આપણી બુદ્ધિસંપદા – વિનોદ ગુપ્તા

[‘ઈન્ફો-યુએસએ’ના સ્થાપક અને અધ્યક્ષ શ્રી વિનોદ ગુપ્તાએ તા. 13 ઓગસ્ટ, 2005ના રોજ ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી’, ખડગપુર ખાતે આપેલ પ્રવચન અહીં ‘વિચારવલોણું પરિવાર’ દ્વારા પ્રગટ કરવામાં આવેલા પુસ્તક ‘જીવનકલ્પ’માંથી સાભાર પ્રકાશિત કરવામાં આવ્યું છે.]

[dc]તેં[/dc]તાલીસ વર્ષ પૂર્વે હું આ જ સંસ્થામાં પ્રથમ વર્ષનો ઈજનેરી વિદ્યાર્થી હતો અને ત્યારે મેં તેનો પ્રથમ પદવીદાન સમારોહ માણ્યો હતો. એ વીતેલા વર્ષોમાં નજર નાખું છું ત્યારે આઈ.આઈ.ટી.ના એક વિદ્યાર્થી તરીકે મારા જીવનમાં ચાર મહત્વના દિવસોનો અત્રે નિર્દેશ કરીશ.
પહેલો દિવસ અલબત્ત એ જ કે જ્યારે હું જન્મ્યો.
બીજો દિવસ કે જ્યારે મને આઈ.આઈ.ટી.માં પ્રવેશ મળ્યો.
ત્રીજો દિવસ કે જ્યારે હું અહીંથી સ્નાતક થયો.
ચોથો દિવસ આજનો કે જે સૌથી મહત્વનો એટલા માટે કે આજનું પદવીપ્રવચન આપવાનું બહુમાન તમે લોકોએ મને આપ્યું છે.

ભૂતકાળમાં લોકો તેમના કઠોર પરિશ્રમ થકી આર્થિક સંપત્તિ પેદા કરતા. એ પછી ઔદ્યોગિક યુગ આવ્યો. અલબત્ત એમાં ય યંત્રોનું નિર્માણ તો લોકોએ જ કર્યું. એ પછીના પચાસ વર્ષે આજે બૌદ્ધિક મૂડી સમાજની આર્થિક સંપત્તિનો સાચો માપદંડ બની છે. વર્ષો સુધી યંત્રો, રોબોટસ અને કોમ્પ્યુટર્સ ઘણી બાબતો શક્ય બનાવતા રહેશે, પરંતુ બુદ્ધિબળ-intellectual force સૌથી મહાન સર્જક અને સંશોધક છે. આ સર્જક બળોને આગળ કરવાને અને છેવટે આપણા બધાનું જીવન સુખી તથા સમૃદ્ધ બનાવવા માટે આપણે આપણા રાષ્ટ્રના ઘડવૈયાઓ અને ભારતના લોકશાહી સમાજનો આભાર માનવો રહ્યો. તમે સ્વપ્નો સેવો અને સાકાર કરવા સઘળું કરી છૂટો. અલબત્ત, આ સ્વપ્ન કાયદાની મર્યાદામાં હોવા જોઈએ.

ઈજનેરીની પદવી મળી ગઈ એનો અર્થ એવો નથી કે તમારે કોઈ ઈજનેરી વ્યવસાયને જ અપનાવવાનો છે. આઈ.આઈ.ટી.માંથી મળેલું શિક્ષણ એ તો એક પાયાગત બાબત છે. મારી દષ્ટિએ તો આઈ.આઈ.ટી. વિશેષ કરીને ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ઈન્ટેલૅકચ્યુઅલ લર્નીંગ’ (ભારતીય બૌદ્ધિક શિક્ષણ સંસ્થાન) છે. એ પછી તમારે તમારી ઘેલછા- passion સાકાર કરવા મથવાનું છે. જો તમારે દાકતર બનવું હોય તો દાકતર બનો. લેખક બનવું હોય તો લેખક. ચિત્રકાર બનવું હોય તો તેમ. તમારે આઈ.એ.એસ. કે લશ્કરમાં જોડાવું હોય તો તેમ કરો. કોઈ એમ કહે કે તમારી પાસે ઍરૉનૉટિક્સની પદવી છે ને તમે તો ચિત્રકાર થયા છો, તો તમારો પ્રતિભાવ એ હોવો જોઈએ કે હું મારી ઘેલછા પાછળ છું. આ જ એક ઉત્તમ રસ્તો છે દેશની સેવા કરવાનો.

હંમેશા પ્રામાણિક અને સાચા બનો. એ જ તમને જીવનમાં ઉત્તમ પરિણામો આપશે, મનની શાંતિ આપશે. સમાજ તરફથી સન્માન આપશે. ક્યારેય માનશો નહિ કે ભલા લોકો જીવનમાં છેલ્લા પામે છે – Nice guys finish last. હું માનું છું કે ભલા, પ્રામાણિક અને સાચા લોકો પ્રથમ પામે છે. જો તમે કાંઈક અપ્રામાણિક રીતે કરશો તો તમને ફાયદો કદાચ થશે પણ ખરો પરંતુ ટૂંકાગાળાનો, લાંબા ગાળે એ તમને ખતમ કરશે. તમારા શિક્ષકો અને સંસ્થાને ભૂલશો નહીં. તમારા સમય, બુદ્ધિ અને પૈસા થકી સંસ્થાના આજીવન સહયોગી બનશો. તમે આઈ.આઈ.ટી. શિક્ષણનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકો. આ દેશ, એના માટે પ્રતિ વિદ્યાર્થી ત્રણ લાખ રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચે છે. તમે જે ટ્યુશન ફી ભરો છો એમાંથી એ ખર્ચો સરભર ન જ થાય. એનો આપણે જે કાંઈ બદલો વાળશું તે તો એક કહેવા ખાતરનો જ- token બદલો હશે. એના માટે, તમારા ગામ કે તમારી શાળા માટે કાંઈ પણ કરશો તો તે જે સમાજે તમને સફળ બનાવાને શક્તિમાન કર્યા તે સમાજ પ્રત્યેની અંશતઃ ઋણ-ચૂકવણી જ હશે.

પહેલાં એમ કહેવાતું કે જો તમે ગરીબ હોવ તો તમારે સલામતી રક્ષકની જરૂર નથી. જ્યારે તમે ધનિક બનો ત્યારે તમારે તેની જરૂર પડે. જ્યારે ભારત પાસે વિપુલ બુદ્ધિસંપદા ન હતી ત્યારે તેના રક્ષણની- intellectual property protection કોઈ જરૂર ન હતી. પરંતુ આજે તમારા જેવા વિદ્યાર્થીઓ થકી ભારત સંશોધન અને શોધખોળો થકી અકલ્પ્ય પ્રમાણમાં બુદ્ધિસંપદા પેદા કરી રહ્યું છે, અને આપણે આપણા વૈજ્ઞાનિકો, ઈજનેરો અને અન્ય વ્યાવસાયિકોની એ બુદ્ધિસંપદાને રક્ષણ આપવાની જરૂર છે. એનો અર્થ એ કે આપણી એ સંપદાના રક્ષણ ને સંવર્ધન માટે આપણી પાસે એક સ્કૂલ ઓફ ઈન્ટેલૅક્યુઅલ પ્રૉપર્ટી લૉ હોવી જોઈએ.

અંતે એ કહીશ કે જેટલી મહેનત હશે એટલું નસીબ હશે. પ્રામાણિકતા અને સાચા દિલથી સખત મહેનત કરો અને તમને અનુભવ થશે કે જગતના બધા જ સુખ અને નસીબ તમારી પાસે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – શોભિત દેસાઈ
મન પર મણનો બોજ ! – હરિશ્ચંદ્ર Next »   

2 પ્રતિભાવો : આપણી બુદ્ધિસંપદા – વિનોદ ગુપ્તા

  1. Piyush Shah says:

    Crisp and very well said..

  2. sandip says:

    ખુબ સરસ્…………..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.