ટાઈમ-સ્ક્વૅર – નસીર ઈસમાઈલી

[‘સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]એ[/dc]ણે આ શહેર છોડ્યું પછી સમયની તળિયા વિનાની શીશીમાંથી છ વર્ષની રેત સરી ગઈ હતી. શહેરનાં બધાં માણસો છ વર્ષ મોટાં થઈ ગયાં હતાં, અને સેંકડો બચ્ચાં પેદા થઈ ગયાં હતાં. રેલવે-સ્ટેશનની બહાર આવેલી ફૂટપાથના કૉર્નર પર ઊભા રહી એણે વહેલી સવારનું તાજું બગાસું ખાધું અને હાથમાંથી સૂટકેસ સમાલી ઑટો રિક્ષા પકડી….

છ વર્ષ પહેલાં એક કારકૂનની હેસિયતથી એણે આ શહેર છોડ્યું હતું અને આજે એક મલ્ટિનેશનલ કંપનીના ઍક્ઝિક્યુટિવની હેસિયતથી એણે આ શહેરમાં પગ મૂક્યો હતો. એની કંપનીનું એક મોટું ટૅન્ડર પાસ કરાવવાનું કામ એણે સામે ચાલીને શિરે લીધું હતું અને એને વિશ્વાસ હતો કે મિ. દેશપાંડે એ ચોક્કસ કરાવી દેશે. મિસ્ટર દેશપાંડે ગમે તેવા કડક ઑફિસર હોવા છતાં લિપિની – મિસિસ દેશપાંડેની મધુર મુસ્કરાહટનો અનાદર એ નહીં કરી શકે અને આત્મવિશ્વાસી સ્મિતથી ભરેલા ચહેરે એણે હોટલ ‘ટાઈમ સ્ક્વૅર’ની લિફટનું બટન પ્રેસ કર્યું.

‘લિપિ, આજે અઢી વર્ષના તારા પરિચય પછી પણ આપણે જે ફીલિંગના વર્તુળમાં ઘૂમી રહ્યાં છીએ એનું સાચું સ્વરૂપ હું પામી શક્યો નથી. આજે જ્યારે આ ઑફિસની કારકૂનીમાંથી છૂટીને હું હંમેશ માટે આ શહેર છોડી રહ્યો છું ત્યારે પણ મને એ જ વિચાર આવે છે કે કોઈ પણ જાતની સમાનતાના તંતુ વિનાના આ સંબંધને શું કહી શકાય ? તું મારાથી પાંચ વર્ષ મોટી, ઠરેલ, જાજ્વલ્યમાન વ્યક્તિત્વની માલિક અને એક અતિ તેજસ્વી પુરુષની પત્ની. જ્યારે હું એક સામાન્ય કરીઅર, સામાન્ય પર્સનાલિટી ધરાવતો કારકુન ! મને લાગે છે, જેને હું સંબંધ માની પૃથક્કરણ કરવાનો પ્રયાસ કરું છું એનું અસ્તિત્વ જ નથી અને છતાં કંઈક ફીલિંગ છે એનો ઈન્કાર કરી શકાય તેમ નથી.’ જે સાંજે એણે આ શહેર છોડ્યું તે સાંજની છેલ્લી કૉફી મિસિસ દેશપાંડે સાથે આ જ હોટલ ‘ટાઈમ સ્કવૅર’ની કૉફીશોપમાં સીપ કરતાં એ લાગણીવશ બનીને ઢીલો થઈ ગયો હતો.
‘અક્ષર, શા માટે આ ફીલિંગને નામ આપવાની કે એનું પૃથક્કરણ કરવાની કોશિશ કરે છે ? આજે છૂટા પડ્યા પછી આ ઘાટઘૂટ વિનાની જિંદગીના ટાઈમ સ્ક્વૅરના કોઈક મોડ પર ક્યારેક ક્યાંક અચાનક મળવાનું થાય તો આટલી જ ઉષ્માભરી રીતે આપણે મળી શકીશું એવો આજનો વિશ્વાસ એ શું એક અનામ સંબંધના અસ્તિત્વનો પુરાવો નથી ?’ કહેતાં મિસિસ દેશપાંડેની હંમેશાં મુસ્કરાતી ગૌર મુખરેખાઓ સહેજ ગમગીન બની ગઈ હતી.
‘છે જ અને એટલે જ આ અઢી વર્ષનો હરિયાળો ટુકડો મારી જિંદગીની વેરાન ધરતીમાં હંમેશાં ચેતન પૂર્યા કરશે, લિપિ ! તને અને આપણાં મહેતાસાહેબને હું ક્યારેય નહીં ભૂલી શકું.’

….મહેતાસાહેબ ! કડક, ચોક્કસ, કાર્યદક્ષ અને ગંભીર મહેતાસાહેબ, એની જોડે ફોર્મલ રહી શકતા નહીં. એ ઘણી વાર કહેતા, ‘પટેલ, તમને હું જોઉં છું ને મને અમેરિકા ગયેલો મારો દીકરો શાલિન યાદ આવી જાય છે. તમારા જેવો જ શાંત, ગંભીર, ઝડપી અને બ્રિલિયન્ટ !’ જ્યારે જ્યારે ચૅમ્બરમાં જવાનું થાય ત્યારે ત્યારે મહેતાસાહેબ અચૂક એકાદ વાક્ય તો એવું બોલતા જ કે જેથી એનું મન સતત ઉત્સાહિત રહેતું અને એની હાલની જગ્યાએ ‘ઍપ્લાય’ કરવાનું સૂચન પણ મહેતાસાહેબે જ કર્યું હતું.
‘પટેલ ! આજે તમે જવાના છો ત્યારે પણ મને શાલિન જ યાદ આવે છે. ઓછું બોલે પણ દષ્ટિમાં લાગણીઓનાં પૂર કાયમ ઊમટ્યાં કરે. મારું દિલ કહે છે પટેલ, તમે એક આઉટસ્ટૅન્ડિંગ કરીઅર બનાવી શકશો.’ આ હતા ઑફિસ-ફૅરવેલના અંતે બોલાયેલા મહેતાસાહેબના લાગણીભીના છેલ્લા શબ્દો.

અને આજે છ વર્ષ પછી એ મળવાનો હતો મહેતાસાહેબને – એક આઉટસ્ટૅન્ડિંગ કરીઅર લઈને, મિસિસ લિપિ દેશપાંડેને, પેલાં અઢી વર્ષની ભીનાશ લઈને….
‘સલામ શાબ.’ ઑફિસનાં પગથિયાં ચઢતાં જ દરવાજે સ્ટૂલ પર બેઠેલા ગૂરખાને એને ઓળખીને સલામ મારી, ‘બહોત દિનોં કે બાદ આયે સા’બ ! આપ તો પહેચાને ભી નહીં જાતે !’
‘હાં કર્નલ સિંગ, પૂરે છહ સાલ હુએ.’ કહેતાં એ સલામનો જવાબ સ્મિતથી આપી સડસડાટ પગથિયાં ચઢી ગયો. બધું એનું એ જ હતું. લાકડાનાં પાટિયાંઓ પર લોખંડની ચીપો જડેલી, જૂની ખખડી ગયેલી સરકારી સીડી, કાટથી કાળા પડી ગયેલા સળિયાઓ જડેલો, બ્લેક-ગ્રીન લાકડાનો કઠેડો અને ભેજિલ અંધારિયું, રદ્દી કાગળોની પીળી વાસવાળું ઑફિસિયલ વાતાવરણ.
‘મિસિસ દેશપાંડેને ? હા એ ત્યાં લોકલ બિલ સૅક્શનમાં બેસે છે.’ એક છોકરડા જેવા પ્યૂને આંગળી ચીંધી બતાવ્યું. ‘નવી ભરતી લાગે છે. મારા ગયા પછીની…’ બબડતો એ આંગળીની દિશામાં ચાલ્યો.

‘નમસ્તે મિસિસ દેશપાંડે ! બહુ કામમાં છો ?’ ‘લિપિ’નું સંબોધન જબાન પર આવી ન શક્યું, પણ એણે છ વર્ષ પહેલાંની સ્વાભાવિકતા સ્વરમાં લાવવા પ્રયાસ કર્યો. આવી નહીં. લગભગ બધા જ ચહેરા નવા હતા. એક ખૂણામાં ઓલ્ડ કલીગ મિ. દવે વાંકા વળી ધ્યાનથી સરવાળા કરતા હતા. રેવન્યૂ એકાઉન્ટન્ટની ચૅર પર બેઠેલા અજનબી આદમીએ ચશ્માંમાંથી એક ત્રાંસી નજર કરી દષ્ટિ હટાવી લીધી.
‘અરે મિ. પટેલ ! આવો આવો ! બહુ વખતે ભૂલા પડ્યા શું ?’ ‘આવ અક્ષર’નુ સંબોધન ભૂલી જઈ ટેબલ સામેની ખુરશી પર બેસવાનો સંકેત કરતાં લિપિએ ફૉર્મલ સ્મિત કર્યું. થોડીક મૂંગી ક્ષણો, પંખાનો ફરફરાટ, અજનબી નજરો અને નિર્જીવ કાગળિયાં.

‘શું ચાલે છે, મિ. પટેલ ? મઝામાંને ? શું કરે છે મિસિસ પટેલ ?’ મિસિસ દેશપાંડેએ કાગળિયાં સહેજ દૂર કરતાં પૂછ્યું. એણે ધાર્યું હતું હમણાં છ વર્ષ પહેલાંનો પેલો ઉષ્માભર્યો લહેકો સાંભળવા મળશે : ‘શું કરે છે અક્ષર તારાં પટલાણી ?’ પણ ત્યાં તો છ વર્ષની ઠંડી ઔપચારિકતા થીજીને બેઠેલી હતી.
‘બસ મઝા !’ એણે ઉત્તર વાળ્યો. વળી પાછું બર્ફિલું મૌન.
‘આ ઈયર એન્ડિંગનું ઓવરડ્યૂ બિલ્સના રિમાઈન્ડર્સ કરવાનું કામ ચાલે છે ને, એટલે વર્કલોડ વધુ રહે છે. ચા પીશોને ?’ એ સ્તબ્ધ થઈ મિસિસ દેશપાંડેની નિર્વિકાર સફેદ કીકીઓને ક્ષણભર તાકી રહ્યો અને પછી બોલ્યો, ‘નો થેંક યૂ ! હમણાં જ પીને આવ્યો !’ વળી પાછો મૌનના અજગરનો ભરડો બંનેને ભીંસી રહ્યો.
‘મિસિસ દેશપાંડે ! તમે આ વખત રાજ ઍન્ડ કંપનીવાળાને રિમાઈન્ડર મોકલ્યો છે ?’ રેવન્યૂ એકાઉન્ટન્ટની ચૅર પરથી સુક્કો ઝાંખરિયો અવાજ આવ્યો. એને લાગ્યું, એણે હવે જવું જોઈએ.
‘ચાલો ત્યારે મિસિસ દેશપાંડે, હું રજા લઉં.’ એણે લિપિને કહ્યું.
‘બસ ત્યારે ! આવજો. રોકાવાના હોય અને અવાય તેમ હોય તો આવજો ને ઘેર !’ કહેતાં મિસિસ દેશપાંડેનો અવાજ ફરી પાછો પેલા ફૉર્મલ સ્મિતથી ભરાઈ ગયો. ‘જોઈશ’ કહીને એ રૂમની બહાર નીકળી ગયો.

એ રૂમની સામે જ લૉબીના જમણા ખૂણે મહેતાસાહેબની ચૅમ્બર હતી. એણે ચૅમ્બરના ફલશ ડોરમાંથી અંદર ઝાંખવાની કોશિશ કરી ત્યાં ચૅમ્બરના દરવાજે બેઠેલા અજાણ્યા પ્યૂને એને ટોક્યો, ‘આપને સાહેબનું કામ છે ? તો લો આ સ્લિપમાં લખો.’
‘સ્લિપની કંઈ જરૂર નથી. તમે સાહેબને કહો કે મિ. એ એચ. પટેલ મળવા માગે છે.’
પ્યૂન અંદર ગયો ને પાછો આવ્યો, ‘સાહેબ સ્લિપ માગે છે. મળવાનું કારણ પણ સ્લિપમાં જણાવજો એમ સાહેબે કહ્યું છે.’ પ્યૂન કંઈક વિચિત્ર નજરે એના સામું તાકીને બોલ્યો. એણે ચૂપચાપ સ્લિપ ભરીને પ્યૂનને આપી. સાથે વિઝિટિંગ કાર્ડ પણ.
‘અરે. મિ. પટેલ તમે હતા ?’ મહેતા સાહેબે ઑફિસિયલ સ્મિત કર્યું અને ઉષ્માભર્યા શેક-હૅન્ડ માટે ઊંચો થયેલો એમનો હાથ ભોંઠો પડી ગયો.
‘શું ચાલે છે મિ. પટેલ ? કેમ આવવું થયું ? ક્યાં છો હમણાં ?’
‘બસ ત્યાં જ ! મુંબઈ હૅડઑફિસ. અહીં બિઝનેસ કનેકશનમાં આવ્યો હતો.’
‘વેરી ગુડ ! કંઈ કામકાજ હોય તો બોલો.’ કહેતાં મહેતાસાહેબ ફાઈલો અને ફોનમાં વ્યસ્ત થઈ ગયા. એ મહેતાસાહેબને એમના શાલિન વિષે પૂછવા માગતો હતો, પણ પૂછી ન શક્યો.
‘જાઉં ત્યારે સાહેબ !’ એણે કહ્યું અને મહેતાસાહેબે ફોન પર વાત કરતાં કરતાં જ સંમતિસૂચક ડોકું હલાવ્યું અને વીંઝતા ફલશ ડોરને પાછળ મૂકી એ ધડધડાટ દાદર ઊતરી ગયો. એક અજીબ ઉદાસીથી એનું મન ખિન્ન થઈ ગયું હતું. ગ્રાઉન્ડ ફલોરનાં છ પથ્થરી પગથિયાં ઊતરી ઑફિસના કંપાઉન્ડમાંથી ઝડપથી નીકળી જવા એણે પગ ઉપાડ્યો. પણ ત્યાં એક કૂતરાના ભસવાના અવાજે એને ચમકાવી દીધો. મેંદીની વાડ પાછળથી એક મોટા કદનો લાલ કૂતરો ભસતો ભસતો ઠેઠ એની પાસે આવી ગયો. એ કૂદીને બે ડગલાં પાછળ હટી ગયો. ‘અરે સા’બ, ડરો નહીં ! યે તો અપના લલ્લુ હે લલ્લુ !’ કહેતાં ઑફિસના દરવાજે બેઠેલો ગુરખો સ્ટૂલ પરથી ઊભો થઈ દોડી આવ્યો. હવે એ ઓળખી ગયો એ કૂતરાને. એના ભસવામાં રહેલી પરિચયની બોલી એનાથી પરખાઈ ગઈ. એ જ્યારે અહીં હતો ત્યારે દરરોજ લંચમાં થોડોક નાસ્તો બચાવી એ લલ્લુને ખવડાવતો. ત્યારે તો લલ્લુ નાનાં ગલૂડિયાના રૂપમાં હતો અને દરરોજ બરાબર લંચ-અવરમાં એ ઑફિસના દરવાજા આગળ પૂંછડી હલાવતો ઊભો રહેતો અને ઘણી વાર લિપિ ખિજાઈને એને કહેતી, ‘આ કૂતરાનું તને શું ઘેલું લાગ્યું છે અક્ષર ?’ અને એ મજાકમાં ઉત્તર આપતો, ‘માણસજાતે છોડી દીધેલી વફાદારીની આદત આ જાનવરની જાતે જાળવી રાખી છે એટલે મને આ કૂતરાની જાત પ્રત્યે આદર છે.’

એને બધું યાદ આવી ગયું અને એણે વહાલથી લલ્લુના માથે હાથ ફેરવ્યો. ઊરુઊંઊં…ઊરુઊંઊંનો મીઠો ગૂર્રાટ કરતો લલ્લુ પૂંછડી હલાવતો બે પગે ઊભો થઈ ગયો હતો. એની ગુલાબી જીભ બહાર લટકતી હતી અને ચિપડાવાળી સ્નિગ્ધ આંખોમાંથી અમી ઝરતું હતું. એણે રિસ્ટ-વૉચમાં જોયું. લંચ-અવર્સનો ટાઈમ થવા આવ્યો હતો. ‘લો કર્નલ સિંગ ! લલ્લુ કે લિયે કૅન્ટીનમે સે બિસ્કિટ લે આઓ તો ઔર અપને લિયે ભી કુછ નાસ્તા લે લેના !’ ગુરખાને પચાસની નોટ આપતાં એણે કહ્યું અને એક ઊંડો નિઃશ્વાસ મૂકી એ લલ્લુની આંખોની સ્નિગ્ધ ભીનાશમાં ઓગળી ગયેલા છ વર્ષના ‘ટાઈમ-સ્કૅવેર’ને શોધી રહ્યો- ક્યાંય સુધી…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચારિત્ર્યની સુગંધ – રોહિત શાહ
જીવનસરિતા – સંકલિત Next »   

17 પ્રતિભાવો : ટાઈમ-સ્ક્વૅર – નસીર ઈસમાઈલી

 1. Amee says:

  Story is little bit unfinished or something lacking like some end….

  why suddenly mrs lipi start reacting like this? why so changed…….

  anyways article is good…….

  • YAQUB VAHORA says:

   Bcoz time has changed all. Now lipi forgotten all with akshar and satteled with his compromised marriage life..
   Now in her life she don’t need any man…

 2. Moxesh Shah says:

  વાહ વાહ નસિરભાઈ વાહ. હંમેશ ની જેમ, દીલ ના તાર ને ઝન્ક્રુત કરી દે તેવી વાર્તા.

 3. સરસ વાર્તા.
  માણેલો સમય ફરીથી નહિ માણી શકવાની વ્યથા. સંબધોની ઊષ્મા સમયના વહેણમાં તણાઈ જાય છે.
  વર્ષો પછી જૂની જગ્યાએથી, જૂના મિત્ર પાસેથી, જૂના સંબધીઓ તરફથી અપેક્ષિત લાગણીના પડઘા નથી પડતા.
  સરકારી ઓફિસ જેવી જગ્યાએ તો ઘણા સંબંધો કામચલાઉ હોય છે. જો કે એમાં કોઈને દોષ આપવાનો અર્થ નથી. એ માનવ સ્વભાવ અને દુનિયાદારીનો હિસ્સો છે.
  પ્રાણીઓને આવી મજબૂરી નહિ હોય.
  વર્ષો પહેલાં શ્રી નસીર ઈસમાઈલીની એક નવલકથા વાંચી હતી એ યાદ આવી ગઈ. “તૂટેલો એક દિવસ”
  લેખકનો તેમજ ‘રીડ ગુજરાતી’નો અભાર.

 4. swarupa says:

  The story is really nice as we expect from Nasir Ismail. Change is the law of life. It applies to each and every human relation.

 5. tia says:

  એક અધૂરી વાર્તા હમેશાં આવીજ હોય છે.

 6. Vaishali Maheshwari says:

  As we move forward in life (like 6 years in this story), priorities change and so do relations and their importance.

  When we call or meet our old friends, sometimes, we feel so excited and just wait for the reunion, but we might not get a similar response from our friends and that is disheartening. But, this is how life is. As we grow older we become more responsible – career and family grows, so priorities change. This is sad but true.

  Thank you for this beautiful story Shri Nasir Ismaili. Enjoyed reading it.

 7. Riken says:

  Such a like true story for today s life…
  As we are leave job and a connected relation at job also left.

 8. Ilias Shaikh San Francisco CA says:

  માણેલો સમય ફરીથી નહિ માણી શકવાની વ્યથા. સંબધોની ઊષ્મા સમયના વહેણમાં તણાઈ જાય છે. વર્ષો પછી જૂની જગ્યાએથી, જૂના મિત્ર પાસેથી, જૂના સંબધીઓ તરફથી અપેક્ષિત લાગણીના પડઘા નથી પડતા. — Absolutely right, Last time when i went back home to India, i passed through the same experience from some of the friends and relatives. Its really disheartening for a emotional person like me.

  • vipul vaishnav says:

   આવોજ અનુભવ લગભગ બધા ને થાતો જ હશે. વાન્ક કોઇનો નથેી

 9. Jay Kant (Leicester, U K) says:

  રસપ્રદ વાર્તા.

  When we call or meet our old friends, sometimes, we feel so excited and just wait for the reunion, but we might not get a similar response from our friends and that is disheartening.

 10. HIREN DESAI SAN JOSE CALIFORNIA USA says:

  નસિર ખુબ જ સુન્દર વાર્તા

 11. M.D.Gandhi, U.S.A says:

  બહુ સુંદર વાર્તા છે.

 12. એકદમ સાચી વાત કરી સાયબ! Enjoyed…

 13. Kalidas V. Patel {Vagosana} says:

  નશીરભાઈ,
  એકદમ સંવેદનશીલ વાર્તા આપી. મજા આવી ગઈ.
  આપનિ ઘણીબધી વાર્તાઓ વાંચવાનું નશીબ પ્રાપ્ત થયું છે.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.