ઉધ્ધવગીતા – શ્રીમદ ભાગવત

[ આજે ‘જન્માષ્ટમી’ના પર્વની સૌ વાચકમિત્રોને શુભકામનાઓ. જેને આ વેબસાઈટ સમર્પિત કરવામાં આવી છે તેવા શ્રીમદ ભાગવતમાંથી આજે ‘ઉદ્ધવગીતા’નો કેટલોક અંશ માણીને ભગવાન શ્રીકૃષ્ણના એ અમૃત વચનોનું સ્મરણ કરીએ. આ પ્રસંગ અગિયારમા સ્કંધમાં આપવામાં આવ્યો છે જેમાં સ્વધામગમન પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય સખા ઉદ્ધવને ‘જીવન કેવી રીતે જીવવું’ તેનો ઉપદેશ કરે છે. આ પર્વ નિમિત્તે આજે આ એક જ વિશેષ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી.]

[1] પ્રિય ઉદ્ધવ ! સત્સંગનો મહિમા ખૂબ અદ્દભુત છે. આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈ પણ સાધન નથી. આ જે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, નિયમ-યમ વગેરે જેટલાં સાધનો છે તેમનાથી એટલી સરળતાથી મારી પ્રાપ્તિ નથી થતી, જેટલી સત્સંગથી થાય છે. કેમ કે, સત્સંગથી બધા પ્રકારની આસક્તિ નષ્ટ થઈ જાય છે. આસક્તિ નાશ થવાથી ભક્તની મારામાં ભક્તિ પ્રબળ થાય છે અને તે મને સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે.

[2] તમે તો જાણો છો કે હું જે એકમાત્ર ગોપીઓનો પ્રિયતમ છું. જ્યારે હું વૃન્દાવનમાં હતો, ત્યારે તેમણે ઘણી રાત્રીઓ-તે મહારાસની રાત્રિઓ તેમણે અરધા ક્ષણની જેમ વિતાવી દીધી હતી; પરંતુ પ્રિય ઉદ્ધવ ! મારા વિના એ જ રાત્રિઓ એક-એક કલ્પ જેવડી થઈ પડી હતી. તે ગોપીઓનો મારામાં એવો અતૂટ પ્રેમ હતો અને તેમની બુદ્ધિ મારામાં એવી સ્થિર થઈ ગઈ હતી કે મારા સિવાય અન્ય કાંઈ પણ તેમની સ્મૃતિમાં રહ્યું નથી. અનન્ય આસક્તિથી બંધાયેલી બુદ્ધિવાળાં ગોપીજનો પોતાના દેહને વિસરી જતાં તેમજ સમીપ કે દૂર રહેલા પદાર્થને પણ જાણતાં ન હતાં. જેમ મુનિઓ સમાધિમાં સર્વ કાંઈ ભૂલીને ભગવાન સાથે એક થઈ જાય છે, નદીઓ જે રીતે સમુદ્રમાં મળીને પોતાનું નામ-રૂપ છોડી દે છે, તે જ પ્રમાણે ગોપીઓ પણ મારામાં એકભાવે સ્થિત થઈ ગઈ હતી. ઉદ્ધવ ! તે ગોપીઓમાં ઘણી તો એવી હતી જે મારા વાસ્તવિક સ્વરૂપને જાણતી ન હતી. તે કેવળ મને તેમનો પ્રિયતમ જ સમજતી હતી, તેમનો જારનારી જેવો અનન્ય આર્તભાવ હતો. તે સાધનહીન સેંકડો-હજારો અબળાઓએ માત્ર સંગના પ્રભાવથી જ મુજ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. તેથી હે ઉદ્ધવ ! તમે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ, વિધિ-નિષેધ, આ લોક અને પરલોકસંબંધી સઘળા કર્મોનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓના આત્મસ્વરૂપ એકમાત્ર મુજ પરમાત્માના જ અનન્યભાવથી શરણે થઈ જાઓ; પછી તમને કોઈ પ્રકારનો ભય રહેશે નહિ.

[3] પ્રિય ઉદ્ધવ ! અજ્ઞાની પોતાના હૃદયમાં ‘હું અને મારું’ આવી મિથ્યા આસક્તિ કરી લે છે, તે જ તેના દુઃખનું કારણ છે. વાસ્તવમાં મન સ્વરૂપથી સત્વગુણપ્રધાન હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે, પરંતુ અહંતા-મમતાને કારણે તેને ઘોર રજોગુણ ઘેરી લે છે. પણ રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરવા માંડે છે, નિરંતર તે ગુણોનું જ ચિંતન થાય છે. તેનાથી કામના ઉત્પન્ન થાય છે, બુદ્ધિ દૂષિત થઈ જાય છે. આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઈન્દ્રિયો પરનો કાબૂ ગુમાવી બેસે છે. કામનાઓના વશમાં થઈને તથા રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્ય એવાં કર્મોમાં ફસાઈ જાય છે કે જેનું પરિણામ માત્ર દુઃખ જ દુઃખ છે. વિદ્વાનોની પણ બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ચલિત થાય છે, પરંતુ તે સાવધાનીપૂર્વક મનને ભગવાનમાં જોડીને તે કર્મો પ્રત્યે દોષદષ્ટિ કરીને તેમાં આસક્ત થતા નથી. તેથી હે ઉદ્ધવ ! કલ્યાણની કામનાવાળા મનુષ્યોએ સાવધાન રહેવું જોઈએ. ક્રમશઃ અભ્યાસ દ્વારા મનને મારામાં પરોવી, સાધનામાં ધીરજ રાખી પ્રયાસ કરતાં રહેવું. પ્રાણ અને આસન ઉપર કાબૂ રાખવો. બધા જ વિષયોમાંથી મનને સારી રીતે ખેંચી લેવાથી નિર્વિષય બનેલું મન મારામાં દઢતાથી સ્થિર થઈ જાય છે.

[4] ઉદ્ધવ ! મને તમારા જેવા પ્રેમીભક્ત જેટલા પ્રિયતમ છે તેટલા પ્રિય મારા પુત્ર બ્રહ્મા, આત્મા શંકર, સગાભાઈ બલરામજી, સ્વયં મારાં અર્ધાંગિની લક્ષ્મીજી અને મારો પોતાનો આત્મા પણ નથી. જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન-ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ-દ્વેષ છોડીને સર્વમાં સમાન દષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ-પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઊડીને મારા ઉપર પડી જાય, જેથી મારામાં વસેલા બધા લોક પવિત્ર થઈ જાય. મારા અકિંચન ભક્તનું ચિત્ત સદા મારામાં જ પરોવાયેલું રહે છે. એવા તે મહાપુરુષો (ભક્તો) ઘણા જ શાંત સ્વભાવવાળા હોય છે. બધા જીવો પ્રતિ તેમનો હેતુરહિત આત્મભાવ રહે છે, કામનાઓથી તેમની બુદ્ધિ દૂષિત થતી નથી. આવા પ્રકારના સંતો જે ભક્તિ દ્વારા પરમસુખનો અનુભવ કરે છે, તે સુખને અન્ય લોકો જાણી શકતા નથી.

[5] ઉદ્ધવજી ! પ્રાણીઓમાં તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય મારી વિભૂતિઓ છે. હું જ પ્રાણીઓમાં (મનુષ્યોમાં) ચાલવાની, બોલવાની, મળત્યાગની, પકડવાની, આનંદ-ઉપભોગની શક્તિ છું. સ્પર્શની, દર્શનની, સ્વાદની, સાંભળવાની અને સૂંઘવાની શક્તિ પણ હું જ છું. સમસ્ત ઈન્દ્રિયોની ઈન્દ્રિય-શક્તિ હું જ છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અહંકાર, મહતત્વ, પંચમહાભૂત, જીવ, અવ્યક્ત પ્રકૃતિ, સત્વ, રજ, તમ – આ બધા વિકારો અને તેમનાથી પર રહેનારા બ્રહ્મ – આ બધું હું છું. આ બધાં તત્વોની ગણના, લક્ષણો દ્વારા તેમનું જ્ઞાન તથા તત્વજ્ઞાન દ્વારા તેનું ફળ પણ હું જ છું. હું જ ઈશ્વર છું, હું જ જીવ છું, હું જ ગુણ છું અને ગુણી પણ હું જ છું. હું જ સર્વનો આત્મા છું અને સર્વરૂપ પણ હું છું. મારા સિવાય કોઈ પણ પદાર્થ ક્યાંય નથી. જો હું ગણવા લાગું તો કદાચ પરમાણુઓની ગણતરી થઈ જાય, પરંતુ મારી વિભૂતિઓની ગણના થઈ શકે એમ નથી. કેમ કે, જ્યારે મારા રચેલાં કોટિ-કોટિ બ્રહ્માંડોની પણ ગણતરી થઈ શકતી નથી ત્યારે મારી વિભૂતિઓની ગણતરી કઈ રીતે થઈ શકે ?

[6] આ મનુષ્ય-શરીર અત્યંત દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેને ઈચ્છે છે અને નરકના જીવો પણ મનુષ્ય-શરીરની કામના કરે છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગના સાધકો પણ મનુષ્ય-શરીરની કામના કરે છે, કેમકે, સ્વર્ગ અથવા નરક બન્ને સ્થાનોમાં ભગવત્પ્રાપ્તિ થતી નથી, તે તો માત્ર મનુષ્ય-શરીરમાં જ થાય છે. વિવેકી પુરુષે સ્વર્ગ, નરક અથવા આ લોકની કોઈ પણ કામના ન કરવી જોઈએ, એટલું જ નહિ, આ મનુષ્ય-શરીર શ્રેષ્ઠ છે, માટે ફરી હું મનુષ્ય થાઉં એવી પણ ઈચ્છા ન કરવી જોઈએ. કારણ કે કોઈ પણ દેહાસક્તિ રાખવાની મનુષ્ય પ્રમાદી બને છે અને તેનું પતન થાય છે. તેથી સાવધાન થઈને વિવેક દ્વારા એવું સમજીને કે, આ શરીર મરણધર્મી હોવા છતાં પણ પરમાત્મપ્રાપ્તિ કરાવનારું છે. આવો દઢ નિશ્ચય કરીને મૃત્યુ આવે તે પહેલાં જ આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. આ શરીર એક વૃક્ષ છે. તેમાં માળો બનાવીને જીવરૂપી પક્ષી રહે છે. તેને યમરાજના દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે. જેમ પક્ષી કપાઈ રહેલાં વૃક્ષને છોડીને ઊડી જાય છે એ જ પ્રમાણે આ મનુષ્ય-શરીરને કાળ રાત-દિવસ ખૂબ જ ત્વરાથી કાપી રહ્યો છે. જે મનુષ્ય કાળની આ ક્રિયા જોઈને ભયભીત થઈને કામનાશૂન્ય થઈ જાય છે તે જ પરમાત્મતત્વને જાણીને શાંતાત્મા થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. સર્વ પ્રથમ વાત તો એ છે કે આ મનુષ્ય-શરીર અત્યંત દુર્લભ છે તેમ છતાં મારી અપાર કૃપાથી તે સુલભ થઈ ગયું છે. સંસાર-સાગરથી પાર ઊતરવા માટે મનુષ્યશરીર જ એક દઢ નૌકા છે. ગુરુદેવ તે નૌકાના કર્ણધાર છે. અનુકૂળ વાયુ બનીને તેને હું ચલાવું છું. મારી આટલી કૃપા હોવા છતાં પણ જે આ સંસાર-સાગરથી પાર ન ઊતરે તો એવું જ માનવું જોઈએ કે, તે સ્વયં જ પોતાના આત્માની હત્યા કરી રહ્યો છે.

[7] માનસિક શાંતિ અને ઈન્દ્રિય-વિજય વગેરે ગુણોથી સત્વગુણી, કામના વગેરેથી રજોગુણી અને ક્રોધ-હિંસા વગેરેથી તમોગુણી પુરુષ છે એવું સમજવું જોઈએ. પુરુષ હોય કે સ્ત્રી – જ્યારે તે નિષ્કામ થઈને પોતાનાં નિત્ય કર્મો દ્વારા મારી આરાધના કરે છે ત્યારે તેમને સત્વગુણી જાણવાં જોઈએ. સકામભાવે પોતાનાં નિત્ય કર્મો દ્વારા મારું યજન-ભજન કરવાવાળો રજોગુણી અને પોતાના દુશ્મનને મારવા માટે, મારી ભક્તિ કરે તેને તમોગુણી સમજવો જોઈએ. સત્વ, રજ, તમ – આ ત્રણે ગુણો જીવના છે, મુજ પરમાત્માના નથી. આ ગુણો પ્રાણીઓના ચિત્તમાં પેદા થાય છે. આ ગુણોને કારણે જ શરીર, ધન વગેરેમાં આસક્ત થઈને જીવ બંધનમાં આવી જાય છે. સત્વગુણ પ્રકાશક, નિર્મળ અને શાંત છે. જ્યારે તે રજોગુણ અને તમોગુણને દબાવીને વૃદ્ધિ પામે છે ત્યારે પુરુષ સુખ, ધર્મ અને જ્ઞાન વગેરેથી યુક્ત થઈ જાય છે. રજોગુણ ભેદબુદ્ધિનું કારણ છે. તેનો સ્વભાવ છે આસક્તિ અને પ્રવૃત્તિ. જ્યારે તમોગુણ અને સત્વગુણને દબાવીને રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે મનુષ્ય દુઃખ, કર્મ, યશ અને લક્ષ્મીથી સંપન્ન થાય છે. તમોગુણ અજ્ઞાનસ્વરૂપ છે. તેનો સ્વભાવ છે આળસ અને બુદ્ધિની મૂઢતા. જ્યારે તે વૃદ્ધિ પામીને સત્વગુણ અને રજોગુણને દબાવી દે છે ત્યારે પ્રાણી જાત-જાતની તૃષ્ણાઓ કરે છે, શોક-મોહથી ગ્રસ્ત થઈ જાય છે, હિંસા કરવા લાગે છે અથવા નિદ્રા, આળસના કારણે પડી રહે છે. જ્યારે ચિત્ત પ્રસન્ન હોય, ઈન્દ્રિયો શાંત હોય, શરીર નિર્ભય હોય અને મનમાં કોઈ આસક્તિ ન હોય ત્યારે સત્વગુણની વૃદ્ધિ સમજવી જોઈએ. આ સત્વગુણ મારી પ્રાપ્તિનું સાધન છે. જ્યારે કામ કરતાં કરતાં મનુષ્યની બુદ્ધિ ચંચળ, જ્ઞાનેન્દ્રિયો અસંતુષ્ટ, કર્મેન્દ્રિયો વિકારી, અસ્થિર અને શરીર અસ્વસ્થ થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે રજોગુણ જોર કરી રહ્યો છે. જ્યારે ચિત્ત જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયોને બરાબર સમજવામાં અસમર્થ થઈ જાય અને શોકમાં લીન થવા લાગે, મન તદ્દન શૂન્યવત બની જાય ત્યારે તમોગુણની વૃદ્ધિ સમજવી જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ઉધ્ધવગીતા – શ્રીમદ ભાગવત”

Copy Protected by Chetan's WP-Copyprotect.