જીવનસરિતા – સંકલિત

[1] જગતને જોવાની મજા – એસ્થર ગ્રેહામ

રેલગાડીમાં સફર કરતા એક માણસ અને તેના નાના પુત્રની પાછળની બેઠકમાં હું બેઠી હતી. પાટાની બેઉ બાજુ જે દશ્યો પસાર થતાં હતાં તેમાં એ છોકરાને ખૂબ રસ પડતો હોય એમ લાગ્યું, ને પોતે જે કાંઈ જુએ તેનું વર્ણન એ પિતાને મોઢે સતત કરતો જતો હતો. એક નિશાળના ચોગાનમાં રમતાં બાળકોની વાત એણે કરી, એક વોંકળામાં પડેલા પથ્થરોની વાત કરી અને પાણી પર પડતાં સૂરજનાં કિરણો વર્ણવ્યાં. વચમાં, એક માલગાડીને જવા દેવા માટે અમારી ગાડી ઊભી રહી ત્યારે, એ ભારખાનાના દરેક ડબ્બામાં શું શું હશે તેની અટકળ એણે ચલાવી. એમને ઊતરવાનું સ્ટેશન નજીક આવતું ગયું તેમ તેમ તો એ છોકરાની ખુશાલી વધતી ચાલી. સફરને અંતે આગલી બેઠક પર જરા નમીને પિતાને મેં કહ્યું : ‘એક બાળકની આંખો મારફત જગતને જોવામાં કેવી મજા આવે છે – નહીં ?’

સ્મિત કરીને એમણે જવાબ વાળ્યો, ‘હા, બહુ જ. એ એક જ રીતે આપણે જગતને જોઈ શકીએ તેમ હોઈએ, તો તો ખાસ.’ એ અંધ હતા. (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)

.

[2] સત્યનો સાક્ષાત્કાર – મૃગેશ શાહ

કેટલીક ઘટનાઓ બહુ સામાન્ય હોય છે પરંતુ ક્યારેક ઘણી મોટી શીખ આપી દેતી હોય છે. હમણાં એવું જ બન્યું. અમુક કામસર અમારા એક પરિચિત સ્નેહીને ત્યાં અમદાવાદ જવાનું થયું. બાલવાડીમાં જતો એમનો દીકરો હજી માંડ બોલતા શીખ્યો હતો. સ્વાભાવિક રીતે આપણે કોઈને ત્યાં જઈએ એટલે તેમના બાળકને તેડી લઈએ અને પછી રમૂજમાં એને રમાડવા માટે એમ કહેતા હોઈએ છીએ કે “તને લઈ જવા આવ્યો છું.” મેં પણ એમ જ કર્યું અને એ ભાઈ તો ભેંકડો તાણીને રોવા માંડ્યાં ! એને સાચે જ એમ થયું કે હું એને લઈ જઈશ. અહીં ‘સાચે જ’ શબ્દ આપણે વાપરવો પડે છે તે કઠણાઈ છે. હકીકતે તો સત્ય સિવાય બીજું કશું છે જ નહિ. બાળકને ખબર જ નથી કે અસત્ય શું છે. બાળકને તો આપણામાં એવો વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિ જે બોલે છે એ પ્રમાણે જ તે કરશે. અજાણતા જ એ બાળકે મારામાં કેટલો બધો વિશ્વાસ મૂકી દીધો હતો ! અને મેં એને શું શીખવ્યું ? – અસત્ય ! કારણ કે હું કંઈ તેને વડોદરા લઈ જવાનો નહોતો ! બાળકની અજ્ઞાત અવસ્થામાં પણ તેનામાં રહેલા સત્યને જે ઠેસ લાગી, એમાં હું નિમિત્ત બન્યો. ‘માણસ જે બોલે એ ન પણ કરે’ એવું એના મનમાં બીજ રોપાયું.

ઘટના તો બહુ સામાન્ય બની. ઘણા બધા લોકો આમ કરતાં પણ હોય છે. પરંતુ આ ઘટના અંગે વિચારતાં મને લાગ્યું કે આ અસત્યના બીજ રોપવા જેવી બાબત છે. કેટલા ભોળપણથી અને નિર્દોષતાથી એણે એમ માની લીધું હતું કે હું જે બોલું છું એ સત્ય જ છે અને હું એ જ પ્રમાણે વર્તીશ જે પ્રમાણે હું બોલું છું. ખરેખર ! આવો અદ્દભુત વિશ્વાસ તો કેવળ બાળક જ મૂકી શકે. આજનો શિક્ષિત સમાજ તો ‘બાળક છે એટલે ભોળવાઈ જાય !’ એમ કહીને આવી બાબતોને નજરઅંદાઝ કરી નાંખે છે. હકીકતે, આવી ઘટનાઓથી જ બાળકને ઈશ્વર તરફથી શું મળ્યું છે તેનું ઉત્તમ દર્શન થાય છે, ખરું ને ? મારા માટે તો આ જ સત્યનો સાક્ષાત્કાર બની ગયો.
.
[3] ગ્લાનિ – ફાધર વાલેસ

રાજાએ ભરેલા દરબારમાં રાજગુરુને પ્રશ્ન કર્યો : ‘જૂના જમાનામાં પ્રજામાં ધર્મનું બળ હતું તે અત્યારે કેમ નથી ?’ રાજગુરુએ જવાબ તો આપ્યો નહિ, પણ બધાંની આગળ એક મોટા વાસણમાં તેલ ભરી દીધું, અને દરબારમાં ઊભેલા હતા એ દરેકના હાથમાં એવું એક ખાલી વાસણ મૂકીને સૌને આજ્ઞા કરી કે તેલવાળું વાસણ લઈને એની બાજુની વ્યક્તિના હાથમાં ખાલી રહેલા વાસણમાં બધું તેલ રેડી આપે, અને એ વળી એ તેલ લઈને બાજુવાળાના ખાલી રહેલા વાસણમાં રેડે અને એમ બધાં કરતાં જાય.

એમ એક એક પોતાના પાત્રમાં તેલ લે અને બીજાના પાત્રમાં રેડે, અને ક્રમે ક્રમે દરબારનું આખું ચક્ર પૂરું થયું અને છેલ્લા દરબારીએ પોતાના પાત્રમાંનું તેલ રાજાના હાથમાં રહેલા પાત્રમાં રેડી દીધું. રાજાએ જોયું તો થોડાંક જ ટીપાં એના પાત્રમાં પડ્યાં. અને સૌએ પણ રાજાની સાથે એ જોયું. તેલ ઘણું હતું. પણ વાસણે વાસણે એ ચોંટતું જાય એટલે શરૂઆતમાં ખાસ ફેર દેખાતો નથી પણ એનું પ્રમાણ ઓછું થતું જાય, અને આખરે રાજાના હાથમાં થોડાં જ ટીપાં આવી જાય.
રાજા સમજી ગયા.
બધાં સમજી ગયાં.
ધર્મના અનુભવને બદલે ધર્મનું શિક્ષણ આવે ત્યારે ધર્મની ગ્લાનિ આવે. (‘પ્રસન્નતાની પાંખડીઓ’ પુસ્તકમાંથી સાભાર.)
.
[4] ભૂતકાળના ઉપકારો ભૂલાઈ જાય છે – ભદ્રાયુ વછરાજાની

એક માણસે, કરુણાભાવે વાઘને પાંજરામાંથી છોડ્યો. જેવો તે છૂટો થયો, તેવો તે માણસને ખાવા દોડ્યો.
માણસે કહ્યું : ‘મેં તારા ઉપર કરેલ ઉપકારને તું કેમ ભૂલે છે ? ઉપકાર જેવી કોઈ ચીજ હોય છે.’
વાઘે આ વાતનો પ્રત્યાઘાત આપતાં કહ્યું : ‘ભૂતકાળના ઉપકારો જલદી ભૂલાઈ જાય છે. કોઈપણને પૂછી જુઓ.’

બંનેએ આ પ્રસંગ ત્યાંથી પસાર થતા કૂતરા સમક્ષ રજૂ કર્યો. કૂતરાએ અભિપ્રાય આપતાં કહ્યું :
‘વાઘ સાચો છે. મેં મારી યુવાનીમાં મારા માલિકની ઘણી સારી સેવા કરી, પરંતુ હું ઘરડો થયો, એટલે તેણે મને જંગલમાં ધકેલી દીધો.’ માણસે બીજો અભિપ્રાય લેવાની માંગણી કરી, એટલે ત્યાંથી પસાર થતા ઘોડાને પૂછવામાં આવ્યું. એણે પણ લગભગ કૂતરા જેવો જ અભિપ્રાય આપ્યો. માણસે ત્રીજા અભિપ્રાયની માંગણી કરી. આ વખતે જોગાનુજોગ શિયાળ મળી આવ્યું. તેણે કહેલી વાતને માનવાની ના પાડી અને માણસ અને વાઘ વચ્ચે જે બન્યું હતું, તેનું નિદર્શન કરી બતાવવા જણાવ્યું. વાઘ શિયાળની મૂર્ખતા પર ગુસ્સે થતો થતો પાંજરામાં સરક્યો. શિયાળ કૂદ્યું અને પાંજરું બંધ કરી દીધું. તેણે માણસને કહ્યું : ‘મેં તને મુસીબતમાંથી છોડાવ્યો છે, તું મને બદલામાં શું આપશે ?’
માણસે વિચાર્યું : ‘મારે શા માટે શિયાળના અહેસાનમાં આવવું જોઈએ ?’ અને શિયાળનો પીછો પકડી તેને દૂર હાંકી કાઢ્યું. (‘હૈયું-મસ્તક-હાથ’ પુસ્તકમાંથી સાભાર.)
.
[5] મરણ – રમેશ સવાણી

કેટલાય મહિનાઓ પછી વતનમાં જવાનું થયું. ઘરેથી પત્ર આવ્યો કે દાદાનો પગ ભાંગી ગયો છે એટલે…. મનમાં થયું : ‘સારું થયું પગ ભાંગ્યો. હવે દાદા શાંતિથી બેસશે. માથું ફાડી નાખે તેવો તડકો હોય કે કડકડતી ઠંડી. દાદા કામ કરતા જ હોય, થાકે જ નહીં. આટલી ઉંમરે શી જરૂર હતી સખત કામ કરવાની ? મા દીકરાને નવડાવે તેમ દાદા રોજ ભેંસોને ધમારે. ભેંસને વાળવા ગયા અને પડી ગયા. પગ ભાંગી ગયો….’
ઘરે પહોંચ્યો.
દાદાની સારવાર કરી રહેલ ડૉક્ટરને મેં પૂછ્યું : ‘દાદાને સારું થઈ જશે ?’
ડૉક્ટર કંઈ બોલે તે પહેલાં પિતાજીએ કહ્યું : ‘હવે સારું થશે ઉપર જશે ત્યારે !’
મને આંચકો લાગ્યો. પિતાજી ડૉક્ટરને લઈને બહાર ગયા ત્યારે દાદાએ કહ્યું, ‘દીકરા શું કહું ? કોને કહું ? તારી બા ય પૂરો રોટલો ખાવા આપતી નથી. હું ઝટ મરું એની જ સૌ રાહ જોઈ રહ્યા છે…..’

થોડા દિવસ પછી, ઑફિસમાં હું એકલો બેઠો હતો ત્યારે એક સ્નેહીએ આવીને મારા મોંમાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો. મેં પૂછ્યું : ‘શું છે ? શેની ખુશી છે ?’
‘આજે હું દાદા બન્યો છું.’
મીઠાઈ મારે ગળે જ અટકી ગઈ. (‘ગુજરાતી લઘુકથાસંચય’ પુસ્તકમાંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “જીવનસરિતા – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.