આવો આપણા પિતાને પણ ઓળખીએ – અરવિંદ પટેલ

[ નિવૃત્તિબાદ સર્જનાત્મક પ્રવૃત્તિમાં સક્રિય રહેવાની કોશિશ કરતા નવોદિત સર્જક શ્રી અરવિંદભાઈનો (સુરત) આ લેખ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે prabhuprerna@gmail.com અથવા આ નંબર પર +91 8866616244 સંપર્ક કરી શકો છો.]

[dc]હ[/dc]મણાં થોડો વખત પહેલા જ નેટ પર ‘પિતા’ વિષેના એક લેખમાં ફરિયાદના સૂરમાં કહેવાયું હતું કે માતા વિષે ખૂબ લખાય છે, કહેવાય છે, બોલાય છે, પણ પિતા વિષે એટલું બોલાતું નથી, કહેવાતું નથી કે લખાતું પણ નથી. લખનારની વાતમાં મહદઅંશે તથ્ય પણ છે. આ લેખમાં પણ શક્ય એટલા તટસ્થ ભાવે ગૃહસ્થ જીવનમાં માતા અને પિતાની ભૂમિકાને જરા અલગ દષ્ટિકોણથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. થોડી પૂર્વભૂમિકામાં માતા કરતાં પિતાને જીવનમાં કેમ ઓછું મહત્વ મળે છે તેનું સુક્ષ્મ વિશ્લેષણ કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં ફક્ત સામાન્ય ઘરના માતાપિતાની જ વાત કરી છે. અતિ ધનવાન માતાપિતાની વાત ઘણી જ જુદી હોય છે, જેની અહીંયા ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. કુદરતી રીતે જ માતા અને પિતાના કાર્યક્ષેત્ર મહદઅંશે ભિન્ન હોવાં ઉપરાંત મનોવૈજ્ઞાનિક રીતે પણ થોડા જુદા પડતા હોય છે. માતાનાં કાર્યક્ષેત્રમાં બાળક માટે ગર્ભધારણ કરવો, બાળ જન્મ, બાળઉછેર એવાં કાર્યો છે કે જે પિતા ક્યારેય કરી શકે એમ નથી.

તે સિવાય વધારામાં ઘરની સારસંભાળ, સાફસફાઈ, ઘરના તમામ સભ્યોની પેટની ભૂખ સંતોષવા રસોઈ કરી પ્રેમથી જમાડવા, સહુને જમાડી પછી સહુથી છેલ્લે જમવું, બધાનો સમય સાચવવાનો, ઘરમાં શક્ય એટલા સહુને ખુશ રાખવાના, ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી વગેરે એવાં કાર્યો છે જે અત્યંત વિશિષ્ટ પ્રકારના છે. આવા બધા જ કાર્યોમાં માતાએ પોતાના પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતાને, મમતાને, વાત્સલ્યને નીચોવી નાખવા પડતા હોય છે. માતા ગમે તેવી ગંભીર માંદગીમાં પણ તેની જવાબદારી અને ફરજ નિભાવવાની પૂરતી કોશિશ કરતી હોય છે. વહેલા ઊઠી મોડા સૂવું, બધાની સગવડ અગવડનું બરાબર ધ્યાન રાખવું, સહુને સાચવી લેવા ને સંભાળી લેવા – આ દરેક કાર્યો એવાં અનોખાં, અનન્ય, અલગ અને અપૂર્વ છે જેને પરિપૂર્ણ કરવા કુદરતે માતાને અનોખી, આગવી આવડત અને સૂઝબૂઝ આપ્યા છે. માતાની પાસે ઘર ચલાવવા જે સમજણ, સહિષ્ણુતા, સબૂરી અને સમાધાનવૃત્તિ હોય છે તેવી અપેક્ષા પિતા પાસે રાખી શકાય નહિ. આથી જ પ્રેમાળ, માયાળુ, વાત્સલ્યપૂર્ણ માતાનું મહત્વ જીવનમાં મૂઠ્ઠી ઊંચેરું ગણાયું છે. જો કે માતાની મમતાની તોલે પિતૃપ્રેમની તુલના કરવી અયોગ્ય છે. માતાની સરખામણીમાં પિતા પોતાનો પરિવાર પ્રેમ પ્રત્યક્ષ સ્વરૂપે જલ્દીથી અભિવ્યક્ત કરી શકતા નથી. માતૃપ્રેમ માતાના વાણી વર્તન વ્યવહારમાં માયા, મમતા, વાત્સલ્ય, લાગણી દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપે તરત જ વ્યક્ત થઈ જતો હોય છે. પિતા પોતાના ફરજ, જવાબદારી પરિપૂર્ણ કરી પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા પરોક્ષ સ્વરૂપે પ્રેમ અભિવ્યક્ત કરતાં હોય છે જેને આપણે ઓળખવામાં પાછા પડીએ છીએ. તેથી તેમને સમજવામાં પણ ગેરસમજ થતી રહે છે.

પિતાનું કાર્યક્ષેત્ર મહદઅંશે ઘર બહારનું હોય છે. તેથી તેમનો મોટાભાગનો સમય ઘર બહાર પસાર થતો હોય છે. સંતાનો માટે પિતાનો સંપર્ક સહજતાથી કે સરળતાથી કરી શકવાનું મુશ્કેલ હોય છે. સંતાનો પોતાની જરૂરિયાત કે સમસ્યાની સહુ પ્રથમ રજૂઆત માતા સમક્ષ કરતાં હોય છે. આમ સંતાનો માટે પિતા સુધી પહોંચવાનું માધ્યમ જ માતા હોય, સંતાનો માટે પૂરી સમજણ આવે ત્યાં સુધી તેમને માટે તો માતા જ સર્વસ્વ હોય છે. ઘણીવાર પરિવાર માટે માતાનાં ત્યાગ, ભોગ, બલિદાન એવાં અનન્ય હોય છે કે જેનો જોટો જડવો મુશ્કેલ હોય છે. તેથી સંતાનોની દષ્ટિએ માતાનું મહત્વ આ કારણે પણ ઘણું વધી જતું હોય છે. પિતાના મોટાભાગના કાર્યો બુદ્ધિથી કરવાના હોય છે. તેમાં ઘણીવાર લાગણીનું તત્વ નથી હોતું કે ઓછું હોય છે. ઘણીવાર પિતાએ કુટુંબના લાંબાગાળાનાં હિતમાં કડક, કઠોર, નિર્ણયો કરવા પડતા હોય છે કે લેવા પડતા હોય છે, જે પિતાને થોડાઘણા અળખામણા કે અપ્રિય બનાવી શકે છે. ઘણીવાર થાય છે એવું કે માતાના વધુ પડતા લાડ પ્રેમ અને મમતાના કારણે સંતાનોને અવળે રસ્તે ચડી જતાં વાર નથી લાગતી ત્યારે સંતાનોને સીધા રસ્તે લાવવા, પિતાએ અત્યંત કઠોર નિર્ણયો કુટુંબના હિતમાં ના છૂટકે લેવા પડતા હોય છે, ત્યારે પણ સંતાનો તો પિતાને જ તિરસ્કારની નજરે જોવાના. પિતાનાં કડક, કઠણ, કઠોર વ્યક્તિત્વની પાછળ એમની કરડાકી જણાય આવે પણ એની પાછળ છૂપાયેલું કૂણું, કોમળ હૃદય આપણે ઝટ ઓળખી શકતા નથી. પિતાએ પોતાની આવકના પ્રમાણમાં ઘરના સહુ સભ્યોની આશા, અપેક્ષાઓ સંતોષવાના હોય છે જો પિતા આવી આશા, અપેક્ષા સંતોષવામાં થોડા ઘણા પણ પાછા પડે તો પિતા તરફ તરત અણગમો વ્યક્ત કરતાં વાર નથી લાગતી. છતાં પિતા જીવનમાં આવા કેટલાંયે કડવા ઘૂંટ ગળી જઈ પોતાની જવાબદારી, ફરજ પૂરી નિષ્ઠાથી કરવામાં પાછા નથી પડતા. આપણા આ પિતાની આપણા જીવનમાં ભૂમિકાને અને તેમના પણ મહત્વને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ.

માતાનું જીવનમાં સ્થાન જ એવું અનેરું છે કે જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછાં છે. પણ થાય છે એવું કે માતાના ગુણગાન ગાવામાં સમગ્ર કુટુંબના અસ્તિત્વના આધારસ્તંભ એવા પિતાને આપણે જાણે અજાણે કદાચ ઓછું મહત્વ આપીએ છીએ કે તેની અવગણના થઈ જતી હોય છે. માતા અને પિતા કુટુંબજીવનના રથના બે પૈંડા ગણાય. એકબીજા વિના બંને અધૂરા અને અપૂર્ણ ગણાય. બંને એકબીજા પર નિર્ભર. એટલે જ કહેવું હોય તો કહી શકાય કે પિતાને જાણે અજાણે અન્યાય થઈ જતો હોય એવું લાગે છે. પરિવારમાં પિતાના અમૂલ્ય ફાળાને આપણે ભૂલી જઈએ છીએ તે કેમ ચાલે ? માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું કે નથી કહેવામાં આવતું કારણ કે પિતા પરિવાર માટે જે કંઈ મહેનત મજૂરી કરે છે તે તો તેની ફરજ ગણાય, જવાબદારી ગણાય તેથી તેની નોંધ લેવાનું જરૂરી નથી ગણાતું. છતાં ઘરમાં પિતાનો પ્રભાવ અને પ્રભુત્વ, આધિપત્ય અને વર્ચસ્વ તો પિતાના જ હોય છે. ઘરના અગત્યના બધા જ નિર્ણયો લેવામાં પિતાનો જ અભિપ્રાય આખરી ગણાતો હોય છે.

સાહિત્યકારોએ, સંત મહાત્માઓએ, વ્યાખ્યાનકારોએ પણ માતાના ખૂબ વખાણ કરી, માતાને વિવિધ ઉપમાઓ આપી વધાવ્યાં છે. માતાનું મહત્વ જીવનમાં અદ્વિતિય અનુપમ છે અને રહેશે. માતાનો મહિમા સહુ ગાતા રહે છે અને ગવાય તેમાં કશું ખોટું પણ નથી. સ્ત્રીનું માતા તરીકેનું ઋણ પુરુષ ક્યારેય નહિ ચૂકવી શકે. સ્ત્રી સહુથી પહેલા માતા છે. સ્ત્રીના બીજા બધા સ્વરૂપોનું મહત્વ પછી આવે છે. દરેક પુરુષે જન્મ તો સ્ત્રીની કૂખે જ લેવો પડતો હોય છે. એટલે જ માતાનો દરજ્જો ખરેખર ખૂબ જ ઊંચો છે. તેમ છતાં પુરુષનું પિતા તરીકેનું મહત્વ ભૂલી જઈએ તો કેમ ચાલે ? જાણે અજાણે આપણા સહુથી પિતાની અવગણના થઈ જતી હોય એવું નથી લાગતું ? પિતાની સારપ વિશે કે સદગુણો વિશે ભાગ્યે જ ચર્ચા થશે અથવા તો આંખઆડા કાન કરવામાં આવતા હોય છે. પરંતુ તેના નકારાત્મક પાસા પર જ વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે.

તો આવો ઓળખીએ, જાણીએ, સમજીએ આપણા પિતાના અગણિત ઉપકારને. સહુથી પ્રથમ જોઈએ તો કુટુંબના, પરિવારના સભ્યોનો ભરણપોષણનો ભાર તો કૂદરતી રીતે પિતાના માથે જ હોવાનો, ખરું ને ? તેથી પિતાની એ જવાબદારી અને ફરજ થઈ પડે છે કે ખૂબ જ સમજી વિચારીને દૂરદષ્ટિ રાખી, દૂરંદેશી વાપરી ઘર પરિવારનો ભાર ઉપાડે અને સફળતાપૂર્વક ઘર પરિવારનું સંચાલન કરે. તેથી ઘરના સહુ સભ્યોની માંગણીઓ સંતોષવાની જવાબદારી કોણે ઉપાડવાની હોય ? તે જવાબદારી તો પિતાની જ હોય ને. લાંબાગાળાની, મહત્વની જવાબદારીઓનો સઘળો ભાર ઘણે ભાગે તો પિતાના માથે જ હોય. હકીકતમાં જોવા જઈએ તો ઘરના આર્થિક સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વૈભવનો આધાર તો મહદઅંશે પિતાની આવક અને કમાણી ઉપર જ હોય છે. જો કે આજની મોંઘવારીના જમાનામાં ઘણીવાર ઘરના આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવા માતા પોતાની ઘર ગૃહસ્થીની જવાબદારી સંભાળવા ઉપરાંત સ્વરોજગાર કે નોકરી ધંધા, વ્યવસાયમાં જોડાઈને આર્થિક રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરતી હોય છે ત્યારે બેવડી જવાબદારી સંભાળી પોતે પિતા કરતાં વહેંત ઊંચી ગણાવા લાગે છે. પિતા અમુક ઉંમર પછી નોકરી, ધંધા, વ્યવસાયમાંથી નિવૃત્ત થતાં હોય છે પણ માતાને જીવનના અંત સુધી ભાગ્યે જ નિવૃત્તિ માણવા મળે છે.

આ રીતે પણ માતાને પિતા કરતાં મહત્વ વધારે મળતું હોય છે. અહીં આપણે માતાપિતાની પોતાના ઘર પ્રત્યેની જવાબદારી અને ફરજ જો સ્પષ્ટ કરીએ તો સમજાશે કે માતાનો કુટુંબ પ્રત્યેનો ‘સમર્પણભાવ’ અને પિતાની પોતાની ફરજ અને જવાબદારી પ્રત્યેની સંનિષ્ઠાથી જ ગૃહસ્થજીવનનું ગાડું દોડતું રહે છે. માતાને મોટે ભાગે ઘરની, પરિવારની રોજિંદી જવાબદારીઓ સંભાળવાની હોય છે. બાળ ઉછેરથી માંડીને, રસોઈપાણી, ઘરની સાફસફાઈ, કચરા-પોતાં, વાસણ ઘસવા, કપડાં ધોવા વગેરે. જે કામમાં પિતાને સૂગ ચઢતી હોય તેવા કામ માતા ખૂબ જ સરળતાથી અને સહજતાથી કરી નાખતી હોય છે. ઘરના દરેક કામ લાગણી સાથે જોડાયેલા હોય છે તેથી માતા આવા દરેક કામ ખૂબ જ લાગણી અને આત્મીયતા સાથે કરી લેતી હોય છે. તેમજ આવા કામમાં માતાના કલા અને કૌશલ્ય સાથે કુનેહ પ્રદર્શિત થતાં હોય છે. માતાના મોટાભાગના ઘરના કામકાજ રસોઈ, બાળ ઉછેર વગેરે એવાં હોય છે કે તાત્કાલિક ધ્યાન માંગી લે છે અને તાત્કાલિક પૂરા કરવાનાં હોય છે. માતાની જવાબદારી કે ફરજ ચોવીસ કલાક અને ત્રણસોને પાંસઠ દિવસની હોય છે પણ પિતાનું કાર્યક્ષેત્ર થોડું અલગ પ્રકારનું હોય છે. તેમને હંમેશા આર્થિક જવાબદારીને કારણે પોતાના કામમાં બુદ્ધિનો ઉપયોગ વધુ રહેવાનો અને હંમેશા આર્થિક અસલામતી રહેતી હોવાના કારણે ચિંતાનું ભારણ વધુ રહેતું હોય છે. તેથી લાંબાગાળાના ભવિષ્યના ખૂબ જ અગત્યના કામનો બોજો પિતાના માથે જ સ્વાભાવિક રીતે રહેતો હોય છે.

ઘર પરિવારને લગતો કોઈ એકાદ ખોટો નિર્ણય પણ જો લેવાઈ જાય તો ઘરની બરબાદી થતાં વાર નથી લાગતી. આવા લાંબાગાળાનાં કાર્યોમાં સહુ પ્રથમ મૂકવું હોય તો રોટી કપડાં અને એ પછી સૂંદર મજાનું મકાન. ભાડે રહેતા લોકોને પોતાનું સુંદર મઝાનું ઘર હોય એવું સ્વપ્ન કોને ન હોય ? આજના જમાનામાં ઘરનું ઘર લેવું હોય તો પિતાના માથે ટાલ પડી જ ગઈ સમજો. પોતાના ઘરનું ઘર બનાવવામાં આખા જીવનની સઘળી બચત ખર્ચાઈ જતી હોય છે. બેંક લૉનની સગવડ કરવાની તેમજ વધારાના ખર્ચની જોગવાઈ કરતાં પિતાની યુવાની ગિરવે મૂકાઈ જતી હોય છે. પોતાનું ઘર થાય એટલે સુંદર સાજ સજાવટ, શોભા-શણગાર કરવા પડે એના ખર્ચનો ભાર તથા પોતાની પત્ની, પુત્ર-પુત્રીના કપડાંલત્તા, સાડી, ડ્રેસ, સોનાના દાગીના વગેરેની માંગણીઓ તો પિતાએ સંતોષવી જ પડે. પુત્ર, પુત્રીને ઉચ્ચ શિક્ષણ માટે સારી સ્કૂલ કૉલેજના એડમિશન તેમજ ભણતરના ખર્ચની ચિંતા તો સહુ પ્રથમ પિતાએ જ કરવી પડે. પુત્ર-પુત્રી ઉંમરલાયક થાય એટલે તેમને પરણાવવા માટેનાં ખર્ચની ચિંતામાં પિતાના માથાના વાળ ક્યારે ધોળા થઈ ગયા તેની ખબરેય નથી પડતી. આ બધી જ આર્થિક જવાબદારીના ભારણ પિતાના માથે જ હોય છે. પોતાના વૃદ્ધ માતાપિતાની સારસંભાળ, સારવાર માંદગીના ખર્ચનું ભારણ તો પાછું વધારાનું હોય. કુટુંબના સારા માઠા પ્રસંગોને સારી રીતે પાર પાડવાના આર્થિક ભારણને કારણે ક્યારે કેડ બેવડ વળી ગઈ ને પોતાના મોઢા પર ક્યારે અકાળે વૃદ્ધત્વ છવાઈ ગયું તેની બિચારાને ખબરેય નથી પડતી. આ જવાબદારી ને પરિપૂર્ણ કરવા ઘણીવાર નોકરી હોય તો ઓવરટાઈમ, વેપાર-ધંધા હોય તો વેપાર-ધંધાને કેવી રીતે વધારતા જઈએ તો આવકની વૃદ્ધિ થાય તે માટે વિચારીને કુટુંબના ભોગે કમાણી કરવાનું તો પિતાને જ હોય ને ? આખા કુટુંબની જવાબદારીઓ અને માંગણીઓના ભાર નીચે દબાયેલા પિતાને કામના ભારણના કારણે ઘરે આવતા ભૂલેચૂકે જો મોડું થઈ જાય તો એવું કહેવાય છે કે પિતા પરિવારને પૂરતો સમય નથી આપતાં કે હરવા-ફરવા નથી લઈ જતાં. પણ ઘણા પરિવારના મોટાભાગના સભ્યો પિતાની મજબૂરી, લાચારી, પરેશાની સમજવાનો ભાગ્યે જ પ્રયત્ન કરતાં હોય છે.

કુટુંબના સભ્યો તો પોતાની જરૂરિયાતોની માંગણી મૂકી દે પણ એ જરૂરિયાતને કેવી રીતે પરિપૂર્ણ કરવી તેના વિષે વિચારવાનું, પ્રયત્નો કરવાના હોય તો તે પિતાએ જ કરવાના હોય છે. આ બધા ટેન્શનમાં, ચિંતામાં, તાણમાં તણાઈને ક્યારે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગના કે કૈંક અસાધ્ય એવાં રોગોનાં દર્દી થઈ ગયા એ ખબરેય નથી પડતી. આખરે તો પિતા છે ને ? ઘરની સમસ્યાઓ, ફરિયાદો હોય તો તેને ઉકેલવાની જવાબદારી પિતાના માથે જ હોય. આમ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં પિતાની મર્યાદિત આવક અને પરિવારના સભ્યોની અમર્યાદિત જરૂરિયાતો, આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ પૂરી કરવામાં, સંતોષવામાં જ બિચારા પિતાનું આખું આયખું અટવાયા કરે છે અને પોતાનું આયુષ્ય ક્યાં પૂરું કરી નાખ્યું એની જાણ સુદ્ધાં નથી રહેતી. આવી જવાબદારીઓ પરિપૂર્ણ કરવામાં પાછા પડતા કે ઊણા ઉતરતા પિતાની દશા પરિવારમાં ઘણી ભૂંડી થઈ જતી હોય છે. એવાં કેટલાયે કિસ્સા આપણા સાંભળવામાં આવે છે. પિતાને એની પોતાની સમસ્યાઓ પણ હોય છે, ફરિયાદો પણ હોય છે પણ તે કોને કહે ? આવામાં પિતા જો ભૂલેચૂકે પોતાનો પિત્તો ગુમાવી દે તો પિતાને બદનામી મળતા વાર નથી લાગતી. પિતાને જાણે હૃદય ના હોય, દિલ ના હોય… એણે તો પથ્થર જેવા થઈને જ રહેવાનું. એને તો રડવાની પણ છૂટ નહીં કારણ કે એ તો પુરુષ કહેવાય, મનમાં મૂંઝાયા કરે, પણ પોતાની વ્યથા કોની આગળ ને કેવી રીતે વ્યક્ત કરે ? પિતાએ તો પોતાની વ્યથા, વ્યગ્રતા, વિષાદ કે વલોપાતને પોતાના હૃદયમાં જ ધરબીને રાખવાના હોય. પોતાના પુત્ર કે પુત્રી જો કહ્યામાં ના હોય અને પત્નીનો જો જોઈતો સાથ ના મળે તો બિચારા પિતાએ ક્યાં જવું ? ઉંમરલાયક પુત્ર-પુત્રી આડાઅવળા માર્ગે દોરાઈ જઈને ખોટે રસ્તે ચઢી ના જાય તેની ચિંતા માતાની સાથે પિતાને પણ એટલી જ હોય છે.

ઘરબહારની બધી જ જવાબદારી પરિપૂર્ણ કરવા દોડવાનું તો મોટેભાગે પિતાએ જ હોય છે ?! પરિવારના ભરણપોષણની સઘળી જવાબદારી પરિપૂર્ણ કરવા આર્થિક ભારણને પહોંચી વળવા કોઈક વાર ભ્રષ્ટાચારના ખોટા રસ્તે પગ દોડવા માંડે તો અપયશ તો પિતાને જ મળવાનો ને ? પરિવારના પાલનપોષણ કરવામાં, આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવામાં પૂરતા પરિશ્રમ, પ્રયત્ન છતાં નિષ્ફળતા મળતા ક્યારેક નબળા મનના પિતા પોતાનો અપરાધભાવ ભૂલવા માટે જ્યારે ભૂલેચૂકે વ્યસનના રવાડે ચઢી જાય છે ત્યારે જાણેઅજાણે પરિવારના પતનનો પાયો નંખાઈ જતો હોય છે. ત્યારે ઘરના સભ્યોને જવાબદારીમાંથી છૂટી પડતાં વાર નથી લાગતી. આવા સમયે બદનામી તો પિતાની જ થતી હોય છે. બિચારો પિતા જાય તો જાય ક્યાં ? ઘરની બધીજ મોટી સમસ્યાઓના ઉકેલ લાવવાની જવાબદારી તો પિતાની જ હોય ને ?! છતાં ઘણીવાર સમસ્યાઓના સમાધાન શોધવામાં સંજોગો અને પરિસ્થિતિને કારણે નિષ્ફળ જતાં પિતાની અકળામણને કોઈ ઓળખી નથી શકતું તેથી તેઓ અળખામણા થઈ જતાં હોય છે. ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ?

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ? માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઈ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવાનું પ્રમાણમાં ઘણું અઘરું હોય છે ! કારણ કે સાંત્વન આપવામાં હૃદયની ભીની લાગણીઓને નીચોવી નાંખવાની હોય છે. બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ પિતાએ તો ભાવવિભોર થયા વિના, લાગણીના પ્રવાહમાં તણાયા વિના પોતાની અંતરની વ્યથા, વ્યગ્રતા, વિષાદ કે વલોપાત જેવા ભાવોને દબાવી રાખવાના હોય છે. અશ્રુ પ્રવાહને પરાણે રોકી અંતરમાં ધરબી દેવાનો હોય છે. પોતાના પરિવારના સભ્યના મૃત્યુ સમયે પણ પિતાએ તો મક્કમતા દાખવી બધાને સાંત્વના જ આપવાની હોય, આશ્વાસન આપવાનું હોય ત્યારે એનાથી રડાય ખરું ? એણે તો વિપરીત પરિસ્થિતિમાં, આપત્તિમાં, વિપત્તિમાં સંજોગો સામે લડી લેવા અડીખમ ઊભા રહેવાનું હોય છે. એટલે જ તો એમને પિતા કહ્યા હશે, ખરું ને ? ગરીબ કુટુંબનાં, પરિવારના પિતાની તો વાત જ અલગ છે. પરિવારના ભરણપોષણ ખાતર માતાની સાથે પિતાએ પણ આપેલા ભોગને ધ્યાનમાં લઈએ તો ખબર પડે કે બિચારા પિતાએ ક્યાં ક્યાં ને કેવી રીતે ઓછી આવકમાં મહિનો પૂરો કરવા સંતુલન સાધવું પડે છે. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા, તેમનું ફાટેલું ગંજી, જૂનો લેંઘો, તેમના દાઢી વધેલા ચહેરામાં તેમની કરકસર છૂપાયેલી હોય છે. પિતા પોતાના ખર્ચમાં કરકસર કરીને પણ સંતાનોને હરવાફરવા, રેસ્ટોરન્ટ, ફિલ્મો જોવાં 200-500 રૂપિયા આપી રાજી રાખતા હોય છે. પિતાનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે પરોક્ષ સ્વરૂપે વ્યક્ત થતાં પિતાના આ પ્રેમને આપણે ઝટ ઓળખી નથી શકતાં.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. માતા અને પિતા બંનેનું મહત્વ જીવનમાં અનેરું હોય છે. માતા પોતાની જે કંઈ પણ ફરજ જવાબદારી પરિપૂર્ણ કરતી હોય છે તેની પાછળનો ટેકો તો પિતાનો હોય છે. બંને જણ એકબીજાના ટેકા વિનાં, સહકાર વગર ઘરની બધી જ જવાબદારીઓ કે ફરજ યોગ્ય રીતે પરિપૂર્ણ કરી શકે નહિ. માતાની કર્તવ્ય પરાયણતા અને પિતાની કર્તવ્ય નિષ્ઠા ઘરગૃહસ્થીને શાંતિ, સલામતી અને સ્થિરતા આપતાં હોય છે. કોઈના મહત્વને ઓછું આંકી ન શકાય. માતા કે પિતા દરેક જણ પોતપોતાન સ્થાને સર્વશ્રેષ્ઠ છે. ખરેખર જોવા જઈએ તો માતાએ ઘરની પોતાની સઘળી આર્થિક જરૂરિયાતો પરિપૂર્ણ કરવા પિતા ઉપર આધારિત હોય છે અને પિતાની પોતાની આર્થિક સિવાયની બધી જ જરૂરિયાતો ઘરમાં પરિપૂર્ણ થતી હોય છે. છેવટે જે કંઈ છે તે તો ઘરે જ હોય છે. અંતમાં એટલું કહી શકાય કે માતા જે કંઈ છે તે પિતાને કારણે હોય છે અને પિતાની સફળતા પાછળ માતાનો હાથ અવશ્ય હોવાનો. પિતાએ માતાનું સૌભાગ્ય છે અને માતા એ પિતાનું સદભાગ્ય છે. માતાપિતા બંને સંતાનોનું ભાગ્ય ઘડનાર ભાગ્યવિધાતા છે. સંતાનો તો માતાપિતાનું ભવિષ્ય છે. તેઓ એકબીજાના સાથ સહકાર સાથે સંવાદ સાધી સંતાનોના સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સ્વસ્થતા, સૌહાર્દ અને ભલા માટે જ સતત પ્રયત્નશીલ હોય છે. બસ, આપણે આપણા માતાપિતાને યાદ કરી, આદર આપી, કદર કરવામાં બેદરકાર ના રહીએ. આપણે તેમને મનોમન વંદન કરી તેમનું ઋણ ચૂકવવા પ્રયત્નશીલ રહીએ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ક્રાઇસ્ટ ધી રીડીમર (Christ the Redeemer)નું પૂતળું – પ્રવીણ શાહ
અમારાં અનોખાં લગ્ન – જનક પરીખ Next »   

15 પ્રતિભાવો : આવો આપણા પિતાને પણ ઓળખીએ – અરવિંદ પટેલ

 1. Chandrakant Lodhavia says:

  શ્રી મૃગેશભાઈ,

  આવો આપણા પિતાને પણ ઓળખીએ – અરવિંદ પટેલ તા.જુલાઈ, ૨૫ લેખમાં
  ખૂબ સુંદર નિરિક્ષણ તથા સુક્ષ્મ વિશ્લેષણ મુકાયું છે.

  ૧. આ લેખમાં પણ શક્ય એટલા તટસ્થ ભાવે ગૃહસ્થ જીવનમાં માતા અને પિતાની ભૂમિકાને જરા અલગ દષ્ટિકોણથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.

  ૨.માતાની સરખામણીમાં પિતા પોતાનો પરિવાર પ્રેમ પ્રત્યક્ષ સ્વરૂપે જલ્દીથી અભિવ્યક્ત કરી શકતા નથી.

  ૩.પિતા પોતાના ફરજ, જવાબદારી પરિપૂર્ણ કરી પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા પરોક્ષ સ્વરૂપે પ્રેમ અભિવ્યક્ત કરતાં હોય છે જેને આપણે ઓળખવામાં પાછા પડીએ છીએ. તેથી તેમને સમજવામાં પણ ગેરસમજ થતી રહે છે.

  ૪. પિતાના મોટાભાગના કાર્યો બુદ્ધિથી કરવાના હોય છે. તેમાં ઘણીવાર લાગણીનું તત્વ નથી હોતું કે ઓછું હોય છે. ઘણીવાર પિતાએ કુટુંબના લાંબાગાળાનાં હિતમાં કડક, કઠોર, નિર્ણયો કરવા પડતા હોય છે કે લેવા પડતા હોય છે,

  ૫. માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા ?

  ૬.સ્ત્રીનું માતા તરીકેનું ઋણ પુરુષ ક્યારેય નહિ ચૂકવી શકે. સ્ત્રી સહુથી પહેલા માતા છે.
  ૭. સભ્યોનો ભરણપોષણનો ભાર તો કૂદરતી રીતે પિતાના માથે જ હોવાનો, ખરું ને ? તેથી પિતાની એ જવાબદારી અને ફરજ થઈ પડે છે કે ખૂબ જ સમજી વિચારીને દૂરદષ્ટિ રાખી, દૂરંદેશી વાપરી ઘર પરિવારનો ભાર ઉપાડે અને સફળતાપૂર્વક ઘર પરિવારનું સંચાલન કરે. તેથી ઘરના સહુ સભ્યોની માંગણીઓ સંતોષવાની જવાબદારી કોણે ઉપાડવાની હોય ? તે જવાબદારી તો પિતાની જ હોય ને. લાંબાગાળાની, મહત્વની જવાબદારીઓનો સઘળો ભાર ઘણે ભાગે તો પિતાના માથે જ હોય.

  ૮. પિતાએ અત્યંત કઠોર નિર્ણયો કુટુંબના હિતમાં ના છૂટકે લેવા પડતા હોય છે, ત્યારે પણ સંતાનો તો પિતાને જ તિરસ્કારની નજરે જોવાના. પિતાનાં કડક, કઠણ, કઠોર વ્યક્તિત્વની પાછળ એમની કરડાકી જણાય આવે પણ એની પાછળ છૂપાયેલું કૂણું, કોમળ હૃદય આપણે ઝટ ઓળખી શકતા નથી.

  ૯. લાંબાગાળાની, મહત્વની જવાબદારીઓનો સઘળો ભાર ઘણે ભાગે તો પિતાના માથે જ હોય. હકીકતમાં જોવા જઈએ તો ઘરના આર્થિક સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વૈભવનો આધાર તો મહદઅંશે પિતાની આવક અને કમાણી ઉપર જ હોય છે.

  ૧૦.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ? માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.
  ૧૧. માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.

  આજના કાળમાં પુત્રીને પુત્ર સમોવડી બનાવવા પિતાએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે.પણ ઘરે ઘરે પુત્રી સ્ત્રી સહજ સ્વભાવને કારણે માતાને વધુ મહત્વ આપે છે. અને મા પણ પુત્રીની દરેક વાતોને વધુ મહત્વ આપે છે. જેના કારણે દિકરીને સાસરે જવા માટેના
  નિર્ણયો પણ વિલંબિત થાય છે. જે આજના સમાજની મહત્વની સમસ્યા બની ગઈ છે. આમાં વાંક કોનો જોવો?

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 2. Chhaya says:

  પીતા જ આડા રસતૅ છે તઍમનઍ જવાબદારઈ નઉ ભાન નથી

  • arvind patel says:

   છાયાબેન,
   આપના પિતા વિશે જાણી દુઃખ થયું. પિતા કેમ અવળે રસ્તે છે કે તેમને જવાબદારીનું કોઈ ભાન નથી આવું ઘણા કિસ્સામાં બને છે તેથી બધા જ પિતાને ખરાબ હોવાનો દોષ આપી શકાય નહિ. છતાં આ પ્રકારની જે પરિવારમાં સમસ્યા હોય ત્યારે પરિવારના સભ્યોએ સમસ્યાના મૂળ શોધીને ઉકેલ લાવવો જોઈએ. પરિવારના સહુ સભ્યોએ સાથે બેસી સમજણ, સમાધાન, સહિષ્ણુતા અને સબુરી રાખી શાંતિપૂર્વક ઉકેલ લાવવા પ્રયત્ન કરવા જોઈએ. ઘણીવાર પિતાને ખબર હોય છે કે હું મારા પરિવારની જવાબદારી બરાબર સંભાળી નથી શકતો તે કારણસર થતો અપરાધભાવ કોરી ખાવાથી તેને દબાવવાના પ્રયત્નોમાં પિતા અવળે રસ્તે જતાં રહેતાં હોય છે.
   આપના પ્રતિભાવનાં જવાબમાં મોડો જવાબ આપવા માટે દીલગીર છું

   અરવિંદ પટેલ

 3. હર્ષ આર જોષી says:

  ખૂબ જ સુંદર વિચાર છે આપનો. તમે પિતાની જિંદગીના એવા પાસા દર્શાવ્યા છે જે સૌ જાણતા હોવા છતાં તેના પ્રત્યે આંખ આડા કાન કરે છે. પણ આપનો લેખ વાંચ્યા પછી વાંચનારનો દ્રષ્ટિકોણ અવશ્ય બદલાશે.

  • અરવિંદ પટેલ says:

   ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ,
   નમસ્કાર,
   સહુ પ્રથમ તો હું દિલગીર છું કે આપના પ્રતિભાવના જવાબમાં ત્વરિત જવાબ કોઈને કોઈ કારણસર આપવાનું રહી જતું હતું.આપે જે ઝીણવટપૂર્વક લેખ વાંચીને છણાવટ કરી ત્વરિત પ્રતિભાવ આપવા બદલ આભાર.
   અરવિંદ પટેલ

  • અરવિંદ પટેલ says:

   શ્રીયુત હર્ષભાઈ,
   સહુ પ્રથમ તો આપના પ્રતિભાવના જવાબમાં ત્વરિત જવાબ આપવાનું સંજોગોવશાત રહી જતું હતું તે બદલ દિલગીર છું.આપના સુંદર પ્રતિભાવ માટે આભાર.

   અરવિંદ પટેલ

 4. daksh says:

  માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.

  • kkmodi says:

   ખુબ જ સરસ

   • arvind patel says:

    મોદી ભાઈ,
    આપના પ્રતિભાવ બદલ આભાર. મોડો જવાબ આપવા માટે દિલગીર છું.

    અરવિંદ પટેલ

  • અરવિંદ પટેલ says:

   ભાઈ શ્રી દક્ષ,
   આપના પ્રતિભાવ માટે મોડો આભાર માનવા માટે દિલગીર છું. આભાર.

   અરવિંદ પટેલ

 5. Rajni Gohil says:

  સમાજ પણ બીબામાં ઢાળી દઇ શું પિતાને અન્યાય નથી કરતો? શાસ્ત્રો પણ માત્રુદેવો ભવ, પિત્રુદેવો ભવ કહે જ છે. ઇમારતના વખાણ કરવા યોગ્ય જ છે પણ પાયાને ભૂલવું ન જોઇએ. સુંદર સમજણ આપતો લેખ ઘણા લોકોના પિતા તરફના વલણમાં થતા અન્યાયમાં જરૂર સહાયભૂત થશે. સુંદર લેખ બદલ આભાર.

  • arvind patel says:

   રજનીભાઈ,
   આપના સુંદર પ્રતિભાવ બદલ આભાર. આપના પ્રતિભાવનો મોડો જવાબ આપવા માટે દિલગીર છું.

 6. sheetal patel says:

  good going mama
  its very nice
  congrets

 7. pragnesh patel says:

  Good

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.