અમારાં અનોખાં લગ્ન – જનક પરીખ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી જનકભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે janak.p.parikh@gmail.com અથવા આ નંબર પર +91 7874057614 સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]પણે એમ માનતા હોઈએ છીએ કે આપણે પોતે બહુ સામાન્ય માણસ છીએ અને આપણી સાથે બધું રાબેતા મુજબ જ થતું હોય છે – જેમ કે આપણી કદી લોટરી ન લાગે. જેકપોટ તો કોઈ બીજાને જ મળે ! પરંતુ ના…., સાવ એવું નથી હોતું. આ દુનિયા અજબગજબ છે. આપણી સાથે પણ ક્યારેક ન ધારેલું બની જતું હોય છે. જરા ભૂતકાળમાં ડોકીયું કરી ને જોજો. તમારી પાસેથી પણ કંઈક નીકળશે. જેના જીવનમાં કંઈ જ નથી બનતું તેઓ પછી પોતે જ પેપરમાં શ્રધ્ધાંજલી આપે છે… પોતાનું નામ પોતે વાંચે છે અને બીજાઓને વંચાવે છે. એ પછી પેપરનું એ કટિંગ તેઓ સાચવીને બૅંકના લૉકરમાં મૂકી દે છે !

મારી સાથે જે કંઈ અજબગજબનું થયું છે એની થોડી વાત તમારી સાથે કરવી છે. પરંતુ એ પહેલાં તમને મારો પરિચય તો આપી દઉં ને ? હું પોતે જનક પરીખ અને મારી પત્નીનું નામ ગીતા. 1969માં રાજીખુશીથી અમારા લગ્ન થયેલા અને આજે પણ અમે રાજી અને ખુશીથી લગ્નીત છીએ. આ સાચી હકીકતમાં હવે કશું છુપાવવા જેવું ન હોઈને નામ સાચા રાખ્યાં છે અને બદલ્યાં નથી. તમે આ વાંચો અને પછી જો કહો કે આવા જ બીજા કોઈ લગ્ન વિશે તમે જાણો છો, તો મારે તમને સલામ કરવી પડે અને સાથે કહેવું પડે કે તમે કોઈ ગુપ્તચર સંસ્થામાં આદર્શ કેરીયર બનાવી શકો છો !

અમારા લગ્ન થયાં એ સમયે ત્યાં કોઈ બેન્ડવાજાં નહોતાં કે નહોતા સિનેમાના ગીતો ગાતા કોઈ ભૂંગળા. (ડી.જે.ની તો એ સમયે કલ્પના પણ ક્યાંથી થાય ?) કોઈ માંડવો બંધાયો ન હતો કે નહોતું વર-કન્યાનું કોઈ સિંહાસન ! અરે, સાદા ખુરશી ટેબલ પણ નહોતાં…. હમ્મ… વિચારમાં પડી ગયાં ને ? હકીકતે તમે વિચારો છો એવું કંઈ નથી. અમારા લગ્ન કોઈ કોર્ટરૂમમાં પણ નથી થયાં કે નથી મંદિરમાં થયા. અમારાં આ અનોખાં લગ્ન તો થયા હતા વડોદરા શહેરની નરસિંહજીની પોળમાં આવેલા મારા ઘરમાં ! વળી, જ્યારે લગ્ન થઈ રહ્યાં હતાં ત્યારે અમારી સાથે અમારા કોઈ ભાઈ-બહેનો નહોતાં કે ન હતો મારા બહોળા મિત્રમંડળમાંથી સમ ખાવા પૂરતો એક મિત્ર ! હા, લગ્ન સમયે મારા માતા પિતા હાજર હતાં. એમની બાજુમાં જ મારા ફોઈ હતા પરંતુ એમને ખ્યાલ સુધ્ધાં ન હતો કે અમારાં લગ્ન થઈ રહ્યાં છે. છે ને અજબગજબ જેવી વાત ! લગ્ન સમયે મેં પ્રસંગ અનુસાર જોકર જેવાં કપડાં કે હોટેલના દરવાન જેવો ફેંટો નહોતો પહેર્યો. મારી પત્નીના હાલ મારા જેવા જ હતાં. બીજુ બધું તો ઠીક પણ લગ્ન સમયે અમે નાહ્યાં પણ નહોતાં ! અરે, લગ્નની પાંચ મિનિટ પહેલાં અમને ખબર પણ નહોતી કે અમારાં લગ્ન થવાનાં છે. આ લગ્નને કેવું નામ અપાય તે હું આજ દિન સુધી શોધી શક્યો નથી.

જે રીતે અમારાં લગ્ન લેવાયા હતા તે જાણીને કહું છું કે આ લગ્ન માટે મારા બાએ તો શુભમુહૂર્ત જ્યોતિષી પાસે જોવડાવ્યું જ હશે પરંતુ મેં મારા ભવિષ્યની ચિંતા કદી કરી નહોતી અને કોઈ ગુરુ મહારાજના આશીર્વાદ પણ લીધા નહોતાં – જેના ફળ આજ દિન સુધી ભોગવી રહ્યો છું ! સરકાર લગ્ન કરવાની જે ઉંમરે છૂટ આપે છે તેનો ફાયદો લઈ હું હોંશે હોંશે વહેલો પરણ્યો પરંતુ એ પછી મને લાગ્યું કે જાણે હું તો પરણીને જ જન્મ્યો હતો ! એમાંય મારી પત્નીએ વકીલાતનો અભ્યાસ કર્યો અને છેલ્લા ન ગણાય એટલા વર્ષોથી તે એની પ્રેક્ટીસ કરે છે. આજના સભ્ય સમાજમાં પતિ-પત્ની વચ્ચેના યુધ્ધમાં ‘વાક’ નામનો એક જ પ્રકાર રહેલો હોઈ, કાપો તો લોહી ન નીકળે તેવી અહિંસક સ્થિતિમાં તે મને મૂકી દે છે. હું તો માનું છું કે લગ્ન બે સમાન વ્યક્તિઓ વચ્ચે જ થવા જોઈએ અને એ નિયમ અનુસાર વકીલના લગ્ન વકીલ સાથે જ થઈ શકે તેવો કાયદો હોવો જોઈએ. જો કે આ તો થોડી આડવાત થઈ પરંતુ સમાજસેવાનું ભૂત મારા પર પહેલેથી સવાર છે એટલે લોકોના લાભાર્થે આ વાત કરવાનો લોભ હું છોડી શકતો નથી.

ફરીથી લગ્નના મુદ્દા પર આવું. આવા લગ્ન ! શું ખરેખર હોઈ શકે છે ? ‘લગ્ન’ શબ્દ સાથે આ જે ઉદ્દગારનું ચિહ્ન મૂક્યું છે તે યથાર્થ છે. લગ્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ જ શક્ય હોય તેટલા વધુ લોકોને જાહેરમાં પોતાનો અંગત હેતુ શું છે તે ગાઈ-બજાવીને જણાવવાનો હોય છે. (ઢોલ, નગારા અને તે સાથે ડિ.જે. વગાડવાનો હેતુ ફક્ત લોકોને પજવવાનો જ હોય છે એ તદ્દન સત્ય નથી.) હા, એ સાચુ છે કે મેં અને ગીતાએ (પ્રેમ) લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, જેનો વિરોધ થયો હતો. આજે એક પિતા તરીકે હું માનું છું કે (આપણા પ્રોહીબિશન એક્ટની જેમ નામ પૂરતો) વિરોધ તો થવો જોઈએ પણ છોકરાંઓ સાવ ભણવા કરવાનું છોડીને એકબીજાને બસ જોયા કરે અને તારામૈત્રક થઈ જાય તો પોતાની મેળે જ સાત સાત જનમ સુધી સાથે રહેવાનાં વચન આપી દે એ સમાજની તંદુરસ્તી માટે બરાબર નથી. આ વિરોધના અનુસંધાનમાં ‘મોગલે આઝમ’ ચલચિત્ર જોવાનો મને ફાયદો પણ થયો હતો અને દબાતા અવાજે ‘એની સાથે લગ્ન નહિ કરું તો કોઈની સાથે નહિ કરું’ એવા સંવાદ બોલ્યો હોવાનું પણ યાદ છે. અમારા વણિક સંસ્કારોને લઈને અમારા ઘરમાં તલવાર ભાલા હતાં જ નહિ તેથી આ નાટક શરૂ તો થયું પરંતુ બીજા અંકમાં પ્રવેશ્યું જ નહિ. અમારા કુટુંબોને આ સંબંધ સો ટકા સ્વીકાર્ય છે એમ સૌએ જાહેર કરી દીધું હતું અને અમારી સગાઈ રંગેચંગે સો-બસો માણસોના જમણવાર સાથે પૂરી થઈ. વળી, અમે બંને ગુજરાતી વૈષ્ણવ વણિક કુટુંબોમાંથી જ આવતા હોઈને હિંદુ-મુસ્લિમ ધર્મના સંરક્ષકોને અમારા વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરવાની જરૂર ન હોઈ શકે. તેથી અમારા લગ્ન કોઈથી છુપાવવાનું કોઈ કારણ નહોતું. તો પછી તમને થતું હશે કે આ અનોખાં લગ્ન કરીને લોકોને ન જણાવવાનું પ્રયોજન શું ? શું આ પ્રકારના લગ્ન કરીને હું મારું નામ કોઈ ગીનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં છપાવવા માંગતો હતો ?…. ના ભઈ ના…., અરે એ વખતે આવી કોઈ ચોપડી છે એનીય મને ખબર ન હતી. તો શું અમારું કુટુંબ થોડું ગાંડુ છે તે આવા લગ્ન ગોઠવે ? કમ સે કમ હું તો એવું માનું છું કે ગુજરાતી વાણીયાથી ડાહ્યો માણસ મળવો મુશ્કેલ છે. ખેર, હકીકત એ છે કે દરેક કાર્યનું કારણ હોય છે. આપણે જો એ સમજતાં થઈ જઈએ તો ટીવી પર આવતાં બ્રેકીંગ ન્યુઝની સંખ્યા લગભગ અડધી થઈ જાય. તમે વિચારશીલ માણસ હો તો જરા વિચારી જુઓ કે આવાં લગ્ન પાછળ શું કારણ હશે ?

મુખ્ય કારણ એ હતું કે હું 1969ના સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા ભણવા માટે જવાનો હતો અને 31મી ઓગસ્ટે મારે મુંબઈથી બોસ્ટન જવા માટે ઉપડવાનું હતું. મારા એક પરમમિત્રનો પત્ર આવ્યો હતો કે મારે અમેરિકા લગ્ન કરીને જ આવવું જોઈએ અને જો એમ નહીં થાય તો પછી ગીતાને અમેરિકા બોલાવવાનું મુશ્કેલ બનશે. તમે જો સંવેદનશીલ માણસ હો તો કલ્પના કરી શકશો છો કે અમારા માટે આ વિયોગ કેટલો કપરો થઈ શકે છે. જ્યારે એમ જાણ્યું કે આ વિયોગની કોઈ અવધિ જ નહીં હોય ત્યારે અમને થયું કે આવા વિકટ પ્રશ્નો અમારે જ કેમ ? અને તેથી જ તો ‘લગ્ન એ જ કલ્યાણ’ની સ્થિતિ પર અમે તાત્કાલિક પહોંચ્યાં હતાં. તમે કલ્પના કરો કે એ જમાનામાં કુટુંબના પહેલા દીકરાના લગ્નની તૈયારી માટે કેટલો સમય જોઈએ ? બે અઠવાડીયાંથી વધુ સમય તો ઓછામાં ઓછો જોઈએ. આ તરફ, મારા માટે મારા પિતાશ્રીએ પહેલેથી જ અમેરિકામાં એક વર્ષ ભણવાના જંગી ખર્ચ માટેનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને ત્યાં જવાની ટિકિટ મારા હાથમાં મૂકી હતી. (તે સમયે એરટિકિટ ઘણી મોંઘી હતી અને અમેરિકા જનાર માણસ પાંચ દસ વર્ષ પહેલાં પાછો ફરતો નહિ.) આટલું ઓછું હતું કે તેમાં વળી પહેલા દીકરાના લગ્નમાં થતા ખર્ચનો નવો પ્રશ્ન ઊભો થયો હતો. હવે કરવું શું?

પ્રશ્ન હોય તો તેનો જવાબ હોય જ ને ! પરંતુ સાપ મરે અને લાકડી તૂટે નહિ તેવો જવાબ શોધે તે સાચો વાણિયો ! મારા માબાપે આનો ઉકેલ શોધી કાઢ્યો હતો. હું અને ગીતા ઓગષ્ટ મહિનાની 24મી તારીખે વહેલી સવારે મુંબઈથી દહેરાદૂન એક્સપ્રેસ (એ સમયે આ ટ્રેનનું સ્ટેટસ રાજધાની એક્સ્પ્રેસ જેવું ગણાતું) દ્વારા વડોદરા આવ્યાં હતાં. હું મારા ઘરે ગયો અને ગીતા એના ઘરે ગઈ. પરંતુ થોડા જ સમયમાં મેં જોયું કે ગીતા મારા ઘરે આવી હતી. મેં પૂછ્યું કે : ‘અત્યારે કેમ ?’ એણે જવાબ આપ્યો કે ગોપાલભાઈ (મારો નાનો ભાઈ) બોલાવવા આવેલા અને કહે કે બા બોલાવે છે. મેં જોયું કે મારા પિતાશ્રીએ મારા નાના ભાઈને બહાર મોકલી દીધો. બા મને અને ગીતાને અમારા ઘરના ઠાકોરજીના મંદિર પાસે લઈ ગઈ. એ પછી બાએ પોતાની હાથની બે બંગડીઓ ગીતાના હાથ પર ચઢાવી અને ઈશારો કરી કહ્યું કે ઠાકોરજીને પગે લાગો. અમારા ઘરમાં અકારણ બોલવાનો રિવાજ નહિ. ઠાકોરજીની સેવા કરતાં મારા ફોઈને કંઈ ન કહેવાનું કારણ પણ હું સમજી ગયો – કારણ એ હતું કે એમની ખ્યાતી ઓલ ઈન્ડિયા રેડીયો તરીકે જાણીતી હતી. ઠાકોરજીને પગે લાગ્યા બાદ અમે મારા માબાપને પગે લાગ્યા. બસ, આ જ અમારાં લગ્ન અને આ જ એની વિધિ !!

અમારા આ લગ્ન વિશેની વાત લોકોને સાંભળવી ગમે છે. આ જ વાત અમે ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર દર્શનના ચાર દિવસના બસ પ્રવાસમાં અમારા સાથી મુસાફરોને કરી હતી. અમારી વાત સાંભળીને તેઓએ નક્કી કર્યુ કે અમારા લગ્ન ધામધૂમથી થવા જ જોઈએ અને પછી તો અમારા લગ્ન બસમાં બધાની હાજરીમાં ફરી એક વાર થયા ! ઘણા લોકોના લગ્ન પાણીની અંદર કે હવાઈજહાજમાં થતાં હોય છે પરંતુ બસમાં લગ્ન થયા હોય એવો કદાચ આ પહેલો પ્રસંગ હશે. એ પ્રવાસને અંતે અમે વડોદરા પરત આવ્યા અને બીજે દિવસે અમે સૌ બસના પ્રવાસીઓને રિસેપ્શન માટે આમંત્ર્યાં. તેમણે સૌએ ભેગાં થઈને અમને જે બસમાં અમારાં લગ્ન થયા હતાં, તેવી મીનીએચર બસ ભેટમાં આપી.

મૂખ્ય વાત એ છે કે લગ્ન એટલે અગ્નિ અને ફેરા, પંડિત અને પાદરી પણ ખરા…. પરંતુ સાચા લગ્ન એટલે રોજેરોજના સુખદુઃખ તથા મતભેદ વચ્ચે જીવના મેળ.

Leave a Reply to Piyush S. Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “અમારાં અનોખાં લગ્ન – જનક પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.