મન પર મણનો બોજ ! – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]સુ[/dc]રેશનું મન આજે અશાંત-અશાંત હતું. ઊંઘ જ આવે નહીં. ક્યાંય સુધી તેણે પથારીમાં પાસાં ફેરવ્યાં કર્યાં. વચ્ચે જરીક ઝોકું આવી ગયું. તંદ્રામાં જ તેનો હાથ બાજુમાં ફર્યો, પણ ત્યાં સીમા નહોતી, તેનું ભાન થતાં તે ફરી જાગી ગયો. મનમાં ઉદ્વેગ ફરી ઊછળી આવ્યો – સીમા મારું ન માની તે ન જ માની. પ્રવાસમાં ગઈ જ. જવાનું નક્કી કર્યું તે પહેલાં મને પૂછવું તો જોઈતું હતું !

‘અરે મારું નામ પહેલાં નહોતું જ. જોશીબાઈ જવાનાં હતાં, પણ એમના દીકરાને સ્કૂટરનો અકસ્માત થયો. એટલે અચાનક મારે જવાનું થયું.’ – બસ આવી દલીલ જ કરતી રહી. જમવાના ટેબલ પર સુરેશે કાલે ફરી વાત ઉપાડેલી :
‘કેમ, પછી તેં શું નક્કી કર્યું ?’
‘શક્ય હોય ત્યાં સુધી હું ટાળું જ છું ને ! આ વખતે બીજો કોઈ ઉપાય નથી અને માત્ર ચાર-પાંચ દિવસનો તો સવાલ છે.’
‘પણ બાનું કાંઈ વિચાર્યું ? રોજ તો તારી સવારની નિશાળ એટલે આખો દિવસ તું ઘરમાં હોય. હું રાતે મોડો આવું. બાને કોણ સાચવશે ?’
સીમા મૂગી રહી. તેવામાં બા જ બોલ્યાં : ‘તેણે મને પૂછેલું. મેં જ કહ્યું કે કાંઈ વાંધો નહીં. તું તારે જઈ આવ.’ સીમાએ કૃતજ્ઞતાથી બા સામે જોયું. અચાનક નક્કી થયું એટલે બા સાથે અગાઉ વાત નહોતી થઈ શકી, છતાં તંગ વાતાવરણને પામી જઈ બા તેની વહારે આવ્યાં હતાં.

સુરેશને બા ઉપર ગુસ્સો આવ્યો, ‘તને પૂછ્યું અને તેં હા કહી દીધી ?’
‘અરે બાબા, તેનીયે નોકરી છે. ક્યારેક એડજસ્ટ તો કરવું પડે ને !’
‘તો છોડી દે ને આવી નોકરી ! આપણને હવે ક્યાં જરૂર છે ?’
સીમાને થયું, જરૂર માત્ર પૈસાની જ હોય છે ? મને કામનો આનંદ મળે, મનમાં સમાધાન થાય, તેની કશી કીંમત નહીં ?
ત્યાં સુરેશે બીજો મોરચો ખોલ્યો, ‘સૌરભને પૂછેલું ?’
સીમા સડક થઈ ગઈ – હવે મારે સૌરભનેય પૂછવાનું ? ત્યાં સૌરભ જ બોલ્યો :
‘પપ્પા, તમે નાહક રજનું ગજ કરો છો. સવારે હું કૉલેજ જાઉં ત્યારે તમે ઘરમાં હો જ છો. બપોરે ક્યાંય જવાને બદલે હું મિત્રોને અહીં બોલાવીશ. સાંજે કલાસમાં જવાનું થશે, ત્યારે દાદી દોઢેક કલાક એકલાં નહીં રહે ?’
દાદી એકદમ બોલ્યાં : ‘શું કામ નહીં રહે ? અને રસોઈ માટે તો બંને ટાઈમ બાઈ આવે જ છે.’

સુરેશના હાઠ હેઠા પડ્યા. મનમાં ને મનમાં એ ધૂંધવાતો રહ્યો. સીમા ગઈ ત્યારે પણ એનું મોઢું ચડેલું જ હતું. રાતે અશાંત-અશાંત મનને કારણે ઊંઘ પણ ન આવી. નાનપણથી જ એનો હઠીલો સ્વભાવ. પોતાની મરજી મુજબ ન થાય, તો એ બેચેન-બેચેન થઈ જાય. બીજા માણસની મરજીનો, તેની અગવડ-સગવડનો એને વિચાર જ ન આવે. પોતાનું ધાર્યું ન થયું કે એ ધૂંઆપૂંઆ થઈ જાય. એને નાનપણનો એક પ્રસંગ યાદ આવ્યો. હશે એ દસેક વરસનો. મોટો તહેવાર હતો. મા બાજુના ગામે મંદિરે જઈ રહી હતી. ત્રણેક માઈલ ચાલીને જવાનું હતું. સુરેશની ઈચ્છા નહોતી, છતાં મા આગ્રહ કરીને લઈ ગઈ – ‘ચાલ, આવતાં ટાંગો કરીશું.’ એટલે મા સાથે ગયો, પણ પાછા ફરતાં ટાંગો મળ્યો નહીં. ભારે ભીડ અને મોં માગ્યા ભાવ માગે. છેવટે ચાલીને જ પાછા આવવું પડ્યું. ભાઈ પગ પછાડતા આવ્યા, પણ પછી રિસાઈને ખાધા-પીધા વિના સૂઈ ગયા. થોડી વારે પગે કોઈકના સ્પર્શથી જાગ્યા. જોયું તો મા પગે ને તળિયે તેલ ચોળી રહી હતી, પરંતુ ભાઈસાહેબે તો લાત મારીને પગ ખેંચી લીધા. જો કે આજે આ પ્રસંગ યાદ આવતાં એને થોડીક શરમ આવી. માના પ્રેમનું પોતે કેવું અપમાન કર્યું !

આવું તો મા સાથે ઘણી વાર બનેલું. જરીક વાંકું પડ્યું કે ભાઈનો પિત્તો ગયો જ છે ! અને સીમા સાથે તો આવા અનેક પ્રસંગ બન્યા. તેમાં વળી પોતાનો અહંકાર પણ ઘવાતો રહ્યો. લગ્ન બાદ તુરત મંદિરે ગયેલાં. સુરેશ દેવદર્શનમાં માને, પણ સીમાને મંદિરે જવાની ટેવ નહીં. સુરેશે લળી-લળીને નમસ્કાર કર્યા, પ્રદક્ષિણા કરી, આચમન લીધું. સીમા આશ્ચર્યથી એને જોઈ રહી. સુરેશના કહેવાથી સીમાએ જરીક નમસ્કારમાં માથું નમાવ્યું એટલું જ. સુરેશને બહુ ગુસ્સો આવ્યો. તે દિવસ તો તેણે સંયમ જાળવ્યો હતો, પણ પછી આવે વખતે તેનો ગુસ્સો ખરાબ સ્વરૂપમાં પ્રગટ પણ થઈ જતો, ‘મારા કહેવા છતાં ન કરે ?’ – એમ એનો અહં ઘવાતો. જો કે આજે એને યાદ આવ્યું કે સીમાએ કદી ક્યારેય સામે ગુસ્સો નથી કર્યો, પણ એના ગુસ્સાને સહન કરી લીધો છે. ઘણી વાર એણે જતું કર્યું છે અને ગમે તે રીતે એને એડજસ્ટ થવાની જ કોશિશ કરી છે. કોઈક બાબતમાં એને પોતાની જ વાત સાચી લાગી હોય અને છોડવા જેવી ન લાગી હોય, ત્યારે પણ મક્કમતાથી પણ બહુ ધીરજથી અને પ્રેમથી જ પોતાની વાત સુરેશને સમજાવી છે.

આજે સીમાની ગેરહાજરીમાં આ બધું યાદ આવતાં સુરેશ થોડો ઢીલો પડ્યો. અનેક વાર પોતે પકડી રાખેલી હઠ એને યાદ આવી. તે વખતે સીમાને પોતે કેટલો બધો અન્યાય કરેલો ! આ પ્રવાસમાં ન જવા દેવાની પણ શું આવી જ એક હઠ નહોતી ? મા અને સૌરભ જે જોઈ શક્યા, તે પોતે કેમ ન જોઈ શક્યો ? સૌરભે કહ્યું તેમ એ પોતે રજનું ગજ કેમ કરી બેઠો ? નર્યા અહં સિવાય આમાં બીજું શું હતું ? વીસ વરસના દાંપત્યજીવન બાદ પણ પોતાનું આવું વર્તન શોભે એવું હતું ? બધું મારી મરજી મુજબ જ થવું જોઈએ, એવું શું કામ ? – આવા આવા વિચારો આવતા ગયા તેમ તેમ એનો અહં ઓગળતો ગયો અને મનની બેચેની દૂર થતી ગઈ. ભારે હળવાશનો એને અનુભવ થવા લાગ્યો. મન પરથી જાણે મણનો બોજ ઊતરી ગયો. મનમાં શાંતિ અને પ્રસન્નતા પ્રસરતી ગઈ. સીમાની યાદ એને તીવ્રપણે આવતી ગઈ. એ મીઠી યાદમાં ને યાદમાં એને સરસ મજાની ઊંઘ આવી ગઈ.

(શ્રી અરવિંદ લિમયેની મરાઠી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “મન પર મણનો બોજ ! – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.