બસસ્ટૅન્ડ – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.]

[dc]લો[/dc]કોને તો એવી જ ખબર છે કે કેવળ પ્રકૃતિ જ ઋતુઓના રંગરાગ જાણે છે- સહે છે. વૃક્ષ પાનખરના ડરથી ડરી જઈને બીમાર પડતું નથી કે વસંતના આનંદથી એનું મગજ ચસકી પણ જતું નથી. એનામાં રંગરાગ ઝીલવા માટેની તીતીક્ષા છે, પણ બસસ્ટૅન્ડ તો એવી એક જગ્યા છે કે ત્યાં બધી મોસમ એક સાથે આવે છે- ઊઘડે છે. ઋતુઓના વારાફેરા પ્રકૃતિમાં હોય, બસસ્ટૅન્ડમાં તો ફૂલ ખીલતું હોય ત્યારે જ ફૂલ મુરઝાતું પણ હોય એમ બને….. બધી ઋતુઓના રાગદ્વેષ એક સાથે જાણવા માણવા માટેની જગ્યા બસસ્ટૅન્ડ. બસસ્ટૅન્ડમાં રંગમંચના નવરસની વિવિધ મુદ્રાઓ એક સાથે ભજવાતી જોવા મળે છે….. બસસ્ટૅન્ડ એટલે સંવાદનો ગુણાકાર અને વિસંવાદનો સરવાળો. બસસ્ટૅન્ડ પ્રવાસનું ખોડીબારું છે. એ ખોડીબારા દ્વારા સ્થળાંતરો થતાં જ રહે છે. ઊડતાં પંખીઓ જેવી દોડતી બસો…. માનવીના મનનો સંકેત લઈને રાહદારી માર્ગે દોડ્યા કરે છે. મુસાફરોની અદમ્ય ઈચ્છાઓને પાંખો ફૂટે છે ત્યારે એ પાંખોસમેત ઊડે છે. બસસ્ટૅન્ડોને આપણે આકાશ સમજીએ, વૃક્ષ સમજીએ, પંખી ત્યાં આવી પોરો ખાય છે- જગ્યા બદલે છે….

બસસ્ટૅન્ડ વિવિધ ભાવોનો ખજાનો ધરાવે છે. એના ચહેરા પર સ્મિત હોય તો શોક પણ હોય. કોઈ ઝભ્ભાવાળા શેઠ હોય તો કોઈ ઝભ્ભાવાળો મુફલિસ પણ ત્યાં હોય. ટોપીવાળો વેપારી હોય, રાજકારણી હોય તો કોઈ પાગલ પણ ટોપી પહેરીને ફરતો હોય. કોઈ પંજાબી ડ્રેસવાળી યુવતી કુમારિકા જ નહિ, વૃદ્ધા પણ હોય…. કોઈના સૌભાગ્યનો ચાંલ્લો કોઈ બીજાને બોલાવતો હોય. એમ બને. કોઈ કંગનના સૂરમાંથી ‘એ આજા રે’ની પંક્તિઓ ગવાતી હોય…. સંભળાતી હોય, કોઈ તરુણી ભાન ભૂલેલાને ભાન કરાવતી હોય. ખાખી ડગલામાં ડ્રાઈવરો-કંડકટરો મુસાફરીનો માંડવો રોપનારા ગણેશ થયા હોય. એ બસના માંડવિયા મહારાજાઓ જ કોઈના ઈન્ટરવ્યૂ કોલનો આધાર હોય, કોઈની પ્રતીક્ષાનો દોર એમના હાથમાં, તો કોઈના અરમાનોને ચગદી નાખવાની ગુંજાઈશ પણ એમની બાહોમાં.

શહેર અને ગામડાં બસસ્ટૅન્ડની બાબતે નોખાં પડે છે. શહેરનાં બસસ્ટૅન્ડોમાં અજાણ્યા ચહેરાઓની ચમક વધારે હોય છે. જ્યારે ગામડાનાં બસસ્ટૅન્ડે પરિચિત ચહેરાઓની- ચિંતાઓની ભાગ્યરેખા પરિચિતતાની અડખે-પડખે વીંટળાય છે. જ્યારે પરિચિતતા ઓગળી જાય ત્યારે તો બસમાંથી ઊતરી જવાનું હોય છે. પરિચિતતાને ભીંજવવા માટે જ બસમાં બેસવું જરૂરી હોય છે. ગામડાનું બસસ્ટૅન્ડ કિડિયારાં છે. બંને મુસાફરીની માયાજાળ ! ક્યાં ક્યાંની માયાના છેડાઓ બસસ્ટૅન્ડમાં આવીને ક્યાંના ક્યાં અટવાતા હોય છે. બસસ્ટૅન્ડ એ દશ્યોનો મેળો છે. ઈશ્વરની લીલાનો દસ્તાવેજી નમૂનો છે. ઘોંઘાટથી રગદોળાયેલું સંગીત સાંભળવા માટે બસસ્ટૅન્ડો જાણીતાં છે. ચોર, ગુંડા, ખિસ્સાકાતરુઓની એ પરબ છે. બસસ્ટૅન્ડની મધ્યમાં કોઈ પ્રતીક્ષા નામની સુંદરી નિવાસ કરતી હોવી જોઈએ, એ સુંદરીના પ્રલોભને જ બસસ્ટૅન્ડ જીવે છે. બસસ્ટૅન્ડના સ્વાસ્થ્ય વિશે અંદેશો પડે તો સમજી લેવું કે પેલી પ્રતીક્ષાને કંઈક થયું હોવું જોઈએ. મેળામાં માંગનારા હોય તો આપનારા પણ હોય. ચગડોળ હોય તો એમાં બેસનારા પણ હોય. સીટ હોય તો મુસાફરો પણ હોય…. રાવણ હથ્થાવાળો હોય કે કાંસકીઓવાળી હોય…. વાળો…વાળીનો ફરક બસને પડતો નથી. કોઈને ‘અ’ ઠામે જવું છે તે કોઈને ‘બ’ ઠામે… સૌને પહોંચવું છે. પહોંચવું જ છે. બસસ્ટૅન્ડ એ રીતે ક્યાંક પહોંચવા માટે પ્રારંભાયેલી ઈચ્છાઓ ઉકેલવા મથે છે- એટલે જ તો બસસ્ટૅન્ડના દરિયામાં ઓટ અને ભરતી બંને એક સાથે જોવા મળે છે.

બસના કપાળ ઉપર એના સદભાગ્યના લેખ લખાતા હોય છે. એટલે કે બોર્ડ લગાવાતાં હોય છે. પતરાનાં ગામેગામનાં બોર્ડ, એના અવાજો, કો’ક બોર્ડ ખોવાઈ ગયું હોય તો કોઈક ઝાંખું પડ્યું હોય, કોઈક ખોટી બસને લગાડી દીધું હોય, કોઈકના અક્ષરો ઉકલતા જ ન હોય !! કોઈ લાલ અક્ષરે હોય તો કોઈક કાળા !! બસો તો કોઈ કંકુના થાપા લઈને કોઈ કાળના ઉધામાં લઈને ઈચ્છા-અનિચ્છાનાં પોટકાં સીટ ઉપર બેસાડી ફરતી જ રહે છે. વયનું અને વસ્ત્રોનું વૈવિધ્ય, વૃત્તિ અને પ્રવૃત્તિનું વૈવિધ્ય, વિવિધ પ્લૅટફૉર્મ ઉપર વિવિધ દશ્યો ! ક્યાંક નૃત્ય તો ક્યાંક બેસૂરું સંગીત ! ક્યાંક બગાસાં તો ક્યાંક નાસ્તા ! ક્યાંક ભજિયાં તો ક્યાંક કજિયા ! એ બધાની વચ્ચે ક્યાંક એકધારી ખણકતી હોય બંગડી, ક્યાંક શરમાળુ ઝમકતા હોય ઝાંઝર, ઝીણી ઝીણી આંખ અને લીસી લીસી નજરો એ ભીડ વચ્ચેય મોકળા માર્ગ કરતી હોય…. ન થાય અકસ્માત કે નડે નહિ કોઈ સ્પીડ બ્રેકરો !! દશ્યોનું અંતર તૂટી જાય પણ એમાંની કોઈ મહત્વની પળ યાદ રહી જાય. મા, દીકરી, દીકરો, બાપ, ભાઈ, બહેન, ભાઈ-ભાભી, મા-બાપ, કાકા-કાકી, મામા-મામી, કાળા-ધોળા, ઘાટીલા, અણઘાટીલા, ઊંચા-ઠીંગણાં, મોટી આંખોવાળા, મોટા-નાના જેવી સંજ્ઞાઓનો ઢગલો જ ઢગલો !! દુર્ગંધો વચ્ચે ક્યાંક સેન્ટની ઝીણી માદક મ્હેક લોભાવેય ખરી, બેઠકો બગડેલ હોય, ક્યાંક બેસવા લાયક હોય. સૂર્ય બસસ્ટૅન્ડનું સિગ્નલ બને. ધૂળની ફાવટ છે. પોલીસ પોતીકા ખાખીપણાના અંચળા ઉપર ખુશ જણાય છે. ભીતર તો એનુંય કોણ જાણે ?

ટાઈમ, દોડાદોડ, સમયપત્રકનું ભૂંસાઈ જવું, લપસવું, ‘પાણી-પાણી’ની બૂમો, સળગતો કોલસો પાણીમાં ઝંબોળાય એમ પાણીના ઘૂંટ ગળામાં છમકારો લે…. ‘બસ આવી’ ‘મોટર આવી’ની બૂમરાણો પણ પ્રતિક્ષિત ચહેરાઓ ઉપર ચમક લાવી દે…. સજ્જનો અને દુર્જનોની વૃત્તિઓ અહીંથી પ્રવાસે નીકળે છે ત્યારે પ્રત્યેક વૃત્તિના ભાલે પ્રતીક્ષાચક્ર ફરતું હોય છે. અહીં વાતો મળે ભાલની, નળકાંઠાની, કાઠિયાવાડની, ઉત્તર ગુજરાતની, સુરતની, મુંબઈની, દેશની-દુનિયાની… અનાજની, કઠોળની, દાળની, ભાતની સુવાસ મળે અને ફાફડા, ચટણીન ચટાકાય સંભળાય !! ગજવાં ભરાઈ જાય – લચી પડે એટલી ઉતાવળો અહીંયા વહેંચાય છે. કોઈના અધૂરા ઈન્સર્ટમાં, કોઈની લબડતી સાડીના કિનારામાં, કોઈની ખુલ્લી રહી ગયેલી બૅગ-બિસ્ત્રા અને પેન્ટની ચેઈનમાં, બ્લાઉઝમાંથી બહાર આવી ગયેલ બ્રાની સફેદ પટ્ટીમાં…. ધક્કામુક્કીમાં અને ભાગદોડમાં એનાં દર્શન થયા વગર રહે નહિ. એ ઉતાવળોની વચ્ચેય તમે ઈચ્છો તો તમારી ફાંટમાં કોઈ કોયલનો કે કોઈ મયૂરનો ટહુકો ભરી શકો. કોક ભ્રમરનો ગુંજારવ, નિર્ધારીત પુષ્પને પ્લાવિત અને પાવન કરે. પવનની ધરાર ના હોવા છતાં સુગંધ ખુલ્લેઆમ નીકળી પડે તો કયું નાક એની ‘ના’ પાડવાનું છે ? પડછાયાઓ પડછાયાઓને ચાહે એને પથ્થરોના ચાસમાંય ફણગા ફૂટે એમાં બસસ્ટૅન્ડનું હવામાન ઓછું જવાબદાર હોતું નથી.

બસસ્ટૅન્ડ સાથે માનવજાતને નાતો છે : સૂરજના જેવો. લોકવૃંદનું વૈવિધ્ય એક કોલાજ રચે છે. કોકના મનની ભરતી એ બસસ્ટૅન્ડની પૂનમ છે. અને કોકના મનની ઓટ એ બસસ્ટૅન્ડની અમાસ છે. બસસ્ટૅન્ડમાં પૂનમ અને અમાસ એક સાથે ઊગે છે ને આથમે છે. બસ છે એટલે માણસ છે, પછી પવન છે અને પાવક છે. ક્યાંક જ્યોતિ થશે ને ક્યાંક ધુમાડો !! બસસ્ટૅન્ડ એક રીતે અભિશાપિત જગ્યા છે. એને ક્યારેય કળ વળતી નથી. એના મૃત્યુ વિશે કોઈ જ્યોતિષી આગાહી કરી શક્યા નથી. એને કૅન્સર થાય કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર થાય કે હાર્ટએટેક આવે પણ એક વાત ચોક્કસ છે, બધી સ્થિતિ-પરિસ્થિતિ સામે એ અણનમ છે. એનુંય આખુંય રૂપ-સ્વરૂપ પલટાઈ જાય તો ભલે, પણ એને મૃત્યુ અભડાવી શકવાનું નથી. ભગવાનની જેમ બસસ્ટૅન્ડની અમરતાનો મહિમા પણ કંઈ ઓછો તો નથી જ. પ્લૅટફૉર્મ પર આવી આવીને ઊપડી જતી બસો એક અર્થ આપે છે. આવતાં આવડે એને જતાંય આવડવું જોઈએ. બધી જ બસો જન્મની જેમ ચીસ પાડીને આવે છે, અને ખબર ન પડે એમ ચાલી જાય છે. મનુષ્યે પણ એમાંથી કંઈક બોધપાઠ જેવું લેવું જોઈએ. બસ જ્યારે થોભે છે ત્યારે એટલો સમય એ મૃત્યુ પામે છે : એની ગતિ જ એનું જીવન છે. થોભાવાનું એ પણ ગતિ માટે જ હોય છે.

હવે તો હું સ્પષ્ટપણે એમ જ માનું છું કે માનવીના પ્રત્યેક સંવેદનો મુસાફરી કરનારી બસોથી સહેજેય ઊતરતાં નથી. ભવાટવિમાં અટવાઈ જનારા સૌ જનોને બસસ્ટૅન્ડો બૂમો પાડી પાડીને કહે છે- પહોંચવા માટે પહેલ કરતાં શીખી લેવું જરૂરી છે. આમ, બસસ્ટૅન્ડ એ હરખ અને શોકની શાપિત ભૂમિ છે- ત્યાં નર્યો હરખેય નથી કે નર્યો શોક પણ નથી…. જ્યાં સુધી મનુષ્ય છે ત્યાં સુધી બસસ્ટૅન્ડો રહેવાનાં. જ્યાં સુધી યાત્રા છે ત્યાં સુધી બસસ્ટૅન્ડો છે…. મૃત્યુ અને જન્મ ઉભયની પરબ માંડીને એ બેઠાં છે….

Leave a Reply to Kalidas V. Patel { Vagosana } Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “બસસ્ટૅન્ડ – ભગીરથ બ્રહ્મભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.