કસોટીની હારમાળા – ડૉ. ઊર્મિલા શાહ

[ ‘મારી સિદ્ધિનો ઘડવૈયો હું જ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશનનો’ ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]સા[/dc]ડાચાર વર્ષનો કોર્સ હજી પૂરો થતાં તો વાર લાગે જ પણ બે વર્ષ માંડ થયાં હશે ને પાછી એનાં મમ્મીને ચિંતા શરૂ થઈ, ‘બેટા નિમિષ ! તેં આઈ.સી.ઈ.સી. તો લીધું છે પણ આપણું ઈન્ડિયા તો એમાં હજી એટલું આગળ વધ્યું નથી. તારે માસ્ટર્સ કરવા તો અમેરિકા જવું જ પડે…. શું કરીશું ? આપણી પાસે એટલી આર્થિક સધ્ધરતાય નથી…. તારી આટલી બધી હોશિયારી, ઈશ્વર કરે ને બધું સારી રીતે પાર પડે તો સારું…. અમેરિકા કંઈ એમ ને એમ મોકલાય છે ? અમેરિકાનું ભણતર કેટલું મોંઘું છે ! મને તો ખૂબ ચિંતા થાય છે. ગમે તેમ થાય, મારે તને મોકલવો તો છે જ પણ આપણે અત્યારથી જ સ્કૉલરશિપની તપાસ શરૂ કરી દઈએ.’

અને નિમિષે એક બાજુ ભણવા સાથે સ્કૉલરશિપની તપાસ શરૂ કરી. એ સમયમાં બૅન્કોમાંથી અત્યાર જેટલી સરળતાથી ભણવા માટેની લોનો પણ મળતી નહીં અને તે માટે પણ બીજી સિક્યોરીટી જોઈએ ને ! બુદ્ધિધન સિવાય બીજી એવી કહી શકાય એવી નોંધપાત્ર તો સિક્યોરિટી હતી નહીં, પણ નિમિષે ઘણીબધી તપાસ કરી તો ખબર પડી કે રોટરી ઈન્ટરનેશનલ દર વર્ષે એક વિદ્યાર્થીને પરદેશ ભણવા માટે સ્કૉલરશિપ આપે છે, એ લોન સ્કૉલરશિપ હોતી નથી અને જે રોટેરિયન ન હોય તેને જ તે સ્કૉલરશિપ મળી શકે. બીજી એવી લોન વિનાની સ્કૉલરશિપ દિલ્હીમાંથી ઈનલેકની મળતી હતી. બંનેની એણે પૂરી તપાસ કરી. રોટરી સ્કૉલરશિપ મેળવવા માટે શું તૈયારી કરવી જોઈએ ? કેવા લોકોને તેઓ પસંદ કરે છે ? કારણ આ સ્કૉલરશિપ આખા ડિસ્ટ્રિક્ટ 305 એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી માત્ર એક જ વિદ્યાર્થીને મળતી હતી. આટલા વિશાળ પ્રદેશમાંથી તો કેટલાં બધાં હોશિયાર વિદ્યાર્થી હોય. એમની સામે ટકવું એ કંઈ સહેલી વાત નહોતી. છતાંય ભણવાની સાથે સાથે એ માટે જરૂરી જ્ઞાન, વાચન, વ્યક્તિત્વનું ઘડતર બધાં જ પાસાં તેણે પ્રયત્નપૂર્વક તૈયાર કરવા માંડ્યાં.

એની સાથે સાથે અમેરિકાની યુનિવર્સિટીઓની માહિતી એકત્ર કરતો ગયો. મમ્મીને ક્યારેક તો અકળામણ થાય, ‘નિમિષ ભણવાનો કેટલો બધો ટાઈમ બગાડે છે ?’ પણ નિમિષ દીર્ઘદષ્ટિપૂર્વક ચારેબાજુથી તૈયારી કરી રહ્યો હતો અને બે વર્ષની એ મહેનતને અંતે એણે એનો ધારેલો ધ્યેય સિદ્ધ કર્યો. એણે રોટરી ઈન્ટરનેશનલની સ્કૉલરશિપ મેળવી. આ કાંઈ જેવીતેવી સિદ્ધિ નહોતી. રોટરી ઈન્ટરનેશનલ આવા પસંદ થયેલ વિદ્યાર્થીને અહીંથી જવાથી માંડીને ત્યાં રહેવાનાં, ભણવાના બધા જ પૈસા પૂરેપૂરા આપતી હતી. આ સ્કૉલરશિપ એ કંઈ નાનીસૂની વાત ન હતી. એની મમ્મી તો મનોમન ઈશ્વરનો પાડ માની રહી હતી, પણ હજી તો કસોટી બાકી હતી. એની લાઈનમાં સારામાં સારી ગણાતી પરડ્યુ યુનિવર્સિટીમાં એડમિશન પણ મળી ગયું. બધું જ નક્કી થઈ ગયું હતું. હવે માત્ર બી.ઈ.ની ફાઈનલ પરીક્ષા પતે એની જ રાહ જોવાની હતી, કારણ કે બેચલર્સના સર્ટિફિકેટ વિના માસ્ટર્સ તો થાય નહીં.

ઈન્ડિયામાં મોડામાં મોડા મે મહિના સુધીમાં તો પરીક્ષાઓ પૂરી થઈ જાય ને પરડ્યુમાં સપ્ટેમ્બરમાં ટર્મ શરૂ થાય એટલે કશો પ્રશ્ન જ ન હતો. પણ એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ત્યારેય વિદ્યાર્થીઓનાં તોફાન માટે જાણીતી હતી અને એને કારણે ત્રણ ત્રણ વાર નક્કી કરેલી પરીક્ષાઓ મોકૂફ રહેવા માંડી. સૌના જીવ તાળવે ચોંટી ગયા. ગળે આવેલો કોળિયો ઝૂંટવાઈ જશે તેવો માથા પર ભાર વધી ગયો…… કૉલેજમાં પ્રિન્સિપાલને વાત કરી. છોકરાઓનાં તોફાનથી એ પણ એટલા અકળાયેલા હતા કે તેમણે કશો જ સાથ ન આપ્યો… એમણે તો પ્રતિભાવ આપ્યો કે વિદ્યાર્થીઓ જો આવું તોફાન કરતા હોય તો તેમણે આવી સજા ભોગવવી જ પડે, આટલી સારી સ્કૉલરશિપ જતી રહેશે તો ! હવે ?….. સૌના હાથપગ હેઠા પડ્યા લાગ્યા. પણ છેલ્લા પ્રયત્ન તરીકે યુનિવર્સિટીનાં એક્ઝામિનેશનના સુપરિન્ટેન્ડન્ટને મળ્યા. આખરે પેપર્સ તો પતે તેમ હતા પણ વાઈવા ? યુનિવર્સિટીના પેપર્સ ન પતે ત્યાં સુધી વાઈવા લેવાય જ નહીં તેવો શિરસ્તો હતો. પરડ્યુ યુનિવર્સિટીમાંથી પણ છેલ્લો ફોન આવી ગયો હતો કે જાન્યુઆરી, 21મીએ જો વિદ્યાર્થી ત્યાં રજિસ્ટર નહીં થાય તો એડમિશન કૅન્સલ થશે. છેલ્લું પેપર 17મી જાન્યુઆરીએ હતું. એ પહેલાં વાઈવા લેવાં જ પડે. પણ એક્ઝામિનેશન સુપરિન્ટેન્ડન્ટ અને રજિસ્ટ્રાર તથા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સાહેબ એ સૌના સાથ અને સહકારથી નિમિષના સ્પેશ્યલ વાઈવા વહેલા લેવામાં આવ્યા. આ પણ ઈશ્વરની જ કૃપાને આધીન હતું. કારણ કે યુનિવર્સિટીના ઈતિહાસમાં ક્યારેય પેપર પહેલા વાઈવા લેવાનો શિરસ્તો હતો નહીં. એ વાઈવા લેવા ખાસ એક્ઝામિનર આવ્યા. તેમને પણ પ્રિન્સિપાલ તરફથી થોડી મુશ્કેલીઓ પણ પડી. માંડ માંડ પરીક્ષા લેવાઈ 17મી જાન્યુઆરીએ સાંજે 6 વાગે છેલ્લું પેપર આપીને નિમિષ આવ્યો ને સાડાસાતે એ, જાણે રામ વનવાસ જતાં હોય એમ મમ્મીએ એને અમેરિકા ભણવા માટે વિદાય કર્યો.

અમેરિકા પહોંચ્યો, ત્યારે એના પ્રથમ ટેસ્ટને માત્ર વીસ જ દિવસ બાકી હતા. એક આખુંય સેમેસ્ટર લગભગ પૂરું થઈ ગયું હતું. અને નિમિષે એ ટેસ્ટમાં એનું સારું રિઝલ્ટ બતાવવું જ પડે તેવું હતું. પહોંચ્યો ત્યારથી જ તેણે રાત-દિવસ એકાકાર કર્યા. રોજના અઢારથી વીસ-વીસ કલાક કામ કરી તેણે ઈન્ડિયાથી એના પ્રોફેસરોને આપેલું વચન પાર પાડ્યું.

આપણા કેટકેટલા વિદ્યાર્થીઓ અમેરિકા અને હવે તો ઑસ્ટ્રેલિયા અને યુરોપ જઈને નિષ્ઠાથી ભણે છે અને કામ કરે છે. ‘Work is worship’ એ સૂત્ર તેઓ જીવનમાં સિદ્ધ કરે છે. પાતાળમાંથી પાણી કાઢવાની તેમનામાં તાકાત હોય છે. આજની નવી પેઢીમાં તો ઘણું હીર પડ્યું છે. આપણી આસપાસ તો આવા અનેક નિમિષો છે. આપણે માત્ર તેમને પ્રેરણા અને પ્રોત્સાહન જ આપવાનાં છે. તેમને પારખી કાઢવાના છે.

[કુલ પાન : 164. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “કસોટીની હારમાળા – ડૉ. ઊર્મિલા શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.