વાંચન સમાધિ – નરેશ પંડ્યા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nareshpandya572@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]વાં[/dc]ચનનો જીવનમાં ઘણો મહિમા છે. હું વાંચનને સમાધિ સાથે સરખાવું છું. સમાધિગ્રસ્ત માણસ ઇશ્વરમાં ખોવાઇ જાય છે, તેમ વાંચનમાં ડૂબેલો માણસ પણ કયાંક ખોવાઇ જાય છે. સમાધિમાંથી જાગેલો કોઇ અલૌકિક આનંદ અનુભવે છે. વાંચન સમાધિમાંથી જાગેલાની અનુભૂતિ પણ એવી જ હોય છે. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના સુઅવસરે ‘વાંચે ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને વાંચતું કરવા માટે સરકાર દ્વારા અભિયાન છેડવામાં આવેલું. વાંચવા માટે કહેવું પડે, અભિયાન ચલાવવું પડે તે આપણા માટે શરમજનક તો ખરું ! વાંચન એ મનનો ખોરાક છે. તેની ભૂખ જઠરાગ્નિ જેટલી જ પ્રબળ હોવી જોઇએ. આપણા ગુજરાતની ભૂમિ પર જન્મેલા મોહનદાસ ગાંધીએ કહ્યુ હતું કે, ‘પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે, જયારે પુસ્તક અંત:કરણને અજવાળે છે.’ બીજા એક મોહન જે ગુજરાતની ભૂમિ પર જન્મયા નથી પરંતુ, ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી એવા ભગવાન શ્રીક્રુષ્ણે ભગવદ્ ગીતામાં, જ્ઞાનેન સદ્રશમ પવિત્રમિહ વિદ્યતે (અર્થાત આ લોકમાં જ્ઞાનથી પવિત્ર કશું નથી) તેવું કહીને જ્ઞાનશકિતનો હજારો વર્ષ પહેલાં સ્વીકાર કરેલો. ગુજરાતના આ બંને મોહનો વિશ્વવંદ્ય વિભૂતિઓ છે. તેઓએ કહેલી કોઇપણ સારી વાત આપણા ગુજરાતીઓ માટે તો સો ટચના સોના જેવી હોવી જોઇએ.

વાંચન બે પ્રકારનું છે – એક ફરજિયાત અને બીજું મરજિયાત. ફરજિયાત વાંચન કરીને આપણે ડિગ્રીઓ લઇ લઇએ છીએ, કારકિર્દી બનાવી લઇએ છીએ અને, ત્યારબાદ મોટેભાગે વાંચન સાથેનો નાતો તોડી નાંખીએ છીએ. મરજિયાત વાંચનની ટેવ આપણે પાડતાં નથી. જેના કારણે આપણે ઘણું બધું જાણતાં નથી. જાણતા નથી માટે કોઇ નિર્ણય પર પહોંચવા જાણકારની સલાહ અને માર્ગદર્શનની આપણને જરુર પડે છે. સામાન્ય વાંચનના અભાવે આપણા બાળકોને પણ આપણા દેશના ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, ધર્મ, સંસ્ક્રુતિ તેમજ સાહિત્યના વિષયોની ઉંડી સમજ નથી, તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો પણ યોગ્ય પરિચય નથી. હવે આ જ બાળકો દેશનું ભવિષ્ય છે, દેશને તેઓ ચલાવવાના છે. માની લઇએ કે તેઓ ચલાવશે પણ ખરા, પરંતુ તેમાં ભારતીયતા નહીં હોય. બીજું આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ. એટલે આપણે સતત સાવધાની વર્તવાની છે. કારણ કે લોકશાહીમાં લોકો સર્વોપરી છે. લોકશાહીની રક્ષા માટે, દેશની રક્ષા માટે દરેકે જાગ્રુત રહેવાની જરુર હોય છે. લોકશાહીમાં લોકોએ પોતાના મત ઘડવાના હોય છે. વાંચન એક એવી શેણી અને હથોડી છે જે લોકમતને ઘડે છે. આ રીતે ઘડાયેલા લોકમતને કારણે લોકશાહી સશક્ત અને પરિપકવ બને છે.

અહીંયા આપણે વાંચનને સામાન્ય વાંચનના અર્થમાં લેવાનું છે. ભારેખમ વાંચન ભલે વિદ્વાનો કરતા, આપણે તો સામાન્ય વાંચન જ કરવાનું છે. સામાન્ય વાંચનમાં પણ એવું વાંચન કરવાનું છે જેનાથી કોઇ અર્થ સરે. આપણે એવો જ ખોરાક લઇએ છીએ, એવી જ કસરત કરીએ છીએ જેનાથી શરીરને લાભ થાય છે. એવી જ રીતે વાંચન એ મનનો ખોરાક છે, મનની કસરત છે અને, એ એવું જ કરવું જોઇએ જેનાથી મનની વૈચારિક સમ્રુધ્ધિ વધે. આજે બજારમાં વિપુલ વાંચન સામગ્રી ઉપલબ્ધ છે. તેમાંથી શિષ્ટ સાહિત્ય પસંદ કરીને વાંચવાનું છે અને, વાંચીને આત્મસાત કરવાનું છે. અહીંયા મને એક સંસ્ક્રુત સુભાષિતનું સ્મરણ થઇ આવે છે : ‘આઘાય પુસ્તકં ધન્ય: સર્વવિદ્મ ઇતિ સ્મ્રુતા: શતવારં પઠિત્વાપિહા: ન વિદ્મો જડાવયમ્’ (પુસ્તકોનો અભ્યાસ કરીને બરાબર સમજ્યો છું એમ માનનાર ધન્ય છે. અને સો વખત પુસ્તક વાંચ્યું છે પણ હજુ જડ જ રહ્યા) (જીવનમાં ઉતાર્યા વિના અભ્યાસ વ્યર્થ). વિનોબા ભાવેએ તેમના એક લેખમાં, શ્રીમદ્ શંકરાચાર્યે અધ્યયન વિશે કરેલી વાતનો ઉલ્લેખ સમજવા જેવો છે. જેમાં દર્શાવ્યું છે કે જેટલું અધ્યયન કરીએ તેનાથી સો ગણું મનન કરવાનું છે. જેમ જમતાં આપણને અડધો કલાક થાય છે પરંતુ તે પચતાં ચારથી પાંચ કલાક થાય છે તેમ, અભ્યાસ માટે એક કલાક પૂરતો છે. નહીં તો બહું જમી લીધા પછી જો તેને પચાવ્યું નહીં તો જે હાલત શરીરની થાય છે તેવી જ બુધ્ધિની થશે. જો કે સ્વામી વિવેકાનંદની વાંચનશકિત અને સ્મરણશક્તિ અદભૂત હતા. સ્વામી વિવેકાનંદ જયારે મીરતમાં હતા ત્યારે ત્યાંના ગ્રંથાલયમાંથી સર જોન લબકના ગ્રંથોનો આખો સેટ મંગાવ્યો અને બીજા જ દિવસે પરત કર્યો. એક જ દિવસમાં સ્વામીજી બધા પુસ્તકો વાંચી ગયા હશે એ ગ્રંથપાલના માનવામાં આવતું ન હતું. પરંતુ થોડા પ્રશ્નો પુછ્યા પછી તેને ખાતરી થઇ ગઇ. સ્વામીજીનો આવો જ બીજો એક પ્રસંગ પણ નોંધવા જેવો છે. તેમણે Encyclopaedia of Britannica ની બહાર પડેલી નવી આવૃત્તિના બધા જ ભાગ વાંચવા માટે મંગાવ્યા હતા. તે જોઇને તેમના શિષ્ય શરદચંદ્રે શંકા વ્યકત કરી કે, આટલા બધા ભાગોની માહિતીને એક જિંદગીમાં યાદ રાખવી અશક્ય છે. સ્વામીજીએ દસ ભાગો તો વાંચી લીધા હતા અને આ દસ ભાગોમાંથી કંઇપણ પૂછવા શરદચંદ્રને કહ્યું. અને શરદચંદ્રે પૂછેલાં પ્રશ્નોના જવાબ સ્વામીજીએ મૂળ ગ્રંથની ભાષામાં જ આપ્યા. જો કે વાંચવાની આ કળા બધાને સહજ અને સાધ્ય ન થઇ શકે એ સમજી શકાય તેવી વાત છે પરંતુ, અભ્યાસ અને એકાગ્રતાથી તે વત્તા-ઓછા અંશે મેળવી તો શકાય જ છે.

હું એવું માનું છું કે, વાંચનટેવ સંસ્કારથી જ ઉભી કરી શકાય છે. માતા-પિતા તરીકે સૌ પ્રથમ આપણે જ વાંચનની ટેવ પાડવી જોઇએ. આપણે જે કહીયે છીએ તેના કરતાં શું કરીએ છીએ તેનું અનુકરણ બાળકો વધુ કરતાં હોય છે. આ એક જ સંસ્કાર એવો છે જે બીજી હજાર સારી બાબતોને બાળકમાં ખેંચી લાવશે. આપણે આપણા પછીની પેઢીને વારસામાં સંપત્તિની સાથે-સાથે ચુનંદા, સારાં પુસ્તકો પણ આપીએ. સંપત્તિ અને સરસ્વતીનો સુમેળ કરીએ. લક્ષ્મીવાન પણ સરસ્વતીહીન મનુષ્યમાં કશુંક ખૂંટતું હોય તેવું લાગે છે. લક્ષ્મી અને સરસ્વતીને સાથે બને નહીં તેવી માન્યતા એ કોઇ નાદાન માણસની ટીખળ છે, સત્ય નથી. લક્ષ્મીવાન ભવ: ની સાથે સાથે સરસ્વતીવાન ભવ: એવા પણ આશીર્વાદ આપીએ.

વાંચન અને પુસ્તકો વિશેનો મહિમા ગુણવંત શાહથી માંડીને ગાંધીજી સુધી ઘણા બધાએ કર્યો છે પરંતુ, તે બધામાં માર્ક ટ્વેઇને કરેલી ઉકિત મને ખૂબ ગમી છે. તેમણે કહેલું કે, ‘જેઓ વાંચતા નથી તેવા લોકો, જેઓ વાંચી નથી શકતાં તેવા લોકો કરતાં જરા પણ ચડિયાતા નથી.’


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઊંઠાં ! – ઉદયન ઠક્કર
વારાણસીમાં…. – મૃગેશ ગજ્જર Next »   

4 પ્રતિભાવો : વાંચન સમાધિ – નરેશ પંડ્યા

 1. a.s.mehta says:

  વાંચનના મહત્વ વિષે નો નરેશભાઈ પંડ્યા નો લેખ વાંચ્યો ખરે ખર અર્થપૂર્ણ લેખ છે. સારા પુસ્તકો જ માનવી ના સાચા મિત્રો છે.

 2. Kalidas V. Patel { Vagosana } says:

  નરેશભાઈ,
  ખૂબ જ મનનીય લેખ આપ્યો. શાસ્ત્રોમાં વિદ્વાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે.. બહુશ્રુતા હોય તેને વિદ્વાન કહેવાય, અર્થાત જેણે બહુ શ્રવણ કર્યું છે તે વિદ્વાન. તે જમાનામાં લેખન ન હતું તેથી વાંચનના અર્થમાં શ્રવણ કહેવાયુ છે. આમ વાંચનનો મહિમા સનાતન છે. કદાચ આજના સમયમાં પેટની ભૂખ સંતોષવા ખોરાકની જરૂર છે તેના કરતાં મનની ભૂખ સંતોષવા વાંચનની જરૂર વધારે છે.
  ” રીડ ગુજરાતી ” જેવી વેબ સાઈટો પરદેશમાં રહેતા ગુજરાતીઓની વાંચન-ભૂખ સંતોષે છે તે ઉત્તમ સેવા છે, અને મૃગેશભાઈ ધન્યવાદને પાત્ર છે.
  કાલિદાસ વ.પટેલ { વાગોસણા }

 3. bharat sheth says:

  સમયના અવકાશમાં આડી અવળી થતી વ્યર્થ વ્રુતિ-પ્રવ્રતિ ને ટાળવા સારુ વાંચન અકસીર પ્રવ્રતિ છે જે આપણા મનોભાવો ને સુધારવામા મદદરુપ છે.

 4. Piyush shah says:

  Nice article..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :