કોઈ સગાં થાવ છો ? – ચંદ્રશેખર પંડ્યા

ઊગતું મુખારવિંદ, લાલીમાગ્રસ્ત અને આથમતો ચહેરો રૂપાળો,
ગ્રીષ્મે તો ધારદાર કિરણોથી ત્રસ્ત છતાં હેમંતે તનમન હૂંફાળો.
તમે સૂરજનાં કોઈ સગાં થાવ છો ?

ભરતીના પૂર સમી ઊછળતી ઊર્મિને, અટકાવે લજ્જાની ઓટ,
સામુદ્રીની ફૂલ તણું સંકોરાવું ને નથી છીપ અને મોતીની ખોટ
તમે સાગરનાં કોઈ સગાં થાવ છો ?

રૂઠો તો ગર્જના ને રીઝો તો ભીંજવતાં આખ્ખુંયે આયખું અમારું
આષાઢી ધોધમાર, શ્રાવણમાં સરવરિયાં, જે કંઈ પણ નામ હો તમારું.
તમે વાદળનાં કોઈ સગાં થાવ છો ?

આવા-ગમને તમારી ફોરમ મહેકે ને ઓલી કૂંપળના ઝુંડ ત્યારે ફૂટે
મહોર્યાં ગુલમ્હોર લાલ, પીળા ગરમાળા, ને કેસૂડા ખૂટતાં ન ખૂટે.
તમે ફાગણનાં કોઈ સગાં થાવ છો ?

ધીમું હસો છો જાણે પાંગરતું પુષ્પ અને સ્પર્શે લજામણીનો છોડ
વૈશાખી વાયરાને ચાળી ખાળીને વળી છાંયો દેવાના છે કોડ.
તમે વૃક્ષોનાં કોઈ સગાં થાવ છો ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “કોઈ સગાં થાવ છો ? – ચંદ્રશેખર પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.