પ્રતિનિધિ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

[ ‘કિશોરોના રવીન્દ્રનાથ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]સ[/dc]તારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે. રાજાના મનમાં થાય છે : ‘અહો ! આ તે શું ધતિંગ ! ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી ! જેને ઘેર કોઈ વાતની કમી નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે, લોકો જેના ખોળામાં બધી સંપત ધરી દે છે, તેવા એક સાધુની વાસનાનો યે અંત નહીં ! વ્યર્થ છે – ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ છે, તેમ આ લોભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે. પણ ના, એક વખત એની પરીક્ષા તો કરવી જોઈએ. ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહીં.’

એમ વિચારીને મહારાજે કાગળ-કલમ લીધાં, કાગળ પર કાંઈક લખ્યું; બાલાજીને બોલાવ્યો ને આજ્ઞા કરી કે, ‘ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની ઝોળીમાં આ કાગળ ધરી દેજો.’ ભિક્ષા માગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે. અંગ ઉપર કોપીન, હાથમાં ઝૂલી રહી છે એક ઝોળી, અને ગંભીર મોંમાંથી ગાન ઝરે છે : ‘હે જગત્પતિ ! હે શંકર ! સહુને તમે રહેવાનાં ઘર દીધાં, મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું. માડી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવરાવી રહી છે. તમે જ, હે પરમ ભિખારી ! મને એ મૈયાના ખોળામાંથી ઝૂંટવી લઈને તમારો દાસ બનાવી દીધો, આ ઝોળી લેવરાવી. શી તમારી માયા, પ્રભુ !’

ગાન પૂરું થયું. ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા. બાલાજીએ નમન કરીને એનાં ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી. ગુરુજીએ પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે, ‘ગુરુદેવ ! આજની આખું રાજ્ય હું આપને ચરણે ધરી દઉં છું. હું પણ આપને આધીન થાઉં છું.’ ગુરુજી હસ્યા. બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા, ‘બોલ, હે બેટા ! રાજ મારે કબજે સોંપી દીધું તેથી તું પણ મારા કબજામાં આવ્યો. તો હવે બોલ, તું મારા રાજ્યમાં શું કામ કરીશ ! તારામાં શી શી શક્તિ છે, વત્સ ?’
શિવાજી મહારાજે નમન કરીને જવાબ વાળ્યો કે, ‘તમે કહો તે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ.’
ગુરુજી કહે કે : ‘ના રે ના, તારા પ્રાણની મને જરૂર નથી. ઉપાડી લે આ ઝોળી, અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા.’ હાથમાં ઝોળી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે. મહારાજને દેખી નાનાં બચ્ચાં ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાનાં માબાપને બોલાવી લાવે છે. અખૂટ વૈભવનો ધણી, બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર, અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ ઝોળી લઈને નીકળ્યો છે. એ જોઈને શિલા સમાન હૈયાં પણ પીગળી જાય છે. લોકો લજ્જાથી નીચે મોંએ ભિક્ષા આપે છે. ઝોળીમાં અનાજ નાખતાં હાથ થરથરે છે. નગર આખું વિચારે છે કે ‘વાહ રે મહાપુરુષોની લીલા !’

દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યા, ને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા. ગુરુ રામદાસ તો એકતારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે; એની આંખોમાંથી અશ્રુધારા ચાલી જાય છે. શું હતું એ ગાન ! ‘હે ત્રિલોકના સ્વામી ! તારી કલા નથી સમજાતી. તારે ઘેર તો કશી યે કમી નથી. તો યે માનવીના હૃદયને હૃદયે આમ ભિક્ષા માગતો કાં ભટકે છે, ભગવાન ? તારે ત્યાં શાનો તોટો રહ્યો, સ્વામી ? કંગાળ માનવીના અંતરમાં તેં એવી શી શી દોલત દીઠી, કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે, રામ ?’ ગુરુ ગાતા ગાતા રખડે છે. શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે. આખરે સાંજ પડી. નગરની એક બાજુ નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું. પોતે લગાર ખાધું, બાકીનું શિષ્યો જમી ગયા.

શિવાજીએ હસીને કહ્યું : ‘રાજપદનો ગર્વ ઉતારીને તમે આજે મને ભિખારી બનાવ્યો છે, હે ગુરુદેવ ! તો હવે બોલો, ફરમાવો, બીજી શી શી ઈચ્છા છે ?’
ગુરુદેવ બોલ્યા : ‘સાંભળ ત્યારે. મારે માટે પ્રાણ અર્પવાની તેં પ્રતિજ્ઞા કરી છે. તો હવે ઉપાડી લે મારો ભાર. આજ આ નાની ઝોળીનો ભાર નથી ઉપાડવાનો, આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું. આજે તો મારે નામે, મારો પ્રતિનિધિ બની ફરી વાર આ રાજગાદી સંભાળી લે, બેટા ! મારું સમજીને રાજ્ય રક્ષજે. રાજા બન્યા છતાં યે હૃદય ભિક્ષુકનું રાખજે. લે, આ મારા આશીર્વાદ, અને સાથે સાથે મારું ભગવું વસ્ત્ર. વૈરાગીના એ વસ્ત્રનો રાજધ્વજ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે. આજથી આ રાજ્ય નથી; એને ઈશ્વરનું દેવાલય સમજજે. જા, બેટા ! કલ્યાણ કર જગતનું.’ એ મનોહર સંધ્યાકાળે, ગીતો ગાતી એ નદીને કિનારે નીચું માથું નમાવી શિવાજી શાંત બેસી રહ્યા. લલાટ ઉપર જાણે ફિકરનાં વાદળાં જામી પડ્યાં. ગોવાળની વાંસળી થંભી ગઈ. ગાયો ગામમાં પહોંચી ગઈ. સૂર્ય પણ સંસારને સામે કાંઠે ઊતરી ગયો. શિવાજી મહારાજ સ્તબ્ધ બનીને બેસી જ રહ્યા. લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલ હતું, પણ આજ સાધુ બનીને સિંહાસને શી રીતે બેસાશે ?

નદીને કિનારે પર્ણકુટીમાં તો તંબૂરાના તાનમાં ગુરુદેવનાં પૂરબી રાગિણીનાં ગાન ગુંજી ઊઠ્યાં હતાં: ‘મને રાજાના શણગાર સજાવીને સંસારમાં બેસાડ્યો, ને તમે તો છુપાઈને છેડે જઈ બેઠા ! તમે કોણ છો, હે રાજાધિરાજ ? મેં તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે, પ્રભુ ! હું તો તમારા પગના બાજઠ પાસે જ બેઠો છું. સિંહાસન પર મારું આસન હોય નહીં, હરિ ! હવે તો આ જિંદગીની સંધ્યા આવી પહોંચી. હવે ક્યાં સુધી બેસાડી રાખશો, રાજા ? હવે તો આવીને આપનું રાજ્ય સંભાળી લો, સ્વામી !’ શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું અને ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યો.

[ કુલ પાન : 88. કિંમત રૂ. 15. પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ. પો.બો. 23, સરદાર નગર, ભાવનગર-364001. ફોન : +91 278 2566402. ઈ-મેઈલ : lokmilaptrust2000@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દુબઈની યાદગાર સફર – મૃગેશ શાહ
કસોટીની હારમાળા – ડૉ. ઊર્મિલા શાહ Next »   

5 પ્રતિભાવો : પ્રતિનિધિ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

 1. Amee says:

  In one go i did not understand..i read second time than after 3rd and 4th and 5th ..whenever i read this article deep meaning coming from this story………deep emotions of human being as a King and as a Master…….

  Really good one……

 2. vikrant mankad says:

  this is for today’s powerful people

 3. ganpat parmar says:

  શિવાજિઅને ગુરુ રામદાસ નિ આ વાર્રતા ગુરુ અને શિસ્ય નો શુ સન્બન્ધ હતો એ બતાવે ચે.ગુરુ માતે રાજપાત તજિ દેવા તૈયાર શિવાજિ , અને આજે……

 4. Arvind Patel says:

  આપણો ઈતિહાસ કેટલો ભવ્ય હતો. શિવાજી મહારાજ જેવા રાજા અને સમર્થ સ્વામી રામદાસ જેવા પ્રેરણા મૂર્તિ ગુરુ. આની સામે આજ ની પરિસ્થિતિ ને સરખાવીએ. વિચાર માગી લે તેવી વાત છે. આજના કાગળ ના વાઘ જેવા રાજ્યકર્તાઓ અને તેમની લાલચુ વૃત્તિઓ. નિમ્ન કક્ષાના નેતાઓ એ આપણા દેશનું નામ દુનિયા સામે બોળ્યુ છે તૃસ્તી પણા ના ભાવ સાથે કામ કરવાની ભાવના રહી નથી. પ્રજામાં અને રાજ્યકર્તાઓ માં.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.