મને તો તું ગમે છે પણ પપ્પા-મમ્મી – વિપિન પરીખ

[ટૂંકા નિબંધોના પુસ્તક ‘હું પાછો આવીશ ત્યારે….’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]થો[/dc]ડુંક મન દુભાયું છે. દીકરીએ એક સ્વપ્ન ગૂંથ્યું હતું. ફરી પાછા દોરા ઉકેલી નાખ્યા છે. મેં કોઈ ન જુએ તેમ આંખ લૂછી નાખી છે, પરંતુ જે વાસ્તવિક છે તેનો સ્વીકાર કરવાની મનની મારી નિર્બળતા છે એમ તમે કહી શકો, પણ તમારે પણ દીકરી તો હશે ? કે પછી તમે વ્યવહારકુશળ છો ? ગમે તો નહીં પરંતુ દીકરીને માટે બજારમાં ઝોળી લઈને નીકળવું પડ્યું છે.

પ્રાર્થના તો એવી કરું કે આ છોકરા જોવાના નાટકમાં દીકરીને કોઈ આઘાત-પ્રત્યાઘાત નડે નહીં. એની આંખોને હંમેશ માટે કટુતાથી ભરી ન દે. એ આઘાત પ્રભુ જો આપવાનો જ હોય તો એ મને જ આપજો ! દીકરીને સાંભળવી પડતી એક એક ‘ના’ હૃદયમાં હંમેશ માટે ઘા મૂકી જાય છે. દીકરી જે દિવસે ‘ના’ સાંભળે છે તે દિવસની સાંજ સૂમસામ અને રાત સૂનમૂન થઈ જાય છે. ત્યારે ચંદ્રનું મોં પૂનમને દિવસે પણ જોવું ગમતું નથી. અલબત્ત, તમે કહેશો : પિતા થઈને હૃદયને ‘કૂણું’ લાગણીશીલ રાખવું ઠીક નહીં. પિતાએ દીકરીના જન્મની સાથે જ જનક જેવા નિરાસક્ત થઈ જીવતાં શીખવું જોઈએ. એ પારકું ધન; ક્યારેક તો એને વળાવવાની છે એ સત્ય ભૂલવું ન જોઈએ. છતાં સાચું કહું ? પોતાનું જ લોહી. એવું નિરાસક્ત થતાં આવડ્યું નહીં. કોઈની પણ દીકરીને વળાવવાના પ્રસંગે આજે પણ હૈયું હાથમાં રહેતું નથી. થિયેટરમાં પણ ડૂમો ભરાઈ આવે અને પેલા ‘ફીડલર ઑન ધી રુફ’ના નાયકની જેમ પુછાઈ જાય, ‘દીકરી તારે જવું જ જોઈએ.’

વાત નાની છે. આ નાટક રોજ જુદા જુદા સ્વાંગમાં ભજવાય છે. છોકરો ભણેલો-ગણેલો, હોશિયાર છે. દીકરીને મળે છે. છૂટથી વાત કરે છે અને નાટકને અંતે આઈસ્ક્રીમ ખાધા પછી નિઃસ્પૃહતાથી કહે છે, ‘હું તો મારા પપ્પાએ કહ્યું એટલે જોવા આવ્યો. મારું મન તો બીજે છે પણ એ લોકો માનતા નથી !’ અથવા તો ક્યારેક છોકરાને અમારી દીકરી પસંદ છે. થોડાંક સ્વપ્નોની આપ-લે પણ કરે છે, પરંતુ છેલ્લે કહે છે : ‘તું મને ગમે છે પણ પપ્પા-મમ્મીની મરજી નથી. એમની પસંદગીને અવગણી હું એમને નારાજ કેમ કરું ?’ કેટલી સહજ વાત છે ? માત્ર આ સાંભળી અમે એક સ્વપ્ન સમેટી લઈએ છીએ. ક્યારેક કન્યાને ‘પાસ’ કરવાનું નાટક માબાપ પહેલાં કરે છે અને ક્યારેક તો દાદા-દાદી પણ, દીકરો કન્યા ન જુએ તોપણ ચાલે ! દીકરાને ક્યાંક ખબર પણ ન હોય કે માબાપે કન્યા જોઈ હતી, ત્યારે શ્રી કૃષ્ણમૂર્તિને ટીવી પર એક સાંજે પુછાયેલો પ્રશ્ન યાદ આવે. તેમને પુછાયેલો : ‘અહીંના જનરેશન ગૅપ- બે પેઢીના અંતર વિશે તમે શું માનો છો ?’ ત્યારે શ્રી કૃષ્ણમૂર્તિ એમની લાક્ષણિકતાથી કહે : ‘આ દેશમાં જ્યાં હજી પણ દીકરા માટે માબાપ કન્યા પસંદ કરે છે, લગ્ન ગોઠવાતાં હોય ત્યાં જનરેશન ગૅપ કેવો ? ‘ઈઝ ધેર એ જનરેશન ગૅપ ?’ શ્રી કૃષ્ણમૂર્તિ રહ્યા વિશ્વવિભૂતિ ! સુખી, સંપન્ન ઘરના ગુજરાતી નબીરાઓ કેટલા નિર્માલ્ય થઈ શકે છે એનો એમને કદાચ ખ્યાલ ન હોય. એમને થોડી જ ખબર હોય કે મોટા ભાગના ગુજરાતી- હિંદુ નબીરાઓ ધંધેધાપે, ઉદ્યોગે પોતાના પિતા પર નભતા હોય છે. પિતાની શ્રીમંતાઈનું ‘અહં’ લઈને ફરતા હોય છે છતાં પિતાની છત્રછાયા ખસેડી લો તો બજારમાં એમનું કશું ઊપજે નહીં તે તેઓ જાણતા હોય છે. શહેરમાં જગ્યાના ભાવો શ્રી કૃષ્ણમૂર્તિને ખબર નહીં હોય એવું થોડું બને ? પિતાની નાખુશી વહોરી નવી જગ્યામાં ઘર માંડવા માટે લાખ રૂપિયા આજે નબીરો ક્યાંથી કાઢશે ? એના કરતાં પપ્પા-મમ્મીને રાજી રાખી પટાવી, ચાર દીવાલમાં સુરક્ષિત રહેવું શું ખોટું ? (થોડાક સમય પછી બહાર પાંખ ફેલાવતાં કોણ રોકે છે ?)

ક્યારેક પોતાને કઈ જાતની કન્યાની અપેક્ષા છે એનો ખ્યાલ હોય છે છતાં એ અપેક્ષા પાછળથી જ જણાવવામાં આવે છે. કોઈને ગૌરવર્ણી કન્યા માટેનો આગ્રહ છે, કોઈને શ્રીમંત ઘરની, કોઈને નોકરી કરતી કન્યા પસંદ નથી. આ અપેક્ષામાં કશું ખોટું નથી, વાજબી પણ હોઈ શકે. આ અપેક્ષા પહેલેથી સ્પષ્ટરીતે જણાવી શકાય પરંતુ બધી વાતચીતને અંતે છેલ્લી મુલાકાતે આઈસ્ક્રીમ ખાતાં ખાતાં ભળતું જ બહાનું આપવામાં આવે ત્યારે આઘાત લાગે. ક્યારેક ‘અમે તો જ્યોતિષમાં આમ માનાતા નથી પણ કુંડળી મેળવી લેવી સારી, ‘મંગળ-શનિ’ કહી ગ્રહ નથી મળતા કહી સલૂકાઈથી છટકી જવાય ત્યારે જખમ લાગે છે. એક ‘ના’ પહેલેથી જ આવી હોત તો સ્વપ્નોની ગૂંથણી માંડવામાં આવતી નથી. એક હતાશા ઉંબરો ઓળંગી ઘરમાં પ્રવેશત નહીં. નિર્માલ્ય ને જૂઠાં બહાનાં સાંભળી દીકરીની આંખ લાલપીળી થઈ જાય છે. પણ જવા દો…. દીકરી અને હું હસતે મોંએ ઘણું બધું ગળી જવાનું શીખી ગયા છીએ. અલબત્ત, આવા નિવારી શકાય એવા નાટકને અંતે દીકરીની આંખ સાથે આસાનીથી આંખ મેળવી શકાતી નથી. નિવારી શકાય એવા જખમની વેદના વધુ તીવ્ર હોય છે. ત્યારે દીકરીના પિતાનું અહં જમીનમાં જગ્યા શોધવા કરુણ ફાંફાં મારે છે.

કેટલાક નબીરાને પોતાની કિંમતનું એક ‘અહં’ હોય છે. છેલ્લે સુધી અનેક કન્યા જોવાનો તેમનો વિક્રમ ચાલુ જ હોય છે. જોયેલી અને નકારાયેલી કન્યાની સંખ્યા એમના અહંને પુષ્ટ કરે છે. દુર્ભાગ્યે એમની એ બિનજવાબદારીને ખ્યાલ નથી આવતો કે સામે પક્ષે કેટલાય કોડ ને ‘અહં’ના નાહક ચૂરેચૂરા થતા હોય છે. જે પ્રસંગ એક ગાંભીર્ય ને મેચ્યૉરિટી-પુખ્તતાની અપેક્ષા રાખે છે ત્યાં તેઓ રમત અને મજાક માંડી બેસે છે. નારીના ગૌરવને હણ્યા વિના પુરુષ તરીકે સમોવડિયા જીવવાનું એમને કોણ શીખવશે ? સદીઓથી વારસામાં મળેલા સંસ્કારને ક્યારે પણ એ લોકો ખંખેરી નહીં શકે ? ના પાડવામાં પણ એક નજાકતની જરૂર રહે છે. હવે જીવનસાથીની શોધમાં છે. ફૂટપટ્ટી લઈને પરીક્ષા કરવા ને નાપાસ કરવા નીકળેલા ઘમંડી શિક્ષક નથી એ વાત કેટલા બધા લગ્નોત્સુક છોકરા ભૂલી જાય છે ? પણ હુકમનું પાનું જેમના હાથમાં છે તેમની પાસેથી નમ્રતાની અપેક્ષા રાખવી કદાચ વધુ પડતું હશે. દરેક મુલાકાતને પ્રસંગે દીકરી એક સ્વપ્ન સેવે છે. દરેક ‘ના’ની સાથે એક સ્વપ્ન ભીની આંખે સમેટી લે છે. અમારી દીકરી કેટલી વ્યવહારકુશળ હશે ખબર નથી, પરંતુ લગ્ન થશે તે પહેલાં એ પુરુષજાત માટે, આ હિન્દુ સમાજ માટે એ કેટલાક નિર્ણય લેશે, કદાચ અમને કહેશે પણ નહીં. છતાં દીકરીને સમજાવું છું, જીવનમાં હંમેશ ‘ના’ રેશમની દોરીથી બંધાઈને નહીં આવે. ક્યારેક એ ‘ના’ ખંજર થઈને પણ આવે. ત્યારે આંખમાંથી ફૂટેલી લોહીની ટશરને લૂછી નાખવી પડશે. ભૂલવી પડશે. અગ્નિના સાત ફેરા ફરે ત્યાં સુધી થોડીક ઝાળ આપણને અડકી જશે પણ એ માટે આપણે બંને લાચાર છીએ. આપણા ગૌરવને હીણું પાડ્યા વિના એક જીવનસાથીની શોધ કરીશું. એને સામા પક્ષના અસ્તિત્વની, સ્વપ્નોની, ગભરુ હૈયાની કોઈ કદર હશે. એ ઘણું કઠિન હશે – અશક્ય તો નહીં જ હોય !

[કુલ પાન : 110. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી. અમદાવાદ 380006. ફોન : +91 79 26560504.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “મને તો તું ગમે છે પણ પપ્પા-મમ્મી – વિપિન પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.