ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ

[‘જનકલ્યાણ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.]

[dc]મા[/dc]ણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે.

જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બુકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલાં ખોળિયાં જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થતું. માણસે ઘરડા નથી થવાનું. પણ વૃદ્ધ થવાનું છે. જે વૃદ્ધિ પામ્યો તે વૃદ્ધ ! પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો ક્યા ? ગમે તે ભોગે યુવાનીમાં બેઠાડું બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.

ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ શામ.

પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ (healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.

પાછલી ઉંમરે દુઃખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખુરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલતુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વેમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે. પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંદ વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનાર દાદા ખાસા રળિયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરનાં સંતાનો એમનાથી કંટાળતાં નથી. પુત્રવધૂને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય.

જે વૃદ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃદ્ધ છેક છેવટ સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફેવિકોલ લગાડીને ચોંટી રહેતો નથી. સંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે મંદિરમાં જનારા લોકો લાંબુ જીવે છે. ભગવાન નામનું ટ્રાન્કિવલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું. જે બાલદી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. આ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerontology કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃદ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ અને વિવેકની સમૃદ્ધિ !

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. અમેરિકાના ફાઈનાન્સિયર બર્નાડ બારુચ કહે છે :
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ હોય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મન પર મણનો બોજ ! – હરિશ્ચંદ્ર
મંગલાચરણ – હિમાંશી શેલત Next »   

14 પ્રતિભાવો : ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ

 1. prashant lunagariya says:

  good novel
  tanks

 2. સુંદર અને સાચી વાત.

 3. Jeena says:

  There are so many things to understand if you want to & nothing if you don’t want to.to be old is nothing but understanding & living responsibly. Very nice article.

 4. Rajni Gohil says:

  ગુણવંતભઇએ ઘડપણને ગૌરવવંતુ અને સક્ષમ રાખવાનો સચોટ ઉપાય આપ્યો છે. આ સાચી વાત વર્તનમાં મુકવાનું આ પળથી જ શરું કરીએ તો જ લેખ વાંચ્યાનો અર્થ. સુંદર ઉપયોગી લેખ બદલ ગુણવંતભઇને અભિનંદન.

 5. રજનીકાન્ત says:

  ઘરડા થવું અને વૃદ્ધ થવાનો તફાવત ઘણી સારી રીતે સમજાવ્યો છે.ઘડપણ દુઃખદાયી છે વૃધત્વ નહિ.

 6. GORDHANBHAI DEVARIYA says:

  સાચિ હકિક્ત અને સુન્દર લેખ બદ્લ અભિનદન

 7. harsha says:

  ઘહનિ સારિ વાત હા.
  હરસા

 8. Pramod Vaidya says:

  ખુબ મજેદાર સરસ વાત કરિ.

 9. Kalpana says:

  આવી સચોટ વાત શ્રી ગુણવંતભાઈ જ કરી શકે. એક ભાઈ ૬૯ વરસે માંડ ૪૫ ૫૦ના લાગે છે. આની પાછળનું રહસ્ય સ્વાનંદ અને પોતાની તરફનો આદર. સારપનો આગ્રહ એટલો કે ખાવા પીવાથી માંડીને રહેણીકરણી,બધું જ ચીવટથી કરવું. મૈત્રીમા પ્રમાણ સરનુ અંતર અને પ્રમાણસરની નિકટતા. લાગણી નુ વહેણ, કદી ઓટ નહીં ને કદી ભરતી નહીં એ પણ પ્રમાણ સરનુ.
  હું ભાઈના આસ્વભાવથી આનંદ અનુભવુ છું. પણ એ પ્રમાણે વર્તી શકતી નથી. એનુ કારણ મને મળતું નથી. ફક્ત એક મારી ખામી શોધી શકી છું કે હું કોઇની સાથેની વાતમા કે મિત્રો સાથેના વાદમા અભિપ્રાય આપવાની ભૂલ કરી બેસું છું.
  મિત્રો, ઘરડા ન થવું હોય તો મધ્યમ માર્ગ અપનાવો.જીંદગીભરના અનુભવને યોગ્ય માર્ગે વાળો.

 10. bhargavi says:

  gunvant shah ni kalam rajniti sivay jeevan pratye pan chale chhe jani aanand thyo.

 11. gita kansara says:

  લેખકનેી કલમે જિવવાનેી કલા શેીખવેી.શુભ્સ્ય શેીઘ્રમ.
  જાગ્યા ત્યાથેી સવાર્.નિવ્રુતિમા પ્રવ્રુતિ.

 12. Kalidas V. Patel { Vagosana } says:

  મુ. ગુણવંતભાઈ,
  ” ઘડપણમાં કેવી રીતે જીવવું ” નો જીવનમંત્ર આપી દીધો. આપણી સંસ્કૃતિમાં વાનપ્રસ્થાશ્રમ ; ઘડપણને સ્વસ્થ,પ્રભાવશાળી,માન-પાનવાળું,તથા લોકોપયોગી બની રહે તે માટે જ હતો. મોટા ભાગના વાનપ્રસ્થાશ્રમી ગુરુકુલોમાં માનદ શિક્ષકો હતા અને ખુબ જ માનભર્યું જીવન જીવતા હતા.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 13. Sharad Makwana says:

  ઘડપણ વિશેનો આ લેખ ખરેખર ગમ્‍યો. આજના યુવાનોને વાંચનનો રસ કેળવાય અને ચાલવાનું મહત્‍વ સમજાવે તેવો છે.

 14. Arvind Patel says:

  ઘડપણ એ આપણી જિંદગીનો એક ભાગ જ છે. આખી જિંદગી પુરી કરતા પાછળની ઓવરોનો ખ્યાલ રાલહ્યો હોય તો વાંધો ના આવે. ઘડપણમાં આર્થિક બાબત અને પ્રવૃત્તિ એ બે બાબતો નો ખ્યાલ રાખવાની જરૂર છે. ખાસ વાત તો સ્વભાવ. તમે બીજાને કેટલા અનુકૂળ થાવ છો, તે મહત્વનું છે. હું જ સાચો આવી જીદ્દ છોડી દેવી. યુવાનો સાથે યુવાનો ને ગમે તેમ વર્તો , બાળકો સાથે બાળક થઈ જાવ. ભૂતકાળ ને બહુ યાદ ના કરવો અને બને તેટલા વર્તમાનમાં જીવવું. ઘડપણ પણ ખુબ જ આનંદમય જશે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.