અંધારી અમાસના તેજસ્વી તારલા : સુધા ચન્દ્રન – ડૉ. જનક શાહ

[ અમદાવાદ સ્થિત ડૉ. જનકભાઈ ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ના ટ્રસ્ટી અને ‘વિચારવિજ્ઞાન’ સામાયિકના તંત્રી છે. તાજેતરમાં તેમણે શારીરિક મર્યાદાઓ કે અક્ષમતાઓ ધરાવતા દેશ-વિદેશના મહાન માનવીઓના જીવનસંઘર્ષ પર એક સુંદર પુસ્તક તૈયાર કર્યું છે, જેનું નામ છે : ‘અંધારી અમાસના તેજસ્વી તારલા’. જો કે આ કથાઓના આલેખક ડૉ. જનકભાઈનું જીવન સ્વયં એક જીવંત દષ્ટાંત છે. પોતાની શારીરિક મર્યાદાઓ સામે તેઓ પણ હસતા મુખે જંગ ખેલતા રહ્યા છે અને કદી પીછેહઠ કરી નથી. આ પુસ્તક તેનું પ્રમાણ છે. આપ શ્રી જનકભાઈનો આ સરનામે janakbhai_1949@yahoo.com અથવા આ નંબર પર +91 9427666406 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. જનકભાઈનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી ]

[dc]સા[/dc]હસને પાંખો હોય છે, પગ નહિ. જ્યારે તે નિશ્ચય કરે છે ત્યારે કોઈ ક્ષેત્ર તેની પક્કડમાંથી બચી શકતું નથી. આવી એક સાહસિક સ્ત્રીને આસમાનની ઊંચાઈનો સ્પર્શ કરતાં જોઈ છે ? શ્રાવણમાં એક પગે નૃત્ય કરતા મોરને તમે જોયો છે ? યાદ આવ્યું કાંઈ ?

તમે ‘નાચે મયૂરી’ ફિલ્મ જોઈ છે ? તેમાં મુખ્ય અભિનેત્રીનું પાત્ર કોણે ભજવ્યું હતું તે તમને યાદ છે ? આ ફિલ્મ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ અમેરિકા સહિત વિદેશના અસંખ્ય દેશોમાં જોવાઈ અને પ્રશંસાને પાત્ર પણ બની. આ માટે યશને પાત્ર જો કોઈ હોય તો તેની અભિનેત્રી સુધા ચન્દ્રન જે આજે તેની નૃત્ય પ્રતિભા માટે જેટલી જાણીતી છે તેટલી જ બલ્કે તેનાથી વધુ મુશ્કેલીઓ સામે જીવનમાં પોતાનું ધ્યેય શોધી લેવા માટે જાણીતી છે. 1984માં તેલગુ ફિલ્મ ‘મયૂરી’માં તેણે નૃત્યાંગનાનું પાત્ર ભજવ્યું હતું. તેની સફળતા જોઈને તેની હિન્દી ફિલ્મ આવૃત્તિ બનાવાઈ. સુધા સિવાયનાં પાત્રો બદલાયાં પણ સુધાનું પાત્ર તે જ રહ્યું. 1986માં તેને ‘મયૂરી’ની રજૂઆતના સંદર્ભે નેશનલ ફિલ્મ એવૉર્ડમાં ખાસ જ્યુરી એવૉર્ડ આપવામાં આવ્યો. કદાચ તે 1994માં બનેલ ફિલ્મ ‘અંજામ’ના કારણે વધુ પ્રખ્યાત બની છે જેમાં તેની સાથે માધુરી દિક્ષિત અને શાહરૂખખાને અભિનય કરેલો.

એકતા કપૂરની ‘કહી કિસી રોજ’ સિરિયલમાં તેણે રામોલા સિકન્દનું પાત્ર ભજવ્યું હતું. તે સિરિયલ તે સમયે હીટ ગયેલી હતી. તે ભારતીય ટેલિવિઝનના ઉજ્જવળ સ્ટાર માંહેની એક અભિનેત્રી ગણાય છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં, નાટકોમાં અને ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તાજેતરમાં ‘ઝલક દિખલા જા’ સોની ટીવી શૉ માં ભાગ લઈને તેણે સાચી ઝલક દેખાડી દીધી છે. તમને અહીંયાં આ બધું કહેવું અપ્રસ્તુત લાગશે. પરંતુ આ પૂર્વભૂમિકાના અનુસંધાને તેણે જે અવરોધોને આત્મવિશ્વાસથી સામનો કરી જે સિદ્ધિ મેળવી છે તે જાણી સુધા ચન્દ્રનને બિરદાવવાનું તમને મન થઈ આવશે. ચાલો ત્યારે ઘણીવાર સંકલ્પશક્તિના પ્રતીકરૂપે દષ્ટાંતરૂપ બનેલ આ વીરાંગનાની આપવીતી જાણી તેને ખોબે ખોબે બિરદાવીએ.

સુધા ચન્દ્રનના પિતા કે.ડી. ચન્દ્રન મુંબઈ સ્થિત અમેરિકન કંપનીના નોકરિયાત હતા. શ્રીમતી થાન્ગમ અને સુધાના પિતા બચપણથી કળાના ચાહક હતા. આથી સુધાને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો સાંપડ્યો હતો. ત્રણ વર્ષની ઉંમરે તે જાતે નૃત્ય કરવા લાગી અને ત્યાર પછી તેના કુટુંબીજનોએ નૃત્યનું વિધિપૂર્વકનું શિક્ષણ તેને આપવાનું નક્કી કર્યું. પોતાની બાળકીનું સમર્પણ જોઈને, પાંચ વર્ષની સુધાને તેના પિતા મુંબઈની પ્રખ્યાત નૃત્યશાળા ‘કલા સદન’માં લઈ ગયા. આટલી નાની છોકરીને જોઈને ‘કલા સદન’ના શિક્ષકોએ તેને દાખલ કરવાની ના પાડી, પરંતુ કે.ડી. ચન્દ્રને તેમને સમજાવવાનું ચાલુ રાખ્યું. તેમણે શાળાના પ્રિન્સિપાલ સાથે તે બાબતની ચર્ચા કરી. તેમણે તેમને ફક્ત એક વખત બાળકીને નૃત્ય કરતી જોવાની વિનંતી કરી. સુધાના નૃત્યને જોઈને શાળાના પ્રિન્સિપાલ એટલા બધા વિસ્મય પામ્યા કે તેમણે તેને તેમની પ્રતિષ્ઠિત શાળામાં પ્રવેશ આપવાની તૈયારી બતાવી. સુધા ખૂબ જ ઉત્સાહ અને સમર્પણની ભાવનાથી પોતાના અભ્યાસમાં મગ્ન થઈ ગઈ. નૃત્યના વર્ગોએ તેમનાં પરિણામો આપવા શરૂ કર્યા. આઠ વર્ષની ઉંમરે તેણે રંગમંચ પર પોતાના પ્રથમ નૃત્યની રજૂઆત કરી. નૃત્યની સાથોસાથ તેણે તેનું સામાન્ય ભણતર ચાલુ રાખ્યું. તે સેંટ જોસેફસ કોનેવેન્ટ સ્કૂલમાં જતી જ્યાં તેને તેના દેખાવ બદલ પ્રથમ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું. તેનો ઉત્સાહ ઉત્તરોત્તર સતત વધતો જતો હતો. સત્તર વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તેણે 75 જેટલા પ્રશંસનીય સ્ટેજ કાર્યક્રમો કર્યા હતા.

બીજી મે, 1981ના રોજ સુધા પોતાના માતા-પિતા સાથે તિરુચી મંદિરે જતી હતી. અચાનક મધ્યરાત્રિએ બસને અકસ્માત નડ્યો. તેમની બસ એક ટ્રક સાથે ભટકાઈ. ડ્રાઈવર તો તત્કાલ મૃત્યુ પામ્યો. તે ડ્રાઈવરની સીટથી બે સીટ પાછળ બેઠેલી હતી. અકસ્માત થયો ત્યારે તેના પગ લંબાયેલા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે તેના પગને ઈજા પહોંચી. લગભગ બધા જ મુસાફરોને ઈજા પહોંચી હતી. કેટલાક કૉલેજના વિદ્યાર્થીઓ જેઓ ઓછા ઈજાગ્રસ્ત હતા તેમણે આ નામાંકિત નૃત્યાંગનાને જોઈ અને તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો. ઘણી મથામણ પછી તેઓ તેને બહાર કાઢવામાં સફળ નીવડ્યા, પરંતુ તેનો જમણો પગ જોખમી રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તત્કાલ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાઈ. અહીંયાં ડૉક્ટરે એ ભૂલ કરી કે તેમણે પગને પ્લાસ્ટર કર્યું. પગ ખુલ્લો રખાયો હોત તો કદાચ સડો અટકાવી શકાયો હોત. થોડા દિવસ પછી સુધાએ જોયું તો તેના પગની ચામડીનો રંગ બદલાવા લાગ્યો હતો. પગની ઝીણવટભરી તપાસ પછી ડૉક્ટરોએ નિદાન કર્યું કે તેનો પગ સડી ગયો હતો. તેની જિંદગી બચાવવા માટે તેનો પગ કાપવો પડે તેમ હતો. સુધાની સ્થિતિ ગુરુએ જેનો જમણો અંગૂઠો માંગી લીધો હતો તેવા પ્રખ્યાત બાણાવળી એકલવ્ય જેવી થઈ હતી. વિધિની વક્રતાના લીધે ઘૂંટણથી સાડા સાત ઈંચ નીચેથી તેનો જમણો પગ કાપવો પડ્યો. આ આઘાતમાંથી બહાર આવતાં તેને ઘણો સમય લાગ્યો. ધીમે ધીમે તેનો વિશ્વાસ પાછો આવવા લાગ્યો. તે ઘોડીની મદદથી ચાલવા લાગી. આ સમય દરમિયાન તેણે મુંબઈમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. જિંદગીની આ મુખ્ય પળોમાં તેના પિતા તેના માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા હતા.

આ પરિસ્થિતિમાં સુધાની જીવનની શૈલી પર કેટલાક સમય સુધી ખૂબ મોટી અસર પહોંચી. કેટલીય રાતો સુધી તે ઊંઘી શકી ન હતી. તેમ છતાં તેણે તે દર્દમાંથી તાકાત મેળવી અને પોતાની જાતને તેણે વચન આપ્યું કે તે વધુ બળવાન બનશે. લોકોની સલાહને અનુસરી તેના પિતા તેના માટે વ્હિલચૅર લઈ આવ્યા પણ તેણે તેનો ઉપયોગ ન કર્યો. તેમ છતાં તીવ્ર દર્દ સહન કરી તેણે ચાલવાની પ્રેકટિસ સતત ચાલુ રાખી અને એક દિવસ તે પોતાના મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ. હવે દરેકને લાગ્યું કે આ છોકરી ટૂંક સમયમાં જ સામાન્ય સ્થિતિ મેળવી લેશે. પગ કાપ્યાના છ માસ પછી, સુધાએ એક સામાયિકમાં વાંચ્યું કે જયપુરના એક ડૉક્ટર શેઠીએ કૃત્રિમ પગો બનાવવાનું શરૂ કર્યું હતું. આ પગોની ગુણવત્તા એવી હતી કે આ પગો પહેરેલો માણસ ખેતરમાં કામ કરી શકતો હતો અને ઝાડ પર પણ ચડી શકતો હતો. આ સમય દરમિયાન તેમના કુટુંબીજનોએ મુંબઈના ઓપેરા હાઉસની મુલાકાત લીધી, જ્યાં તેમણે આ જયપુર ફૂટ શોકેસમાં જોયા. આ જોઈને નૃત્ય માટેનો તેનો વિશ્વાસ અને ઝંખના પુનઃજાગૃત થયા. તેના પિતા તેને જયપુર લઈ ગયા જ્યાં તેઓ ડૉક્ટર શેઠીને મળ્યા. તે કૃત્રિમ અવયવો બનાવવાના તજજ્ઞ અને Raman Magasassay Award મેળવનારા અને પદ્મશ્રીની પદવીથી સન્માનિત નામાંકિત ડૉક્ટર હતા. ડૉક્ટર શેઠીએ સુધાના કપાયેલા પગને તપાસ્યો અને તેને ખાતરી આપી કે તે સામાન્ય માનવીની જેમ ચાલી શકશે. આ સાંભળી સુધાના ચહેરા પર ચમક આવી ગઈ. તેના પિતાએ તેમને માહિતી આપી કે અકસ્માત નડ્યો તે પહેલાં સુધા એક કુશળ નૃત્યાંગના હતી. આ સાંભળી તેઓ વિચારમાં પડી ગયા. સુધાએ તેમને પૂછ્યું કે તે જયપુર ફૂટથી નૃત્ય કરી શકશે કે કેમ ત્યારે ડૉક્ટરે તુરંત જ જવાબ આપ્યો, ‘હા, કેમ નહિ ? આ જયપુર ફૂટનો ઉપયોગ કરીને ભીની જમીન પર ખેડૂત કાર્ય કરી શકે અને વૃક્ષ ઉપર ચડી શકે તો તું શા માટે નૃત્ય ન કરી શકે ?’

ડૉક્ટર શેઠીએ આ પડકાર ઝીલી લીધો. તેમણે તેના માટે ખાસ એલ્યુમિનિયમનો પગ બનાવ્યો જે વજનમાં હલકો હતો. તેમાં તેવી વ્યવસ્થા ગોઠવી કે તે પગ સરળતાથી ફરી શકે. આ રીતે સુધા નવા જ જોમ સાથે મુંબઈ પાછી ફરી. પરંતુ આ નવી શરૂઆત સાથે નવો સંઘર્ષ શરૂ થયો. સૌપ્રથમ તો તેણે કૃત્રિમ પગ વડે ચાલવાની પ્રેક્ટિસ શરૂ કરી. સફળતા સાથે કહીએ તો આ પ્રથમ તબક્કામાં નૃત્ય કરવા સમર્થ તો બની પણ આ સહેલું ન હતું. જોકે ડૉક્ટર શેઠીએ સુધાના નૃત્યનો અભ્યાસ કરે તેવો મદદનીશ નિમ્યો જે તેના નૃત્યની જરૂરિયાત મુજબ તેના કૃત્રિમ પગમાં ફેરફાર પણ કરી શકે. પરંતુ મદદનીશ દ્વારા કરાયેલ ફેરફારથી તેની સમસ્યા ઓછી ન થઈ શકી. તેના પગમાંથી વારંવાર લોહી નીકળતું હતું અને જેમ જેમ પગની હિલચાલ વધુ ઝડપી બનતી કે પીડા વધુ તીવ્ર બનતી જતી. નૃત્યની દરેક રજૂઆતના અંતે તેને તેના પગમાંથી લોહી નીકળતું જોવા મળતું અને તે હિંમત હારી જતી. પરંતુ તેની નિર્ણયશક્તિ ન ડગમગી અને તેથી તે તેની નિરાશા પર અંકુશ મૂકી શકી. તે ફરીથી ડૉક્ટર શેઠીને મળવા પોતાના નૃત્ય શિક્ષકને લઈને ગઈ. સુધાની સંકલ્પ-શક્તિ જોઈને ડૉક્ટર શેઠી અત્યંત પ્રભાવિત થયા. તેમણે ગંભીરતાથી નિરીક્ષણ કર્યું અને તેના નૃત્ય દરમિયાનના તેના સ્ટેપ્સને મૂલવ્યા. તેના નૃત્યની જરૂરિયાતને લક્ષમાં રાખીને તેમણે શ્રેષ્ઠ કોશિશ કરીને તેના માટે શ્રેષ્ઠ પગ બનાવ્યો છે. હવે તેને અનુકૂળ કરવાનું સુધાના હાથની વાત છે.

સુધાએ તેના નૃત્યની પ્રેક્ટિસ ફરીથી શરૂ કરી. પણ સમસ્યાનો સંપૂર્ણપણે અંત આવ્યો ન હતો. ફરીથી લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. કપાયેલા પગની ચામડીના કૃત્રિમ પગ સાથેના ઘર્ષણથી તીવ્ર દર્દ થવા લાગ્યંન હતું. પરંતુ તે દર્દ સહન કરવાની ટેવ તે પાડવા લાગી હતી. ચહેરા પર વેદનાને દેખાડ્યા વગર તે નૃત્યને વળગી રહી. નૃત્યની દરેક સ્થિતિમાં તેણે એવી પારંગતતા મેળવી લીધી કે મંચ પર ફરીથી રજૂઆત કરવાની તકની તે રાહ જોવા લાગી. છેવટે તેને તે તક મળી ગઈ. 28 જાન્યુઆરી, 1984માં બીજી નૃત્યાંગના પ્રીતિ સાથે તેણે મુંબઈના ‘South India Welfare Society’ના હૉલમાં નૃત્યની રજૂઆત કરવાની હતી. આ સમય તેના માટે પડકારરૂપ તેમજ મહત્વનો હતો કારણ કે અકસ્માત પહેલાં તે એક નિપુણ નૃત્યાંગના તરીકે સ્વીકારાયેલી હતી. ઉપરાંત તેણે બે અગત્યના એવૉર્ડ મેળવેલા હતા – નૃત્ય અકાદમી અને ભરત નાટ્યમ તરફથી ‘નૃત્ય મયૂરી’ અને તેલગુ અકાદમી તરફથી ‘નવ જ્યોતિ’. આ બંને એવૉર્ડ નૃત્યના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ગણાતા હતા. આથી તેણે તેનું પ્રાપ્ત કરેલું સન્માન જાળવવું જોઈતું હતું. પીડાકારક પ્રેક્ટીસ કર્યા પછી અને અકસ્માત પછી તે ફરીથી પ્રથમ વાર જ મંચ પર પ્રસ્તુત થતી હતી. તેનો આત્મવિશ્વાસ કેટલીક દહેશત સાથે ડગુમગુ હતો. તેમ છતાં સુધા મંચ પર પહોંચી અને તે ભૂલી ગઈ કે તેણે કૃત્રિમ પગ પહેર્યો હતો. તેણે સ્ફુર્તિથી નૃત્ય શરૂ કર્યું. લોકોએ આંખનું મટકું માર્યા વગર તેના નૃત્યને નિહાળ્યું. પ્રસ્તુતિના અંતે હૉલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. કાર્યક્રમ સફળ સાબિત થયો. નૃત્યના સમાલોચકોએ તેની પ્રસ્તુતિની પ્રશંસા કરી. સમાચારપત્રો અને સામાયિકોમાં તેનાં ભરપુર વખાણ થયાં અને વિવિધ અદાઓ સાથેના તેના ફોટોગ્રાફ્સ પ્રકાશિત થયા. સુધા રાતોરાત એક સ્ટાર બની ગઈ. પ્રખ્યાત તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર તેમજ ‘Newstime’ અને ‘Eanader’ના પ્રકાશક એવા રામોજી રાવે તેની ફક્ત પ્રશંસા જ ન કરી પણ તેના જીવન આધારિત ફિલ્મ બનાવવાની ઘોષણા કરી. ફિલ્મનું શીર્ષક ‘મયૂરી’ રાખવામાં આવ્યું જેનું દિગ્દર્શન શ્રીનિવાસને કર્યું. દિગ્દર્શક અને પ્રોડ્યુસર બંનેએ સુધાને કથાની નાયિકાના પાત્રમાં જ લેવાની હિમાયત કરી.

સુધા પાસે ફિલ્મની નાયિકાના પાત્રને ભજવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી ત્યારે સૌપ્રથમ તો તેણે ખચકાટ અનુભવ્યો અને તેણે કહ્યું કે તેને ફક્ત નૃત્ય કરતાં આવડે છે, પણ અભિનયના ક્ષેત્રનું તેને પૂરતું જ્ઞાન નથી અને તેથી તે તેના પાત્રને પૂરતો ન્યાય નહિ આપી શકે. તેમ છતાં તેને સમજાવવામાં આવી અને સુધાએ ઓતપ્રોત થઈને ફિલ્મના શુટીંગમાં ભાગ લીધો. પોતાના જીવનની વાત આધારિત ફિલ્મ હોવાથી તેને પાત્રને ભજવવામાં મુશ્કેલી ન પડી. ફિલ્મે ન ધારેલી સફળતા મેળવી. નૃત્યની કુશળતા માટે મેળવેલ પ્રશંસા જેટલી જ સુધાના અભિનયે પણ પ્રશંસા મેળવી. તેના કૌશલ્ય વિશે સમાચારપત્રમાં લોકો જે વાંચતા હતા તે લોકોએ સોનેરી પડદા પર નિહાળ્યું. તેઓએ તેના નૃત્યને નિહાળ્યું અને પછી ગંભીર અકસ્માત, સંઘર્ષ અને છેવટે તેની જીત નિહાળી. આખી ફિલ્મ હૃદયને સ્પર્શી જાય તેવી હતી. ફિલ્મને જોઈને લોકોની લાગણી એટલી બધી સ્પંદિત થઈ હતી કે તેઓ ભાગ્યે જ તેમની આંખના આંસુને રોકી શક્યા હતા. મન અટલ હોય અને માનવીની ઈચ્છાશક્તિ બળવાન હોય તો ગમે તેટલી મોટી આફતનો સામનો કરી શકાય છે અને તેના પર જીત મેળવી શકાય છે તેવો સંદેશ આ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરાયો હતો. આ ફિલ્મના અભિનય માટે સુધાને ‘Silver Lotus’ નો ખાસ એવૉર્ડ અને 5000 રૂપિયા અપાયા હતા. તે સમયના ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંધના હસ્તે, 33મા રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં સમીક્ષકોની ભલામણ મુજબ તેને આ એવોર્ડ એનાયત થયો હતો.

આ ફિલ્મની ઉત્કૃષ્ટ સફળતા નિહાળીને તેના પ્રોડ્યુસરે હિન્દી ભાષામાં આ ફિલ્મ બનાવી. હિન્દી ફિલ્મનું શીર્ષક ‘નાચે મયૂરી’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મની રજૂઆત થયા પછી તેની પ્રતિભાના સમાચાર આખા રાષ્ટ્રમાં પ્રસરી ગયા. આ ફિલ્મે ભારતની હદને ઓળંગી દેશ-વિદેશમાં વિખ્યાતી મેળવી. આ પ્રસ્તુતિ થયા પછી સુધાએ અભિનય ક્ષેત્રમાં પણ અનેક શિખરો સર કર્યાં. સુધાએ સાથોસાથ તેનો અભ્યાસ ચાલુ રાખી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી. તે સમયે તેના અકસ્માતના વળતરનો કેસ મદ્રાસ હાઈકોર્ટમાં ચાલતો હતો. પંદર વર્ષ પછી તેનો ચૂકાદો આવ્યો. 1996માં અકસ્માતના વળતર તરીકે તેને પાંચ લાખ રૂપિયા આપવાનો ચૂકાદો આવ્યો. તે સમયે વળતરની માંગણી રકમની કિંમત કરતાં આ રકમ પ્રમાણમાં ઓછી હતી. પણ સુધા તે વાતથી સંતુષ્ટ હતી કે ન્યાય મોડો મળ્યો હતો પણ ઈન્કારાયો ન હતો. સુધાએ તેના સ્વપ્નમાં ધારેલ ફિલ્મ ક્ષેત્રના માનવી સાથે 1995માં પ્રભુતામાં પગલાં માડ્યાં.

તેનો નૃત્યનો ફાળો ક્રમશઃ ઓછો થવા લાગ્ય હતો અને અભિનય ક્ષેત્રમાં તેની પ્રવૃત્તિ વધવા લાગી હતી. પોતે પહોંચી ન શકે તેટલું કાર્ય તેને મળવા લાગ્યું. ફિલ્મોમાં અભિનય કર્યા પછી તેને લાગ્યું કે TV Soap Operas માં કાર્ય કરવું વધારે આકર્ષક હતું. સામાન્ય લોકો સુધી ઝડપથી પહોંચવા માટે ટીવીનું ક્ષેત્ર વધારે બળવત્તર હતું. આથી તેણે ફિલ્મો કરતાં ટી.વી. સિરિયલો વધુ સ્વીકારવાનું શરૂ કર્યું. ‘કભી ઈધર કભી ઉધર’, ‘ચશ્મે બદદૂર’, ‘અપરાજીતા’ અને ‘યંગ’માં તેના અભિનયના ખૂબ વખાણ થયા. સુધા બધા જ પ્રકારની સિરિયલોમાં અભિનય આપે છે. ડિટેક્ટીવ સિરિયલ જેવી કે ‘કમાન્ડર’, ‘માર્શલ’ વગેરે, તેમજ બાળકો માટેના ‘શક્તિમાન’માં પણ તેણે અભિનય આપ્યો છે. ભાષાનો અવરોધ તેને નડ્યો નથી. અભિનય ક્ષેત્રની તેની મુસાફરી તેલુગુ ફિલ્મથી શરૂ થઈ હતી પરંતુ તેણે હિન્દી તેમજ તમિલ ફિલ્મમાં કામ કર્યું છે. સુધાએ અભિનય સિવાયના ક્ષેત્રમાં પણ ઝુકાવ્યું છે. તેણે ‘અવ્વલ નંબર’ જેવા ગીતોમાં પોતાની પ્રતિભા બતાવી છે તો પટના દૂર દર્શન પ્રસારિત ‘નગ્મે’ માં એંકર તરીકેની ફરજ સુપેરે બજાવી છે. તમિલ હોવા છતાં તે હિન્દી ભાષા સ્પષ્ટ રીતે અને કડકડાટ બોલી શકે છે. મુંબઈમાં વધુ સમય પસાર કરવા છતાં તેના ઉચ્ચારણોમાં સ્થાનિક ભાષાએ અસર પહોંચાડી નથી. તે ‘શેરે-ઓ-શાયરી’માં ખૂબ રસ ધરાવે છે અને ટીવી કાર્યક્રમોમાં તેનો ઉપયોગ કરે છે.

સુધાને ભયંકર વિકલાંગતાની બક્ષિસ મળવા છતાં તે ભારત જેવા ઉપખંડમાં એક કુશળ અને પ્રશંસનીય નૃત્યાંગના બની શકી છે તે તેનું મોટું જમા પાસુ છે. તેને પોતાના નૃત્યના પરફોર્મન્સ માટે દેશ-વિદેશમાંથી આમંત્રણ મળ્યાં છે અને મેળવે છે. તે પોતાના કલા વૈભવને લીધે અસંખ્ય એવોર્ડની યશભાગી બની છે. હાલ તે હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અને ચલચિત્રોમાં નૃત્યાંગના તરીકે અને અભિનેત્રી તરીકેનું પાત્ર ભજવતી જોવા મળે છે. તેણે વિવિધ ક્ષેત્રોમાં સારી નામના મેળવી છે અને તેની વિકલાંગતા તો ક્યાંય દૂર રહી ગઈ છે. તેણે દુનિયાને બતાવી આપ્યું છે કે વિકલાંગતા હોવા છતાં વ્યક્તિ સફળતાનાં શિખરો સર કરી શકે છે. તેના ઉત્સાહે આસમાન સુધીની પ્રતિભા તેને બક્ષી છે. તે વિધાતાની સામે ઘૂંટણ ટેકવી બેસી રહી નથી, પરંતુ ફિલ્મ અને ટીવીની દુનિયામાં પોતાની પ્રતિભાનો જાદુ પ્રસારી રહી છે. કદાચ નૃત્યાંગના તરીકે તે આટલી બધી ખ્યાતિ ક્યારેય કદી મેળવી શકી ન હોત જેટલી ખ્યાતિ તેણે એક પગ ગુમાવી જિંદગીનો જંગ જીતીને મેળવી છે. સુધાના આત્મવિશ્વાસ સામે કમનસીબીએ પોતાનો માર્ગ બદલવો પડ્યો છે અને આજે તે પોતાના નૃત્ય અને અભિનયની પ્રતિભાના જોરે બધાના દિલ પર રાજ કરી રહી છે. દુનિયા માટે તે ‘Will Power’ની મશાલ બની છે. લોકો પોતાની સફળતાથી કથા પોતાના હાથ વડે લખે છે, પણ તેણે પોતાની સફળતાની કથા પોતાના પગ વડે લખી છે. તેણે પોતાની કમીને કૃત્રિમ પગના સહારે ભુલાવી દઈને દુનિયા સામે એક પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે પ્રસ્તુત કરી છે તે નાની સૂની ઘટના નથી.

[કુલ પાન : 212. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ. એમ-10, શ્રીનંદનગર, વિભાગ-4, વેજલપુર, અમદાવાદ-380051. ફોન : +91 79 26826328.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સરપ્રાઈઝ – કલ્યાણી વ્યાસ
ટ્વિટરની દુનિયામાં ડોકિયું – વિકાસ ઘનશ્યામ નાયક Next »   

7 પ્રતિભાવો : અંધારી અમાસના તેજસ્વી તારલા : સુધા ચન્દ્રન – ડૉ. જનક શાહ

 1. vijay shah says:

  જનકભાઇ
  અભિનંદન્
  વધુ પ્રગતિનાં શીખરો આંબો તેવી શુભેચ્છા

 2. Anal Shah says:

  ખુબ ખુબ અભિનંદન્…

  It has been a great pleasure to read this motivational real life story.

  Thank you for writing it.

 3. ખુબ જ પ્રેરણાદાયક લેખ છે. આ પુસ્તક વાંચવું જ રહ્યું….

  પ્રવિણ કે.શ્રીમાળી
  તંત્રી – યુવારોજગાર

 4. Rajni Gohil says:

  ખુબ જ પ્રેરણાદાયક સત્ય ઘટના. ડૉ. જનક ખૂબ ખૂબ અભિનંદન. આ લેખ બીજાને પણ વંચાવી પ્રેરણાનો સ્ત્રોત્ર પુરો પાડવાનો અવસર ચૂકવા જેવો નથી.

 5. Rajni Gohil says:

  ખુબ જ પ્રેરણાદાયક સત્ય ઘટના આલેખન. ડૉ. જનકભઇને ખુબ ખુબ અભિનંદન. બીજાને પણ આ લેખ વંચાવી તેમને પ્રેરણાનો સ્ત્રોત પુરો પાડવાનો અવ્સવર આપી ઉમદા કાર્ય કરવાનું રખે ચૂકતા!

 6. Hasmukh Sureja says:

  ખુબ જ સરસ લેખ! વન ઓફ ધ બેસ્ટ ઓફ રીડ ગુજરતી! સુધા ચન્દ્રન વિશે આટલી ખબર નહોતી. પુસ્તકનુ તો ન કહી શકુ પણ ફિલ્મ જરુર જોઇશ… આભાર મ્રુગેશભાઇ…

 7. પહેલા ન્રુત્યાંગના સુધા અને બાદ લેખકશ્રીને હાર્દિક અભીનંદનોની વર્ષા !!!
  ક્ષણભર કાલ્પનીક લાગે તેવી, હકીકતે સુંદર પ્રેરક સત્યઘટના !!!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.