- ReadGujarati.com - http://www.readgujarati.com -

પહેલાં તો મને થયું કે…. – મન્નુ શેખચલ્લી

[ 26 જાન્યુઆરીના રોજ અગાઉ ધરતીકંપ થયો હતો ત્યારે એના કરુણ પ્રસંગો પર તો ઘણા પુસ્તકો લખાયાં છે. પરંતુ આ વિશે રમૂજી લેખ લખ્યો છે શ્રી મન્નુભાઈ શેખચલ્લીએ તેમના પુસ્તક ‘હવામાં સૂરસૂરિયાં !’માં, જે અત્રે પ્રસ્તુત છે. આજના ‘રક્ષાબંધન’ પર્વની સૌ વાચકમિત્રોને શુભકામનાઓ.]

[dc]કે[/dc]ટલાં મકાનો પડી ગયાં છે, કેટલાંમાં તીરાડો પડી છે, કેટલાના થાંભલા હચમચી ગયા છે, કેટલાં રહેવાલાયક નથી અને કેટલાં તોડી પડાયાં એવા બધા આંકડા ઉપરાંત કેટલા મર્યા, કેટલા ઘાયલ અને કેટલા કરોડના નુકશાન સામે કેટલા કરોડની રાહત આવી તેના આંકડાઓ પણ આવી ગયા છે. પરંતુ અમને લાગે છે કે કોઈ છાપાંવાળાએ ખરેખર સર્વે કરવા જેવો છે કે જ્યારે ધરતીકંપ થયો ત્યારે કોણ શું કરતું હતું ? જો વ્યાપક રીતે આવો સર્વે કરવામાં આવે તો આપણને જાણવા મળે કે 23 ટકા પુરુષો ચા પી રહ્યા હતા, 18 ટકા મહિલાઓ કૂકરની કેટલી સીટી વાગી તે ગણવામાં અથવા કૂકર મૂક્યા પહેલાં અથવા પછીની ક્રિયાઓમાં ગૂંથાયેલી હતી, 21 ટકા મહિલાઓ કપડાં બોળી રહી હતી અથવા નિચોવીને સૂકવી રહી હતી અથવા કામવાળીઓને દબડાવી રહી હતી કે ‘અલી, આટલો બધો સાબુ ક્યાં જાય છે ? તું ખાઈ જાય છે કે શું ?’

જો કે આવા બધા આંકડાઓ ભેગા કરવાથી શું સિદ્ધ થાય તેની અમને ખબર નથી, પણ અમને લાગે છે કે આવો સર્વે કર્યો હોય તો આપણને એવી એક ચોંકાવનારી માહિતી જરૂર મળત કે ગુજરાતના 99.2 ટકા લોકો 26મી જાન્યુઆરીની સવારે એવું જ કંઈક કરી રહ્યા હતા જેને 26મી જાન્યુઆરી સાથે કોઈ નિસ્બત નહોતી ! પરંતુ સિરિયસલી, આવો સર્વે કરવો જરૂરી એટલા માટે છે કે દરેકે દરેક જણને કહેવું જ હોય છે કે તે વખતે તેઓ શું કરતા હતા. ખાસ કરીને બહેનોને. છેક કેનેડાથી ફોન આવ્યો હોય તો પણ સામેવાળાના ડૉલરની ચિંતા કર્યા વિના આપણી મમ્મીઓ, માસીઓ અને ભાભીઓએ ટોટલ ડિટેઈલમાં કહેવાનું જ હોય કે, ‘હાય હાય હું તો છે ને ટીવી જોતાં જોતાં શાક સમારતી’તી ! અને એકદમ ધડધડ થવા મંડ્યું ને, તે મને તો એમ કે આપણા ધાબા ઉપર વિમાન આયું ! બોલો !’ પુરુષો જોકે એક બીજા સાથે વાતો કરતા હોય ત્યારે પહેલાં ખબરઅંતર પૂછે, પછી ક્યાં કેટલાં મકાન પડ્યાં અને કેવું નુકશાન થયું તેની વાત કરે પછી ભુજ, અંજાર, ભચાઉ, રાપર એવાં જેટલાં નામો આવડતાં હોય તેની વાત કરે, સરકારી તંત્ર કેટલું નીંભર છે તેની ચર્ચાઓ કરે… અને છેવટે કહે, ‘હું તો તે વખતે દાઢી કરતો હતો ! આવું થયું કે તરત હું તો ભાગ્યો. છેક નીચે ઊતરી ગયો પછી ખ્યાલ આવ્યો કે રેઝર તો હજી મારા હાથમાં જ છે !’ ટૂંકમાં, ‘હું શું કરતો હતો’ એ વાત કરવાની બધાને ગમે છે. એ જ વાત વારંવાર કરવાની પણ બધાને ગમે છે.

તમે નહીં માનો, પણ ધરતીકંપ થયો તે વખતે ધરતીકંપ થયો એવી કોઈને ખબર જ નહોતી પડી ! તમે તો એ પણ નહીં માનો કે ધરતીકંપ થયો ત્યારે ધરતીકંપ જ થયો છે તેવી ખબર આખા ગુજરાતમાં માત્ર અમને જ પડી હતી ! પણ શું કરીએ ? અમે જ્યારે લોકોને કહીએ છીએ કે, ‘જે વખતે ધરતીકંપ થયો ને, તે વખતે પહેલાં તો મને થયું કે સાલું, આ તો ધરતીકંપ થતો લાગે છે !!’ તો બધા અમારી સામે એવી રીતે જોયા કરે છે કે જાણે અમે કોઈ પ્રાણી હોઈએ ! કારણ કે ધરતીકંપ થાય ત્યારે ધરતીકંપ જ થાય છે એવી ખબર તો ગાયો અને કૂતરાંઓને જ પડતી હોય છે.

ખેર, અમારા એક મિત્ર બહુ હિંમતવાળા છે. તેમનો કિસ્સો સાંભળવા જેવો છે. ‘હું તો યાર, ઘરમાં એકલો જ હતો. મેં કીધું, ચા પીએ. એટલે ગૅસ પર ચા મૂકેલી. થોડી વારમાં બધું ધડધડ થવા માંડ્યું એટલે મને તો એમ કે નીચે પેલા ગટરખાતાવાળા રોડમાં ડ્રીલિંગ કરતા હશે. પણ પછી બધા કહે કે બોસ, નીચે ઊતરો. આ તો ધરતીકંપ છે. એટલે આપણે તો બધાની જોડે નીચે આઈ ગ્યા. પછી બધું પતી ગયું એટલે મેં કીધું બોસ, હવે તો ઉપર જવાય ને ? ગૅસ પર મારી ચા ઉકળતી હશે ! બધા કહે અલા, ના જવાય. પણ યાર ખાલીખોટો ગૅસ બાળવાનો શું મતલબ, હેં ? એટલે હું તો તરત જ ઉપર ગયો. ચા થઈ ગઈ હતી એટલે આપણે તો ગાળીને ટેસથી પીધી ! એક રકાબી તો પી ગયો. પછી બીજી વાર રકાબીમાં ચા કાઢી ત્યારે ખ્યાલ આવ્યો કે બોસ, આપણે તો ધરતીકંપવાળી ચા પીધી !’ લો, કરો વાત ! ધરતીકંપવાળી ચા અને ધરતીકંપ વિનાની ચાના સ્વાદમાં શું ફેર હોય ? પણ એ ભાઈનું કહેવું એમ છે કે, સવાલ સ્વાદનો નથી, હિંમતનો છે. ધરતીકંપવાળી ચા પીવામાં હિંમત જોઈએ બોસ !

બીજા એક ભાઈ તો આનાથી યે વધારે હિંમતવાળા છે. મને કહે, ‘મણિનગરમાં એક જ મિનિટમાં એક સોલ્લીડ સોદો પતાયો ! ત્યાં આગળ એક ચાર માળનું બંધ પડેલું બિલ્ડિંગ હતું. એના માલિકને મેં કહ્યું, બોલો આ ચાર માળનું બિલ્ડિંગ ચાલીશ લાખમાં આપવું છે ? પેલા ભાઈ હજી કંઈ બોલે એટલામાં તો બધું હલવા માંડ્યું. મેં તરત કીધું, ચાલો, હવે આ ત્રણ માળનું બિલ્ડિંગ ત્રીસ લાખમાં આપવું છે ? અચ્છા, બે માળનું બિલ્ડિંગ વીસ લાખમાં ? લો, હવે એક માળનું બિલ્ડિંગ દસ લાખમાં આપો છો ?….. સારું હવે તો કહો, આ પ્લોટ આપવો છે પાંચ લાખમાં ? કાટમાળ કઢાવવાની જવાબદારી મારી !!….. બિલ્ડિંગના માલિક તો એવા ડઘાઈ ગયેલા કે ડોકું, હલાઈને હા પાડી દીધી. બોલો, એક જ મિનિટમાં પેલાને ચાલીશ લાખ પરથી પાંચ લાખ પર લઈ આયો ને ? આને કહેવાય સોદો !’

અમારો એક ભાણિયો રાજકોટથી અમારી ખબર કાઢવા આવ્યો હતો. મને કહે, ‘મન્નુભાઈ હવે તમને શું કઉં ? રાજકોટમાં તો કાંઈ ધરતીકંપ થાય એવું જ નો’તું. જી કાંઈ થ્યું છે ઈ મારા લીધે જ થ્યું છે !’
હું ચમક્યો, ‘શું કહે છે ભાણા ?’
‘મામા કોઈને કે’તા નંઈ, નંઈતર પોલીસવાળા મને પકડી જાશે.’
‘હા ભાઈ, પણ તેં શું કર્યું એ તો કહે ?’ અમે હવે ઉત્તેજિત થઈ ગયા હતા કે અમારા ભાણિયાએ એવું તો શું પરાક્રમ કર્યું હશે કે આખા રાજકોટમાં ધરતીકંપ થઈ ગયો ?
‘આમ તો મામા, ખાસ કાંઈ નો થ્યું હોય એવું જ લાગે.’ અમારા ભાણિયાએ વાત માંડી, ‘તે દિ સવારના અમે બધા ક્રિકેટ રમતા તા. ઓલો શામજીકાકાનો ચંદુ મેચિસ બોલ લયાયવો તો. મને ક્યે તને બોલિંગ કરતાં આવડ છ ? મેં કીધું મારી બોલિંગ તું ખમી નંઈ હકે, આ તો મેચિસ બોલ છે, ક્યાંક ડાચું-બાચું નો ભાંગી જાય ! તો ક્યે જાજા હવે, તારી બોલિંગમાં આપણે સિક્સર મારવી ! મેં કીધું લે, પકડ બેટ અને ઊભો રયે હાંમે. પછી મેં કચકચાવીને રનિંગ કરીને એક ઈન સ્વીંગર નાંખ્યો. ચંદુડાએ તો અટ્ટગટ્ટે બેટ ઘુમાયવું. પણ બેટનો ને બોલનો સંગમ થઈ ગ્યો, એટલે સીધી બાઉન્ડ્રી વાગી ગઈ ! ચંદુડો તો મંડ્યો દાંત કાઢવા ! મને ચડી રીસ ! મેં કીધું હવે ઊભો રયે નેકસ્ટ બોલમાં કલીન બોલ્ડ નો કરું તો મારું નામ નંઈ. પણ રનપ લેવા જાતો તો ને ત્યાં મને વિચાર આયવો કે આને કલીન બોલ્ડ કરવા હારું યોરકર નાંખીશ ને ક્યાંક આ વખતે ય બેટનો ને બોલનો સંગમ થઈ ગ્યો તો ? એટલે મેં કીધું હાળાને બાઉન્સર જ ઠપકારું ! રનપ લઈને મેં તો એવો કચકચાવીને બાઉન્સર માયરો કે બોલ જમીન પર પટકાતાની હાર્યે જ ધરતી ધ્રૂજવા મંડી ! સોસાયટીમાંથી બધા ઘરની બાર આવી ગ્યા. ને ઓલ્યો ચંદુડો તો જાય નાઠો ! બધા પૂછે કે લ્યા હું થ્યું ? મેં કીધું કાંઈ નંઈ, આ તો મેં બંપર નાંયખો એમાં આખું રાજકોટ હલી ગ્યું સે ! પણ મારી વાત કોઈ માને જ નંઈ ? પછી ટીવી પર ન્યૂઝ આયવા ત્યાં કનફમ થ્યું ! તો ય હજી ઈ લોકો તો એમ જ હમજે છે કે રાજકોટમાં ભૂકંપ થ્યો છે ! મામા, આપણે કાંઈ ડંફાસ નથી મારતા પણ એટલું જ કઈ છીં કે ભલે રાજકોટમાં ભૂકંપ થ્યો, પણ જો મેં ઓલ્યો બાઉન્સર નો માયરો હોત તો આજે જેટલું નુકશાન થ્યું છે એટલું નો થાત !’

અમને તો સમજ જ ન પડી કે ભાણાને શાબાશી આપવી કે સાંત્વન આપવું. મૂળ પહેલેથી જ અમારો સ્વભાવ એવો છે કે બધાની વાતો સાંભળવી, કોઈને કંઈ કહેવું નહીં. એટલે અમે તો અસંખ્ય લોકોની ધરતીકંપ વખતની વાતો અસંખ્ય વાર સાંભળી છે.