 48. કવિતા મહેતા says:

  ખુબ જ સુંદર પ્રવાસ વર્ણન.
  લેખ વાંચ્યો નહિ પણ સાથે ફરી ને માણ્યો હોય એવી લાગણી થઇ…

 49. Maheshchandra Naik says:

  સ્નેહી શ્રી મૃગેશભાઈ,
  દુબઈ પ્રવાસ વર્ણન એક જુદી જ અનુભુતી કરાવી ગયુ, અમે તમારી સાથે પ્રવાસમા જોડાઈ શક્યા હોત તો??????????
  દરેક મહત્વની જગ્યાઓના પહેલા નામ સાંભળ્યા હતા જે નજરે જોતા હોય એવૂ લાગ્યુ, આભાર………………..

 50. pravin shah says:

  બહુ જ સરસ પ્રવાસ વર્ણન
  તમે દુબઇ ખરેખર જોયુ અને અનુભવ્યુ
  અને માણ્યુ તથા અમને પણ એનો
  લાભ આપ્યો. લેખ વાચવાનિ મજા આવિ ગઇ

 51. Ashish Makwana says:

  જે ગુજરાતી સમુદાય કે સમાજ કે વ્યક્તિ ગત રીતે પરદેશ માં રહે છે તેમના માટે ખરેખર ‘सारे जहां से अच्छा हिंदोस्तान हमारा……’ ..આ વર્ણન પર આંખો ભીંજાઈ ગઈ…………

 52. Mukund P. Bhatt says:

  Sri Mrugeshbhai, thank U very much for such a nice article. You have nicely described it.

 53. kamlesh bhatt says:

  ખરેખર વાંચી અાનંદ થયો અાબેહુબ વ૬ર્ન

 54. Ashish Dave, Sunnyvale, California says:

  Thanks for sharing your experience… I really liked your sense of photography. Can you share a link to all your pictures?

  I am sure you will be blessed with many more such visits…

  Ashish Dave

 55. Akbarali Narsi says:

  મૃગેશભાઈ
  દુબઈ અહેવાલ સરસ લાગ્યો
  દુબઈ એક નાનું અમેરીકા લાગે, બલકે મીની અમેરીકા.
  પાકિસ્તાન જતાં અનેક વખત બે,ત્રણ દિવસ રોકાનું થયેલ ત્યાંની સ્થાનીક વસ્તિ
  ફક્ત ૧૨ ટકા છે,બાકી બીજા બહારથી રોજગાર અર્થે ત્યાં આવી ને રહે છે

 56. naresh badlani says:

  i am living in dubai past few years it is not so good as you tink …

 57. Jasmin Shah says:

  ખુબ જ મજા આવિ, જાણે કે અમે જ દુબઈ જઈ આવ્યા.

 58. Amin Saluji says:

  સરસ સફરનામા છે, જો કે પૂરું વાંચી નથી શક્યો.

 59. devina says:

  dubai greatly described, some things like foreigners they eat pizza like puri,being vegetarian we are more mentally strong ,shopping phobia ,finally returning to ones own hometown,all of these very well written ,keep on travelling

 60. rajendra chaudhari vyara tapi says:

  પ્રવાસ વિશેનો લેખ વાચતા દુબાઇ મા ફરિ આવ્યા.સરસ લેખ.મઝાનો આવિ.

 61. Hena Mehul Ashar says:

  ન્મ્સ્તે,
  પહેલિ વાર તમ્ર્ર્ર્ર્રો લેખ વાચ્ય્ અન પહેલિ વાર ગજ્ર્ર્ર્ર્રાતેી ટાયપેીગ કર

  મજા આવેી વાચવાનેી.

  દબઈ મા રહ

  આજ જ મ્મ્બ્રર બનેી

  આભાર

 62. balvant vaghani says:

  I had feel awesome experience

 63. Ajay R. Depala (Gandhinagar) says:

  Really Nine…I filling good experience. but i have 1 question only what is your total expen for Dubai trip pls, reply me your total exp. in indian rupees.

 64. KANTI PATEL says:

  Ajaybhai

  Mrugeshbhaine Aapna jeva reders maline visit mate bolavya hoy Etale total kharch no hisab na male.

 65. Narendrasinh Chavda says:

  શ્રી મૃગેશભાઈ,
  એક કસાયેલા લેખકની કલમે લખાયેલ દુબાઇ પ્રવાસ વર્ણન ખુબ સુંદર થયું છે. પ્રવાસની ઘણી વાતો ચિવટથી બારીકાઈ પૂર્વક કરી છે. આપે ઘરબેઠે દુબઈ પ્રવાસ કરાવ્યા બદલ આનંદ આપ્યા બદલ
  આભાર્ સહ.
  નરેન્દ્રસિઁહ ચાવડા.

 66. Natavarbhai Patel ,memnagar says:

  mrugeshbhai ,thanks for fine article.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.