મેઘધનુષ – સંકલિત

[1] નારીશૂન્ય નવલકથા ! – યશવન્ત મહેતા

ભાઈ મુનિકુમાર પંડ્યા એકંદરે બહુદ્રષ્ટા વાચક છે. એમના વિશાળ વાચનને પ્રતાપે વારંવાર કેટલાંક આઈટમ-રત્નો પાઠવે છે. ગત માસમાં એમની સાથેના સંવાદમાંથી પણ ઘણી વાતો મળી. કેટલીક મારા વિકાસમાં ઉપયોગી, કેટલાક આપ સૌની સાથે વહેંચવી ગમે એવી. આમાંથી એક-

બોલો, ગુજરાતી ભાષામાં સો ઉપરાંત વર્ષોથી ખૂબ ખ્યાત એવી કઈ નવલકથા છે, જેમાં એક પણ સ્ત્રીપાત્ર નથી ? મૂંઝવતો સવાલ છે. ‘નટીશૂન્ય’ નાટકો ઘણાં જોયાં-વાંચ્યાં છે. પણ ‘નારીશૂન્ય’ કથા અને એ પણ પૂરા કદની નવલકથા ? અમને તો એકેય યાદ ન આવી ત્યારે ભાઈએ જણાવ્યું : ‘ભદ્રંભદ્ર !’ અમે છક્કડ ખાઈ ગયા – ખાસ તો એટલા માટે કે ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ નીલકંઠ પ્રખર સમાજસુધારક હતા. ‘ભદ્રંભદ્ર’ પણ સુધારાની જ તરફદારી કરતી નવલકથા છે. એમાં એક પણ નારીપાત્ર કેમ નહિ પ્રવેશ્યું હોય ? (‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)

[2] ક્ષમા વીરસ્ય ભૂષણમ ! – જસમીનભાઈ જે. દેસાઈ

ક્ષમા આપવી એ ખરેખર ભારે હિંમતવાળું કામ છે. માટે જ કહેવાયું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ… અને અત્રે જે ઘટનાની વાત કરવી છે તેના સંદર્ભમાં તો ક્ષમા આપનાર સાચે જ ઊંચા ગજાના માનવીઓ છે. ઘટના એવી છે કે ખીજીવીસી એલ (જીઈબી)માં ઍન્જિનિયર તરીકે કામ કરતા એક આશાસ્પદ યુવાન અને માતા પિતાના ત્રણ પુત્રીઓ ઉપરના એકના એક પુત્રનું જીઈબીના જ એક અન્ય કર્મચારીથી બેદરકારીના કારણે અકસ્માતે અકાળે મૃત્યુ થયું…

આ યુવા એન્જિનિયરની કામગીરી હતી ગામડામાં જેમાંથી 400 વૉટનો ડી.સી. કરંટ પસાર થતો હોય છે તેવા વીજ ટ્રાન્સફોર્મરના વાયરના તારનો જથ્થો ચેક કરવાનો. આ ઈજનેરે જ્યારે વાયરોમાંથી પ્રવાહ હજુ શરૂ કરાયો ન હોય ત્યારે તેની ક્ષમતા, તારની જાડાઈ વગેરેની ખરાઈ કરી સર્ટિફિકેટ આપવાની ફરજ બજાવતો હતો. એ દિવસે તે રાબેતા મુજબ વાયર તાર હાથમાં પકડી ચેકિંગનાં અન્ય સાધનો વડે તપાસ કરવા ગયો ત્યારે તેમાં તો 400 વૉટનો ડી.સી. કરંટ પસાર થયેલો હતો…. પરિણામે આ યુવાન ઈજનેર એક જબરજસ્ત ઝાટકા સાથે પછડાયો અને અર્ધી મિનિટમાં તો એનું પ્રાણપંખેરું ઊડી ગયું.

આ અકસ્માત સંદર્ભે પીજીવી સી એલ (જીઈબી)ના તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ તો બહાર આવ્યું કે એક હેલ્પર કક્ષાના કર્મચારીની અક્ષમ્ય ભૂલ-ફરજ બેદરકારીથી તે દિવસે ચેકીંગ માટેના તારમાં ટ્રાન્સફોર્મરમાંથી વીજ પ્રવાહ અપાઈ ગયો હતો અને કરુણ ઘટના ઘટી. આ એક ફરજ બેદરકારી હતી અને આ અપરાધ માનવ વધનો ફોજદારી ગુનો બનતો હતો. તેથી ખાતાકીય અને કાયદાકીય કાર્યવાહી થાય તેમ હતું અને તેમાં ફોજદારી ગુના માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલની સજા પેલા હેલ્પરને થઈ શકે તેમ હતું. જો આમ થાય તો નાના કર્મચારીનું કુટુંબ બરબાદ થાય. પરંતુ જો આ ઘટનાનો ભોગ બનનાર યુવાન ઈજનેરનાં માતાપિતા તેને દરગુજર કરે, ફરિયાદ ન કરે તો હેલ્પર બચી જાય.

આથી હેલ્પર્સના સંગઠને આ ઈજનેરના માતાપિતાને મળી બધી વાત કરી. હેલ્પરે અને તેના સંગઠને ખૂબ પશ્ચાતાપ કર્યો અને બચાવી લેવા વિનંતી કરી. આના પરિણામે પેલા મૃતક ઈજનેરનાં માતા પિતાના હૃદયમાં કરુણા-દયાભાવનું ઝરણું ફૂટ્યું અને તેમાં ક્ષમાનું એક અલભ્ય ફૂલ ખીલી ઊઠ્યું, એ વડીલોએ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ એ તત્વબોધને ધ્યાનમાં રાખી જે થવાનું હતું તે થઈ ગયું- નિમિત્ત નિમિત્તનું કામ કરે છે, પેલા હેલ્પરે જાણી જોઈને કે કોઈ અદાવતના લીધે આવું કર્યું ન હતું પણ તે તો આ ઘટનાનો કુદરતી ન્યાયે નિમિત્ત બન્યો હતો એમ વિચારી એને માફી બક્ષી દીધી…. એને ક્ષમા આપી અને તેની સામે ફરિયાદી ન બની જીઈબીને પણ એ કર્મચારી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરવા જણાવી દીધું. કુદરતી ન્યાય, નિમિત્ત માત્ર એ બધું જ જાણવા છતાં પોતાના એકના એક યુવાન પુત્રનું કોઈની બેદરકારીથી અવસાન થાય ત્યારે ક્ષમા આપી બધું જતું કરવું એ માત્ર ને માત્ર ઉદારતા વીરતાનું જ ઉદાહરણ છે. આજના કળિયુગમાં આવા માનવીઓને જોઈ તેમના પ્રત્યે માન જાગે છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

[3] નેતા વિનાનાં હેલિકૉપ્ટર – ગુજરાત ડાયરી

થોડા દિવસ પહેલાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરપંચોની એક શિબિર વાંસદા રોડ પર સુરખાઈ ગામે આવેલા ઢોડિયા સમાજ ભવનમાં ચાલી રહી હતી. એ દરમિયાન બપોરે અચાનક જ ઘરઘરાટી સાથે હૉલની પાછળના ખુલ્લા મેદાનમાં બે હેલિકૉપ્ટરે તાકીદનું ઉતરાણ કર્યું. કોઈ પણ પૂર્વમાહિતી વિના મુખ્ય મંત્રી મીટિંગમાં આવ્યા હશે એમ સમજી સરપંચો અને અધિકારીઓ હેલિકૉપ્ટરની દિશા તરફ દોડ્યા.

ઘરઘરાટી બંધ થઈને અંદરથી સૈન્યના છ જવાન ગણવેશમાં બહાર આવ્યા એટલે તાલુકા વિકાસ અધિકારી વિજય પટેલની ચિંતા વધી. એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો. આજુબાજુનાં ગામના લોકો કુતૂહલવશ ટોળે વળી ગયા. આખરે ખબર આવ્યા કે ખરાબ વરસાદી વાતાવરણના કારણે વડોદરાથી નાસિક જઈ રહેલાં ઍરફોર્સનાં બે હેલિકૉપ્ટરે તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું અને બિન બુલાયે મહેમાનની જેમ આકાશમાંથી આવેલા ઍરફૉર્સના જવાનોએ સરપંચો સાથે ગુજરાતી થાળીની લિજ્જત માણી. બીજા શબ્દોમાં કહીએ તો ચીખલીના લોકોએ પ્રથમ વખત નેતાઓ સિવાયનાં હેલિકૉપ્ટરને નજીકથી જોયાં. (‘ચિત્રલેખા’માંથી સાભાર.)

[4] પારિજાત – રેખા ભટ્ટ

‘એક સાંજે ટ્રેનના ચાલ્યા ગયા પછી રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા,
બે માણસને એકબીજાથી દૂર જવા માટે કેટલું Distance જોઈએ ?’ – વિપીન પરીખ

ગઈકાલે જ એક ફિલ્મ જોઈ… ‘Social Networking’. એમાં માર્ક ઝૂકેરબર્ગની વાત છે. કેવી રીતે આ સાઈટ શરૂ કરી અને તેમાં મળેલા રિસ્પોન્સ અને મુશ્કેલીઓ. હા. માર્ક ઝૂકેરબર્ગ એટલે Facebookનો સ્થાપક અને C.E.O. માર્ક ઝૂકેરબર્ગ કોલેજમાં ભણતાં ભણતાં સોશિયલ નેટવર્કિંગની સાઈટ બનાવે છે અને જોતજોતામાં તે ખૂબ લોકપ્રિય બની જાય છે. આપણામાંથી કોઈને પણ Facebook વિશે કંઈપણ કહેવાની જરૂર નથી. આપણે બધાં જ એનાથી પરિચિત છીએ. ના, પરિચિત નથી ‘બંધાણી’ છીએ. આપણને ‘adiction’ છે આવી બધી ‘સોશિયલ નેટવર્કિંગ’ની સાઈટનું. સમય જતાં આવી સાઈટના સર્ફીંગથી થતા માનસિક રોગ અને સામાજિક પ્રશ્નો ઊભા થશે તો આપણને સહેજપણ નવાઈ નહીં લાગે. આખ્ખો ને આખ્ખો જીવતો જાગતો માણસ એમાં ખોવાઈ જાય છે અને એક સાઈટ પરથી બીજી સાઈટ પર ઠેકડા માર્યા કરે છે અને અમેરિકા, કેનેડા, ન્યુઝિલેન્ડ કે મુંબઈ, જામનગર, જોધપુર ફરીને બધા મિત્રોને મળીને પાછો આવે છે ત્યારે બધા ફેમિલી મેમ્બર્સ થાકીને અને કંટાળીને ઊંઘી ગયા હોય છે.

હમણાં થોડાંક વર્ષોથી ટી.વીમાં આખું ફેમિલી ખોવાઈ જતું હતું અને આંગણિયા પૂછીને આવેલા મહેમાનને મીઠો આવકારો આપવાનું ભૂલાઈ જતું હતું. હવે લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ, i-pod કે લેપટોપ છે અને સૌ કોઈ તેમાં ડૂબી ગયા છે. Facebook અને What’s up….. કંઈ કેટલુંયે ? એક બાજુ મમ્મી ગરમાગરમ રોટલી બનાવીને દીકરાની થાળીમાં મૂકે છે અને લાડથી પૂછે છે કે : ‘દાળ કેવી બની છે ?’ એ પહેલાં તો દીકરાના મોબાઈલમાં મેસેજ આવી જાય છે… What’s up ઉપર….. “Wow, What a menu !” લો…. કહેવું છે કંઈ ? આવી સાઈટના કારણે સૌ કોઈ બની ગયા છે – ‘Peeping Tom’ લેપટોપમાં બધાંની બારીઓ ટપોટપ ખોલીને ખાંખાખોળા કરીએ છીએ પણ આપણું પોતાનું બારણું ભીડી દીધું છે ચપોચપ ! બાજુમાં બેઠેલાને પણ જાણ ન થાય કે શું ચાલી રહ્યું છે એના મનમાં ! ફેસબુકમાં 31 કે 142 કે 1048 Friends સાથે પળેપળની વાતો કરનારને પોતાની ખરેખરી મૂંઝવણ વખતે કે મુશ્કેલીના સમયે, માથું ઢાળવા માટે મિત્રનો ખભો મળતો નથી અથવા ‘આજે તો મૂડ બરાબર નથી, ચાલને બેસીને નિરાંતે ગપ્પાં મારીએ અને સાથે ચા પીએ ! એવું કહેનાર- સાંભળનાર મળવું મુશ્કેલ છે. અથવા એવું કોઈ સગું-સંબંધી શોધ્યું મળતું નથી જે પહેલાંની જેમ કહે કે- ‘તમે કોઈ વાતે ચિંતા કરશો નહીં. અમે બેઠા છીએ.’ જે સાંભળીને આપણને નિરાંત થાય.

કરોળિયાના જાળાની જેમ ફેલાયેલા નેટવર્કે માણસને જોડવાના બદલે વિખૂટો પાડી દીધો છે અને એકલવાયો બનાવી દીધો છે. આપણાં બનાવેલાં યંત્રો આપણને ચલાવે છે અને આપણે સૌ આપણા ગુલામોના ગુલામો બની રહ્યા છીએ. હવે સારા-માઠા પ્રસંગે કોઈ આપણી રાહ જતું નથી. એક પ્લાસ્ટિક જેવા બનાવટી ‘સોફિસ્ટિકેશન’ પાછળના ભટકાવમાં સાચી હૂંફ કે આવકાર ખોવાયાં છે. તોયે હજુ થોડીઘણી નસીબદાર ગૃહિણીઓ છે જે પડોશણને વાસણ ઘસતાં ઘસતાં કહી શકે છે, ‘આજે તો અમારે ઝઘડો થઈ ગયો અને ‘એ’ જમ્યા વગર ગયા’ અને પડોશણ એને આશ્વાસન આપે છે અને બંને બેનપણીઓ હળવીફૂલ થઈને પાછી કામે વળગે છે. દુષ્યંતકુમારના શબ્દોમાં કહેવાયું છે તેમ-

‘ઈસ શહરમેં વો કોઈ બારાત હો યા વારદાત
અબ કીસી ભી બાત પર ખૂલતી નહીં હૈ ખિડકિયાં !’

માટે, હજુ મોડું નથી થયું. બને તો થોડોક સમય મોબાઈલ સ્વીચ ઑફ કરીને બાજુમાં રહેતા પડોશીને ચા પીવા બોલાવો. અથવા ટી.વી./લેપટોપને પડતાં મૂકીને પરિચિતો-મિત્રો-સગાંવહાલાંને નાનું અમથું કારણ શોધીને મળવા બોલાવો અને કહો કે – ‘તમે સહેજપણ મૂંઝાતા નહીં, અમે છીએ.’ ત્યારે મને મારા પ્રિય કવિ દુષ્યંતકુમાર ફરીથી યાદ આવી જાય છે.

‘મેલે મેં ભટકે હોતે તો કોઈ ઘર પહુંચ જાતે
હમ ઘરમેં ભટકે હૈ, કૈસે ઠૌર-ઠિકાને આયેંગે’

[5] ઝાકળબિંદુ – રેણુકા દવે

માનવી અખૂટ ઊર્જાનો સ્ત્રોત છે. તેનામાં અનેક પ્રકારની આવડત ભરી પડી છે જેની તેને ખુદને પણ જાણ નથી. ઘણું કરીને આપણી પ્રગતિની ગતિ હંમેશાં એક પ્રકારની સ્થિરતા ભણી રહે છે. આ સ્થિરતા જેટલી વહેલી આવી જાય તેટલી વ્યક્તિની આવડતની પ્રશંસા થતી હોય છે. અભ્યાસ….. નોકરી…. પ્રમોશન…. પગાર… આવકનાં સાધનો…. સામાજિક મોભો…. વગેરે વગેરે… આ બધું ઝડપથી મળી જાય તેના યેનકેન પ્રકારેણ પ્રયત્નો આપણે કરતાં હોઈએ છીએ અને બધું મેળવી લીધા પછી એ સેટઅપ સાથે ‘આરામથી આખી જિંદગી પસાર કરીશું’ એવો હાશકારો કરતાં હોઈએ છીએ.

આમ જો કે આમાં કંઈ ખોટું નથી. પરંતુ ધીરે ધીરે એવું બનતું હોય છે કે એ નિશ્ચિત સંજોગોના સંદર્ભમાં જ આપણે આપણને જોતા થઈ જઈએ છીએ. તેની બહાર જોવાની ક્ષમતા ધીરે ધીરે ગુમાવી દઈએ છીએ. ક્યારેક એવું પણ બને છે; ઘણું કરીને એવું બનતું હોય છે એ નિશ્ચિત ચોકઠાને આધારે આપણે આપણી ‘સર્વશ્રેષ્ઠતા’ના પ્રેમમાં પડી જતા હોઈએ છીએ. આ સંજોગો બહુ જ ખતરનાક છે. તે ધીરે ધીરે કૂપમંડૂકતા- કૂવામાંના દેડકા જેવી વૃત્તિમાં ઊંડે ને ઊંડે ઉતારતા જાય છે. આપણામાં તે થોડા પ્રમાણમાં આત્મવિશ્વાસ વધારે છે પણ આપણી પાસેથી વિકસવાની ઘણી બધી તકો તે છીનવી લે છે અને આપણે જિંદગીના ખાસ સૌન્દર્યને માણવાનો તેમ જ આપણા પોતાના કોઈ પહેલુને વિકસતું જોવાનો રોમાંચ ગુમાવી બેસીએ છીએ. ક્યારેક આપણા નિશ્ચિત ચોકઠાની બહાર ઊભા રહીને આપણી જાતને જોવાની જરૂર હોય છે; આ દષ્ટિકોણથી…. આ સંદર્ભમાં. કોઈને કશું જ કહેવાની જરૂર નહીં પડે. આપણે જ આપણી જાતને કહેતાં થઈ જઈશું કે આહ…! આપણે તો હજુ ઘણું કરવાનું બાકી છે…..!

અને ખરું કહું દોસ્તો, પ્રત્યેક નવી પરિસ્થિતિ…. પ્રત્યેક નવા પડકારો આપણી હથેળીમાં આપણા જ વિકાસની સુંદર રંગોળી રચીને જાય છે, આપણને ખબર ન પડે તેમ….! એવી પરિસ્થિતિ જ આપણી આંખમાં આંજતી રહેશે મેઘધનુષી રંગ… અને સાથે સાથે આપી જશે જીવવાનો સાચો આનંદ….! તો કરતાં રહીએ નવા નવા સંજોગોનું આહવાન…. નવા નવા જંગને જીતવા માટે. (‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “મેઘધનુષ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.