- ReadGujarati.com - http://www.readgujarati.com -

ક્રાઇસ્ટ ધી રીડીમર (Christ the Redeemer)નું પૂતળું – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ સુંદર માહિતીલેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]દુ[/dc]નિયાની સાત અજાયબીઓથી કોણ અજાણ હશે ? છેક જૂના જમાનાથી દુનિયાની સાત અજાયબીઓનું મહત્વ રહ્યું છે. આજે ઘણી અલગ અલગ રીતે સાત અજાયબીઓ રજૂ કરાય છે. જેવી કે જૂના જમાનાની સાત અજાયબીઓ, મધ્ય યુગની સાત અજાયબીઓ, અર્વાચીન યુગની સાત અજાયબીઓ, કુદરતની સાત અજાયબીઓ વગેરે. અહીં આપણે એક નવી જ રીતે નક્કી કરાયેલી સાત અજાયબીઓની વાત કરીશું.

ઈ.સ. ૨૦૦૬માં સ્વીત્ઝરલેન્ડના એક ફિલ્મ પ્રોડ્યુસર બર્નાર્ડ વેબરને વિચાર સ્ફૂર્યો કે દુનિયાના લોકોને જે સૌથી વધુ પસંદ હોય એવી સાત અજાયબીઓનું એક નવું લીસ્ટ તૈયાર કરીએ તો કેવું ? આ વિચારથી તેમની એક સંસ્થાએ એક સ્પર્ધા યોજી. તેમણે અજાયબ ગણાય એવાં માનવ સર્જિત પંદરેક ભવ્ય બાંધકામોની નોંધ તૈયાર કરી. આ વસ્તુઓની વિગતે માહિતી, રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ વગેરે એકઠું કરીને ઈન્ટરનેટ પર મૂક્યું અને દુનિયાનો કોઈ પણ માણસ, ઈન્ટરનેટ પર, તેમાંથી પોતાને યોગ્ય લાગે તેવી સાત વસ્તુઓને પોતાનો મત આપે એવી ગોઠવણ કરી. ફોનથી પણ મત આપી શકાય એવી વ્યવસ્થા કરી. એક વર્ષ દરમ્યાન, દુનિયાના લગભગ દસ કરોડ લોકોએ પોતાના મત આપ્યા. તેમાંથી જે સાત વસ્તુઓને વધુ મત મળ્યા તેને ‘દુનિયાની નવી સાત અજાયબીઓ’ (New 7 wonders of the world) તરીકે જાહેર કરવામાં આવી. આ જાહેરાત કયા દિવસે કરવામાં આવી હશે તે કલ્પી શકો છો ? તે દિવસ હતો ઇ.સ. ૨૦૦૭ ના સાતમા મહિના(જુલાઈ)ની સાતમી તારીખ ! આ સ્પર્ધાનો હેતુ ‘માનવ જાતના પૃથ્વી પરના અમૂલ્ય વારસાને સાચવવાનો’ હતો. જો કે દુનિયાની હેરીટેજ સાઈટને સાચવવાનું કામ કરતી સંસ્થા યુનેસ્કો(UNESCO)એ આ સ્પર્ધામાં બહુ રસ દાખવ્યો ન હતો.

આ રીતે નક્કી થયેલી નવી સાત અજાયબીઓનું લીસ્ટ નીચે મૂજબ છે :
(૧) ક્રાઇસ્ટ ધી રીડીમર (Christ the redeemer) નામનું ઈસુ ખ્રિસ્તનું પૂતળું, બ્રાઝીલ
(૨) કોલોસીયમ, રોમ
(૩) તાજ મહાલ, ભારત
(૪) ચીનની દિવાલ, ચીન
(૫) પેત્રા, જોર્ડન
(૬) મચ્છુ પીચ્છુ, પેરુ
(૭) ચીચેન ઇત્ઝા, મેક્સિકો
આ બધી અજાયબીઓ વિષે જાણવાની ખૂબ મજા આવશે. અહીં આપણે બ્રાઝીલના ક્રાઇસ્ટ ધી રીડીમરથી શરૂઆત કરીએ.

બ્રાઝીલ દેશ, દક્ષિણ અમેરિકામાં, પૂર્વે એટલાન્ટિક મહાસાગરને અડીને આવેલો છે. બ્રાઝીલનું જૂનું પાટનગર રીયો ડી જાનેરો, બિલકુલ સમુદ્રકિનારે વસેલું છે. આ શહેર રીયોના હુલામણા નામથી પણ જાણીતું છે. આ રીયો શહેરમાં દરિયાકિનારે કોર્કોવાડો નામના પર્વતની એક ઉંચી ટેકરી પર, બ્રાઝીલના લોકોએ ‘ક્રાઇસ્ટ ધી રીડીમર’ નામનું ઈસુ ખ્રિસ્તનું એક ઊંચુ પૂતળું(statue) ઊભું કર્યું છે અને તે દુનિયાની નવી સાત અજાયબીઓમાં સ્થાન પામ્યુ છે. (આ સાથે મૂકેલા તેના ફોટોગ્રાફ્સ જુઓ.)

બ્રાઝીલના કેથોલિક પંથના ખ્રિસ્તી લોકો ઈસુનું આ પૂતળું ઊભું કરવા ઘણા વખતથી વિચારતા હતા. ૧૯૨૧માં તેઓએ આ માટે ફંડ ભેગુ કરવાની શરૂઆત કરી. એક સ્થાનિક એન્જીનીયર સિલ્વા કોસ્ટાએ પૂતળાંની ડીઝાઈન તૈયાર કરી. એક નિષ્ણાત ફ્રેન્ચ શિલ્પી પૌલ લેન્ડોસ્કીને શિલ્પકામ માટે રોક્યો. ૧૯૨૨માં પૂતળું બનાવવાની શરૂઆત થઇ, તે નવ વર્ષે ૧૯૩૧માં કામ પૂરુ થયું. ૧૨ ઓક્ટોબર ૧૯૩૧ના રોજ એક ભવ્ય જલસો ગોઠવી, તેનું ઉદઘાટન કરવામાં આવ્યું. પૂતળું તૈયાર કરવાનો કુલ ખર્ચ ૨૫૦૦૦૦ ડોલર થયો. આ પૂતળું એક પ્લેટફોર્મ પર ઊભું કરાયું છે. પ્લેટફોર્મ સહિતની પૂતળાની ઊંચાઈ ૩૯ મીટર છે. જે કોર્કોવાડો પર્વતની ટોચ પર આ પૂતળું તૈયાર કરાયું છે તે પર્વતની ઉંચાઈ ૭૦૦ મીટર છે. ઈસુ ખિસ્ત બે હાથ પહોળા કરીને જગતને શાંતિનો સંદેશો પાઠવે છે. ફેલાયેલા બે હાથના ટેરવા સુધીની પહોળાઈ ૩૦ મીટર છે. આ પૂતળું આર.સી.સી.માંથી બનાવેલું છે. સપાટી પર લીસો પથ્થર લગાડેલ છે. આર.સી.સી. સિવાય બીજે ક્યાંય સ્ટીલનો ઉપયોગ કર્યો નથી. પૂતળાંનું કુલ વજન ૬૩૫ ટન છે.

પૂતળાં આગળના પ્લેટફોર્મ પરથી આખુ રીયો શહેર દેખાય છે. દૂર દૂર સુધી દેખાતો એટલાન્ટિક મહાસાગર દ્રશ્યની મજામાં ઓર વધારો કરે છે. આ પૂતળું રીયો શહેરની શાન છે. બ્રાઝીલના લોકોનાં ઈસુ પ્રત્યેના પ્રેમની તે ઓળખ છે. દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે છે, અહીંનો માહોલ જોઈને ખુશીથી ઝૂમી ઉઠે છે અને અઢળક ફોટા પાડીને, પોતાની સાથે લઈ જાય છે. આ પૂતળુંએ બ્રાઝીલનું સૌથી મોટું ટુરીસ્ટ આકર્ષણ છે. યુ.એસ.એ.ના પ્રેસીડન્ટ ઓબામા પણ ફેમિલી સહિત અહીં મુલાકાતે આવી ગયાં છે. ૧૯૮૦ અને ૧૯૯૦માં પૂતળાની મરામત કરવામાં આવેલી. પહેલાં ૨૨૦ પગથિયાં ચડીને પૂતળાના પ્લેટફોર્મ સુધી પહોંચાતું. ૨૦૦૨ની સાલમાં અહીં એસ્કેલેટર્સ અને એલીવેટર્સ ઊભાં કરાયાં છે. ઉપર ફ્લડલાઈટો ગોઠવેલી છે, જે રાત્રે પૂતળાં પર પ્રકાશ ફેંકીને તેને રાત્રે પણ દ્રશ્યમાન રાખે છે. પહેલાં આ ફ્લડલાઈટ ચાલુ કરવાનું રીમોટ બટન અહીંથી ૯૨૦૦ કી.મી. દૂર આવેલા વેટિકન સીટી(રોમ)માં રાખવાની યોજના હતી. પણ ખરાબ હવામાનને કારણે સીગ્નલો નહિ પહોંચવાથી આ પ્લાન પડતો મૂકીને, રીયોના કર્મચારીઓ જ તેને ચાલુ-બંધ કરે, એમ ગોઠવ્યું છે.

૨૦૦૬માં અહીં પૂતળાની નીચે એક ચેપલ શરુ કરાયું છે, જેમાં કેથોલિક લોકો ધાર્મિક પ્રસંગોએ એકઠા મળે છે. આ ચેપલમાં લગ્નવિધિ પણ કરાવાય છે. ૨૦૦૮માં પૂતળા પર વીજળી પડતાં હાથની આંગળીઓ, માથું અને આંખની પાંપણોને થોડું નુકશાન થયેલું, પણ પથ્થરની અવાહકતાને લીધે પૂતળું બચી ગયું. જે નુકશાન થયું હતું તે સરકારે રીપેર કરાવી લીધું અને જ્યાં જરૂર લાગી ત્યાં બહારની બાજુના પથ્થર ફરી લગાડી દીધા. ૨૦૧૦માં કોઈકે પૂતળા પર ચિતરામણ કરી દીધું, લખાણો પણ લખ્યાં. રીયોના મેયરે આને રાષ્ટ્રવિરોધી ગુનો ગણીને તેની નોંધ લીધી છે. ૨૦૧૦માં ફરીથી મરામત કરાવવામાં આવી. વીજળીરક્ષક સળિયા પણ રીપેર કરાયા. સખત પવન અને વરસાદને લીધે થોડા થોડા વખતે રીપેરીંગ જરૂરી બની જાય છે. ‘ક્રાઇસ્ટ ધી રીડીમર’ની ઉંચાઈ સારી એવી હોવા છતાં, દુનિયાનાં ઊંચાં પૂતળાંની સરખામણીમાં તે ઘણું પાછળ છે. દુનિયાનું સૌથી ઊંચુ પૂતળું, ‘સ્પ્રીંગ ટેમ્પલ’ નામનું બુધ્ધ ભગવાનનું છે. તે ચીનમાં આવેલું છે અને તેની ઊંચાઈ ૧૫૩ મીટર છે. તે ૨૦૦૨ની સાલમાં બન્યું છે.

ક્રાઇસ્ટ ધી રીડીમરનું પૂતળું વખતોવખત સમાચારમાં ચમકતું રહ્યું છે. ઘણી ઈંગ્લીશ સીરીયલોમાં તે દેખાયું છે. ‘૨૦૧૨’ નામની ઈંગ્લીશ મૂવીમાં દુનિયાનો વિનાશ થતો બતાવે છે ત્યારે આ પૂતળું પણ તેમાંથી બાકાત રહેતું નથી. પહેલાં તેના હાથ તૂટે છે, પછી તે ઘૂંટણીએથી પડે છે અને છેલ્લે પર્વતની ધારો સાથે અથડાઈને તૂટી જાય છે. આ ફિલ્મ જોઈને ઘણા બ્રાઝીલિયન લોકોનાં દિલ દુઃખી થઈ ગયાં હતાં. UNESCOએ કેપિટલ સીટી રીયો ડી જાનેરોને હમણાં જ પહેલી જુલાઈ ૨૦૧૨થી હેરીટેજ સાઇટ તરીકે જાહેર કરી છે. ૨૦૧૬ની વર્લ્ડ ઓલિમ્પિક રીયોમાં રમાવાની છે ત્યારે લાખો લોકો ક્રાઇસ્ટ ધી રીડીમરની મુલાકાત લેશે. બોલો, તમે ક્યારે ઉપડો છો આ પૂતળાંની મુલાકાતે ?