ખૂંધ – રેણુકા પટેલ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘વૅન્ટિલેટર’માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9974349595 સંપર્ક કરી શકો છો.]

[dc]‘ના[/dc]મ ?’
‘આશુતોષ.’
‘આશુતોષ ? આખું નામ ભાઈ…..’ પૂછનારના સ્વરમાં કંટાળો ભળ્યો. કોઈ ફાલતું કલબની મૅમ્બરશિપનું ફોર્મ હતું. ઑફિસમાં બધાયની સાથે એનેય મૅમ્બર થવું પડ્યું નહીં તો આશુતોષ હંમેશાં આવું બધું ટાળ્યા કરતો. તેણે નજર ફેરવી ઑફિસમાં ચારે તરફ જોયું. કોઈનુંય ધ્યાન આ તરફ ન હતું. એક ટેબલ પર વાઘેલા અને જયસુખ વાતો કરી રહ્યા હતા. આનંદી નીચું જોઈ કીબોર્ડ પર ઝડપથી કંઈક ટાઈપ કરી રહી હતી અને ઑફિસના બીજા ખૂણે સૌરભના ટેબલ પર બધાં ટોળે વળી હા…હા…. હી….હી… કરી રહ્યાં હતાં. તે છતાંય ન જાણે કેમ એવું લાગ્યું કે બધાંયને બોચી ઉપર એક આંખ ઊપસી આવી છે અને એ આંખ આ બાજુ જ જોઈ રહી છે. શરીરની એકદમ આર…પાર… તેણે ગળું ખોંખાર્યું….
‘આશુતોષ ચારુલતા મુનશી….’

લખનારની પેન થંભી ગઈ. તેણે નજર ઉઠાવી માત્ર એક ક્ષણ માટે આશુતોષ સામે જોયું. આશુતોષની નજર ઝૂકી ગઈ. લાગ્યું જાણે અચાનક જ પીઠ ઉપર અસહ્ય ભાર વધી ગયો, ખભા વળી ગયા અને એકદમ અણદીઠ ખૂંધ ઊપસી આવી. પેલાએ પાછું લખવાનું શરૂ કર્યું. સરનામું, ફોન નંબર, જન્મતારીખ, જન્મસ્થળ…. આશુતોષ લખાવતો રહ્યો અને પ્રત્યેક ક્ષણે જાણે પીઠ પરનો ભાર વધતો જ રહ્યો, ખૂંધ મોટી થતી જ રહી, કમર બેવડી વળતી જ રહી…. એ ઝબકીને જાગી ગયો, સામેની બર્થ ઉપર બેસેલા ભાઈ તેને હલાવી રહ્યા હતા, તેનો મોબાઈલ સતત રણકી રહ્યો હતો. જલ્પા જ હતી…..

‘હેલો….’
‘શું કરે છે ? કેટલી રિંગ વાગી….’
‘ટ્રેનમાં છું….’
‘ટ્રેનમાં ? કેમ ?’
‘ગામ જાઉં છું.’
‘ગામ ? અચાનક ?’
‘મા માંદી છે, ધનીબહેનનો ફોન હતો….’
‘ખરો છે તું તો ! મને કહ્યું પણ નહીં. હુંય આવત.’ જલ્પાના સ્વરમાં ફરિયાદ ભળી.
‘તારું ત્યાં શું કામ છે ?’
‘પણ મને ફોન…..’
‘ધનીબહેનનો ફોન આવ્યો એના કલાક પછી ટ્રેન હતી. તરત જ નીકળ્યો.’
‘શું થયું છે માને ?’
‘ખબર નથી. જાઉં પછી ખબર પડે.’
‘ક્યારે પહોંચીશ ?’
‘સાંજ સુધીમાં….’
‘સારું, પહોંચીને મને ફોન કરજે અને માની તબિયત સાચવજે.’
‘બીજું કાંઈ ?’
‘વાત તો કર.’
‘જલ્પા, પ્લીઝ, હું ટ્રેનમાં છું.’
‘પાછો ક્યારે આવીશ ?’
‘તું કહે તો આગલા સ્ટેશને ઊતરી જઉં ?’ આશુતોષને ચીડ ચડી.
‘એમાં ખિજાય છે શું ? એક તો કહ્યા વિના જતો રહે છે, ઉપરથી….’
‘બીજું કાંઈ ?’
‘ભૂલ્યા વિના મને ફોન કરજે.’
‘સારું.’

તેણે ફોન કટ કરી દીધો. ‘પ્રેમમાં પડેલી મૂર્ખ સ્ત્રી…..’ બબડીને મોબાઈલ ખીસામાં મૂક્યો અને વૉશબૅસિન પાસે આવ્યો. ગાડીની એકધારી ગતિના લીધે ઊંઘ આવી ગઈ હતી અને ઊંઘમાં પેલું સ્વપ્ન…. તેણે માથાને ઝાટકો મારી સ્વપ્ન ખંખેરી નાખ્યું અને પાણીની છાલક મારી મોં ધોયું. અરીસામાં ચહેરો જોયો. સહેજ ત્રાંસા ફરી પીઠ પણ જોઈ લીધી. સીધી અને સપાટ… મનને થોડી શાંતિ થઈ. તે પાછો આવી બર્થ ઉપર બેઠો. માને છેલ્લે ક્યારે જોઈ હતી ? આઠ વર્ષ તો થઈ જ ગયાં. છતાંય લાગે છે કે માથી અલગ થવાનું બન્યું જ નથી. આઠ વર્ષ પહેલાં ગામ છોડ્યું ત્યારેય નહીં. મા સમજતી હશે આશુતોષ એનાથી રિસાઈને, ગુસ્સે થઈને, ગામ છોડીને જતો રહ્યો. કદાચ કાયર કે ભાગેડુય સમજતી હોય, પણ એવું છે નહીં. મા તો કદી ભુલાઈ જ નથી. એનું ગર્વિષ્ઠ, એકાકી, દમામદાર અને પ્રેમાળ વ્યક્તિત્વ હંમેશ માટે હૃદયના એક ખૂણે સચવાઈ રહ્યું છે. પરંતુ તોય ગામ જવાનું મન થયું નથી. જે અદશ્ય તાંતણા વડે એ મા સાથે, ગામ સાથે જોડાઈ રહ્યો છે – માની સામે જતાં જ એ તાંતણો તૂટી જવાની બીક લાગે છે. માની સાથે કેટલીય વાતો કરવી છે, કેટલીય ફરિયાદો કરવી છે, પ્રશ્નોય ઘણા કરવા છે પણ જવાબ એકેયનો જોઈતો નથી. માની ગરિમાને એવી જ રાખવી છે. અખંડિત, સ્તુત્ય અને પવિત્ર.

આશુતોષે આજુબાજુ નજર કરી. આખો ડબો લગભગ ખાલી જ હતો. અંતરિયાળ આદિવાસી ગામડા તરફ જતી ટ્રેનમાં ખાસ તો કોણ હોય ? તેણે પોતાની બર્થ ઉપર આરામથી લંબાવ્યું. આંખો આગળ જલ્પાનો ચહેરો ફરી ગયો. તેના હોઠ ઉપર હાસ્ય ફરકી ગયું. એ નાનો હતો ત્યારે મા વાર્તાઓ બહુ કહેતી. રામાયણની, મહાભારતની, પુરાણોની, સંત-મહાત્માની. લગભગ દરેક વાર્તામાં કોઈ ને કોઈના જન્મ સાથે એકાદ કથા જોડાયેલી રહેતી. કોઈનો જન્મ એના માતા-પિતાએ વર્ષો સુધી કરેલી તપશ્ચર્યાના વરદાન સ્વરૂપે થતો, તો કોઈનો જન્મ એકાદ યજ્ઞ કર્યા પછી તેના ફળરૂપે થતો. કોઈ ધરતી ફાડીને પેદા થતું તો કોઈ આકાશમાર્ગે અવતરણ કરતું. જેટલા જન્મ એટલી જ કથાઓ. આશુતોષના જન્મ સાથેય આવી એક કથા જોડાયેલી હતી. એ કથા ગ્રંથોનાં પાનાંમાં સચવાયેલી અન્ય કથાઓ જેટલી ભવ્ય અને અજાયબ ન હતી. કોઈ મા પોતાના બાળકને સૂતી વખતે કહે એટલી સરળ પણ એ કથા ન હતી, પરંતુ હા, એને કંઈક અંશે કનિષ્ઠ કે અપવિત્ર ચોક્કસ કહી શકાય અને હવે ધારો કે એ કથા વિશે જલ્પા જાણે તો ? તો એ આશુતોષને પહેલાંની જેમ જ પ્રેમ કરે ? જલ્પા તો જાણે કે પ્રેમમાં પડેલી મૂર્ખ સ્ત્રી હતી, એ કદાચ પરવા ન ય કરે પણ એનો સતત સિગારેટ ફૂંકતો અભિમાની શ્રીમંત બાપ ? અને સતત ખોટુંખોટું હસ્યા કરતી ઘરેણાંઓથી લદાયેલી તેની મા ? એ જો કથા વિશે જાણે તો ? તો એ જલ્પાનાં લગ્ન આશુતોષ સાથે કરાવે ? કદાચ કદી નહીં….

ગાડી ઊભી રહી. કોઈ સ્ટેશન આવ્યું હતું. આશુતોષ નીચે ઊતર્યો. ભૂખ લાગી રહી હતી. તેણે વેફર અને બીજો થોડો નાસ્તો લીધો. ગાડી ધાર્યા કરતાં વધુ સમયસર ચાલી રહી હતી. કદાચ સાંજે તે સમયે પહોંચાડી પણ દે, તેણે વિચાર્યું અને ગાડીમાં પાછો બેઠો. આ ટ્રેન પણ પહેલાં છેક ગામ સુધી જતી ન હતી. નજીકના સ્ટેશને ઊતરી બસમાં જવું પડ્યું. એમાંય ટ્રેન મોડી હોય તો બહુ હેરાનગતિ થતી. રાત પડી જાય તો ક્યારેક લૂંટફાટ પણ થતી. આશુતોષના ગામના અને બીજા આસપાસનાં ગામડાંના લોકોએ રેલવેના તંત્ર આગળ બહુ રજૂઆતો કરી હતી પણ કંઈ વળ્યું ન હતું. પછી માએ કામ હાથમાં લીધું હતું. આખરે છેલ્લાં બે વર્ષથી ટ્રેન ગામ સુધી લંબાઈ હતી. માનું વલણ જ એવું, જક્કી અને ચોક્કસ. લીધી વાત મૂકે જ નહીં. આશુતોષનેય એ ગુણ વારસામાં મળ્યો હતો – જિદ્દી અને પૂર્ણતાનો આગ્રહી. આશુતોષ – આમ જુઓ તો નામ કેટલું સરસ હતું. આશુતોષનેય પોતાનું નામ ઘણું ગમતું. મા તો જોકે પ્રેમથી ‘આશુ’ કહીને જ બોલાવતી. પહેલાં તો એ પોતાના નામ વિશે ખાસ સભાન ન હતો. એનો જન્મ નજીકના નાનકડા એક બીજા શહેરમાં થયો હતો પણ એના જન્મ પછી મા આ આદિવાસી ગામમાં આવી ગઈ હતી. આશુતોષનો ઉછેર જ આદિવાસી ગામમાં થયો હતો. ત્યાં મા અને તેના સંતાનનું એકલા રહેવું, માનું એકલા હાથે પોતાના સંતાનને ઉછેરવું, સંતાનના નામ પાછળ માનું નામ હોવું એ બધું તદ્દન સામાન્ય હતું. આશુતોષની મા એ ગામની શાળામાં શિક્ષિકા હતી. આશુતોષ પોતે પણ એ જ શાળામાં ભણ્યો હતો. માનું તો એ ગામમાં ઘણું માન હતું. આશુતોષે ગામ છોડ્યું ત્યારે મા એ શાળામાં આચાર્યા બની ગઈ હતી અને અત્યારે તો એ ગામની સરપંચ હતી. આશુતોષ પણ ભણવામાં ઘણો હોશિયાર હતો. માના લીધે તેનુંય ગામમાં ઘણું માન હતું. આમ જુઓ તો બધું સરસ જ ચાલી રહ્યું હતું. ગામની શાળામાં એણે ભણવાનું પૂરું કર્યું ત્યાં સુધી……..

જે દિવસે એ આગળ ભણવા માટે શહેર આવવાનો હતો તેની આગલી રાતે જ મા એના ઓરડામાં આવી હતી. આશુતોષ રોજની જેમ પથારીમાં આડો પડીને વાંચી રહ્યો હતો. મા રોજ આશુતોષના રાઈટિંગ ટેબલ ઉપર રજનીગંધાનાં ફૂલ મૂકતી. આખા ઓરડામાં હજીય એની આછી સુવાસ ફેલાયેલી હતી. મા પાસે આવીને બેઠી હતી. આશુતોષે એ દિવસે માનું એક નવું જ રૂપ જોયું હતું. બાળપણમાં જેમ રોજ વાર્તા કહેતી એમ માએ એક નવી જ વાર્તા જાણે કે માંડી હતી. આશુતોષ પહેલાં તો હેબતાઈ ગયો હતો પણ પછી ધીમેધીમે એને કળ વળી હતી. આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું, હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. તેણે માના ચહેરા સામે જોયું હતું. માનો સ્વચ્છ અને શાંત અવાજ જાણે કે પેલી રજનીગંધાની સુવાસ સાથે ભળી ગયો હતો. આશુતોષને પોતાના અસ્તિત્વ પર તિરસ્કાર ઊપજ્યો હતો. એ દિવસે પહેલી વાર એને પોતાની સાથે જોડાયેલા ચારુલતા મુનશીના નામનો ભાર લાગ્યો હતો. થોડી વાર પછી મા ઓરડામાંથી જતી રહી હતી. આશુતોષ આખી રાત જાગતો રહ્યો હતો. કોઈ કુશળ કઠિયારો એક જ ઝાટકે વૃક્ષના થડથી ડાળી જુદી પાડી દે એમ ચારુલતા મુનશીના નામથી પોતાનું નામ જુદું કેમ કરી શકાય એ માટે એ આખી રાત વિચારતો રહ્યો હતો અને માંડ માંડ સવાર પડી હતી. સવાર પડતાં જ એ જાણે કે ભાગી છૂટ્યો હતો. એ દિવસને આજે આઠ વર્ષ થઈ ગયાં. માનો પેલો સ્વચ્છ અવાજ અને રજનીગંધાની સુવાસ એનો પીછો છોડતાં નથી. એ માને છે કે એ ગામથી ભાગી છૂટ્યો છે પણ ઘાંચીના બળદની પેઠે એ જ્યાં જાય ગામ એની સામે જ ઊભું હોય છે.

એ ઘેર પહોંચ્યો ત્યારે રાત પડી હતી. ટ્રેન હંમેશની જેમ મોડી જ હતી. ધનીબહેને જ બારણું ખોલ્યું. આશુતોષને જોઈ રાજીરાજી થઈ ગયાં.
‘આવી ગયો ભાઈ !’
‘મા ?’
‘સૂઈ ગયાં છે. ઉઠાડું ?’
‘ના, ના, સવારે વાત.’
એ સીધો પોતાના ઓરડામાં આવી ગયો. સમય જાણે કે એને ધક્કો મારીને આઠ વર્ષ પાછળ દોડી ગયો. લાકડાના પલંગ ઉપર આસમાની રંગની ભાતીગળ ચાદર. પલંગની તદ્દન બાજુમાં પુસ્તકોથી ભરેલું કાળું સીસમનું કબાટ, બારીની તદ્દન નજીક ગોઠવેલું એનું મોટું રાઈટિંગ ટેબલ, એની ઉપર ફૂલદાની અને ફૂલદાનીમાં તેનાં પ્રિય રજનીગંધાનાં ફૂલ. ઓરડાના બીજા ખૂણે તેની આરામખુરશી અને એની બાજુમાં જ વાંસનું ડસ્ટબિન. બધુંય એમનું એમ જ. કોઈ ફેરફાર નહીં. આશુતોષે ખૂણામાં પોતાની બૅગ મૂકી અને ધબ દઈને પલંગ ઉપર બેસી પડ્યો. થોડી વાર પછી ધનીબહેન ચા લઈને આવ્યાં ત્યારે બારણા પાસે જ ઠરી ગયાં. આશુતોષને મોઢું ઢાંકીને ધ્રુસકે ને ધ્રુસકે રડતો જોઈ બારણા પાસેથી જ હળવા પગે પાછાં ફરી ગયાં. મોડી રાત્રે ધીમેથી આશુતોષ માના રૂમમાં દાખલ થયો. ઝીણા લૅમ્પના મંદ પ્રકાશમાં મા સામે પલંગ પર જ સૂતી હતી. આશુતોષ માની સામે જોઈ રહ્યો. સમયનું ચક્ર ફરી એક વાર આઠ વર્ષ પાછળ ફરી ગયું. કશુંય બદલાયું ન હતું. એ જ ખાદીની સાડી, એ જ કોણી સુધીની બાંયવાળું બંધ ગળાનું ખાદીનું સફેદ બ્લાઉઝ, હાથમાં સોનાની બે બંગડી, કાનમાં ઝીણી બુટ્ટી, કપાળ પર લાલ મોટો ચાંલ્લો અને પ્રેમાળ શાંત મુખાકૃતિ – બધુંય એનું એ જ હતું પણ તોય જાણે કશુંક ખૂટ્યું હતું. માનું વદન મ્લાન લાગતું હતું. તે થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. અચાનક જ માએ આંખો ખોલી અને બાજુમાં લટકતી સ્વિચ દાબી. ઓરડામાં ફરી વળેલા પ્રકાશે મા-દીકરા વચ્ચેના અંતરને ભરી દીધું.

‘તું ઊંઘી નથી મા ? મને તો થયું…..’
‘સૂતી જ હતી ને ? પણ હવે પહેલાં જેવી ઘસઘસાટ ઊંઘ આવતી નથી. તું ક્યારે, હમણાં જ આવ્યો ?’ માનો અવાજ તદ્દન સ્વાભાવિક હતો.
‘ના, થોડી વાર થઈ.’ તે પલંગની નજીક ખુરશી ખેંચીને બેસી ગયો. મા તેની સામે જ જોઈ રહી હતી.
‘બહુ દૂબળો લાગે છે આશુ ! ખાવા-પીવાનું ધ્યાન નથી રાખ્યું.’
આશુતોષના હોઠ ઉપર હાસ્ય ફરકી ગયું, ‘હવે તું હિન્દી ફિલ્મોની મા જેવી વાત ન કરીશ. હું તો એવો ને એવો જ છું. તું બહુ નબળી લાગે છે.’
‘હું ? મારી તો ઉંમર થઈ હવે !’
‘તું કાંઈ એટલીય ઘરડી નથી થઈ ગઈ. ધનીબહેન મને કહેતાં હતાં, તું સહેજેય તબિયતનું ધ્યાન નથી રાખતી. ખૂબ કામ કરે છે.’
‘ધની તો ગાંડી છે. ખોટીખોટી ચિંતા કરે છે. મને કાંઈ થયું નથી. મેં તો તનેય બોલાવાની ના જ પાડી હતી. પણ એ માની નહીં અને પછી મનેય થયું કે તું આવી જાય, તારા મનની સઘળી ગાંઠો ખૂલી જાય તો મનેય શાંતિ થાય.’ આશુતોષના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. આ વાત થશે એ ખબર હતી પણ મા આટલી જલદી આટલી સ્પષ્ટ વાત કરશે, તેણે ધાર્યું ન હતું. તેણે માનો હાથ પોતાના બન્ને હાથમાં લીધો અને સહેજ દબાવ્યો.
‘શેની ગાંઠ મા ? મારા મનમાં કોઈ જ ગાંઠ નથી.’
માના માંદા મુખ ઉપર હાસ્ય છવાઈ ગયું…..
‘એટલે જ ? એટલે જ આઠ કલાકનું અંતર કાપતાં તને આઠ વર્ષ લાગ્યાં આશુ ?’

આશુતોષ ધીમેધીમે માનો હાથ પસવારતો રહ્યો. મૌનથી ભારે બનેલી ક્ષણો પસાર થતી રહી. માને થોડી ઉધરસ આવી.
‘તું સૂઈ જા મા, આપણે સવારે વાત કરીશું.’
‘સવાર ? મારી સવારનો શો ભરોસો બેટા ? માત્ર આ થોડી ક્ષણો જે પસાર થઈ રહી છે તે હાથમાં પકડાઈ જાય તોય ઘણું.’
‘ગમે તેમ ન બોલીશ. તને શ્રમ પડશે. આરામ કર.’
‘આરામ જ તો કરું છું અને મારા બોલવા ન બોલવાથી શો ફેર પડશે ? પરિસ્થિતિ તો જે છે તે જ રહેશે. તું સમજે છે ને ?’
‘ના, નથી સમજતો અને સમજવુંય નથી.’ અચાનક જ ધડ દઈને મોંમાંથી નીકળી ગયું.
‘નથી સમજતો ? શું નથી સમજાતું ?’
આશુતોષે માનો હાથ સખ્તાઈથી પકડી લીધો. જાણે કોઈએ ચાંપ દાબી દીધી હોય એમ સમગ્ર ઈન્દ્રિયો સતેજ થઈ ગઈ. માની તબિયત, તેની પરિસ્થિતિ સઘળુંય ક્ષણભર માટે ગૌણ બની ગયાં. ન ચાહવા છતાંય તેનો અવાજ ઊંચો થઈ ગયો.
‘હું એ નથી સમજતો મા કે આ પૃથ્વી ઉપર હું કેમ છું ? મને એ નથી સમજાતું કે મને ગર્ભમાં જ મારી નાખવાના બદલે તેં મને જન્મ કેમ આપ્યો ? હું તો એક વણજોઈતું, વણઈચ્છ્યું સંતાન હતો. ટોટલી એન અનવૉન્ટેડ ચાઈલ્ડ…. પછી મારા અસ્તિત્વનો મતલબ શો છે ?’

મા શાંત થઈ ગઈ. એણે ધીમેથી આશુતોષના હાથમાંથી પોતાનો હાથ સેરવી લીધો.
‘તું ખરેખર એમ માને છે ?’
‘હું એ જ માનું છું મા, જે સાચું છે. હું કાંઈ પેલી નવલકથાઓમાં લખે છે એમ તારા પ્રસન્ન દામ્પત્યમાં ખીલેલું ફૂલ ન હતો. હું તો તારા ઉપર થયેલા બળાત્કારનું, અત્યાચારનું પરિણામ છું. તેં ઈશ્વર પાસે ક્યારેય ખોળો પાથરીને મને માગ્યો નહીં હોય. તારા જીવનના આ કાળા સત્યને દાટી દેવાના બદલે તેં સતત નજર સામે કેમ રાખ્યું ?’
‘ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ છે તારા હૃદયમાં….’
‘કશુંય ખોટું નથી, બધું સાચું જ છે.’
આશુતોષ ખુરશીને ઝાટકો મારીને ઊભો થઈ ગયો. ‘આશુતોષ ચારુલતા મુનશી એ તેની માતાના અત્યંત દુઃખદાયક ભૂતકાળનું પરિણામ છે. મારું અસ્તિત્વ તારા માટે, મારા માટે, આ સમાજ માટેય ભારરૂપ છે. તું નથી જાણતી મા, પણ આ ભાર મારાથી હવે સહન થતો નથી. છેલ્લાં આઠઆઠ વર્ષોથી સતત આ ભાર મારી પીઠ ઉપર ઊંચકીને હું ફરી રહ્યો છું. જો, દેખાય છે તને ? મારી પીઠ ઉપર ખૂંધ ઊપસી આવી છે. માણસમાંથી ઊંટ બની રહ્યો છું હું….’

મા સહેજ ઊભી થઈ તકિયાને અઢેલીને પલંગ પર બેસી ગઈ. બહાર ખીલેલા ચંદ્રની ચાંદનીનો પ્રકાશ બારી વાટે ચળાઈને સીધો તેના ચહેરા ઉપર પડી રહ્યો હતો. તેનું શાંત મુખ વધુ પ્રકાશિત થઈ ગયું. ‘તારું સત્ય મારા સત્યથી અલગ નથી આશુ ! તું મારી દીકરી હોત તો કદાચ વધુ સારી રીતે સમજી શકત પણ તોય તું સમજવા પ્રયત્ન કર. તું મારા માટે ક્યારેય વણજોઈતું સંતાન ન હતો. તને તો મેં ઝંખ્યો હતો, હંમેશાં, ક્ષણેક્ષણ….. એ ઘટના મારી સાથે બની ત્યારે મારાં લગ્નને ચાર વર્ષ થઈ ગયાં હતાં. માતૃત્વ પામવાની મારી ઝંખના ચરમસીમાએ હતી અને હું નિરાશાની ગર્તામાં ધકેલાઈ રહી હતી. ઈશ્વર પાસે સંતાન માગવાનો અને નિરાશ થવાનો ક્રમ સતત ચાલી રહ્યો હતો અને ત્યારે જ મારી ઉપર બળાત્કાર થયો. ચારે તરફ અંધારું છવાઈ ગયું. ભગવાને મારી તરફ કરેલા આ અન્યાયને સહન કરવાનું મારું સહેજેય ગજું ન હતું – આત્મહત્યા કરવાનું મન થતું હતું અને ત્યારે જ મને ખબર પડી કે મારા ઉદરમાં તારું બીજ રોપાયું હતું. એ સત્ય છે કે જ્યારે સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે શરીરની સાથે એનો આત્મા પણ ઘાયલ થાય છે. પરંતુ એક સત્ય એ પણ છે કે માતૃત્વ સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી બનાવે છે. બે અંતિમ છેડાના સત્યમાંથી મને મારા જીવનનું સત્ય મળ્યું. તને મારા સુધી પહોંચાડવાની ઈશ્વરની રીત ભલે ખોટી હોય પણ એને માટે મેં ભગવાનને માફ કરી દીધા. બેટા, તને મેં મારા શરીરથી નહીં આત્માથી પણ જન્મ આપ્યો છે. જો તું ખરેખર સત્ય જાણવા જ ઈચ્છતો હોય તો સત્ય આ છે અને માત્ર આ જ છે.’

માને ઘણો થાક લાગ્યો. તે ફરીથી શાંત થઈ ગઈ. આશુતોષ સ્તબ્ધ બની ગયો. છેલ્લા કેટલાય સમયથી સિક્કાની એક બાજુ જોઈને એ જીવી રહ્યો હતો અને ભગવાનને, સમાજને, પોતાના અસ્તિત્વને ફરિયાદો કરી રહ્યો હતો પણ સિક્કાની આ બીજી બાજુ જોઈ તેની માન્યતાના મહેલના પાયા હચમચી ઊઠ્યા.
‘પણ મા, મારા લીધે તારું સમગ્ર જીવન, તારો સંસાર, તારો પતિ….’
આશુતોષનો અવાજ બોદો બની ગયો.
‘મારો સંસાર, મારો પતિ – હું બધુંય ભૂલી ગઈ છું. તારા જન્મનો નિર્ણય માત્ર મારો હતો અને તને પામીને હું ઘણી ખુશ છું. જે રસ્તે હું તને પામી એને હું ભૂલી ગઈ છું. તુંય યાદ ન કર. હું મારા જીવનનાં સઘળાં વર્ષો પૂર્ણ સંતોષથી જીવી છું. ચારુલતા મુનશીને કોઈ ધારે તોય દુઃખી ન કરી શકે અને તું મારો દીકરો છે. તારા જીવનના સત્યનો તું સ્વીકાર કર અને તારા નામનો પીઠ ઉપરથી ભાર ઉતારીને નીચે મૂક.’

આશુતોષ ધીમેથી માના પલંગ ઉપર બેઠો. માની આંખો છલકાઈ આવી. તેણે બન્ને હાથે આશુતોષનો ચહેરો હાથમાં લીધો.
‘હું જે કહેવા માગું છું, સમજે છે ને તું ?’
આશુતોષે ડોક હલાવીને હા પાડી અને માને વળગી પડ્યો. માનો હાથ ધીમેધીમે એની પીઠ ઉપર ફરી રહ્યો અને પેલી ખૂંધ પણ ધીમેધીમે ઓગળતી રહી. થોડી વાર પછી પાછળના વાસમાં કૂકડાએ એક સુંદર સવારની છડી પોકારી.

[કુલ પાન : 192. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “ખૂંધ – રેણુકા પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.