મહાભારત અને આપણું કુટુંબ – હર્ષ રાજેન્દ્રકુમાર જોષી

[ અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં ફરજ બજાવતા યુવા સર્જક શ્રી હર્ષભાઈનો આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે emailharshjoshi@yahoo.in અથવા આ નંબર પર +91 9998823453 સંપર્ક કરી શકો છો.]

[dc]મ[/dc]હાભારત:
મહાભારતએ એવું કાવ્ય છે જે હજારો વર્ષ પૂર્વે લખાયેલું હોવા છતાં વર્તમાન પરિસ્થિતિ, વર્તમાન જીવનશૈલી, વર્તમાન સમાજ અને સમાજમાં રહેલા કુટુંબો કે તેની બાબતો સાથે સંપૂર્ણ સંગત થાય છે. એક લાખ શ્લોકોથી પણ વધુ સંખ્યા ધરાવનાર મહાકાવ્યમાંથી એક નાનકડું અર્થઘટન વર્તમાન પરિસ્થિતિ સાથે કરવાનો પ્રયાસ કર્યો છે. આપણા સમાજમાં દરેક ઘર રામાયણ અને મહાભારત બંને છે. જ્યારે કુટુંબમાં સંપ વર્તાય અને રામરાજ્ય જેવું વાતાવરણ બને ત્યારે તે ઘર/ કુટુંબ રામાયણનું રૂપક બને છે. જયારે તે જ ઘરમાં કોઈ કારણસર કલેશ ઉતપન્ન થાય તો એ સ્થૂળ અર્થમાં મહાભારતનું રૂપક બને છે. આમ એક જ ઘર બેઉ રામાયણ અને મહાભારત હોવાના જ. જેનું પ્રમાણ વત્તું-ઓછું હોઈ શકે.

જયારે એક જ ઘરના બાળકો વચ્ચે કલેશ કે વૈમનસ્ય ઉત્પન્ન થાય તેની પાછળ ઘણાં કારણો હોય છે. એમાંનું એક કlરણ વડીલો પોતે પણ છે ! કદાચ ક્યારેક મૂળ કારણ પણ હોય ! આ વાતને અનુલક્ષીને મહાભારતના કેટલાક પ્રસંગો/પાત્રોનું અર્થઘટન કરીએ. મહાભારત થવા પાછળ કોઈ એક જ કારણ કે પાત્ર જવાબદાર ન હતું. મહાભારતના યુદ્ધની પૂર્વ ભૂમિકા ઘણા બધા કારણો કે પાત્રોએ તૈયાર કરી હતી. માટે ગમે તે એક પાત્રને માથે કાંટાળો તાજ પહેરાવવો એ નાદાનિયત છે. મૂળ ભીષ્મપિતામહની વાત કરીએ તો તેમનું સમગ્ર જીવન/પાત્ર ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું છે. ભીષ્મપિતામહ શાસ્ત્ર વિશારદ હોવા છતાં પોતાને ‘અર્થનો દાસ’ ગણાવે છે અને સત્યના પક્ષે જવામાં નિષ્ફળ થાય છે. ભીષ્મ એ કૌરવો અને પાંડવોના વડીલ છે. મોખરાના વડીલ ! જેમની જવાબદારી એક વડીલ તરીકેની અત્યંત મહત્વ પૂર્ણ હોય. મહાભારતની કથાઓમાં વર્ણવ્યું છે તેમ બાળપણથી જ કૌરવો અને પાંડવો એમ બે જૂથ પડી ગયા હતાં. બાળપણની નાદાનિયતમાં થતાં બે જૂથો વચ્ચેના ઝઘડા ભવિષ્યમાં મોટું રૂપ ધારણ કરેછે. જ્યારે પણ આ બેઉ પક્ષોના બાળકોની નાની નાની ફરિયાદોથી માંડીને છેક યુદ્ધ સુધી જે પણ વાત ભીષ્મ પાસે પહોચતી ત્યારે હરહંમેશ એ સાચો ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે.

‘મારે મન કૌરવો અને પાંડવો બેઉ સરખાં છે. કૌરવો અને પાંડવો મારી બે આંખો છે.’ આવી અન્ય ડાહી ડાહી શાસ્ત્રોની વાતો કરીને ભીષ્મ કાયમ વચલો માર્ગ કાઢતા, જે વચલો માર્ગ આખરે યુદ્ધ ભણી લઈ ગયો. જયારે પણ કૌરવ-પાંડવોની વાત ભીષ્મ પાસે જતી ત્યારે ભીષ્મ જાણતાં હોવા છતાં કે પાંડવોના પક્ષે ધર્મ છે, એ પાંડવોને સાચો ન્યાય આપી શક્યા નથી. તેઓ હંમેશા વચલો માર્ગ કાઢીને નિરાકરણ લાવતા કે મારે તો બેઉ સરખા ! છેવટે તેઓ બંનેમાંથી એક પણ પક્ષને સાચો ન્યાય નથી આપી શક્યા. ભીષ્મે પોતાની ‘ભીષ્મ વૃત્તિ’ અકબંધ રાખી જે યુદ્ધ પાછળના ઘણાબધા કારણોમાંનું એક કારણ બની !
****

આપણું કુટુંબ :
વર્તમાન પરિસ્થિતિમાં પણ ઘણાં ઘરમાં આમ જ ચાલે છે. જેમને બે (કે તેથી વધુ) સંતાન હોય તે માતા-પિતા એમ જ કહેશે કે મારે તો બેઉ સરખા ! માતા-પિતાના બે બાળકોની વિચારસરણી / વિચારદ્રષ્ટિ સંપૂર્ણપણે જુદી અને વિરુધ્ધ દિશામાં હોવા છતાં માતા-પિતા કાયમ વચલા માર્ગે જ ન્યાય કરશે અને એમ કરવામાં બેઉમાંથી એક પણ બાળકને સાચો ન્યાય નહિ આપી શકે.

કૌરવો અને પાંડવો તો અધર્મ અને ધર્મનું પ્રતિક છે પણ વાત આપણા ઘરની હોય ત્યારે બેઉ બાળકો એટલે કે અધર્મ અને ધર્મ એમ જ ન હોય. બેઉ બાળકો સાચા પરંતુ જુદી જુદી દિશામાં ચાલનારા હોઈ શકે છે. આવે વખતે પણ માતા-પિતા બાળકોની વૃત્તિ સમજે નહિ અને સાચો ન્યાય ન તોળી શકે ત્યારે સ્વાભાવિકપણે જ બેઉ બાળકો વચ્ચે મતભેદ ઉતપન્ન થાય છે. જે ભવિષ્યમાં મોટા કુટુંબ-કલેશનું કારણ બની શકે છે. તે વખતે માતા-પિતા સંતાનોના વાંક કાઢે તે યોગ્ય તો ન જ ગણાય ! અને માતા-પિતા તો શું, આખો સમાજ માતા-પિતાને બિચારો બનાવી દઈને સંતાનોને દોષ દૃષ્ટિથી જુએ છે. બેમાંથી એક બાળક કંઈક ખોટું કરે ત્યારે શિક્ષા તો બેઉને કરવાની ! કેમ ? કારણકે માતા-પિતા માટે તો બેઉ સરખાં ! અરે, કાયમ એવું ન હોય ! આવી વૃત્તિ રાખવાથી જ બાવાનાં બેઉ બગડે છે. ખોટી બાબતોમાં જ આવું થાય છે એવું નથી, ક્યારેક સારા વિષય કે વસ્તુની બાબતમાં પણ આવું થાય છે. હકીકતમાં બેમાંથી એક ને તે વિષય કે વસ્તુ ગમે તેટલી સારી હોવા છતાં ન પણ પસંદ હોય ! છતાં બેઉને સરખું રાખવાની વૃત્તિ આંતરવિગ્રહ પેદા કરે છે.

બેઉ બાળકોની પસંદ બિલકુલ જુદી જુદી હોઈ શકે છે. એકને સાયન્સમાં તો બીજાને સાહિત્યમાં રસ હોઈ શકે છે. એકને રમતોમાં તો બીજાને સંગીતમાં રસ હોઈ શકે છે. એક વાચાળ તો બીજું શાંત હોઈ શકે છે. એક બહિર્મુખી તો બીજું અંતર્મુખી હોઈ શકે છે. એક ને નોકરી તો બીજા ને ધંધો પસંદ હોઈ શકે છે. એક ભૌતિકવાદી તો બીજું અધ્યાત્મવાદી હોઈ શકે છે. ખોટું બેમાંથી કોઈ નથી પરંતુ વડીલોનો ખોટો ન્યાય ખોટી પરિસ્થિતિ પેદા કરે છે. જો બાળકો સાથે તેમને તેમના મનપસંદ વિષયને અનુલક્ષીને વ્યવહાર કરવામાં આવે તો સારું પરિણામ સંભવી શકે છે. પરંતુ જો બેઉની પ્રકૃતિ વિરુદ્ધ જ છે તેમ જાણવા છતાં બેઉને એક જ લાકડીએ હાંકીએ અને બેઉને સરખા રાખવાની ઘેલછાને અનુસરીને બેઉને અન્યાય જ કરીએ તો પરિણામ વિપરીત જ આવે.

નિઃશંક ! નિઃશંકપણે બેઉને સરખા રાખવા પાછળ માતા-પિતાની ભાવના તો ઉદ્દાત જ હોય છે. તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. પરંતુ જો આપણા સમાજના માતા-પિતાઓમાં સહેજ દીર્ઘદ્રષ્ટિ કેળવાય તો આખો સમાજ કેળવાય. વિભક્ત કુટુંબની જગ્યાએ સંયુક્ત કુટુંબ જ રહે. માતા-પિતાને છ છ મહીને ઘર બદલવાનો વારો ન આવે. સમાજની દ્રષ્ટીએ કાયમ મા-બાપ જ બિચારા અને સંતાનો જ દોષી સાબિત થતા રહે છે, તેવું ન થાય ! ભીષ્મે તો ‘ભીષ્મ વૃત્તિ’ અકબંધ રાખી પણ હવે પરિવર્તનની જરૂર છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વારાણસીમાં…. – મૃગેશ ગજ્જર
ક્રાઇસ્ટ ધી રીડીમર (Christ the Redeemer)નું પૂતળું – પ્રવીણ શાહ Next »   

5 પ્રતિભાવો : મહાભારત અને આપણું કુટુંબ – હર્ષ રાજેન્દ્રકુમાર જોષી

 1. Dhiraj M. Luhana says:

  I don’t think so like this Harsh….. Claim on the Parents is not a right think…. we should think that .. to oppose decision is more easy then to take the decision … according to your article you are seem like that u are a son … still you are not taken a decision like a parent … when u take then u will understand … sorry if i am wrong.. Dhiraj

 2. rutvi says:

  Well, Bhishm can be blamed partially for mahabharat as he was bound to his vows (Bhishm-pratigya and pratigya to serve the sinhasan of Hastinapur). At the end of mahabharat, Bhishma accepts that his vows made them to not be with Dharma. He also advised Pandavas that never make such pratigya which leads you away from Dharma.

  For me, I can blame mostly Dhristrastra for Mahabhrata. Dhristrastra’s ambition to become king and to make his own sons king, was the reason behind whole mahabharata. Dhristrastra could stop duryodhan and dushashan from taking ill steps (Draupadi Vastraharan, Gamble, etc.). Instead of behaving as a king, he always thought as a Father.

  PARENTS ALWAYS SPOIL THEIR CHILD WHEN THEY IGNORE THEIR MISTAKES OVER THEIR LOVE FOR THEM. PARENTS SHOULD SCOLD THEM WHEN THEIR CHILDREN ARE WRONG OR HAVE DONE ANY MISDEEDS.

 3. ઘણુખરુ મા-બાપને સંતાનોના ઝઘડામા પીસાવુ જ પડતુ હોય છે. જ્યારે ક્યાંક કુટુંબની શાંતી માટે મા-બાપ દુખી દીલે પણ થોડા ઘણા અન્યાયના ભોગે સાભળે તેવા સંતાનોને સમજાવી લેતા હોય છે.

 4. Priyavadan Prahladray Mankad says:

  Very thoughtful article. We mostly say, “Mare to banne ankh sarkhi [if we have two children]” but as you would agree our both eyes may have different eyesight weakness! Similarly, if all children are not equal in discharging their social and family duties, they can not expect equal treatment from their parents.

 5. Arvind Patel says:

  આપણા શાસ્ત્રો માં રામાયણ અને મહાભારત મુખ્ય ગ્રંથો છે. એવું કહેવાય કે ઘર માં રામાયણ નું પુનરાવર્તન થાય તો સારું પણ મહાભારત નું પુનરાવર્ત ના થાય. મહાભારત એ મહા ગ્રંથ કહેવાય. કેટલ બધા પાત્રો !! કેટલી બધી વાતો !! ઈતિહાસ નું પુનરાવર્તન થાય છે આજે પણ દરેક ઘર માં મહાભારત ના પાત્રો જીવે છે. ભીષ્મ, દુર્યોધન, ધ્રુતરાષ્ટ્ર , શ્રી કૃષ્ણ, માતા કુંતી, યુધીસ્થીર, અર્જુન, ગણાય નહિ એટલા !!
  સારા પણ છે અને ખરાબ પણ છે. આજે પણ આ મહા ગ્રંથ સારું જીવન જીવવાના બોધ આપે છે. અને વર્ષો પછી પણ સારું શિક્ષણ આપશે. જમાનો ભલે બદલાય, તથ્ય નહિ બદલાય !!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.