સરપ્રાઈઝ – કલ્યાણી વ્યાસ

[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ કલ્યાણીબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kjvyas007@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]‘પ[/dc]પ્પા પેલો મંકી જુવો…’
‘ક્યાં છે?’
‘અરે પેલા ઝાડ પર’
‘અરે ! હા, બે ત્રણ છે ને. એક મોટો અને બીજા નાના નાના તેના બચ્ચાઓ તારા જેવા બદમાસ.’
‘હું કાંઈ મંકી જેવો છું? જા ઓ કિટટા તમારી …’ નાનકડા સાત વર્ષના નિકુંજે પોતાનું મોં બીજી દિશામાં ફેરવી લીધું અને તે જોઈને બસમાં તેની બાજુની સીટ પર બેઠેલા અમોલે હોઠના ખુણેથી મરકતા તેના ખભે પોતાનો જમણો હાથ વીંટાળતા તેને પોતાની સાવ નજીક ખેચીં લીધો અને ડાબા હાથે તેની નીચી કરેલી મુંડીની ચીબુક ઊંચી કરતા બોલ્યો,
‘અરે મારા નિકુને કંઈ મંકી કહેવાય ? તે તો શેર છે શેર જંગલનો રાજા હોય ને તેવો….’
‘સાચે જ પપ્પા !’ નીકુંજ ફરી ખુશ થઈ ગયો હું રાજા જેવો છું ને………’
‘હાસ્તો મારા ઘરનો રાજા. બહાદુર અને હોંશિયાર….’
‘પણ પપ્પા શેર તો એક પ્રાણી છે ને હું તો માણસ કહેવાઉ ને ? તો તમે મને પ્રાણી જ કહ્યો ને ? જાઓ તમારી કીટટા….’ તેણે ફરી મોં ફુલાવ્યું.
‘નીકુ બેટા મેં તને પ્રાણી નથી કહ્યો પણ સિંહ કેટલો બધો બહાદૂર હોય છે તેની ઉપમા આપી તને કે તું પણ બહાદૂર સિંહ જેવો છે.’
‘હ્મ્મ્મ ! ઓકે પપ્પા….પણ આ બસ ક્યારે મહાબળેશ્વર પહોંચશે ? મને તો ઉલટી જેવું થાય છે.’
‘આ લે પીપર. તારા મોઢામાં રાખ હમણા થોડીવારમાં જ આ ઘાટ પૂરા થશે અને તું મહાબળેશ્વર પહોંચી જઈશ. બસ હવે થોડી જ વાર.’
‘તો તો સારુ પપ્પા’
‘એમ કર તું સુવાની ટ્રાય કરી જો કદાચ તને એનાથી સારુ લાગે.’

તે નીકુંજના માથાને પોતાના પડખામાં દબાવતો તેના વાળમાં હાથ ફેરવતો રહ્યો અને નિકુંજ તેના પેટને એક હાથથી વળગીને આંખો બંધ કરીને પડ્યો રહ્યો. મહાબળેશ્વર જતી એસી બસની વચ્ચેની સીટ પર બેઠેલો અમોલ બારીની બહારથી પસાર થઈ રહેલા મનોરમ્ય દ્રશ્યોને એકટક નિહાળી રહ્યો. લાલ માટીના હરીયાળીથી ઓપતા આ ઊંચા ઊંચા પહાડો ચારે બાજુએ પથરાઈને પડયા હતા વચ્ચે વચ્ચે વળાંકો લેતી બસને કારણે પહાડોની બીજી બાજુની ઊંડી ઊંડી ખીણો પણ તેને દ્રશ્યમાન થતી રહી. હમણાં જ ચોમાસું પૂરુ થયું હતું અને દિવાળીની રજાઓમાં તે અને નિકુંજ દર વર્ષની જેમ મહાબળેશ્ર્વર આવ્યા હતા પણ દર વર્ષે તો તેઓ ચાર જણા આવતા તે , નિકુંજ, નિહાર અને.. અને અનિતા….

પણ આ વખતે તેઓ બેજ જણા હતાં.
આ વખતની દિવાળી પણ ક્યાં દર વર્ષ જેવી હતી? ઘરમાં સુનકારની સાથે સાથે અંધકાર પણ હતો અનિતાની ગેરહાજરીથી. તેણે લાખ પ્રયત્નો કર્યા કે નિકુંજ ફટાકડા ફોડે, મસ્તી કરે, મીઠાઈ ખાય પણ તે તો સાવ ના મકકર થઈને બેઠો હતો બસ મમ્મી અને ભૈઈલો આવશે પછી બધા સાથે જ ખાઈશું અને મજા કરીશું તેવી જ રટ પકડીને બેઠો હતો. તેણે વિચાર્યું પણ હવે એ ક્યાંથી શક્ય બનવાનું? તેની એ વાત પર તે માંડ માંડ મહાબળેશ્વ્રર આવવા તૈયાર થયો હતો કે ત્યાં મમ્મી અને નિહાર મળશે. તેણે તેને આશ્વાસન આપ્યું હતું કે નિહારની સ્કૂલની પીકનિક ત્યાં ગયેલી છે અને મમ્મી પણ તેની સાથે જ છે.

‘આપણે તેઓને સરપ્રાઈઝ આપીશું તો કેવી મજા આવશે?’
‘હા પપ્પા ! તો તો બહુ મજા આવશે તેઓ બન્ને આપણને જોઈને નવાઈ પામી જશે અને નિહારની તો આંખો જ મોટી થઈ જશે, મમ્મી પણ મને વળગી પડશે મારો રાજા બેટો કહીને…’ તેણે હાસ્યસભર ચહેરે કહ્યું.
‘મમ્મી એક ટીચર છે એટલે તેને તો સ્કૂલની પિકનિકમાં જવું જ પડે ને…મને મુકીને જતા તે કેટલી રડી હતી…. મને જલ્દીથી મમ્મી પાસે જવું છે. કેટલી લાંબી પિકનિક છે જલ્દી પૂરી જ નથી થતી. કેટલા બધા દિવસથી તેઓ બન્ને ગયા છે. હું મમ્મી કે ભૈઈલા સાથે નહી બોલું. તેઓએ મને એક વાર પણ ફોન નથી કર્યો અને તમે પણ નથી વાત કરી આપતા…….’ નિકુંજની વાણી અસ્ખલીત વહ્યા કરતી અને તે શૂન્યમનસ્ક થઈને બેસી રહેતો તેની ઈઝી ચેરમાં. જ્યારે નિકુંજ તેને હલબલાવતો અને મમ્મીને કોલ કરવાની રટ લેતો તે કોલ જોડવાની એંકટીગ કરતો અને કહેતો ‘નથી લાગતો. ત્યાં નેટવર્ક નથી બેટા.’ પણ તે જ જાણતો હતો કે નેટવર્ક તો હતું જ પણ તે કોલ જોડતો જ ન હતો. અને શા માટે જોડે ? અનિતા તેની મરજીથી ઘર છોડીને ગઈ હતી. તેણે તો તેને સુખ સાહ્યેબીમાં રાખવામાં કોઈજ મણા રાખી ન હતી. આલીશાન ત્રણ બેડરૂમનો પોશ એરીયામાં ફ્લેટ, મોટી કાર, તેના માટે પણ હમણાં અલગથી બીજી નવી કાર ખરીદી આપી કે તેને ક્યાંય જવું હોય તો અગવડ ના પડે. ઘરમાં નોકર-ચાકર , તગડું બેંક બેલેંસ, એક થી એક ચડીયાતી સુખ સગવડના અદ્યતન સાધનો અને બે દેવ જેવા દીકરાઓ અને તેને અપાર પ્રેમ કરતો પતિ જે તેનો પડ્યો બોલ ઉઠાવવા તૈયાર રહેતો. શું ઊણપ વર્તાઈ અનિતાને આ ઘરમાં ? અમારી ઘર ગૃહસ્થીમાં ? શા માટે તેણે આવો અંતિમ નિર્ણય લેવો જોઈએ ?

‘પપ્પા મહાબળેશ્વર આવી ગયું?’
‘ના બેટા હજી એક પહાડ ચડવાનો બાકી છે. તું સુઇ રહે હું તને જણાવીશ’. તેણે વાંકા વળીને તેના ગાલે એક હળવી ચુમી ભરી અને તેના વાળને પસવારવા લાગ્યો. તેણે કહ્યું એક પહાડ ચડવાનો બાકી છે પણ ખરેખર તો તેણે ફક્ત ખાઈમાં ઊભા ઊભા જ પહાડના સ્વપ્નો સેવ્યા હતાં આજે જ્યારે ખરેખર તેને એક જ પહાડ ચડીને મંઝિલ મળી જવાની ઘડી નજીક આવી છે ત્યારે જ અનિતા ચાલી ગઈ છે. તે પોતાની કેરિયર અને પોતાના અત્યાર સુધીના જીવાઈ ગયેલા જીવનના વિચારે ચડી ગયો. સીતામઢી જેવા સાવ ખોબલા જેવા ગામનો એક છોકરો આજે સરકારી નોકરીમાં મંત્રીજીનો અંગત સચીવ બની ગયો છે તે કાંઈ જેવી તેવી કામયાબી કહેવાય? ગામના લોકો તો ગર્વ લેતા ધરાતા નથી કે પ્રકાશભાઉનો અમલ્યો સરકારી સા’બ બની ગયો છે. તે ગામમાં જાય ત્યારે તો તેના કેવા માનપાન….કેવો ઠાઠબાટ…. ઢોલ નગારા વગાડી તેનું સ્વાગત કરવામાં આવે… જલેબીની મહેફીલ જમાવવામાં આવે અને ગામના દરેક જણને તે વહેચવામાં આવે…. – તે દ્રશ્ય યાદ આવતાં તેના હોઠ પર એક હાસ્યનું મરકલું ફરકી ગયું. પણ અચાનક તેને પેલું દ્રશ્ય પણ નજર સમક્ષ આવી ગયું જેને તે કદાપિ ભુલી નહોતો શક્યો. તેના પિતા પ્રકાશભાઉ ગામના સરપંચની આગળ હાથ જોડીને માથાની ફાળિયા જેવી પાઘડી જમીન પર મુકીને કરગરી રહ્યા હતા કે તેની જમીન તેને સોંપી દેવામાં આવે પણ સરપંચ કપાળે હાથ પછાડતા બોલ્યા :
‘અરે, તને કેટલી વાર સમજાવું કે તે જમીનનો ટુકડો સરકારે બાંધવા ધારેલી ફેકટરીની જગ્યા પર હતો અને તે સરકારે ખરીદી લીધી છે. તને તારી જમીનના પૈસા મળી જશે.’
‘પૈસાનું શું કરું માઈબાપ.. જમીન હશે તો પેઢી દર પેઢી અમારા કુટુંબીજનો રોટલો ખાઈ શકશે. જરજવેરાત,
માલ મિલકત જે ગણો તે આ જમીન જ છે તેને ના છીનવી લો સરકાર.’
‘અરે કઈ દુનિયામાં જીવે છે પરકીયા?’ સરપંચે તુચ્છકારથી કહ્યું.
‘આ તારો અમલ્યો કાલે ભણી ગણીને મોટો અફસર થશે નહીં કે તારી જેમ હળ ચલાવશે ખેતરમાં. આવી સોના જેવી તક તને મળી છે કે આટલા બધા રૂપયા તને સરકાર આપે છે ત્યારે મોં ધોવા જવા જેવી વાત ના કર. જા કાલે આવીને ચેક લઈ જજે હવે મારો સમય બરબાદ ના કર તારી સમજની બહારની વસ્તુ છે. એ અમલ્યા, તારા બાપાને ઘરે લઈ જઈને જરા સરખી રીતે સમજાવજે.’ અને તેમણે હુક્કામાંથી તમાકું પીવા માંડી.

પ્રકાશભાઉની આંખોમાંથી નીકળતા અશ્રુ તેમના ચહેરા પર થઈને જમીનને પખાળતા રહ્યા અને અમોલ તેમને ખેંચીને ઘરે લઈ આવ્યો તે દિવસે ઘરમાં ચૂલો નહોતો સળગ્યો. જમીન એ તો તેમના દેવ સમાન હતી તેમની જીવાદોરી…. પણ સરકારી દસ્તાવેજો સામે તેનું શું ચાલે ? અમોલ તેમનો એકનો એક દિકરો. તે ત્યારે બાજુના શહેરમાં કોલેજમાં ભણવા જતો. તેની આંખોમાં મોટા મોટા સ્વપ્નો હતાં. શહેરની રહેણી કહેણી જોઈને તેને પોતાના પિતાના ઘરમાં ખુબ બધી અગવડો લાગતી અને તે પોતાના ભવિષ્યના ચિત્રને ઓપ આપવા પ્રયત્નશીલ રહેતો. તે ભણવામાં ખુબ જ હોંશિયાર હતો અને કોલેજ પૂરી કરીને આગળ ઊચ્ચ અભ્યાસ કરીને તેને પોતાના સ્વપ્નોને સજાવવા હતા અને પોતાના એકના એક દીકરાના ભવિષ્ય માટે પ્રેમાળ પિતાએ ખેતરની આવેલી રકમમાંથી તેની ફી ભર્યા કરી. તે એમ.બી.એ થયો ત્યાર બાદ તેણે સિવિલ સર્વીસની પરીક્ષાઓ આપી અને તેને સરકારી ખાતામાં નોકરી પણ મળી ગઈ. નોકરીએ લાગ્યા બાદ તેની સામે પિતાએ લીધેલી ઉધારી, લોનો અને તેના વ્યાજો મોં ફાડીને ઊભા હતા. તે જે પણ કમાતો તે વ્યાજ ચુકવવામાં જ ખર્ચાઈ જતું . પિતાએ તો તે નોકરીએ લાગ્યો તે સમયે જ આ દુનિયામાંથી વિદાય લીધી હતી અને એક મા હતી જેને થોડા દિવસ પહેલા જ કેન્સરની બિમારીનું નિદાન થયેલું. તે ખુબ હતાશ હતો. અહીં સુધીનું ભણવા માટે તેણે જે રકમ ચુકવી હતી તે પણ તે સરભર નહોતો કરી શક્યો.

તે દિવસો યાદ કરીને તેની આંખોમાં આસું આવી ગયા પણ પછી તેના મામાએ તેનાં લગ્ન નક્કી કરી નાખ્યા તેમની સાળીની છોકરી અનિતા સાથે. તે અનિતાને જોવા ગયો ત્યારે જ તે તેને ગમી ગઈ હતી. પાછી તે એમ.એ. વીથ બી.એડનું ભણી હતી અને તાજેતરમાં જ એક સ્કૂલમાં નોકરીએ લાગી હતી. પરસ્પરની સહમતીથી તેઓના લગ્ન થઈ ગયા. બન્ને ખુશ હતા. અનિતાનું તેના જીવનમાં આગમન તેનો ભાગ્યોદય લઈને આવ્યું હતું. તેની બદલી ઉત્તરપ્રદેશના મોટા શહેર કાનપૂરમાં થઈ હતી અને તે મંત્રાલયમાં સચિવ તરીકેની બઢતી પામ્યો હતો. ત્યારે નિહારનો જન્મ થઈ ચુક્યો હતો અને મા-પૌત્રનું મુખ જોઈને અવસાન પામી હતી. તે પોતાના નાનકડા પરિવાર સાથે કાનપૂરમાં સ્થાયી થઈ ગયો.

અચાનક બસ એક આંચકા સાથે રોકાઈ ગઈ. તેનું માથું પણ આગળની સીટ સાથે ભટકાઈ ગયું. શું થયું તે જોવા બધા ઊંચા થઈને બારીની બહાર ડોકાઈ રહ્યા હતા. રસ્તા પર એક મોટો ફણીધર નાગ ફેલાઈને પડ્યો હતો તેને જોઈને ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી. થોડીવારમાં તો બધા તે જોવા નીચે ઉતરીને ટોળું બનાવીને ઊભા રહ્યાં. નાગ બિલકુલ હલી નહોતો રહ્યો.
‘શું થયું પપ્પા?’
‘ચાલ તને સાપ બતાવું.’
તે નિકુંજને તેડીને બસની નીચે ઉતર્યો અને રસ્તા પર પડેલા કોબ્રા નાગને બતાવવા લાગ્યો. નાગ ખૂબ લાંબો હતો અને સાવ ગુંચળું વળીને પડી રહેલો. નિકુંજ હેરતભરી આંખોથી કોબ્રાને જોતો રહ્યો અને અનેક સવાલો અમોલને કરતો રહ્યો. તે તેની સમજમાં આવે તેવા જવાબો આપતો રહ્યો અને તેને અચાનક અનિતાની યાદ આવી તે અત્યારે અહીં હોત તો…. અરે ! બાપ રે, તો… તો તે નિકુંજને લઈને દસ ફુટ દૂર ઊભી રહેત. તેને ખૂબ ચીતરી ચડતી સાપોથી…. અરે, કોઈ પણ પ્રાણીઓથી…. અને આલોકને પ્રાણીઓ ખૂબ ગમતા. તેમાં પણ જંગલી પ્રાણીઓ તો તેને ખૂબ પ્રિય. જંગલમાં છુટ્ટા ફરતા સિંહો જોવા કે દોડતા કૂદતા હરણનાં ફોટોગ્રાફ લેવા કે પાણી પીતા કાળીયારની વિડીયો ઉતારવી એ તેના પ્રિય શોખ હતાં. તેમ તો તેને પહાડો પણ ખૂબ જ પ્રિય હતાં. ઊંચા ઊંચા આસમાનને આંબતા પહાડો તેને ખૂબ ગમતાં. તે તેને પ્રેરણા આપતાં, તેના જેવા ઉત્તંગ બનીને અડીખમ ઉભા રહેવાની. તેણે હંમેશા ઊંચાઈને આંબવાનો પ્રયાસ કર્યા કર્યો હતો. પણ અનિતાને પહાડો જરાપણ ના ગમતા. તેને ઊંચાઈનો ડર લાગતો અને તે કહેતી આ પહાડો વર્ષોથી આમ અડીખમ સુમસામ ઊભા છે તે કેવળ સ્થિરતાનું પ્રતિક માત્ર છે…..સંવેદનવિહિન સાવ પથ્થરો…..

અનિતાને તો દરિયો ગમતો, ઘૂઘવાટ કરતો, પોતાના પેટાળમાં અસંખ્ય રહસ્યો અને ખજાનો છૂપાવીને બેઠેલો મહાસાગર પોતાની અંદર દીવાકર જેવા દીવાકરને સમાવી લેવાની શક્તિ ધરાવતો સમુદ્ર તેનાં મનને પ્રસન્ન કરવા માટે પૂરતો હતો. ક્યાં સમુદ્ર અને ક્યાં પહાડો ! તેના મુખ પર ફરી આછું મ્લાન સ્મિત ફરક્યું. વાત ફક્ત આટલી જ ન હતી. શરૂઆતના દિવસોમાં તે ખબ ખુશ રહેતી. તે ધીમે ધીમે શહેરમાં ગોઠવાઈ ગઈ હતી. તેને ત્યાંની શાળામાં શિક્ષીકાની નોકરી પણ મળી ગઈ હતી અને તે પણ તેની ડિગ્રી અને તેની કાબેલીયતના જોરે. નોકરી મેળવવા માટે તેણે લાંચ નહોતી આપી અને તેને ગર્વ હતો. તે ઘણીવાર અમોલની આગળ તે વાત કાઢતી ત્યારે અમોલ કહેતો : ‘યુ આર વેરી લકી માય ડીયર ! તને તો મળી જ જાયને. તારા કારણે તો મને પણ જોને લીલા લહેર છે.’ તે હસી દેતી પણ આ લીલાલહેરનું સાચું કારણ અનિતાને ગયા વર્ષની દીવાળી દરમ્યાન સમજમાં આવેલું. એ રાતના જમીને હજી ઊભા થાય છે ત્યારે જ ઘરની બેલ વાગે છે અને એક આગંતુક : ‘સાહેબ છે કે ઘરે ?’ પૂછતાં ઘરમાં દાખલ થાય છે.
અમોલને જોતાં જ નમસ્કાર કરીને કહે, ‘આ લો સાહેબ, અમારા સરે બાળકો માટે મિઠાઈ મોકલાવી છે. બસ, ઈરીગેશનનો પ્રોજેકટ ઉપર સુધી પહોંચાડી દો. આવા બીજા ચાર મિઠાઈના બોક્ષ તૈયાર જ છે અને ખંધૂ હસતાં હસતાં બોલેલો : ‘હવે વિદાય લઉં, ભાભીજી નમસ્કાર’. તેના ગયા બાદ બોક્ષ ખોલ્યું તો તેમાંથી પચાસ પચાસ હજારના બે બંડલ બહાર નીકળી પડ્યા અને અનિતાની આંખો અને અવાજ ફાટી ગયા….
‘અમોલ તું લાંચ લે છે ?’
‘કમોન ! અનિતા આને ફી કહેવાય લાંચ નહી. સરકારી ખાતાઓમાં સાવ ગોકળગતિએ કામ થતું હોય છે. કોઈને કશી ઉતાવળ હોતી નથી. ફાઈલો તેની જગ્યાએથી મહિનાઓ સુધી હલતી નથી. મારા જેવા કામઢા માનવીને સાવ આમ આરામ કરવો ગમે નહીં. કામ પૂરૂં કરવા અને નવા નવા કામોમાં હું સતત રત રહું છું તેને કારણે જ આપણે આટલા ઊંચે આવી શક્યા છીએ. મારી પાસે આવનારને ખાત્રી જ હોય કે આપણું કામ પૂરૂં થઈ જ જશે.’ તે થોડા ગર્વથી હસ્યો અને અનિતાની કમરે હાથ વિંટાળતા તેને નજીક ખેંચી ને કહ્યું,
‘આ દીવાળીએ આપણે તારા માટે હીરાના ઈયરીંગ્સ લઈશું’. પણ અનિતાએ તેના હાથને છોડાવતાં ગુસ્સાથી નાકના ફોયણાં ફુલાવતાં કહ્યું :
‘મને ખબર ન હતી અમોલ કે તું આ રીતે ઉંચાઈને આંબી રહ્યો છે. ના ખપે મને તારી આ કમાઈના ઈયરીંગસ કે કશું પણ…’ અને તે ધ્રૂસકે ધ્રૂસકે રડી હતી. બન્ને બાળકો મા ને રડતી જોતાં ગભરાઈ ગયા હતાં અને તેઓ પણ સાથે જ રડવા લાગ્યા હતાં. આ જોઈને અમોલે ત્યારે અનિતાનું મન માને તેવું સમાધાન કરી લીધું હતું અને હવેથી પગાર સિવાયની કમાઈનું નહીં વિચારે તેવો વિશ્વાસ તેને આપ્યો હતો અને ત્યાર બાદ જ અનિતાનું રુદન અટક્યું હતું.

‘પપ્પા, ચાલોને બધા બસમાં ચડવા લાગ્યાં. આપણે રહી જશું અને બસ ઉપડી જશે તો ? ચાલો જલદી…’ નિકુંજે અમોલનો હાથ ખેંચવા માંડ્યો. તેણે નિકુંજને તેડી લીધો અને બસમાં ચડીને તેને તેની સીટ પર બેસાડી દીધો. સાપ ચાલી ગયો હતો અને ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરી દીધી હતી પણ અમોલના મન પરનો ભાર હળવો ના થયો. તેણે નિકુંજને બારી પાસે બેસાડી દીધો અને તે સીટ પર માથું ઢાળીને આંખો બંધ કરીને વિચારોમાં ગરકાવ થઈ ગયો.

જ્યારે અનિતાને ખ્યાલ આવ્યો કે અમોલે કરેલું પ્રોમીસ સાવ પોકળ હતું તે ખુબ નારાજ થઈ. તેની નજરમાં જીવાતા જીવનનું મુલ્ય ખૂબ ઊંચું હતું. તે માનતી કે આપણા અંતરાત્માને કદી અફસોસ થાય તેવું કાર્ય ના જ કરવું જોઈએ. આપણો આત્મા ડંખે અને જીવતર બોજો બની જાય તેવી પરિસ્થીતી લાવવી જ ના જોઈએ.
પછી તમોને જિંદગી ભૂલ સુધારવાનો મોકો ના પણ આપે ? તે ખૂબ સમજાવતી અમોલને પણ અમોલ તેને કહેતો : ‘ફક્ત સિધ્ધાંતવાદી વાતોથી કાંઈ વળતું નથી હોતું. જમાના પ્રમાણે ના ચાલીયે તો ફેંકાઈ જ જઈએ.’ અને તે જે ક્ષેત્રમાં કામ કરતો હતો ત્યાંતો કામ આ રીતે જ ચાલતું. વગર માંગ્યે લોકો કામની ફાઈલો આગળ વધારવા સહજ રીતે સામેથી પૈસા આપી જતાં અને આવેલી લક્ષ્મીને નકારે તેટલો મૂર્ખ તો તે ન જ હતો. તેણે પૈસાની ઘણી પરવશતા જોઈ હતી અને સરકારી કાર્યાલયોમાં તો આ જ શિરસ્તો હતો. પૈસા આપો અને કામ કઢાવો ! બધા જ એ રીતે ટેવાઈ ગયા હતાં….આપવાવાળા અને લેવા વાળા પણ ! ભ્રષ્ટાચાર લોકોની નસ નસમાં વ્યાપી ગયો હતો. અરે, સરકારી કાર્યાલયો જ શું કામ ? દરેકેદરેક સંસ્થાઓ, પછી તે શિક્ષણ સંસ્થા હોય કે દેવસંસ્થાન. અરે, એક-એક માણસ સુદ્ધાં તેની લપેટમાં આવી ચૂકેલ છે. નાનકડા પિયુનથી લઈને રીક્ષાવાળા હોય કે શાકભાજીવાળા કે પછી જીવનરક્ષકદવાઓ બનાવવાવાળા હોય કે અદનો કારકુન… બધીજ અને બધાની જીવનવ્યવસ્થા તે રીતે જ ગોઠવાઈ ગયેલી હતી. તે કેટલીયે વાર અનિતા સાથે આ બાબતની દલીલ કરીને માથાકૂટો કરી ચૂક્યો હતો પણ તે કહેતી, ‘કોઈકે તો પહેલ કરવી જ રહી. બીજાઓ જે કરે તે ભલે કરે પણ આપણે તો એ કીચડથી ના જ ખરડાઈએ.’ રોજ રોજના ઝગડાઓથી તંગ આવેલા અમોલે ઘરે મોડા આવવા માંડ્યું, સવારે વહેલા જવા માંડ્યું. અનિતા સાથે ખપ પૂરતી જ વાત કરવા માંડી પણ આમ કેટલો સમય ચાલે ?

અને ચાર દિવસ પહેલા અનિતા નાની ચબરખીમાં પોતે હવે અમોલ સાથે રહીને આ રીતે માનસિક બોજો લઈને નહીં જ જીવી શકે – એવું લખીને બન્ને બાળકોને લઈને તેના પિતાના ઘરે ચાલી ગઈ. અમોલે તેની આ હરકતને નાદાની સમજી. પણ બીજા દિવસની સવારથી જ તેને અનિતાની ગેરહાજરીનો અહેસાસ થવા લાગ્યો. સવારના ઉઠતાં જ તેનાથી આદતવશ બૂમ પડાઈ ગઈ, ‘અનિતા, મારી ચા ક્યાં ?’ અને તેને ભાન થયું કે અનિતા તેના રોજિંદા જીવનમાં કેટલી વણાઈ ગઈ હતી. સૂનું ઘર તેને ખાવા ધાયું તે તુંરત જ અનિતાને પાછી લાવવા ગયો પણ અનિતા મકકમ રહી. તેણે જોયું કે આખા એક વર્ષ દરમ્યાન પણ અમોલમાં કોઈ ફેરફાર નહોતો થયો તો હવે તે શી રીતે તેનો વિશ્વાસ કરે ? અમોલ ત્યારે હાજર નિકુંજ જે ‘પપ્પા પપ્પા’ કરતો તેને વળગી પડ્યો હતો તેને લઈને ઘરે આવ્યો. નિહાર શાળાએ ગયો હતો. અનિતા હવે તેનો વિશ્વાસ કરવા તૈયાર ન હતી.

ઘરે આવ્યા બાદ પળે પળે અમોલને એકલાપણાનો અહેસાસ થવા લાગ્યો. નિકુંજની જવાબદારી, ઘરના રોજિંદા કાર્યો, ઓફીસની ખટપટો અને સૌથી વધારે તો નિકુંજની સારસંભાળ કેવી રીતે કરવી તે જ તેની સમજમાં ન આવતું. આખા ઘરનું મેનેજમેન્ટ કરવાવાળી જતી રહી હતી. સવારના નાસ્તો ચા બનાવે કે ઈસ્ત્રીવાળાને કપડાં આપે ? નિકુંજને સ્કુલ માટે તૈયાર કરે કે આવેલા ફોનોના જવાબો આપે ? તેને પોતાને ઓફીસે જતાં નહાવા માટે પાણી ગરમ કરવાનું ભૂલી જવાય. એક મોજું જ જડે અને બીજા માટે તે આખું ઘર ફેંદી વળે. તેની પરેશાનીનો પાર ના રહ્યો. તેમાં વળી નિકુંજ તેને મમ્મી ક્યારે આવશે તેવા સવાલો પૂછી પૂછીને હેરાન કરે. ચાર જ દિવસમાં તેને સમજાઈ ગયું કે લાખો રૂપિયા હશે પણ જો અનિતા નહીં હોય તો તેનું જીવન અંધકારમય છે. પૈસાથી ખુશીઓ નથી ખરીદી શકાતી. આજથી નિકુંજને શાળામાં દિવાળીની રજાઓ પડી હતી અને તે તેને લઈને દર વર્ષની જેમ મહાબળેશ્વર જઈ રહ્યો હતો.

‘પપ્પા, મહાબળેશ્વર આવી ગયું. જુઓ, બધા ઉતરી રહ્યા છે.’
‘હા, બેટા….’ કહેતા તેણે નિકુંજને તેડી લીધો અને નીચે ઊતર્યો. હંમેશની તેમની હોટેલમાં તે રોકાયો. જમીને તે બન્ને થાકને કારણે સૂઈ ગયાં. સાંજે તે નિકુંજને નવા કપડાં પહેરાવી ફરવા લઈ ગયો. સાંજે સનસેટ પોઈન્ટ પર અસ્ત થતા સૂર્યને જોતાં તેને લાગ્યું આટલા ઊંચા પહાડો કરતાં પણ ક્યાંય ઊંચે રહેલ આ દિવાકર પણ આખરે તો દરીયામાં પોતાને વિલીન જ કરી દે છે ને ! તે જ સત્ય છે. અચાનક નિકુંજ દોડતો દોડતો આવ્યો અને કહેવા લાગ્યો, ‘પપ્પા મને આ ટોપી લઈ આપો ને ! જુઓને કેટલી સરસ છે ! આવા શેઈપની ટોપી મેં કોઈ દિવસ નથી પહેરી….’ તેણે તેની સાથે આવેલા ફેરીયાના હાથ સમક્ષ જોયું તો તે ગાંધી ટોપી હતી અને તેના પર લખ્યું હતું ‘મૈ અન્ના હું.’ તેણે એક ક્ષણ વિચાર કર્યો અને બે ટોપી ખરીદી લીધી. એક નિકુંજને પહેરાવી અને બીજી પોતે પહેરી. એ જોઈને નિકુંજ ખુશ થઈને તાળીઓ પાડતા કહેવા લાગ્યો :
‘અરે પપ્પા, આ ટોપીમાં તમો કેટલા જુદા દેખાઓ છો !’
તેણે સ્મિત કરતાં નિકુંજને તેડી લીધો અને તેના ગાલે ચુમી ભરતાં કહેવા લાગ્યો,
‘તને ગમે છે ને પપ્પા જુદા દેખાયા તે?’
‘હાસ્તો, માય ડેડી ઈસ ધ બેસ્ટ…’ કહેતો અચાનક નિહાર ક્યાંકથી ફુટી નીકળ્યો ! અને તેની સાથે અનિતા પણ મરક મરક હસતી પ્રગટ થઈ ! તે સાથે જ નિકુંજ ‘મમ્મી… મમ્મી….’ કહેતો અમોલના હાથમાંથી છટકીને તેને વળગી પડ્યો અને કહેવા લાગ્યો, ‘જોયું અમે તને કેવી સરપ્રાઈસ આપી..? કેમ ખરું ને પપ્પા ?’

તેણે પપ્પા સામે જોયું ત્યારે અમોલની આંખોમાંથી આંસુના બે બુંદ નીકળી રહ્યાં હતાં અને અનિતા તેની સામે જોતાં જોતાં નિકુંજના માથે હાથ ફેરવતી બોલી,
‘હા બેટા, ખૂબ મોટી સરપ્રાઈઝ’ અને તેની અને અમોલની આંખો સાથે જ હસી રહી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રુબાઈયાત – ઉમર ખય્યામ (અનુ. ‘શૂન્ય’ પાલનપુરી)
અંધારી અમાસના તેજસ્વી તારલા : સુધા ચન્દ્રન – ડૉ. જનક શાહ Next »   

17 પ્રતિભાવો : સરપ્રાઈઝ – કલ્યાણી વ્યાસ

 1. priyangu says:

  ઘણુ બધુ સમય સાથે સમજાઇ જતુ હોય છે. ખુબ સુંદર રજૂઆત

 2. amee says:

  Good Article…….

 3. dipak prajapati says:

  very good…

 4. JYOTSANA says:

  very nice!!!!!!

 5. Harish Mehta says:

  Very nice story, I like the most

 6. kalyani vyas says:

  આભાર આપ સર્વે વાંચકમિત્રોનો કે આપ સર્વેને મારેી વાર્તા ગમી.

 7. ખુબ સરસ લેખ પણ આમા અન્ત બન્ધ બેસતો નથિ…….

 8. kishore patel says:

  આ વાર્તા હમણા જ “મમતા”ના જુલાઈ ૨૦૧૨ ના અંકમાં વાંચી. જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ અભિગમ વાર્તામાં દેખાય છે. આ વાર્તાનો પ્લસ પોઈન્ટ છે. સરસ વાર્તા.

 9. shital kevadiya says:

  verry nice

 10. સરસ વાર્તા… વર્ણન પણ સારું કરેલું છે. THE END ને હજી અસરકારક બનાવી શકાયો હોત.!

 11. dEAR kALYANI BAHEN ..AAPNI AA PRATHAM TOONKI VARTA MAI VANCHI…YES LANCH E SHEESHTTACHAAR NE JEEVAN MA HAAR KONNE VANNAYI GAYO CHHE..
  AAPE NANA SHISHU THAKI GANDHI TOPI AND SUNDER LAKHAN VALLI PAHERAVI MUMMY NE ANUPAAM BHET….YES BUT AS PER THE RECENT TOPIC..
  IT WOULD HAVE BEEN A MORE IMPREESIVE YOU COULD HAVE BY KILLING THE SON…YA WIFE..YA TO SOME ONE BE-LOVED TO THAT PERSON AND COULD HAVE HAVE A BRILLIANT CHANGE…
  GOD BLESS US AND SAVE THE NATION
  JAY SHREE KRISHNA
  SANATBHAI DAVE( USA..ORIGINAL BARODA)..

 12. Hitesh Patel says:

  સારુ લાગ્યુ

 13. Vaishali Maheshwari says:

  Nice story with a positive message and also a very happy ending.

  This line is so true. I completely agree with it: ‘કોઈકે તો પહેલ કરવી જ રહી. બીજાઓ જે કરે તે ભલે કરે પણ આપણે તો એ કીચડથી ના જ ખરડાઈએ.’

  Thank you for writing and sharing this inspirational story with us Ms. Kalyani Vyas. We would love to read more from you!

 14. kalyani vyas says:

  થેંક્યું વૈશાલી, આજે બધા ભ્રષ્ટાચારની વાતો જ કરે છે પણ પહેલ કોઈજ કરતું નથી. શરૂઆત તો હંમેશા પોતાનાથી જ થાય ને ? જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક એક હિંમતવાન હદયનું પરિવર્તન જ આખા દેશમાં એક દિવસ પરિવર્તનની આંધી લઈ આવી શકે તેમ નથી લાગતું ?

  • Vaishali Maheshwari says:

   I completely agree with you Ms. Kalyani. Someone has rightly said, “Don’t change the world, change yourself”. If all of us take a vow to change ourselves, world will change on its own (because we are all a part of this beautiful world). We all should contribute in making it a better place to live in.

   Stories like these are an eye-opener. Hope we all learn from it.

   Thanks once again for sharing this story with us and keep writing!!!

 15. Kalpesh jobanputra (dhrangadhra) says:

  Very Good

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.