- ReadGujarati.com - http://www.readgujarati.com -

નિરાંતની વાત – જસ્મિન રૂપાણી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી જસ્મિનજી રૂપાણીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rupanijasmin@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]સ[/dc]વારે ઓફીસ જવા નીકળ્યો એટલે રોજિંદા ક્રમ પ્રમાણે ટેક્સી માટે ઘર ના નાકા પર પહોચ્યો. રોજની જેમ આજે ત્યાં ટેક્સી ની હારમાળા ન હતી. ફક્ત એક જ ખખડધજ ટેક્સી ઉભી હતી. ટેક્સીમાં બેસતાની સાથે પસ્તાવો થયો. જર્જરિત ફાટેલી સીટ, છતનાં કુશનમાં કાણા અને ડેશબોર્ડમાંથી છુટ્ટા વાયર્સ લટકી રહ્યા હતા. ટેક્સીનો ડ્રાઈવર પણ ટેક્સી જેટલો જ ખખડધજ હતો. તેણે ડેશબોર્ડ માંથી લટકતા બે વાયર્સ એક બીજાને અડકાડીને ટેક્સી ચાલુ કરી અને ધીમેથી ટેક્સી હંકારવા માંડી.

બળદગાડાની જેમ ચાલતી ટેક્સીમાં બેઠો હું વિચારતો હતો કે માર્યા ઠાર, આજે ઓફીસ પહોચવામાં ખાસ્સું એવું મોડું થવાનું છે ત્યાં ડ્રાઈવરે બબડવાનું શરુ કર્યું. પહેલા તો મેં કશું ધ્યાન આપ્યું નહિ પણ થોડા સમય બાદ સમજાયું કે તે મારી સાથે વાત કરી રહ્યો છે. હું શિષ્ટાચાર ખાતર હોંકારો આપતો રહ્યો પણ મારું ધ્યાન તેની વાતો પર ન હતું મારા મગજમાં આખા દિવસમાં કયા કામ કરવાના છે તેની યાદી બની રહી હતી.

અચાનક ‘હું અઠ્યાસી વરસનો થયો’ તેવું સંભળાયું અને મારા કાન સરવા થઇ ગયા. મેં ખાતરી કરવા હિન્દીમાં પૂછ્યું, ‘શું કહ્યું ? તમારી ઉમર અઠ્યાસી વરસની છે ?’ તેણે સહજતાથી હા પડી. તત્કાળ મારી નજર તેના હાથ પર પડી. ટેક્સી ચલાવતા તેના હાથ ધ્રુજતા ન હતા એટલે મારો શ્વાસ હેઠો પડ્યો. મેં હવે તેને પહેલી વાર ધ્યાનથી જોયો. અઠ્યાસી વરસની ઉમર હોય તે વાત મને અતિશયોક્તિ ભરી લાગી. તેણે ચશ્માં નહોતા પહેર્યા, બધા દાંત પણ સલામત હતા અને મોટા ભાગનાં વાળ પણ કાળા હતા, પણ તે ખરેખર ખુબ જ વૃદ્ધ લાગતો હતો.

મેં સહાનુભૂતિ દર્શાવતા કહ્યું ‘અઠ્યાસી વરસ ની ઉમરે પણ કામ કરવું પડે છે તે દુઃખની વાત કહેવાય. તો કહે ‘સાહેબ આ ઉંમરે કામ કરી શકું છું તે તો ઈશ્વરની કૃપા કહેવાય. કામ કરી રહ્યો છું એટલે જ શરીર ચાલી રહ્યું છે. જે દિવસે નિષ્ક્રિય થઈ જઈશ તે દિવસે શરીર જવાબ દઈ દેશે, પણ વધારે ઉંમરને કારણે બીજા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લાયસેન્સ રિન્યુ કરાવવા જાઉં છું તો મારી ઉંમર જોઇને ચોખ્ખી ના પાડી દે છે. હું તેમને કહું કે તમે ઈચ્છો તો મારા ડ્રાઇવિંગની ફરી પરીક્ષા લઇ લો. મારી આંખોમાં હજી ભરપુર તેજ છે, ચશ્માં પણ નથી આવ્યા. મેં પહેલીવાર લાયસેન્સ માટે ડ્રાઇવિંગની પરીક્ષા આપી ત્યારે પરીક્ષા લેનાર અંગ્રેજ ઓફિસર હતો. તે સમયે નિયમ બહુ કડક હતાં. પહેલા ડાબી આંખને બંધ કરી ગાડી ચલાવવાનું કહેતા અને ત્યારબાદ જમણી આંખ બંધ કરી ને. આવી પરીક્ષા પાસ કરી હોય પછી લાયસેન્સ રિન્યુ કેમ ન થાય. આમ બહુ મનાવવા બાદ લાયસેન્સ રિન્યુ કરી દે છે. રસ્તામાં ભૂલ ભલે બીજા વાહન ચાલકની હોય પોલીસ વાંક હમેશા મારો જ ગણે છે. કહેશે બુઢ્ઢાનો જ વાંક હશે. તમે જ કહો સાહેબ હું અત્યારે ગાડી ચલાવી રહ્યો છું, તમને જરાય એવું લાગે છે કે હું બરાબર ચલાવી શકતો નથી ?’ મારી નજર ફરી કુશળતા પૂર્વક ટેક્સી ચલાવી રહેલા તેના સ્થિર હાથ પર ગઈ : ‘ના. તમે બહુ જ સરસ રીતે ગાડી ચલાવી રહ્યા છો…’ મેં પ્રમાણિકતાપૂર્વક જવાબ આપ્યો.

વાત ચાલી રહી હતી ત્યાં એક લાલ રંગની નવી નક્કોર ગાડીએ અમારી ટેક્સીને ડાબી બાજુથી ઓવેરટેક કરી. ‘જુઓ સાહેબ, કોણ બેદરકારીથી ગાડી ચલાવી રહ્યું છે ? આ જુવાનીયો કે અઠ્યાસી વરસનો આ વૃદ્ધ ? આ લોકો આખી જિંદગી ઉતાવળમાં જ જીવે છે. જીવનની દરેક ક્ષણોને ઉતાવળમાં જ વેડફી નાખે છે. હું હંમેશા નિરાંતે ગાડી ચાલવું છું. જિંદગીની કોઈ પણ બાબતમાં મેં ક્યારેય ઉતાવળ કરી નથી.

ટેક્સીમાંથી ઊતરી ને હું વિચારી રહ્યો કે આપણે આખું જીવન ઉતાવળમાં જ જીવી નાખીએ છીએ એટલે જ કદાચ બીમારી અને મૃત્યુ પણ ઉતાવળથી આવે છે. જે નિરાંતે જીવન જીવે છે તેના માટે સમય પણ નિરાંતે રાહ જુએ છે.