સંબંધોના હિસાબ-કિતાબ – પંકીત પરીખ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી પંકીતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pankit.jaguar@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]જે[/dc]ને કદી માપી શકાતું નથી પરંતુ ધારો એટલું આપી શકો એવી કોઈ ચીજ હોય તો તે છે પ્રેમ. માણસોની લાગણીઓ માપવા માટે કોઈ ફૂટપટ્ટી હજુ સુધી શોધાયી નથી અને સંબંધમાં રહેલી મીઠાશની અનુભૂતિની ગણત્રી માટે કોઈ મીટર પણ હજુ સુધી શોધાયું નથી. બસ, તમારા દિલમાં જેટલી લાગણીઓ જાગે તેને વ્યક્ત કરતા રહો. લોકો આપોઆપ તેનું માપ કાઢી લઈ શકે છે. વ્યક્તિ સાથેના સંબંધોને લાગણીની મીઠાશથી વ્યક્ત કરતા રહો. લોકો આપોઆપ તેની ઊંડાઈ અનુભવી શક્શે.

જો આપણે સારું જીવવું હોય તો લાગણીઓ અને સંબંધોના ક્યારેય માપ કાઢવાં જોઈએ નહી અને ગણતરી પણ કરવી જોઈએ નહીં. લોકો સમક્ષ સાચા દિલથી વ્યક્ત થતાં રહીએ અને દરેક સંબંધને લાગણીપૂર્વક નિભાવી શકીએ એને જ જીવનની સચ્ચાઈ કહેવાય છે. સંબંધોમાં ગણતરી માંડીએ તો પસ્તાવાનો વારો અચૂક આવે છે. પ્રેમ, સંબંધ અને લાગણી એવી વસ્તુઓ છે કે તેમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેવી ગણતરી કરવાનું ઉચિત નથી. આપણે જીવનપર્યંત કેટલાં શ્વાસ લીધા તેની ક્યારેય ગણતરી કરીએ છીએ ખરાં ? એવી ગણતરી કરીએ છીએ ખરાં કે આપણું દિલ કેટલી સંખ્યામાં ધબક્યું ? જવાબ સૌ કોઈ આપશે કે તે કાંઈ ગણતરી કરવાની વસ્તુ થોડી છે ! કારણ કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શ્વાસ ચાલવાનો જ છે અને દિલ ધબકવાનું જ છે. બસ, આપણા દરેક સંબંધો પણ આવા જ હોવા જોઈએ. કોઈપણ જાતની ગણતરી વગરનાં. માત્ર જીવવાના અને મહેસૂસ કરતા રહેવાનાં. કોઈ કોઈ લોકો સંબંધ રાખતી વખતે ગણતરી પણ કરતાં રહેતા હોય છે. આપણે તેમની ઘરે ગયા હતા ત્યારે માત્ર શરબત જ આપ્યું હતું, તો હું શું કામ તેઓને નાસ્તો કરાવું ? આપણે ત્યાં પ્રસંગ હતો ત્યારે તેઓએ 100 રૂ. ચાંદલો કે ભેટ આપી હતી, તો હું શું કામ તેનાથી વધારે વ્યવહાર કરું ? આવું બધું આપણે કાં તો કરતાં હોઈ છીએ અથવા તો લોકો કરતા હોય છે તેવું જાણતા હોઈએ છીએ.

જીવન અને સંસારની શરૂઆતમાં આવી વૃત્તિથી ખાસ કોઈ વિક્ષેપ કે વાંધો આવતો નથી, પરંતુ જેમ જેમ જીવન જીવાતું જાય છે તેમ તેમ લોકો તે બધું અનુભવી ચુક્યા હોવાથી જીવનના કોઈ એક તબક્કે એ બધું જ સામે આવે છે અને આપણે ત્યારે એકય બાજુના રહેતા નથી. કેટલાક લોકો આપણી ઘેર આવવાનું ઓછું કરી નાખતાં હોય છે. આપણને તેનાં કારણની ખબર પડતી નથી. પરંતુ અંદર-અંદરથી પારાવાર દર્દ મહેસૂસ કરતાં રહીએ છીએ. મન ઉપર અજાણ્યો એક ભાર રહેતો હોય છે. પરીણામે બ્લડપ્રેશર કાયમ ઊંચુ જ રહે છે અને પાછલું જીવન ભાતભાતની દવાઓ ઉપર જીવવું પડે છે. સાવ એકાકી જીવન જીવતાં હોય તેવી સ્થિતિ નિર્માણ થવા લાગે છે. જો કોઈ જવાબદારી બાકી રહી ગઈ હોય તો તે નિભાવવામાં નાકે દમ આવી જાય છે. શરીર તો અશક્ત થયું જ હોય છે અને સાથે મનથી પણ નબળાં પડી જઈએ છીએ.

આવી સ્થિતિથી બચવા માટે જરૂરી છે દરેક સંબંધોના પાયામાં લાગણી અને કર્તવ્યપરાયણતાની ભાવનાની કાયમ હાજરી હોવી. જો દરેક સંબંધીઓ સાથે સંબંધોના પાયામાં સ્વાર્થને રાખીએ તો જેવો સ્વાર્થ સંતોષાઈ જાય એટલે તે સંબંધ સાવ તકલાદી બની જાય છે. ગમે ત્યારે તૂટી જઈ શકે છે. પરીણામે આપણું જીવન વેરવિખેર થતું જાય છે. તેને બદલે જો આપણે દરેક સંબંધોને પવિત્રતા અને સ્વાર્થવિહોણા નિભાવતા રહીએ તો તે સંબંધો આજીવન સાત્વિક અને મજબૂત બની રહે છે, કાયમ ટકી રહે છે અને ક્યારેય તૂટતા નથી. સંબંધોમાં ક્યારેય નફા-નુકશાન વિશે વિચારવાનું હોતું નથી કે તાળો મેળવવાની પણ જરૂર હોતી નથી. જો ભૂલથી પણ આવી રીતે જીવવાની આદત પડી ગઈ હોય તો વેળાસર જાગી જવું જોઈએ અને જાગ્યા ત્યારથી સવાર એમ સમજી જીવનમાં ત્વરિત સુધારો દાખલ કરી દેવો જોઈએ. જીવનને મહેકતું રાખવું હોય અને ખરેખર જીવવું જ હોય તો ક્યારેય સંબંધોમાં હિસાબ-કિતાબ કે તાળો મેળવવાની ટેવ રાખવી જોઈએ નહી.

આપણે જેવા હોઈએ તેવા અને આપણી જે કાંઈ સ્થિતિ હોય તેને અનુરૂપ જીવન જીવી લઈએ તેના જેવો એકેય લ્હાવો નથી. કાયમ વર્તમાનમાં જીવવાની ટેવ પાડવી જોઈએ. ના તો ક્યાંય લાગણીઓના અતિરેક સર્જાવા દેવા કે ના તો ક્યારેય સંબંધોના સરવાળા-બાદબાકી કે ગુણાકાર-ભાગાકાર કરતાં રહેવાની આદત પાડવી. બસ, મુક્ત મનથી કશાય પર્યાય વગર જીવનને માણતા રહો અને જૂઓ કે જેટલી ઉંમર ભગવાન પાસેથી લઈને જન્મ્યા છો તેટલી સઘળી ઉંમર માત્ર ને માત્ર આનંદપૂર્વક જીવી શકશો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સંબંધોના હિસાબ-કિતાબ – પંકીત પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.