ત્યારે કરીશું શું ? – ટૉલ્સ્ટૉય

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

[dc]ઘ[/dc]ણા સારા સારા યુવાનો મને ઘણી વાર પૂછે છે : ‘ઠીક, ત્યારે અમારે કરવું શું ? વિદ્યાપીઠમાંથી અથવા બીજી કોઈ સંસ્થામાંથી અભ્યાસ પૂરો કરી સ્નાતક થયા પછી સમાજને ઉપયોગી થવા માટે અમારે શું કરવું ?’ યુવાનો આવા સવાલ પૂછે છે ખરા, પરંતુ તેમના હૃદયમાં ઊંડે ઊંડે તો તેમણે ક્યારનોયે એવો નિશ્ચય કરી દીધેલો હોય છે કે અમે કેળવાયેલા હોઈ ખાસ વર્ગના છીએ અને તે ખાસ સ્થાને રહી લોકોની સેવા કરવા ઈચ્છીએ છીએ.

એટલે કે એક વસ્તુ તો તેઓ નહીં જ કરવાના. જેને તેઓ પોતાની કેળવણી કહે છે તેનું નિરીક્ષણ સચ્ચાઈથી, પ્રામાણિકતાથી અને બારીકાઈથી નહીં કરવાના. જેને તેઓ કેળવણી કહે છે તે સારી છે કે ખરાબ તે તેઓ નહીં તપાસવાના. જો તેઓ તેમ કરે તો જરૂર તેમને પોતાની કેળવણી ફેંકી દેવાની, અને એકડેએકથી ફરી ઘૂંટવાની જરૂર જણાય. અને એ વસ્તુ જરૂરની છે. માણસે સંપૂર્ણ સત્ય સ્વીકારવું જોઈએ અને પૂર્ણ પશ્ચાતાપ કરવો જોઈએ. તો જ એને સમજાશે કે જિંદગીમાં હક, અધિકાર, વિશેષ લાભ એવી કોઈ વસ્તુ જ નથી. જીવન તો અમાપ, અનંત, ઋણ અને ફરજથી ભરેલું છે. માણસની પ્રથમ અને નિર્વિવાદ ફરજ એ છે કે કુદરત પાસેથી પોતાની તથા બીજાઓની આજીવિકા મેળવવામાં તેણે ભાગ ભરવો.

માણસને પોતાની ફરજનું આ ભાન થાય તેમાંથી ‘શું કરવું ?’ એ સવાલનો જવાબ મળે છે. મારી પહેલી અને નિર્વિવાદ ફરજ તો એ છે કે મારે પોતે જ મહેનત કરીને મારી જાતને પોષવી, મારી જાતને ઢાંકવી અને મારાં બીજાં કામ કરવાં. મારે બીજાની સેવા પણ જાતમહેનત કરીને જ કરવી. કારણ દુનિયાના આરંભકાળથી દરેક માણસની એ પ્રથમ અને નિર્વિવાદ ફરજ રહેલી છે. બીજાને માટે જાતમહેનત કરવાથી આપણી આધ્યાત્મિક વૃત્તિ સંતોષાય છે. માણસ પોતાને ગમે તે કામને માટે લાયક માને- પોતાને રાજ્ય ચલાવવા લાયક માને, કે પ્રજાનું રક્ષણ કરવાને લાયક માને, કે ધર્મોપદેશ કરવાને લાયક માને, કે કેળવણી આપવાને લાયક માને, કે જિંદગીના સુખ વધે એવાં સાધનો શોધી કાઢવાને લાયક માને, કે કુદરતના નિયમો શોધી કાઢવાને લાયક માને, કે સનાતન સત્યોને કળામાં મૂર્ત કરવાને લાયક માને – પરંતુ સમજદાર માણસ તો, પોતાનું તથા બીજાં માણસોનું ગુજરાન કુદરત પાસેથી મેળવવામાં ભાગ લેવો, એ જ પોતાની પ્રથમ અને નિર્વિવાદ ફરજ સમજશે. આ ફરજ પ્રથમ છે. તેનું ખાસ કારણ તો એ છે કે જીવવું એ માણસની સહુથી મોટી વાસના છે. માણસ જીવતો હોય તો તમે એનું રક્ષણ કરી શકો, તમે એને કેળવણી આપી શકો, તમે એનું જીવન આનંદમય કરી શકો. પરંતુ કુદરત પાસેથી આજીવિકા મેળવવામાં હું ભાગ ન ભરું, અને બીજાની મજૂરી ઉપર જીવું એમાં તો હિંસા જ રહેલી છે.

પછી, મારા દિલમાં એ સવાલ ઊઠ્યો કે આવી મજૂરીમાં મારો બધો જ સમય તો નહીં રોકાઈ જાય ને ? પછી મને અતિશય પ્રિય, જે કરવાની મને આદત પડી ગઈ છે અને જેને હું કોઈકવાર ઉપયોગી પણ માનું છું એવી માનસિક પ્રવૃત્તિ કરવાનો સમય નહીં મળે તો ? આ સવાલનો મેં નહીં ધારેલો એવો જવાબ મને મળી ગયો. શરીરને હું જેમ જેમ વધારે શ્રમ આપતો ગયો, જેમ જેમ મારી બધી આળપંપાળ છૂટી ગઈ, તેમ તેમ માનસિક કામ કરવાની મારી શક્તિ વધી.

એકવાર આટલું ભાન આપણામાં આવે એટલે કામ તો જોઈએ તેટલું છે. એ કામમાં આનંદ પણ આવશે અને આપણને શારીરિક તથા આધ્યાત્મિક સંતોષ પણ એ કામમાંથી મળશે. આ વસ્તુ મને આ સ્વરૂપમાં સમજાઈ હતી. માણસ રોજ જેટલીવાર ખાય છે એ પ્રમાણે દિવસના વિભાગ પાડીએ તો ચાર વિભાગ પડે. ખેડૂતોને ખેતર ઉપર કામ કરવાના પણ એવા ચાર વિભાગ હોય છે : (1) નાસ્તા પહેલાંનો (2) નાસ્તાથી ભોજન સુધીનો (3) ભોજનથી વાળુ સુધીનો (4) વાળુથી રાત પડતાં સુધીનો. માણસની સ્વાભાવિક પ્રવૃત્તિના પણ આવા ચાર વિભાગ પાડી શકાય : (1) વધારે સ્નાયુબળ જેમાં જોઈએ તેવી પ્રવૃત્તિ- હાથ, પગ અને બાવડાનું પરસેવે રેબઝેબ થઈ જવાય તેવું કામ. (2) આંગળાં અને કાંડાનું કામ- કળાકૌશલ્યવાળી પ્રવૃત્તિ (3) મનની અને કલ્પનાની પ્રવૃત્તિ (4) સામાજિક સહવાસની પ્રવૃત્તિ. માણસ જે સગવડોનો ઉપભોગ કરે છે તેના પણ આવા ચાર પ્રકાર ગણી શકાય : (1) સખત મજૂરીથી ઉત્પન્ન થતી વસ્તુઓ- અનાજ, ઢોર, મકાન, કૂવા, તળાવ. (2) કારીગરોની મજૂરીથી ઉત્પન્ન થતી વસ્તુઓ- કપડાં, જોડા, વાસણ, રાચરચીલાં વગેરે (3) માનસિક પ્રવૃત્તિથી ઉત્પન્ન થતી વસ્તુઓ- વિજ્ઞાન, કળા વગેરે. (4) સામાજિક સહવાસમાંથી મળતી વસ્તુઓ- ઓળખાણ, મૈત્રી વગેરે. એટલે મને એમ લાગ્યું કે આખા દિવસનો કાર્યક્રમ એવી રીતે ઘડી કાઢવો કે માણસની ચારે પ્રકારની શક્તિનો ઉપયોગ તેમાં થાય અને ચારે પ્રકારની જરૂરિયાતો તે વડે પૂરી પડે. એટલે કામ કરવાના મેં એવી રીતે ચાર વિભાગ કર્યા કે પહેલા વિભાગમાં સખત મજૂરીનું કામ કરવાનું, બીજા વિભાગમાં કળાકૌશલ્યનું કામ કરવાનું, ત્રીજા વિભાગમાં માનસિક કામ કરવાનું અને ચોથા વિભાગમાં સામાજિક સહવાસ ભોગવવાનું. આ પ્રમાણે માણસ પોતાનો દિવસનો કાર્યક્રમ રાખી શકે તો તે ઉત્તમ. તેમ કરવું અશક્ય હોય તો પણ એક મહત્વની વાત તો ધ્યાનમાં રાખવાની જ છે કે કામ કરવું અને પોતાના બધા સમયનો સદુપયોગ કરવો એ માણસની ફરજ છે એનું ભાન એને સતત રહે.

મને એમ લાગ્યું કે આમ થાય તો જ આપણા સમાજમાં જે ખોટું શ્રમવિભાજન ચાલે છે તેનો નાશ થાય અને માણસના સુખમાં અંતરાય ન કરે એવું ન્યાયી શ્રમવિભાજન અમલમાં આવે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ત્યારે કરીશું શું ? – ટૉલ્સ્ટૉય”

Copy Protected by Chetan's WP-Copyprotect.