ચારિત્ર્યની સુગંધ – રોહિત શાહ

[‘નો પ્રૉબ્લૅમ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]એ[/dc]ક ગુરુના બે શિષ્યો હતા. એક વખત તે બન્ને શિષ્યો વચ્ચે વિવાદ જાગ્યો. પહેલો શિષ્ય કહે, ‘હું મહાન છું.’ બીજો બોલ્યો, ‘તું વળી શાનો મહાન, મહાન તો હું જ છું.’ બન્ને શિષ્યો પોતાને જ મહાન પુરવાર કરવા ઝઘડતા હતા. ગુરુએ તેમના વિવાદનો ઉપાય સૂચવતાં કહ્યું કે, ‘જે માણસ બીજાને મહાન સમજે છે, તે જ ખરેખર મહાન હોય છે. પોતાની જાતને મહાન સમજનાર મૂરખ હોય છે.’

હવે બન્ને શિષ્યો ‘હું મહાન છું’ કહેવાનું છોડી દઈને ‘તું મહાન છે’ એમ કહેવા લાગ્યા. પહેલો કહે, ‘તું મહાન છે’ બીજો કહે, ‘હું શાનો મહાન, મહાન તો તું જ છે, ભાઈ.’ વિવાદના માત્ર શબ્દો જ બદલાયા હતા, હેતુ બદલાયો નહોતો. બન્ને શિષ્યો ‘પોતાની મહાનતા’ પુરવાર કરવા વલખાં મારતા હતા. જગતનો કોઈ પણ માણસ સૌથી ભૂંડો ત્યારે જ લાગે છે જ્યારે તે પોતાની મહાનતા બતાવવાનાં ત્રાગાં કરતો હોય – પોઈન્ટ ટુ બી નૉટેડ, મિ.લૉર્ડ. મોટા થવા માટે માણસે ખાસ કશું જ કરવાનું હોતું નથી. મહાન થવા માટે જેટલું કરવામાં આવે એ ઓછું છે. ઉંમર વધે એમ માણસ મોટો તો થાય જ છે. મહાન થવા માટે તો આખું આયખુંય ટૂંકું પડે.

જગતમાં મહાન બનવાની સ્પર્ધા નથી થતી, મહાન સાબિત થવાની જ સ્પર્ધા થતી રહે છે. જે વ્યક્તિ મહાન બનવા ઝંખે છે તે તો પોતાના દોષો જુએ છે અને દૂર કરવા પ્રયત્નશીલ રહે છે, પરંતુ જે વ્યક્તિ પોતાને મહાન સાબિત કરવા મથામણ કરે છે તે બીજા લોકોના દોષોને હાઈલાઈટ કરતો રહે છે. લોકોનું ધ્યાન પોતાના દોષો તરફ ન જાય એ માટે બીજાઓની ઊણપો અને ખામીઓ તરફ આંગળી ચીંધ્યા કરે છે. પરિણામે બને છે એવું તે વ્યક્તિ પોતાના દોષો જોઈ જ નથી શકતી, એટલે સુધારી પણ નથી શકતી. જગતને એક વખત તે માણસની સાચી આઈડેન્ટિટી થઈ જાય છે ત્યારે તે નફરતને લાયક પણ નથી રહેતો. તે માત્ર દયાપાત્ર બની રહે છે.

એક વખત એક રાણીએ પોતાના હિતેચ્છુ લોકોનો સામાન્ય મેળાવડો યોજ્યો હતો. તમામ હિતેચ્છુઓ સજી-ધજીને રાણીના મહેલમાં પહોંચી ગયા હતા. દરેકને માટે ચા-કૉફીની વ્યવસ્થા હતી. સૌ કોઈ ચાનો કપ હાથમાં લઈને ચૂસકીઓ મારતા હતા. તે હિતેચ્છુમાં એક અણઘડ ગામડિયો માણસ પણ હતો. તેને મેનર્સ સાથે વળી શી લેવા-દેવા ? તેણે રકાબીમાં ચા નાખીને પીવા માંડી. સૌનું ધ્યાન એ તરફ ગયું. રાણીએ જોયું કે પેલા ગામડિયા અણઘડ માણસ માટે સૌએ અણગમો વ્યક્ત કર્યો હતો. રાણીથી એ સહન ન થયું. તેણે પોતે પણ રકાબીમાં ચા લઈને પીવા માંડી. એક શબ્દ પણ બોલ્યા વગર રાણીએ ઘણુંબધું કહી દીધું. અભણ ગામડિયાને લજ્જિત થવાની પરિસ્થિતિમાંથી રાણીએ બચાવી લીધો હતો. મહાનતા બહારથી ઈમ્પોર્ટ કરવાની ચીજ નથી. ફૂલમાં સુગંધ હોય છે એમ માણસમાં સહજ રીતે જ મહાનતા હોય છે. સાચી મહાનતા પ્રદર્શનની ઓશિયાળી નથી હોતી એ કારણે એને જૂઠાણાંના મેક-અપની ગરજ પણ નથી પડતી.

છત્રપતિ શિવાજી મહારાજને ખુશ કરવા માટે તેમના સૈનિકો એક સ્વરૂપવાન યુવતીને લઈ આવ્યા. શિવાજી વીર હતા, વિલાસી નહોતા. તેઓ ખિન્ન થયા અને પેલી યુવતી પાસે જઈને બોલ્યા, ‘બહેન, મારી માતાય તારા જેવી રૂપાળી હોત તો હુંય કેવો રૂપાળો હોત !’ ચારિત્ર્યની આવી સુગંધ માણસને મહાન બનાવતી હોય છે.

જોગીદાસ ખુમાણ તો બહારવટિયો હતો, લૂંટારો હતો. છતાં તેનું ચારિત્ર્ય ભલભલા જતિઓ-જોગીઓ કરતાં વેંત ઊંચેરું હતું. એક વખત જોગીદાસ ખુમાણ બપોરના સમયે વગડામાંથી પસાર થતો હતો. તેને તરસ લાગી. આસપાસ નિર્જન વેરાન વગડો હતો, પરંતુ એક ખેતરમાં એક યુવાન સુંદરી કામ કરતી હતી. જોગીદાસ ઘોડો લઈને તેની પાસે ગયો. પાણી માગ્યું. અજાણી યુવતીએ જરાય ખચકાટ કે ભય વગર તેને પાણી આપ્યું. જોગીદાસ ખુમાણે તેને પૂછ્યું, ‘તું આ વેરાન વગડામાં અત્યારે એકલી-અટૂલી છે. તને કોઈ દુષ્ટ માણસનો ભય નથી ?’ પેલી યુવતીએ જવાબ આપ્યો, ‘ભાઈ, તું કોઈ અજાણ્યો વટેમાર્ગુ લાગે છે. આ ભૂમિ પર તો જોગીદાસ ખુમાણ જેવા માણસની આણ પ્રવર્તે છે. અહીં ભય વળી શાનો ?’

આજે આવી આણ પ્રવર્તાવનારાઓનો દુકાળ છે, એટલે આપણે શી રીતે કહી શકીએ કે નો પ્રૉબ્લૅમ ?

Leave a Reply to હર્ષ આર જોષી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ચારિત્ર્યની સુગંધ – રોહિત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.