વારાણસીમાં…. – મૃગેશ ગજ્જર

[ બૅંગ્લોરમાં સોફટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવાસર્જક શ્રી મૃગેશભાઈ ગજ્જરની આ વારાણસી યાત્રાનો મનનીય લેખ છે. રીડગુજરાતીને આ સુંદર લેખ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે gajjar.mrugesh@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]વા[/dc]રાણસીએ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ એક શહેર છે. એ ‘કાશી’ અને ‘બનારસ’ નામોથી પણ ઓળખાય છે. કાશી એક સંપૂર્ણ વિશ્વ છે. એ એક અતિશય પ્રાચીન શહેર છે. વિશ્વના પ્રાચીનતમ શહેરોમાં નું એક. મારા માટે તો આ પૃથ્વી પર સૌથી મહત્વનું કોઈ સ્થાન હોય તો એ કાશી છે. આ શહેરે હંમેશા જીવનનો તાગ મેળવવા ઈચ્છતા લોકોને આકર્ષ્યા છે. પછી ભલે ને તેમની રીતો અલગ અલગ હોય. તેમના ધ્યેયો પણ આપણને અલગ અલગ લાગે છે. પરંતુ ખરેખર મૂળભૂત પ્રશ્નો એક જ છે. હું કોણ છું ? કોઈ વસ્તુ કેમ છે ? કેમ કશું પણ અસ્તિત્વમાં છે ? ‘હોવું’ એટલે શું ? આ દુનિયા શું છે ? કેમ છે ? આ સમગ્ર બ્રહ્માંડ જેમ છે એ એમ કેમ છે ?

ઘણા લોકો એમ વિચારે છે કે ભગવાને આ બધું બનાવ્યું, અને તેથી ભગવાનને શોધે છે અને ભક્તિ તરફ વળે છે. ઈશ્વર એ આ રહસ્યવાદની પેદાશ છે. ઘણા લોકો એમ વિચારે છે હમણાં ભગવાનની જરૂર નથી, હું જાતે જ આ કોયડા નો ઉકેલ શોધીશ. આવા લોકો તર્ક અને બુદ્ધિનો સહારો લઈને મચી પડે છે. આપણાં જેવા વૈજ્ઞાનીક અભિગમ ધરાવતા લોકો આ તરફ છે. વિજ્ઞાન ટેકનોલોજી વગેરે આ અ-રહસ્યવાદ કે બુદ્ધિવાદની પેદાશ છે. બંને નો ધ્યેય એક જ છે. વળી ઘણા લોકો મેં જોયા છે, જેમને જીવનમાં કોઈ તકલીફ નથી. તેમને માટે જીવન એ કોઈ કોયડો નથી. એમને માટે બધું સરળ છે. તેઓ જીવન વ્યવહારોમાં સ-રસ રીતે ખૂંપેલા હોય છે. આવા લોકો જીવનમાં વધારે સુખ અને ઓછા દુઃખ ભોગવે છે.

જેમને પ્રશ્નો છે, તેમને તકલીફો છે. આવા પ્રશ્નોવાળા લોકો માટે કાશી છે. કાશીની એક વિશિષ્ટ અનુભૂતિ છે જે ઘણા લોકો એ વ્યક્ત કરી છે અને તે છે, સમય થંભી જવાનો અનુભવ. કાશીમાં જાણે સમયનું અસ્તિત્વ જ નથી. કાશીમાં ગંગા ઘાટ પર બેઠાં બેઠાં તમને બધું સ્થિર અને વ્યવસ્થિત લાગે છે. લાગે છે કે સમગ્ર બ્રહ્માંડનું સત્વ આ જગ્યામાં સમાયેલું છે. સમગ્ર વિશ્વનો અર્ક આ અનુભૂતિ છે. કાશીમાં બધું શાશ્વત લાગે છે. કાશીમાં ગંગા ઘાટે બેઠા બેઠા ખબર નથી પડતી કે આ ગંગા વહી રહી છે ને હું સ્થિર છું કે આ સમય સ્થિર છે અને હું વહી રહ્યો છું ? લાગે છે આ ઘાટના પગથીયાં મારા કરતા વધુ મુલ્યવાન અને જીવંત છે. હું જીવનની પળોજણમાંથી ત્રાસેલો અને થાકેલો કાશી ગયો હતો. મને પહેલેથી જ ખબર હતી કે આ મહત્વની જગ્યા છે. કાશી માટે મને પહેલેથી જ આકર્ષણ હતું. મને એ માનવું ગમે છે કે પાછલા જન્મોમાં હું કાશીમાં કોઈ પંડિત હોઈશ અને ગંગા ઘાટ પર બેઠા બેઠા લેખન-વાંચન-અધ્યયનમાં સમય પસાર કરતો હોઈશ. હું કાશીમાં પાંચ દિવસો રહ્યો. એ પાંચ દિવસોનો અનુભવ એ મારા જીવનનો જબરજસ્ત અનુભવ છે. આજે પણ ફરી ફરીને મને કાશી પહોંચી જવાની ઈચ્છા થાય છે અને ફરી ફરીને એ દિવસો યાદ કરીને એ સમયને ફરીથી જીવવાની કોશિશ કરું છું.

હું વારાણસી જંકશન રેલ્વે સ્ટેશને ઉતર્યો. મારી સાથે બહુ સમાન નહોતો. ફક્ત એક બેગ હતી. મને થયું વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર જઈને આજુ બાજુમાં કોઈ હોટેલ કે ધર્મશાળા શોધી કાઢીશ. રીક્ષાવાળાની સાથે વાત કરતાં એને અંદાજ આવી ગયો કે મારે ક્યાં જવું છે તે નક્કી નથી. એટલે એ મને જુદી જુદી હોટેલ વગેરે બતાડવા લાગ્યો. મેં કહ્યું મને અહીં ઉતારી દે પણ ઉતર્યા પછી પણ તે મારી સાથે જ આવતો અને હોટેલના મેનેજર સાથે મારી વાત કરાવતો, જાણે હું એનો મહેમાન હોઉં એમ ! સ્વાભાવિક છે કે રીક્ષાવાળાને પણ ઘરાક લઈ આવવા માટે કમિશન મળતું હશે. મેં એને કહ્યું કે જ્યાંથી ગંગા નજીક હોય તેવી હોટેલ પર લઈ જજે. છેવટે હું એક હોટેલમાં ઉતર્યો જેથી રીક્ષાવાળાથી છૂટકારો થાય. મને થયું અહીં એક જ રાત માટે રોકાવવું છે. સાંજ સુધીમાં બીજી સારી જગ્યા મળે તો શોધી કાઢીશ. હું જે હોટેલમાં રોકાયો હતો એ શિવાલા ઘાટની નજીક હતી. હોટેલ ગંગા કિનારે નહોતી પરંતુ થોડું ચાલીને ત્યાં પહોંચી શકાતું હતું. કોઈ મુસ્લિમચાચાની હોટેલ હતી. તેના બારણાં પર હિબ્રુ ભાષામાં કંઈક લખેલું હતું. ત્યાં ઘણા પરદેશીઓ ઈઝરાઈલી કે આરબી હોય તેવું લાગતું હતું.

સમાન રૂમમાં મૂકીને, થોડો આરામ કરીને હું કાશીમાં રખડવા નીકળી પડ્યો. જિંદગીની એક મહત્વની ક્ષણ મારી રાહ જોઈ રહી હતી. તે ક્ષણ હતી ગંગા નદી ને જોવાની, તેના નીરનો સ્પર્શ પામવાની ! હું આ પહેલાં જયારે આઈ. આઈ. ટી. કાનપુર ગયો હતો ત્યારે નજીકમાં બિઠુર પાસે ગંગા નદીને મળી ચુક્યો હતો. પરંતુ કાશીમાં ગંગાનું દર્શન કંઈક અલગ જ છે. હું કાશીમાં તદ્દન નવો અને અજાણ્યો હતો. હું માનતો હતો કે જે પણ અનુભવો મને થાય છે તે મારા પૂર્વ કર્મોના સીધાં પરિણામ સ્વરૂપે છે. હું લોકોને પૂછતો ગલીઓ વટાવતો નદીની તરફ આગળ વધવા લાગ્યો. એક જૂની પત્થરની હવેલીમાં પ્રવેશી થોડો આગળ વધ્યો અને એક દ્વાર માંથી બહાર આવ્યો તો હું એક ઘાટ પર હતો. સામે જ ગંગાનો વિશાળ પટ ! અત્યંત વિસ્તૃત, ખુલ્લો અને સ્વર્ગના દ્વાર સમો ગંગા નદીનો વૈભવ જોઈ ને હું સ્થિર થઈ ગયો. દૂરથી લાઉડ સ્પીકર પર વાગતા વેદ મંત્રો સાંભળી ને હું અવાક થઇ ગયો. મને એવું લાગ્યું કે આ સમગ્ર વાતાવરણ અને આ સમગ્ર ઘટના મારા આત્માની ખુબ જ નજીક છે. જાણે બ્રહ્માંડની વિશાળતા અને શાંતિનું પ્રતિબિંબ આ જગ્યામાં પડી રહ્યું છે. મને એવું લાગ્યું કે હું મારા સાચા અને કાયમી ઘરે આવી ગયો છું. અત્યંત પવિત્ર અને શબ્દોમાં જેને વર્ણવવું અશક્ય છે એવા અનુભવમાંથી હું પસાર થઇ રહ્યો હતો. વારાણસીમાં ગંગા નદી પર દૂર દૂર સુધી ઘાટ જ ઘાટ દેખાય છે. ઘાટ એટલે પત્થરોના પગથીયા જે છેક ઊંડે સુધી પાણીમાં ઉતરે છે. આ પ્રદેશમાં મળતા પત્થરોનો રંગ લાલ હોય છે. એ જ પત્થરો જેનાથી ઉત્તર ભારતની ઘણી પ્રખ્યાત ઈમારતો બંધાયેલી છે; જેમ કે લાલ કિલ્લો, ફતેહપુર સીકરી વગેરે. મને થયું હું ભારતના હૃદય, ભારતના કેન્દ્રમાં પહોંચી ગયો છું. કાશીમાં ઘણા ઘાટ આવા જ લાલ પત્થરોથી બંધાયેલા છે. મને આ પત્થરોની ઈર્ષ્યા આવી કે આ પથરા પણ કેટલા નસીબદાર છે કે જેને ખુદ ગંગા સેંકડો વર્ષોથી હળવે હળવે છાલકો મારીને નવડાવે છે. ઘાટ પર ખૂબ જ ઓછા લોકો હતાં. આ ઘાટ રાજા ચેતસિંહનો ઘાટ છે. હું જે હવેલીમાંથી આવ્યો તે તેનો મહેલ હતો. આ રાજાએ વોરેન હેસ્ટઇન્ગ્ઝ નામના અંગ્રેજ ગવર્નરના સૈનિકો સાથે અહીં લડાઈ લડી હતી. હું નીચે ઉતરીને ગંગાના ઠંડા પાણીમાં મારા પગ મૂકીને બેઠો. ખોબો ભરીને પાણી લીધું અને એમાં મારું પ્રતિબિંબ જોયું. આ એ જ પાણી છે જેને જોતાંવેંત આપણાં પૂર્વજો ભાવવિભોર બની જતા ને આ એ જ ગંગા છે જેની સ્તુતિથી ભારતનાં શાસ્ત્રો ભર્યાં પડ્યા છે. આ એ જ ગંગા છે જેને યુગોથી ભારતનું જતન કર્યું છે. જાણે મારા હાથમાં ગંગાનું પાણી નહી પણ ઈતિહાસનો એક ટુકડો રમાડી રહ્યો છું !

વારાણસીમાં ગંગા પર લગભગ એંશી જેટલા ઘાટ આવેલા છે. દક્ષિણમાં અસી ઘાટથી શરૂ થઈ ઉત્તરમાં રાજઘાટ સુધી લગભગ ૬-૭ કિલોમીટર લાંબો ગંગાનો કિનારો છે. ઉત્તરમાં હિમાલયથી ગંગા વહેતી વહેતી નીચે દક્ષિણમાં કલકત્તા પાસે બંગાળની ખાડીને મળે છે, પરંતુ વારાણસી પાસે ગંગા ઉત્તરવાહિની બને છે. એક સુંદર વળાંક લઈ ને ગંગા પોતાના ઉદ્દગ્મ શિવની પાસે જવા મથતી હોય એવું લાગે છે. ખરેખર, લોકો એમ કહે છે કે શિવનું આ નગર જોવા ગંગા પોતાની સ્વાભાવિક દિશાથી વિરુદ્ધ થઈ ઉત્તર તરફ વહે છે. બીજી એક વાત એ છે કે આખું કાશી ગંગાનાં પશ્ચિમ કિનારે વસેલું છે. પૂર્વ કિનારો સાવ ખાલી છે. પૂર્વ કિનારો લાંબો પહોળો એક રેતાળ પટ છે. એની પાછળ જંગલો છે અને કોઈ વસ્તી દેખાતી નથી. આશ્ચર્યની વાત છે કે આ શહેર દુનિયાનું સૌથી જૂનું અને સળંગ વસવાટ ધરાવતું શહેર હોવા છતાં તેનું વિસ્તરણ ક્યારેય ગંગાનાં બીજા કિનારે નથી થયું. વારાણસીએ ગંગાને ક્યારેય ઓળંગી નથી. કાશી ગંગાથી સીમિત છે અને જયારે કાશીમાં ગંગા પર ઊભા ઊભા સામે નજર કરી એ તો એવું લાગે છે જાણે દુનિયાનો છેડો આવી ગયો છે. એ જ પૂર્વ દિશામાંથી સવારે જયારે સૂર્ય ઉગે છે ત્યારે અદ્દભુત દ્રશ્ય રચાય છે. હળવી ઠંડીમાં વહેલી સવારે કાશીનાં મંદિરોની પશ્ચાદભૂમાં સૂર્યનાં તેજથી ઝળાહળા થતી સોનેરી ગંગામાં સ્નાન કરવું એ કદાચ આર્ય સંસ્કૃતિનો મહામૂલો પ્રસંગ છે. માનવ સંસ્કૃતિના આ દ્રશ્યની ભવ્યતા, જ્યાં ઈશ્વરને છૂટો દોર મળે છે એવા જંગલો, પહાડો, સમુદ્રો, વન્ય જીવ સૃષ્ટિનાં કોઈ પણ દ્રશ્યને ટક્કર મારે એવી છે. ખરેખર ઉસ્તાદ બિસ્મિલ્લાહખાને સાચું જ કહ્યું છે : ‘जन्नत भी भरे पानी मेरे काशी के सामने’

ચેતસિંહ ઘાટથી નીકળી ચાલતો ચાલતો હું મણિકર્ણિકા ઘાટ પર આવી પહોંચ્યો. આ સ્મશાનઘાટ છે. ગંગા પરનાં આ ખુલ્લા સ્મશાનની ગાથાઓ પુરાણોમાં ગવાઈ છે. કહેવાય છે મણિકર્ણિકાની ચિતાઓ સેંકડો વર્ષોથી ઠંડી નથી પડી. અહીનું વાતાવરણ અદ્દભુત છે. આજુબાજુ લાકડાનાં મોટા ઢગલાઓ છે. સમગ્ર ભારતમાંથી અંતિમ સંસ્કાર આપવા માટે મૃતદેહોને અહીં લાવવામાં આવે છે. કાશીનું મરણ વખણાય છે. આ એ જ મણિકર્ણિકા ઘાટ છે જ્યાં કહે છે ભગવાન શંકર ખુદ મડદાનાં કાનમાં તારકમંત્ર ફૂંકે છે. ચિતાઓમાંથી ઊંચે ચડતી રાખથી વર્ષોથી ખરડાતા રહેલા આજુબાજુનાં મકાનો કાળાં થઈ ગયાં છે. અહીં બધી વસ્તુ કાળનાં મુખમાં ગરકાવ થઈ જાય છે. અહીં આવતા ગોરા વિદેશીઓ ખૂબ ગંભીર અને સ્થિર થઈ જાય છે. મૃત્યુ અને વિઘટનનો અહીં એમને ખૂબ નજીકથી અનુભવ થાય છે. રાત્રે ગંગા પરની હોડીમાંથી મણિકર્ણિકાનું દ્રશ્ય કોઈને સુંદર તો કોઈને બિહામણું લાગે છે. સેંકડો લોકો પોતાના સ્વજનની અંતિમ વિદાયને જોતાં આ ઘાટનાં પગથિયાં પર બેઠા બેઠા કંઈક વિચારતા હોય છે. કાયમ બેઠેલા લોકોનાં વજનનાં કારણે આ ઘાટનાં પગથિયાં નીચે તરફ નમી ગયા છે. જાણે આ પગથિયાં પોતે અહીં આવનારાને નીચે ચિતા તરફ સરકાવી દેશે ! આ ઘાટ પર કલાકો સુધી બેઠો બેઠો હું જીવનને મૃત્યુ પર વિચાર કરતો રહ્યો. શરીરોને સળગતા, ધુમાડો બનતા અને એ ધુમાડાને આકાશમાં ઊંચે ચઢતા જોતો રહ્યો. અહીં બેઠા બેઠા ધ્યાન લાગી જાય એવી સ્થિતિ છે. ઘાટની આજુબાજુની ગલીઓમાંથી અવિરત નવા મૃતદેહોનો પ્રવાહ ચાલુ હોય છે. આ જગ્યા ચોવીસ કલાક ધમધમે છે. અહીં સાંકડી ગલીમાં લાકડાની પાટલી પર બેસીને માટીનાં કોડિયામાં ચા પીવાની મજા કંઈક ઓર જ છે. અહીં બધું જ જૂનું છે. રસ્તા, લોકો, મકાનો, મંદિરો વગેરે બધું જ જર્જરિત અવસ્થામાં છે પણ આ આખા વાતાવરણ માં એક અદ્દભુત વ્યવસ્થા લાગે છે. અહીં એવું લાગે છે કે બધું બરોબર થાય છે. અહીં કોઈ વિરોધાભાસ નથી. કાશીમાં આવી ને દુનિયા પર વિશ્વાસ બેસે છે.

મણિકર્ણિકા ઘાટની આસપાસની ગલીઓ પણ ખૂબ વિખ્યાત છે. એક ગલી જેમાં થઈ ને ઘાટ ઉપર અવાય છે તેનું નામ છે બ્રહ્મનાલ. બ્રહ્મનાલ એટલે બ્રહ્મની સાથે જોડતી નાળ અથવા નળી. બનારસની કોઈ પણ ગલીઓ માં ઠેકઠેકાણે ચા, પાન અને નાસ્તાનાં ગલ્લાઓ છે. ચા માટીનાં નાના કોડિયાઓમાં પીવાય છે. ત્રણ રૂપિયામાં એક ચા મળે છે. જીવન અહીં સસ્તું છે. ભૂખ લાગી હોય તો બાજુની કચોરી ગલીમાં જઈને કચોરી, પૂરીભાજી વગેરે ખાઈ શકાય છે. બનારસમાં નાની ગોળ કચોરી મળે છે. પાનનાં બનેલા પડિયામાં ત્રણ-ચાર કચોરી ભાંગીને એના પર ચણા અને વિવિધ કઠોળનું બાફેલું મિશ્રણ રેડવામાં આવે છે તથા ઉપર થોડી ઘણી ચટણી રેડવામાં આવે છે. નાસ્તા પછી જલેબી પણ ખાવાનો રીવાજ છે અને પછી એક બનારસી પાન ખાઈ લીધું એટલે બે-ત્રણ કલાક સુધી રખડવાની મજા આવશે ! આ ગલીઓ લગભગ માંડ દસ ફૂટ પહોળી હશે. આમાં આજુબાજુ આવેલા ૨-૩ માળનાં મકાનોના કારણે ગલીમાં સૂર્યપ્રકાશ ક્યારેય પડતો જ નથી. તેથી આ ગલીઓમાં કુદરતી જ ઠંડક હોય છે. અહીં સમગ્ર ભારતમાંથી લોકો આવતાં હોય છે તેથી, અહીં કોઈ પણ પ્રદેશની વાનગી મળી જશે. એક જગ્યાએ મોટું દક્ષિણ ભારતીયોનું ગ્રુપ ઊભું હતું. પાસે જઈને જોયું તો ઢોંસા, ઈડલી, ઉત્તપ્પા, સંભારની દુકાન !! વાહ ભાઈ વાહ… મજા આવી ગઈ…. બેંગ્લોરથી આટલે દૂર પણ આવા સરસ ઈડલી, ઢોંસા ખાવા મળે એવી તો આશા જ ન હતી ! બાજુમાં જ મોટા એક તાવડામાં મસાલેદાર દૂધ ગરમ થઈ રહ્યું હતું. આ જગ્યા કદાચ કાશી વિશ્વનાથ ગલી જ્યાં મેઈન રોડ ને મળે છે ત્યાં છે.

જો તમને ધાર્મિક કે ઐતિહાસિક વાતોમાં મજા આવતી હોય તો બનારસની દરેક જગ્યાએ કોઈ ને કોઈ મહત્વની ઘટના બનેલી તમે જાણી શકશો. જયારે આશરે નવસો વરસો પહેલા આદિ શંકરાચાર્ય અહીં આવેલા ત્યારે મણિકર્ણિકા ઘાટ પાસેની ગલીમાં તેમને એક ચાંડાલનો ભેટો થઈ ગયો હતો. કહેવાય છે કે આ ચાંડાલ ભગવાન શંકર પોતે હતાં જેને શંકરાચાર્ય અસ્પૃશ્ય ગણતા હતાં. શંકરાચાર્યએ ચાંડાલને કહ્યું ‘દૂર ખસ’. ચાંડાલ કહે ‘તું કોને દૂર ખસવાનું કહે છે મારા શરીરને કે મારી અંદરના આત્મા ને ?’ આ વાક્ય સાંભળી શંકરાચાર્યને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ બોલ્યા : ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’ . કાશીના ચાંડાલ પણ એટલા વિદ્વાન હોય છે ! ખરેખર કાશીમાં સાધુ સંતોની ભરમાર છે. બની શકે કે કેટલાય સિદ્ધયોગીઓ આ ગલીઓમાં વર્ષોથી ભટકી રહ્યા હોય, ક્યારે કોનો ભેટો થઈ જશે એ સમજવું મુશ્કેલ છે. રામકૃષ્ણ પરમહંસ જયારે કાશી આવ્યા ત્યારે એક વાર હોડીમાં બેસીને મણિકર્ણિકા ઘાટ પાસેથી પસાર થઈ રહ્યા હતાં. ઘાટ પર સળગતી ચિતાઓ ને જોઈને એ ઊભા થઈ ગયા અને એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા. એમના શિષ્યોએ એમને પકડી લીધા, રખે ને એ ગંગા માં પડી જાય તો ! રામકૃષ્ણને અહીં ભગવાન શંકર પોતે મડદાનાં કાનમાં તારક મંત્ર ફૂંકતા હોય એવું દર્શન થયું હતું.

મણિકર્ણિકા ઘાટથી કચોરી ગલીમાં થઈ ને વિશ્વનાથ ગલીમાં જવાય છે જેમાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. કદાચ સામાન્ય લોકો માટે કાશી ફક્ત આ જ્યોતિર્લિંગથી ઓળખાય છે. અહીં બહુ ભીડ હોય છે. મંદિર તેના મહિમાનાં પ્રમાણમાં ખૂબ જ નાનું છે. કદાચ બારેય માંથી સૌથી નાનું જ્યોતિર્લિંગ હશે. ઔરંગઝેબે અસલ મંદિર તોડાવ્યા પછી ત્યાં મસ્જીદ બનાવી દીધી હતી. એ હવે ‘જ્ઞાનવપી મસ્જીદ’ તરીકે ઓળખાય છે. કહેવાય છે કાશી વિશ્વનાથનાં શિવલિંગનું રક્ષણ બ્રાહ્મણોએ વર્ષો સુધી કર્યું, પછી જયારે મરાઠાનું રાજ્ય આવ્યું ત્યારે અહિલ્યાબાઈ હોલકરે આ અત્યારનું મંદિર બનાવડાવ્યું. કાશીમાં મરાઠા શાસકોએ ઘણા ઘાટ અને મંદિરોનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવ્યાં છે. પંજાબના મહારાજા રણજીતસિંહે વિશ્વનાથ મંદિરના ઘુમ્મટોને સોનાથી મઢાવડાવ્યા. કાશી વિશ્વનાથનું શિવલિંગ મંદિરનાં કેન્દ્રમાં હોવાને બદલે ખૂણામાં છે. બની શકે કે જેનાં દર્શન માટે તમે બે કલાક લાઈનમાં ઊભા રહ્યા હોવ તથા તેની બાજુમાંથી તમે પસાર થઈ જાઓ અને શોધતા રહી જાઓ કે શિવલિંગ ક્યાં છે ?! મને ઘણી વાર એમ થાય છે કે આખી જિંદગી ભગવાનને શોધવામાં, યાદ કરવામાં ગાળી હોય છતાં ભગવાન મળતા નથી. કદાચ ભગવાન બાજુમાં રહી જાય છે. એ રીતે કાશી વિશ્વનાથનું મંદિર ઘણું સૂચક છે.

કાશીમાં પ્રથમ દિવસે ગંગામાં હું ફક્ત છબછબિયાં કરીને પાછો આવ્યો. મારી પાસે પાકીટ, ઘડિયાળ વગેરે હતાં અને હું એકલો જ હતો એટલે કોને ભરોસે મુકવું એ સવાલ હતો. બીજા દિવસે હું વહેલી સવારે હોટલ પર જ બધું મૂકી ગંગા સ્નાન માટે નીકળી પડ્યો. નવેમ્બર શરૂ થઈ ગયો હતો અને કાશીમાં ઘણી ઠંડી હતી. હું હોટલની બહાર નીકળ્યો અને શિવાલા ઘાટ તરફ જવા માટે સવારના ઝાંખા પ્રકાશમાં એક ગલીમાં ચાલવા લાગ્યો. હવે જે બન્યું તે દ્રશ્ય મને સંપૂર્ણપણે યાદ હોય, જેમાં હું પૂર્ણ રીતે ‘હાજર’ હોઉં એવા જિંદગીનાં જૂજ દ્રશ્યોમાંનું એક છે. મને એકદમ એવું લાગ્યું કે મારી આજુબાજુનું સમગ્ર વાતાવરણ સ્થિર થઈ ગયું છે. સમય જાણે થંભી ગયો છે. જાણે આ ક્ષણ યુગો પસાર કરીને મારી સમક્ષ આવી રહી છે. ખરબચડા પથરાથી બનેલો રસ્તો, બાજુમાં એક બકરી ઊભી હતી તેનું મોં, આજુબાજુ ગાયનું છાણ, ઢોરોને ખાવા માટેનાં ઘાસનાં વેરાયેલા તણખલા, બાજુમાં આવેલ એક ઘરનું જૂનું બંધબારણું અને વહેલી સવારની ઠંડી – આ ક્ષણ મારી સ્મૃતિમાં ખૂબ ઊંડી અંકાઈ ગઈ છે. મને યાદ છે, હું ચાલતો હતો અને જેવું આ બન્યું કે હું ઊભો રહી ગયો. મનમાં અદ્દભુત શાંતિ છવાઈ ગઈ. ખરેખર આ અનુભવ શબ્દોમાં વર્ણવવો અઘરો છે.

વારાણસીમાં પાંચેય દિવસ હું ચાલતો ચાલતો ફર્યો. ઘણી વાર કોઈ નિશ્ચિત જગ્યાએ જવા માટે નહિ પરંતુ ફક્ત શહેર જોવા માટે ફર્યા કરતો. એવામાં હું કેદાર ઘાટ પહોચ્યો. આ ઘાટ પર શંકર ભગવાનનું મંદિર છે અને આ મંદિર દક્ષિણની શૈલીમાં બનેલું છે. આ ઘાટ પર દક્ષિણ ભારતીયોની ભીડ રહે છે. ઘાટ પર થોડી વાર આરામ કરી ને એની પાછળની ગલીઓમાં રખડવા લાગ્યો. એવામાં મેં એક બોર્ડ જોયું : ‘સ્વામી રામકૃષ્ણ પરમહંસનું નિવાસ સ્થાન જયારે તે કાશી આવ્યા ઈ. સ….’ કોઈ ઓગણીસમી સદીની સાલ લખેલી હતી. મને ખરેખર આશ્ચર્ય થયું. બસ આમ જ રખડતાં, કાશીમાં રામકૃષ્ણ જ્યાં રહેલા તે જગ્યા મળી જાય એની શક્યતા કેટલી ? અંદરથી જવાબ આવ્યો….નહિવત…. આ જગ્યાએ કોઈ ભીડ નથી. એક સામાન્ય મકાન જ છે. સારું થયું કે એના બોર્ડ પર મારી નજર પડી. હું અંદર પ્રવેશ્યો. એ જૂની શૈલીનું ઘર હતું જેમાં વચ્ચે મોટો ચોક અને ફરતે ઓરડાઓ હતાં. હું જોઉં છું તો ચોકમાં નખશીખ ભગવા વસ્ત્રો (ધોતી વગેરે)માં સજ્જ બ્રાહ્મણોનાં બાળકો પ્લાસ્ટિકની દડીથી ક્રિકેટ રમે છે ! એમના પરિધાનને જોઈને મને એવું લાગ્યું કે આ જ દેવો છે. જાણે દેવો જ અહીં ક્રિકેટ રમી રહ્યાં હોય એવી અનુભૂતિ મારી અંદર થઈ. પરસાળમાં લાકડાની એક ચોરસ પાટ પર હું બેઠો અને આ સંપૂર્ણ ભારતીય પોશાકમાં સજ્જ છોકરાઓની રમત જોવા લાગ્યો. એમને થયું હશે કે આ કોણ આવી ગયું છે જેને અમારી રમત જોવાનો એટલો બધો સમય છે ? એકાદ-બે જણા મને જાણી જોઈને દડી મારવાનો પ્રયત્ન પણ કરતા હતાં પણ એક ટુકડીનો કેપ્ટન મને ન વાગે એનું ધ્યાન રાખતો હતો. મેં એમની ચાર-પાંચ મેચો જોઈ. મજા આવી ગઈ. પછી મેં એમની સાથે વાતો કરી. આ છોકરાઓ આજુબાજુનાં બ્રાહ્મણોનાં છોકરાઓ છે જે અહીં ચાલતી સંસ્કૃત પાઠશાળામાં ભણે છે. મેં પૂછ્યું શું ભણો છો ? તો કહે ‘વેદ’. અહીં ધોરણ ૧,૨,૩ વગેરે પ્રથા નથી. અહીં માસ્તરજી સંસ્કૃત સાહિત્ય જેમ કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત વગેરે શીખવાડે છે. મોટાભાગનાં બાળકો અહીં ભણીને પછી વારસાગત કર્મકાંડનો વ્યવસાય સંભાળે છે. માસ્ટરજીનો આવવાનો સમય થયો ન હતો એટલે બધા ભેગા મળીને ક્રિકેટ રમતાં હતાં. પછી જ્યાં રામકૃષ્ણ પરમહંસ રહેલા એ ઓરડામાં હું ગયો અને તેમણે વાપરેલી થોડીક વસ્તુઓ, પાદુકા વગેરે જોઈ, દર્શન કરી પાછો ફર્યો. આ જ જગ્યા મેં બે વરસ પછી બીબીસીની ‘સ્ટોરી ઓફ ઇન્ડિયા’ ડોક્યુમેન્ટ્રીમાં જોઈ – એક જ પાટિયું, એ જ ચોક, એ જ સંસ્કૃત ભણતા બાળકો અને એમના વૈદિક મંત્રોચ્ચાર !

ત્રણેક વર્ષ વીત્યાં હોવા છતાં, વારાણસીની આ યાત્રાના સંસ્મરણો હૃદયમાં એ રીતે જડાઈ ગયા છે કે આંખો બંધ કરતાંની સાથે ગંગાનો શાંત પ્રવાહ, કિનારાના એ ઘાટો, વારાણસીની ગલીઓ – બધું જ જાણે આંખો સામે તાદશ્ય થઈ જાય છે અને આજે પણ હું ફરીથી ભાવવિશ્વમાં વારાણસી જઈ પહોંચું છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “વારાણસીમાં…. – મૃગેશ ગજ્જર”

Copy Protected by Chetan's WP-Copyprotect.