તરતાં શીખ્યો – સાને ગુરુજી (અનુ. અરુણા જાડેજા)

[ વિનોબાજી સાથે ભૂદાનયજ્ઞમાં જોડાયેલું એક નામ છે ‘શ્રી પાંડુરંગ સદાશિવ સાને’. લોકો એમને ‘સાને ગુરુજી’ના નામથી ઓળખતાં. ધૂળિયા જેલમાં વિનોબાજી જ્યારે ભગવદ ગીતા પર બોલતાં ત્યારે તેનું લેખન શ્રી સાને ગુરુજીએ કર્યું હતું. પાછળથી તે આપણને ‘ગીતા પ્રવચનો’ નામે પ્રાપ્ત થયું. સાને ગુરુજી અત્યંત ઋજુ સ્વભાવનાં હતાં. તેમને તેમની માતા પ્રત્યે અપાર સ્નેહ અને આદર હતો. તેમણે મરાઠીમાં રચેલ ‘श्यामची आई’ વર્ષોથી મહારાષ્ટ્રમાં ઘેરઘેર વંચાય છે. તેના પરથી એક ફિલ્મ પણ બની હતી, જેને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આપણા સાહિત્યકાર અરુણાબેન જાડેજા દ્વારા હવે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘શ્યામની બા’ શીર્ષક સાથે ‘સ્વમાન પ્રકાશન’ દ્વારા પ્રકાશિત થયો છે, જેમાંથી એકાદ પ્રકરણ આપણે અગાઉ માણ્યું હતું. આજે વધુ એક રસપ્રદ પ્રકરણ માણીએ. પ્રસ્તુત લેખ જનકલ્યાણ સામાયિક ‘જૂન-2012’માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

[dc]કોં[/dc]કણમાં કૂવા પગથિયાંવાળા હોય છે (આપણી વાવ જેટલા મોટા નહીં). ચોમાસે કાંઠા સુધી ભરાયેલા હોય. હાથ વડેય પાણી લઈ શકાય. ચોમાસે કોંકણમાં તરવાની બહુ મજા આવે. છોકરાને તરતાં ચોમાસામાં જ શિખવાડે. શિખાઉને કેડે નાનું લાકડું કે સૂકડ (સૂકા તરોપા) બાંધે અને પછી ધકેલી દે વાવમાં. જોકે વાવમાં તરવાવાળા તો હોય જ. એમાં જાતજાતની ગુલાંટો મારનારાય હોય. કો’ક કો’ક તો એમાં ફેરફુદરડી પણ રમે. કો’ક વળી એકબીજાના પગમાં પગ ભરાવીને ચત્તા થઈને ડોક ઊંચી કરીને ‘હોડી હોડી’ રમે. મારા પિતરાઈઓ તો બહુ સારા તરવૈયા. બાપુજીનેય તરતાં આવડતું. એક મને જ ના આવડે.

બીજા તરતા હોય એ હું જોવા જાઉં. પણ પોતે તરવાની વાત નહીં. મને બહુ બીક લાગે. અમારા પાડોશના નાનકાંય ફટાફટ ભૂસકાં મારે. પણ હું તો બીકણફોસું. કો’ કહે :
‘એ શ્યામને ધકેલી મૂકો રે’ એટલે હું ત્યાંથી ભાગી છૂટું.’
મારી બા ઘણી વાર કહે, ‘અરે, શ્યામ તરતાં તો શીખ. જોને પેલા તારાથીય નાના છોકરા રમે અને તું શાનો બીએ ? આટલા બધા છે તે તને એમ કાંઈ ડૂબવા થોડા દે ? કાલે રવિવાર છે, તરવા જજે. બાજુવાળો બાલુ છે ને, એ તને શિખવાડશે. નહીં તો એમ કર કાકા સાથે જજે. અરે, આપણે તો આવતાંજતાં કૂવાં સાથે પનારો. અહીં કાંઈ પૂણે-મુંબઈ જેવા નળ થોડા છે ? તરતાં તો આવડવું જ જોઈએ. પેલી વેણુ અને અંબાનેય આવડે છે. બંગડી પહેર, બંગડી. પણ તું તો બંગડી પહેરનારી કરતાંય બીકણ. પેલા બાલુ પાસે સૂકડ છે, એ બાંધજે કેડે. કાલે જજે હોં ને !’

હું કાંઈ બોલ્યો નહીં. રવિવાર ઊગ્યો. ક્યાંક સંતાઈ જવાનું મેં વિચાર્યું. આજે તો બા તરવા મોકલવાની જ, મને બરાબર ખબર હતી. હું માળિયે સંતાઈને બેઠો. પહેલાં તો બાને ખબર જ ના પડી. આઠેક વાગ્યા હશે. વાસુ, ભાસ્કર, બનુ, બાપુ બધા આવી પહોંચ્યા.
‘બા, આજે શ્યામ આવવાનો છે ને ? જુઓ, અમે સાથે સૂકડ પણ લાવ્યા છીએ.’ બનુએ કહ્યું.
‘હા, આવવાનો તો છે. પણ ક્યાં છે એ ? મને થયું કે તમારી તરફ જ આવ્યો હશે. શ્યામ, ક્યાં છું તું ? બહાર ગયો કે શું ?’ – એમ કહીને બા મને શોધવા લાગી. હું તો ઉપર બેઠો બધું સાંભળી રહ્યો હતો.
‘ના બા, અમારે ત્યાં તો નથી આવ્યો. ક્યાંક છુપાઈ તો નથી બેઠો ને ? અમે ઉપર જઈએ કે, બા ?’
‘હા, હા, જુઓને. એને તો ઉંદર-છછુંદરની જેમ ગમે ત્યાં ઘૂસીને છુપાઈ જવાની ટેવ છે. વચ્ચે એક વાર ખાટલા નીચે છુપાઈ ગયેલો. પણ ઉપર જરા સાચવીને જજે હં કે, પાટિયું એકદમ ઊલળી પડે છે. પગ ધીમેકથી મૂકજે હં કે.’ છોકરા તો માળિયે આવી રહ્યા હતા. હવે હું પકડાઈ જવાનો. હું સંકોડાવા લાગ્યો. પણ દેડકી ફુલાઈને બળદ ના થઈ શકે તેમ બળદ પણ દેડકી ના થઈ શકે. મને ‘ભક્તિવિજય’ યાદ આવી ગયું. એમાં સંત જ્ઞાનેશ્વર નાનકડી માછલી થઈને તળાવમાં જઈને પાણી પી આવે છે એમ મનેય સાવ ઝીણકા થતાં આવડે તો ! ડાંગરના કંડિયા પાછળ બિલાડીની જેમ હું ભરાઈ બેઠો.

‘આવી સાંકડમાં તો એ સંતાતો હશે ?’ કોકે કહ્યું.
‘ચાલો, આપણે જઈએ. પછી મોડું થશે.’
‘એ રહ્યો, જો કંડિયા પાછળ બેઠો છે ને સંતાઈને !’ ભાસ્કરે કહ્યું ને બધા જોવા લાગ્યા.
‘શ્યામ, ચાલને. આમ સંતાઈને શાનો બેસે છે ?’ બધા કહેવા લાગ્યા.
‘છે ને ઉપર સંતાયેલો ? મને હતું જ. આજે તો એને લીધા વગર જશો જ નહીં, છોકરાઓ !’ બાએ કહ્યું. છોકરાઓ પાસે આવીને મને ખેંચવા લાગ્યા. પણ એમ કંઈ એ બીજાના છોકરાઓ થોડા જોર કરે. એ લોકો ધીમે ધીમે ખેંચે અને હું જોર કરીને ના ખેંચાઉં.
‘બા, એ તો નથી આવતો, હાલતોય નથી.’ છોકરાએ કહ્યું.
‘ઊભા રહો. કેમનો નથી આવતો એ જોઉં, ક્યાં છે મૂઓ લપાઈને ? હું જ આવું છું.’ બા ઉપર આવી અને મને જોરથી ખેંચતી-તાણતી નીચે જવા લાગી. પણ હું જડ જેવો જમીન સાથે ચોંટી જ રહ્યો. એક હાથે એ તાણતી જાય અને બીજા હાથે થાપટ મારતી જાય. બાએ છોકરાઓને કહ્યું :
‘તમે એના હાથ પકડીને ખેંચો. હું પાછળથી એને ધકેલું છું, બરાબર ધિબેડું છું. જોઈએ કેમનો નથી જતો તરવા.’ છોકરા મને ખેંચવા લાગ્યા અને બા ધિબેડતી જાય.
‘બા મને માર નહીં ને ! મરી ગયો બા.’ હું બૂમો પાડવા લાગ્યો.
‘કાંઈ મરતો નથી તું. ઊભો થા અને ચાલવા માંડ. આજે તો હું તને નહીં જ છોડું. અલ્યા છોકરાઓ, આને પાણીમાં સરખા ધુબાકા મરાવજો. છો નાક-કાન-મોંમાં પાણી જતું. લે, હજીય નથી ઊઠતો. શરમ નથી આવતી. સાવ ભિખારીની જેમ સંતાઈ બેઠો છું તે ? જો પેલી છોકરીઓ પણ આવી પહોંચી, તારો તમાશો જોવા.’ એમ કહીને તો બાએ બરાબરનો ધિબેડવા લીધો.
‘ના મારીશ, બા. જાઉં છું. છોડ મને.’ મેં કહ્યું.
‘નીકળ. જો પાછો ત્યાંથી ભાગ્યો છે તો, તો પાછો ઘરમાં નહીં આવવા દઉં હાં !’ બાએ કહ્યું.
‘શ્યામ, હું પણ ધુબાકા મારું છું. પરમ દિવસે તો ગોવિંદકાકાએ ખભે બેસાડીને ધુબાકો મારેલો. ખૂબ મજા આવી.’ વેણુએ કહ્યું.
‘એનો હાથ છોડો. એની મેળે એ આવશે. શ્યામ, એક વાર ધુબાકો મારીશને એટલે તારામાં હિંમત પણ એની મેળે જ આવવા માંડશે. પછી તો છે ને અમે કેટલીય ના કહીશું તોય તું જ વાવમાં ભૂસકા મારવા લાગીશ. ચાલ, રડીશ નહીં.’ બાલુએ મને સમજાવ્યો.

હું મારે અંદર કૂવામાં જોતો જાઉં, પાછળ હઠતો જાઉં, પાછા બધા પકડે, આગળ ખેંચે. નાક પકડે, ફરી છોડે એમ ચાલતું હતું.
‘બીકણ ! વેણુ, તું માર તો ધુબાકો. પછી શ્યામ મારશે.’ વેણુના ભાઈએ કહ્યું. વેણુએ એની ઘાઘરીનો કાછોટો વાળ્યો અને માર્યો ધુબાકો. એટલામાં કોકે મને અંદર ધકેલી મૂક્યો. મેં બૂમાબૂમ કરી મૂકી, ‘મરી ગયો, માડી મરી ગયો….’ હું પાણીમાંથી ઉપર આવ્યો, ગભરાયેલો હતો. આજુબાજુ તરવાવાળાને વળગ્યો તો એ લોકો દૂર ધકેલે.
‘આમ ઊંધો થા, પેટ પાણીને અડાડ, લાંબો થા, હાથ હલાવ.’ આમ મને તરણપાઠ મળવા લાગ્યા. બાલુ પણ અંદર કૂદ્યો. એણે મને પકડી લીધો. મારા પેટ નીચે હાથ નાંખીને એ મને શિખવાડવા લાગ્યો.
‘ગભરાઈશ નહીં. ગભરાઈશ તો હાંફ ચઢશે. પાળીની નજીક જાય તો જ એને પકડવાનું બાકી એને પકડીશ નહીં.’ બાલુ બહુ સરસ રીતે શિખવાડી રહ્યો હતો.
‘હવે પાછો ઉપર ચઢ, ફરીથી ભૂસકો માર.’ બનુએ કહ્યું. હું પગથિયાં ચઢીને ગયો. નાક પકડ્યું. હું આગળપાછળ થતો રહ્યો, પણ એક વારનો ધુબાકો માર્યો ખરો.
‘શાબાશ શ્યામ, હવે તો તરતાં આવડી ગયું. વાહ, બીક જાય તો બધું આવડે.’ બાલુએ કહ્યું. એણે મને પાણીમાં પકડી રાખ્યો અને તરતાં શિખવાડી દીધું. બધા છોકરાઓએ કહ્યું :
‘બસ, હવે એકવાર ધુબાકો માર, એટલે આજનો પાઠ પૂરો.’ મેં પાછા ઉપર આવીને ધુબાકો માર્યો. બાલુએ મને પકડી નહોતો રાખ્યો તોય હું તર્યો. મારી કેડે સૂકડ બાંધેલું હતું, ડૂબવાની બીક તો નહોતી જ. મારામાં હિંમત આવી. પાણીની બીક ગઈ. અમે બધા ઘરે જવા નીકળ્યા. છોકરાઓ મને મૂકવા ઘરે આવ્યા.

વિનુએ બહારથી જ બૂમ પાડી.
‘બા, જુઓ આજે તો શ્યામે છેલ્લે પોતે જ ધુબાકો માર્યો. જરાય ગભરાયો નહીં. સૂકડ પર એને થોડું થોડું તરતાંય આવડી ગયું. પેલા બાબુકાકાએ કહ્યું કે એને જલદી જ સરસ તરતાં આવડી જશે.’
‘અલ્યા, પાણીમાં પડ્યા સિવાય, નાક-મોંમાં પાણી ગયા સિવાય બીક થોડી જાય ? ચાલ, માથું સરખું લૂછી લે.’ છોકરા નીકળી ગયા. માથું લૂછીને મેં કોરી લંગોટી પહેરી લીધી. હું ઓસરીમાં બેઠો હતો. પણ જરી મોં ફુલાવીને જ. બધાનું જમવાનું પતી ગયું. બા જમવા બેઠી હતી. એણે મીઠા અવાજે સાદ કર્યો, ‘શ્યામ !’ હું એની પાસે ગયો એટલે એણે કહ્યું કે પેલી દહીંની મટુકી તારે માટે મૂકી છે, ચાટી ચાટીને પૂરી કર. તને બહુ ભાવે છે ને ?’
‘મારે નથી ખાવું. સવારે કેટલું માર્યું અને હવે દહીં આપે છે.’ રડમસ અવાજે મેં કહ્યું, ‘જો હજી કેટલા સોળ દેખાય છે તે ! આટલું તર્યો તોય ગયા નથી. એ સોળ છે ને ત્યાં સુધી દહીં-બહીં કશું ના જોઈએ, એ સોળ હું એટલા જલદી કઈ રીતે ભૂલી શકું ?’

બાની આંખ ભરાઈ આવી. એ જમતાં જમતાં ઊભી થઈ ગઈ. કોળિયો એના ગળે કેમ ઊતરે ? મનેય બહુ દુઃખ થયું કે મારાં વેણ બાને કઠ્યાં કે શું ? બા તેલની વાડકી લઈ આવી અને સોળ પર ચોપડવા લાગી. હું કાંઈ બોલ્યો નહીં. એણેય રડમસ થઈને કહ્યું, ‘તું એવું ઈચ્છે છે કે બધાં તને બીકણ બાયલો કહે. મારા શ્યામને કોઈ વખોડે નહીં એટલે જ મેં માર્યો. શ્યામ, તારી બાને, તમારા છોકરાં બીકણ – એવું કોઈ કહી જાય તો એ તને ગમશે ? ચાલશે ? તારી બાનું એ અપમાન તું સહી શકીશ ? મારા છોકરાનું કોઈ આવું અપમાન કરે એ તો મારાથી ના સહેવાય અને હા, મારું કોઈ અપમાન કરે તો મારા છોકરા પણ એ કઈ રીતે સહી લે ! તો જ હું તમારી સાચી મા અને તમે મારા સાચા છોકરા….. ગુસ્સે ના થઈશ. બહાદુર થા. પેલું દહીં ખાઈ લે અને રમ. આજે સૂવાનું નહીં. તરીને આવો એટલે સૂવાનું નહીં, નહીં તો શરદી થઈ જાય, બેટા.’

મિત્રો, મારી બાને બહાદુર છોકરા જોઈતા હતા, ડરપોક નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “તરતાં શીખ્યો – સાને ગુરુજી (અનુ. અરુણા જાડેજા)”

Copy Protected by Chetan's WP-Copyprotect.