- ReadGujarati.com - http://www.readgujarati.com -

નિવૃત્તિ એ લાલબત્તી નથી – સુધીરભાઈ મહેતા

[ વૃદ્ધોની સપ્તરંગી કથાઓ દ્વારા સમાજને પ્રેરણામૃત અર્પતું પુસ્તક ‘મોભનો કલરવ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]એ[/dc]ક મુરબ્બી મિત્ર સરકારી નોકરી કરે. મારે સારી દોસ્તી. નિવૃત્તિ વેળા તેમની નજીક આવી. અચાનક એક બસ સ્ટોપ પર તેઓ મને ભેગા થઈ ગયા. મેં પૂછ્યું, બસ હવે તો ગંગા પાર થઈ ગયા ને ! તેમણે હિમાલય જેવડો નિસાસો મારી સામે નાખીને કહ્યું : ‘હા ભાઈ, પૂરા ઓગણચાલીસ વરસની સરકારી નોકરી બાદ આ માર્ચમાં હું નિવૃત્ત થઈશ. તમને ખબર છે ને ! મેં જિંદગી આખી ઘણા સંઘર્ષ ખમ્યા. સામાન્ય કલાર્ક હું હતો તેમાંથી કલાસ વન અધિકારી સુધી પહોંચ્યો. ખૂબ લાંબી જીવનયાત્રામાં નોકરીના અનેક ચડાવઉતાર મેં જોયા. હવે બધું પૂરું !’

મેં રાજી થઈને કહ્યું : ‘ખૂબ સારું થયું હો. નિવૃત્તિ મળી જાય અને સાજા-નરવા હેમખેમ આ જમાનામાં ઘેર છોકરાછૈયાં સાથે આનંદથી જીવીએ એમાં મઝા છે….’ આછું હાસ્ય કરીને મુરબ્બી મિત્ર બોલ્યા, ‘હા… એ તો ઠીક છે ! પરંતુ નોકરીમાં કંઈક કર્યું, સારું સારું માન-સન્માન મેળવ્યું ! હજુ તો ઘણું કરવું હતું ત્યાં નિવૃત્તિનો વખત આવી ગયો. હવે ઘેર બેસીને શું કરવું ? દિવસો ઘેર કેમ જશે ? ઑફિસ અને ઘરે રોજ ઑફિસનું રૂટીન કામ…. હવે ઘેર જ રહેવાનું ? નોકરી કરું છું ત્યાં સુધી હું કાંઈક સમાજ માટે, મારા છોકરા માટે, સહકર્મચારીઓ માટે કરતો હોઉં તેવું લાગે છે. પણ માર્ચ માસ પછી નિવૃત્તિ મળતાં હું સાવ બિનઉપયોગી નહીં થઈ જાઉં ? એવું તમને નથી લાગતું ? અને મને બીજી બીક એ પણ છે કે હવે તો મારી ઉંમર થઈ ગણાય એટલે આ શરીર રોગનું ઘર છે. તેથી ખાટલે પડું અને આ જમાનાના છોકરા-વહુ કહેશે, આ ભાભો ક્યારે મરશે ? આવા દિવસો તો નહીં આવે ને !’

મેં કહ્યું : ‘તમે ભલે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થાઓ છો, પરંતુ હવે સાચા અર્થમાં કુટુંબ, સમાજ અને સગાં-વહાલાને સાચા અર્થમાં ઉપયોગી થવાના છો, કારણ કે અત્યાર સુધી તો તમે એક બંધ ચોકઠામાં ફીટ બંધાયેલા સરકારી કર્મચારી હતા. સમયનું અને જવાબદારીનું બંધન તમારા શીરે હતું. વળી કુટુંબ, સમાજ અને અન્ય સગા-વહાલા માટે તમારે જે સમય આપવાનો હતો તે નોકરીના બંધનના કારણે આપી શક્તા ન હતા ! દીકરીના સાસરે કે દીકરાના સાસરે પાંચ-છ દિવસ ફરવા તમે જતા તોપણ તમારો જીવ તો નોકરીના ચક્કરમાં રહેતો હતો ને ! બીજું, સમાજસેવા તમે શું કરી શકતા ! તમારા સહુ કર્મચારી માટે કંઈ કરી શકતા હતા ? તો હવે આ સમય નિવૃત્તિનો આ બધા માટે આનંદથી તમે આપી શકવાના છો. હવે તમે નક્કામા થયા નથી, પણ કામના થયા છો. હવે તો તમારી પાનખરમાં નિવૃત્તિરૂપી કૂંપળ ફૂટી છે. આ એક આનંદ છે.

આ સમસ્યા મારા મુરબ્બી મિત્ર એકની નથી. અનેક નિવૃત્ત થનાર મુરબ્બીઓની આ સમસ્યા છે. નિવૃત્તિ આડે એક વરસ બાકી હોય ત્યાં અમુક મુરબ્બી મનથી સાવ નબળા પડી જાય છે. પછી શરીરથી નબળા પડે છે. શરીર સાવ નબળું પડે એટલે તન-મનથી તે અકાળે ઘરડો થાય છે પરંતુ હું એમ કહું છું કે આમ નિવૃત્તિ અગાઉ પાનખર પાનખર શા માટે કરવું ? પાનખર એટલે ખરી ગયેલું પાન નથી પણ ફૂટતી કૂંપળનું રૂડું સ્વાગત છે અને પાનખર પછી લીલીછમ વસંત આવે છે. હા, નિવૃત્તિના ડરનાં પણ કારણો હોય છે. નોકરીમાં કે અન્ય ક્ષેત્રમાં બોસપણું કર્યું હોય, એક ને એક બે થાય. આ કક્કો સાચો. તમે કહો તે ખોટું, હું કહું તેમ કેમ ના થાય ! રુઆબથી જીવ્યા હોય અને પછી પેલા સાપની જેમ પોતાના દરમાં સીધુંસટ જવાનું અને રહેવાનું. છોકરાં અને વહુ તથા પોતાના પત્ની કહે તેમ, કરે તેમ…. જીવવાનું…… અરે અમુક વખતે તો કડવા ઘૂંટડા ગળા નીચે પી જવાના. કડવાં વેણ પણ ઘરમાં સાંભળી લેવાનાં હોય છે. હવે તો બેસો ! હા, હવે તમે સાહેબ નથી રહ્યા સમજ્યા ? હવે તો નિવૃત્ત થઈ ગયા છો. તમારો જમાનો પૂરો થઈ ગયો….. ‘સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લુંટીયો વહી ધનુષ્ય વહી બાણ.’, ‘બાપુજી તમને શું ખબર પડે ? તમે હવે ઘરડા થયા છો. તમને યાદ પણ નથી રહેતું….’ આવા આવા શબ્દો છોકરા બાપુજીને કહે છે.

કુટુંબ કે સમાજમાં ઘણા નિવૃત્તિમાં નિજાનંદ માણનારા મુરબ્બીઓ પણ હોય છે. સદા સેવામય જીવન હોય અને આનંદ, હાસ્ય, સતત પ્રવૃત્તિ તેઓના જીવન સાથે વણાયેલી હોય. હોસ્પિટલ, મંદિર, શાળા-કૉલેજ, અનાથ આશ્રમ, સત્સંગ મંડળ કે કોઈ સારી સેવા સંસ્થામાં કાર્યરત રહેનાર નિવૃત્ત મુરબ્બીને ઘડપણનો ભાર લાગતો નથી. છેવટે પુસ્તકવાચન દ્વારા પાંચ વૃદ્ધોને ધાર્મિક સારાં પુસ્તકો શ્રીમદ ભાગવત-રામાયણ, ગીતા કે ઉપદેશાત્મક જ્ઞાનવાળાં પુસ્તકોનું વાચન જે વૃદ્ધ નિવૃત્ત મુરબ્બી કાયમ માટે નક્કી સમયે સ્થળે કરે તો વૃદ્ધત્વ અને નિવૃત્તિનો ડર ભાગી જાય. બધા નિવૃત્ત-વૃદ્ધોનો સમય પણ આ બહાને પસાર થાય તથા જ્ઞાન, ધર્મના વિચારો પોતાના કાનમાં પ્રવેશ કરે. ઘેર પણ બાળ-બચ્ચા પાસે જ્ઞાનધર્મની કથાવાર્તા થાય. નાનાં બાળકોને પણ રામાયણ અને મહાભારત, પંચતંત્રની વાર્તાઓ વૃદ્ધો કહે તો બાળકોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય. બાળકો ઘરમાં તોફાન કરતાં હોય તો બે ઘડી દાદા પાસે વાર્તા સાંભળવા બેસી જાય અને ઘરનાં પુત્રવધૂ પણ રાજી થાય અને કહે, દાદા અમારાં છોકરાંને ખૂબ સાચવે છે. ઘણા વૃદ્ધો-નિવૃત્ત મુરબ્બીઓને એ પીડા પણ હોય છે કે અત્યાર સુધી ઑફિસ સ્ટાફ મને સાહેબ કહીને જ બોલાવતો હતો અથવા અટકથી સન્માન આપી સંબોધન થતું હતું પણ હવે નિવૃત્ત થયા પછી ! આ બધું ભૂંસાઈ ગયું. ફક્ત ‘દાદા’ અથવા ‘કાકા’ શબ્દ આગળ લાગી ગયો ! ‘દાદા’ થવું મોટું સદભાગ્ય છે. અરે ! નિવૃત્ત થયા એ જ મોટું કાર્ય થયું છે. આ સુબોધ નિવૃત્ત માણસે યાદ રાખવા જેવો છે. જે કોઈ આજે તમારું છે તે ગઈકાલે બીજાનું હતું અને આવતીકાલે તે બીજાનું કોઈનું હશે. તમે તેને તમારું સમજી આનંદ પામો છો પણ તે આનંદ ક્ષણભંગુર છે અને તમોને દુઃખી કરી રહ્યો છે. હા, પરિવર્તન કે ફેરફાર તે આ સંસારનો અફર નિયમ છે.

તમો તમારી જાતને અંતર્યામી, સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, પરમાનંદ સ્વરૂપ પરમાત્માને હવાલે કરી દો તે જ સૌથી ઉત્તમ તમારા માટે સહારો છે. જે તેના આ સહારાને જાણે છે તેને શોક, ભય, ચિંતાથી સદાને માટે છુટકારો પ્રાપ્ત થાય છે. આપણે છેલ્લે આ શરીર પણ પ્રભુનું છે તેમ માની સમાજના લોકોના હિત માટે દેહદાન-ચક્ષુદાન માટે કરીએ તો ? આંખોનું દાન મહાદાન છે. જુઓ આ શબ્દો : ‘તારી આંખોનું આપી દે દાન સમય થોડો રહ્યો, તારું જીવતર ગયું તું છે થોડા સમયનો મહેમાન, તારા મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી. તારા જીવનની ન કોઈને આશા રહી. સમરી લે પ્રભુને તું ધ્યાન ધરી. અંતકાળે કર પુણ્યનું કામ…. તારી આંખો અંતે તો મીંચાઈ જશે. તારાં હાડકાંની અંતે તો રાખ થશે. તારી આંખો માટીમાં રોળાઈ જશે. તારું રહેશે ના કોઈ નિશાન, તારી આંખોથી કોઈનો અંધાપો જશે. તારા મૃત્યુથી કોઈને સહારો થશે. કોઈના સાચા અંતરની આશિષ મળશે. તારું થશે પરલોકમાં સન્માન. કોઈ માતાનો લાલ આજ દેખતો થશે. કોઈક બહેનના બાંધવનો અંધાપો જશે. કોઈ પ્રિયાના પ્રીતમનો તું દીપક થશે. અમર રહેશે આ જગમાં તુજ નામ. માનવતાની જ્યોત તું પ્રગટાવી જજે, ઘર ઘરમાં પ્રકાશ તું ફેલાવી જજે, દુનિયા ગાશે તારાં ગુણગાન.’

હા, પાનખરની વાદળીને વરસાવીએ, બીજાના હૈયાને ટાઢક આપીએ, નિવૃત્તિની ફીકરની ફાકી કરીએ. અનેક દુઃખીજનની યથાશક્તિ સેવા કરીએ, તો આપણું વૃદ્ધત્વ પીડારૂપ ન બને !

[કુલ પાનાં : 142. (મોટી સાઈઝ) કિંમત : 150 પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]