સૌથી મોટું દુઃખ – અરુણિકા દરૂ

[ બાળકોની બુદ્ધિપ્રતિભા ખીલવનાર તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બીરબલબુદ્ધિ શારદત્ત’ (ભાગ-1)માંથી આ વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]સાં[/dc]જનો સમય છે. રાજા રણવીરસિંહ વેશપલટો કરીને નગરમાં ફરવા નીકળ્યા છે. સડક પર એક ગરીબ માણસ મેલોઘેલો પડ્યો છે. ધીમેધીમે કશું કહી રહ્યો છે અને જતાં-આવતાંને પેટનો ખાડો બતાવી ઈશારાથી ખાવાનું માગી રહ્યો છે. ભૂખથી એનો પ્રાણ જતો હોય તેમ લાગે છે. રાજાએ તે જોયું. સામેની દુકાનમાંથી ચવાણું ખરીદીને તેમણે તે માણસને આપ્યું. ખાવાનું જોઈ તે માણસની આંખમાં ચમક આવી ગઈ. પછી રાજાએ તેને એક ગ્લાસ દૂધ લાવી આપ્યું. તેણે ખુશ થઈ કહ્યું : ‘ભગવાન તમારું ભલું કરશે.’ અને અકરાંતિયાની જેમ ખાવા પર તૂટી પડ્યો. તેને ખાવાનું ખાતો જોઈને રાજા આગળ વધ્યા.

થોડે દૂર ગયા હશે ત્યાં એક દુકાનદાર એના નોકરને મારતો હતો. નોકર ચીસાચીસ કરતો હતો એટલે આસપાસથી થોડા માણસો ભેગા થઈ ગયા. તેમણે દુકાનદારને વાર્યો. દુકાનદારે કહ્યું : ‘સાલો ! દુકાનમાં ચોરી કરે છે. આજે એને સીધો જ કરું.’ માર પડવાથી અકળાયેલો નોકર બોલી ઊઠ્યો, ‘ભાઈસાબ ! બસ કરો. હવે ક્યારેય ચોરી નહીં કરું. મને માફ કરો. મારી ભૂલ થઈ. ભગવાનના સમ. હવે ક્યારેય….’ નોકર કરગરતો હતો. વચ્ચે વચ્ચે માર ન ખમી શકવાથી રડતો હતો. આખરે મારથી તે ભાંગી પડ્યો અને લાંબો થઈને શેઠના પગમાં પડ્યો. પગ પાસે નમેલા નોકરને એક લાત લગાવી શેઠ શાંત થયા. ભેગા થયેલા માણસો વીખરાઈ ગયા. રાજા પણ છૂપાવેશે આગળ ચાલ્યો.

ગામની બહાર છૂટાંછવાયાં ઝૂંપડાં હતાં. અહીં ગરીબ લોકોની વસ્તી હતી. એક પ્રૌઢ જેવો લાગતો માણસ બહાર ખાટલામાં કણસતો હતો અને કશુંક બબડતો હતો. રાજાએ તેની વાત ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કર્યો. તે બોલતો હતો : ‘હે ભગવાન ! હવે આ દુઃખ સહન નથી થતું. તેના કરતાં તો મોત આવે તો સારું. મારે ક્યાં સુધી આમ વેઠ્યા કરવાનું ?’ ત્યાં જ પાસેના ઝૂંપડામાંથી એક ઘરડો માણસ ટગુમગુ કરતો બહાર આવ્યો : ‘અલ્યા સુંદર ! તારા પેટનો દુખાવો તો એક દિ મટી જહે. હું કામ રાડો પાડછ ! આ જો, મરવાનું તો અમારા જેવા ઘરડેરાઓએ. આ હાથપગ ચાલતા નથી અને અમથું જીવ્યા કરવાનું – મારાથી આ ઘડપણ વેઠાતું નથી. તું તો દવા કરશ એટલે હાજોહારો થઈ જાશ પછી હું કામ અકળાછ ?’

રાજા ત્યાંથી આગળ ચાલ્યો. એક જગ્યાએ નનામી બંધાઈ રહી હતી. જુવાનજોધ દીકરો મૃત્યુ પામ્યો હતો. તેની માતાને ચાર જણાએ પકડી રાખી હતી. તોયે દીકરાના શબ પર પછાડો ખાઈને તે રડતી હતી : ‘અરેરે ! મારો વિધવાનો એકનો એક આધાર છીનવાઈ ગયો. ભગવાનને ઘેર પણ અંધારું જ બળ્યું છે… તેના કરતાં મને ઊંચકી લીધી હોત તો…. મારે આ દુઃખ ન રહેત…. હવે મારી જિંદગી શેં જશે…. ભગવાન… આવું દુઃખ તેં મને શીદને આપ્યું…. મારાથી આ નહીં વેઠાય રે….’ કહેતાં-કહેતાં તે સ્ત્રી જોરશોરથી આક્રંદ કરી રહી. રાજા ત્યાંથી આગળ ચાલ્યો પણ એમના મનમાં આજની બધી ઘટના ઘૂમ્યા કરી. તેમને વિચાર આવ્યો. જગતમાં મોટું દુઃખ કયું હશે ? ભૂખનું ? શારીરિક તકલીફનું ? વૃદ્ધાવસ્થાનું ? ત્રાસ કે મારનું ? કે સ્વજનના મૃત્યુનું ? ક્યું દુઃખ માણસ વેઠી નહીં શકે ? વિચારમાં ને વિચારમાં રાજા મહેલમાં પાછા ફર્યા પણ તેમને કશું સમજાયું નહીં.

બીજે દિવસે મનમાં રમતો વિચાર રાજાએ દરબારમાં રજૂ કર્યો : ‘કયું દુઃખ મોટું ? ક્યું દુઃખ માણસ વેઠી શકે નહીં ?’ બધાએ જુદાજુદા જવાબો આપ્યા પણ રાજાને કોઈ જવાબથી સંતોષ ન થયો. રહીરહીને રાજાની નજરમાં ગઈકાલનાં દશ્યો તરવરતાં હતાં અને એ બધાં જ દશ્યો અસહ્ય દુઃખ અને યાતનાનાં જ હતાં. દરેકને મન એનું દુઃખ મોટું દુઃખ હતું. ભૂખ્યા માણસને મન ભૂખના દુઃખ જેવું કંઈ દુઃખ ન હતું. રોગીને મન રોગની પીડા જેવું કોઈ દુઃખ ન હતું. વૃદ્ધને મન ઘડપણનું દુઃખ જગતમાં સૌથી મોટું દુઃખ હતું. નોકરને મન શારીરિક માર અને ત્રાસનું દર્દ વેઠી ન શકાય તેવું હતું. પેલી સ્ત્રીને મન જુવાનજોધ દીકરાના મરણ જેવું કોઈ દુઃખ ન હતું. તો આ બધાં દુઃખદર્દોમાં વધારે મોટું દુઃખ કયું માનવું જોઈએ ? રાજાને વિચારમાં પડેલા જોઈ દરબારમાં સહુ ધીમીધીમી ગુસપુસ કરવા લાગ્યા. થોડી વારે રાજા વિચારમાંથી જાગ્યા એટલે સભા એકદમ શાંત થઈ ગઈ. રાજાએ પૂછ્યું, ‘છે આનો કોઈ પાસે સાચો જવાબ ? સંસારમાં કયું દુઃખ મોટું ? શા માટે તેને મોટું દુઃખ ગણવું જોઈએ ? કયું દુઃખ માણસ વેઠી જ ન શકે ?’ રાજાનો પ્રશ્ન સાંભળી કૃષ્ણચંદ્ર ઊભા થયા. એટલે રાજા બોલ્યા : ‘બોલો, જવાબ છે તમારી પાસે ?’

કૃષ્ણચંદ્રે મર્માળુ સ્મિત કરતાં કહ્યું : ‘મારો જવાબ તો મેં આપી દીધો રાજન ! આપ હવે આપણા દરબારના હાજરજવાબી પંડિત શારદત્તને પૂછો. આપની મૂંઝવણનો તરત ઉકેલ આવી જશે.’ હાજરજવાબી શબ્દ પર ભાર મૂકતાં કૃષ્ણચંદ્રે શારદત્ત તરફ ઈશારો કર્યો.
રાજાએ શારદત્તને પૂછ્યું : ‘પંડિતજી ! હવે તમે કંઈ કહો.’

રાજાની આ આદત જ હતી. પહેલાં દરબારમાં પૂછે. નાગરિકો, દરબારીઓ, જેને જે યોગ્ય લાગે તે ઉત્તર આપે અને સહુ સાંભળે. છેવટનો ઉત્તર મોટે ભાગે વિદ્વાન હાજરજવાબી શારદત્તનો જ હોય. તેમજ આજે થયું. શારદત્તે કહ્યું : ‘રાજન ! તમે જે દુઃખો કહ્યાં તે અમુક સંજોગોમાં જ અસહ્ય લાગે છે. તેમના ઉપાય છે. લાંબે ગાળે તે દુઃખો મટી જતાં હોય છે. જેમ કે ભૂખ્યાને ખાવાનું મળે તો ભૂખનું દુઃખ ટાળી શકાય. મારની પીડા ઓછી થાય એટલે રાહત થાય અને એટલે જ એ પીડા ભૂલી જઈને માણસ પાછો ચોરી કરવા તૈયાર થઈ જાય પણ ખરો. મૃત્યુ આવે એટલે સહુ પ્રકારની શારીરિક પીડા શમી જાય. વૃદ્ધાવસ્થાનું દુઃખ બધાને માટે મોટું દુઃખ નથી હોતું. સ્વજનના મૃત્યુનો આઘાત પણ કાળે કરીને શમતો હોય છે. ફક્ત એક જ દુઃખ માણસ ક્યારેય વેઠી શકતો નથી. એનો ઉપાય જ નથી.’
‘એ જ તો જાણવું છે પંડિતજી ! કહો, કહો.’
‘એ છે અપમાનનું દુઃખ. રાજન નાના કે મોટા, રાય કે રંક પોતાનું થયેલું અપમાન ભૂલી શકતા નથી. દિવસો જાય છે તેમ તેમ, તે વધુ ને વધુ હૃદયમાં ઊંડું ઊતરતું જાય છે. જેમ કેટલાક ઘા રૂઝાયા છતાં પાછળ પોતાની નિશાની છોડતા જાય છે તેમ, અપમાનનું દુઃખ પણ પોતાની નિશાની છોડતું જાય છે. અંતકાળ સુધી માણસ તેને ભૂલી શકતો નથી. અપમાન કરનારને પોતાની ભૂલ સમજાય અને કદાચ તે અપમાનિત થયેલી વ્યક્તિની ક્ષમા પણ માગે તોપણ, તેનો ડંખ વ્યક્તિના ચિત્તમાં રહી જ જાય છે. માટે એ દુઃખ મને જગતનું સૌથી મોટું અને વેઠી ન શકાય તેવું દુઃખ લાગે છે.’

શારદત્તના જવાબથી રાજાને અને હાજર રહેલા સહુને સંતોષ થયો.

[કુલ પાન : 132. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a Reply to ganpat parmar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સૌથી મોટું દુઃખ – અરુણિકા દરૂ”

Copy Protected by Chetan's WP-Copyprotect.