- ReadGujarati.com - http://www.readgujarati.com -

વીર આત્મારામ – મીરા ભટ્ટ

[નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-2માંથી આજે વીર આત્મારામનું જીવનદર્શન અહીં કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ.]

[dc]એ[/dc]ક પછી એક, એમ ચાર-ચારની સંખ્યામાં સત્યાગ્રહીઓ આવે છે. દરિયાકાંઠે પહોંચી નીચા નમી, મુઠ્ઠીમાં મીઠું ભરવા જાય છે, ત્યાં જ હાથ પર લાઠીનો જોરદાર પ્રહાર થાય છે, મુઠ્ઠી છૂટી જાય તો ફરી વાર મીઠું ભરવા નીચે નમે છે, ત્યાં ફરી વાર લાઠી પડે છે, બરડા પર પણ લાઠીમાર ચલાવે છે તો ય ડગવાનું-હટવાનું નામ નહીં. એટલે બબ્બે પોલીસ ટીંગાટોળી કરીને લોહીલુહાણ થયેલા શરીરને દરિયાના ખારા પાણીમાં ઝબોળતા રહે છે, ઘા પર મીઠું છંટાય તો કેવી આગ સળગી ઊઠે ! પરંતુ અહીં તો મુખમાંથી મંત્ર ઝરતો રહે છે –

हम मरेंगे लडते लडते, नहि लडाई मरनेवाली
मैदान न होगा खाली, जब तक न हो खुशहाली ।

પાણીના ખાડામાં નાંખે, કાંટાની વાડમાં ફેંકે કે ખારા પાણીમાં ઝબોળે પણ પાછા ડગ ભરવાની કોઈ વાત જ નહીં ! પોલીસો પણ ત્રાસી ઊઠે તેવો સિતમ ! પણ સૌ અણનમ ! કહેવાય તો અહિંસક યુદ્ધ, પરંતુ સામેની હિંસક સેના તો સૈનિકોનું હાડકેહાડકું ચૂરેચૂરા કરી નાંખે ! પરંતુ ઘોલેરાના મીઠાના સત્યાગ્રહ માટે માથું મૂકીને ઝઝૂમનારા બહાદુર સૈનિકોમાં ભાવનગરના શ્રી આત્મારામભાઈ એ પ્રથમ નંબરના નિર્ભય વીરોમાં એક શૂરવીર હતા. મેદાનમાંથી પાછા પગે હટવાનું જેને સપનામાં પણ ન પોષાય એવા વીર સત્યાગ્રહી આત્મારામભાઈ માટે તો શું સ્વરાજ્ય પહેલાં કે શું સ્વરાજ્ય પછી પણ સતત યુદ્ધ-યુદ્ધ ને યુદ્ધનો જ સામનો કરવાનો રહ્યો ! અન્યાય સહન ન થાય, જુલમ સાંખી ન લે, અસત્ય તો પોષાય જ નહીં, – આવા ભડવીર માટે જીવન પોતે જ એક સંગ્રામ બની ન રહે તો જ નવાઈ !

આત્મારામભાઈને ‘વીર’નું ઉપનામ સરદાર પટેલે આપેલું. ભાવનગરમાં કોઈ ગુંડો છૂરો લઈને જાહેર સભામાં સરદાર પર પ્રહાર કરવા આવ્યો, ત્યારે સરદારશ્રીના ઘાને પોતાના પર ઝીલી લેનારા હતા આ આત્મારામભાઈ ! એ પ્રસંગે જ સરદારે એમને ‘વીર’ની પદવી આપી હતી. પરંતુ વીરતા તો એમના લોહીમાં હતી. હજુ ગાંધીનું નામ પણ કાને પડ્યું નહોતું કે મહાત્મા ટૉલ્સ્ટૉયનું પ્રેરક જીવનચરિત્ર પણ વાંચ્યું નહોતું, ત્યારે પણ મુંબઈની સડકો પર ફરતા ગુંડાઓ સામે બાથ ભીડીને લડવાનું કૌવત એમનામાં હતું. કોઈ સ્વપ્ને પણ સાચું ન માની શકે તેવી વાત કે માત્ર પંદર વર્ષની વયે શાળા છોડી મુંબઈ નોકરી માટે ગયા, ત્યારે સટ્ટા બજારની સસ્તી કમાણીના લોભે બીડી-સિગારેટ-દારૂ જેવી લતમાં પણ ફસાયા હતા. એ ઉંમરમાં કમરે ચાંદીનો કંદોરો બાંધેલો. જે કોઈ એમની સામે પડે તેના પર કંદોરાના એવા પ્રહાર કરે કે પેલાનું શરીર લોહીલુહાણ થઈ જાય ! પણ નસીબને આવું જીવન મંજૂર નહોતું. તે એ જ ફૂટપાથ પરથી ‘ટૉલ્સ્ટૉય’નું જીવનચરિત્ર હાથમાં પહોંચી ગયું. અચાનક અજવાળું ફેલાયું અને પછી તો ટૉલ્સ્ટૉય પાછળ ગાંધી આવ્યા. અને ગાંધી આવ્યા પછી કાંઈ બાકી રહે ખરું !

એકાએક અમાસ પૂનમમાં બદલાઈ ગઈ. પોતાના વતન ભાવનગરમાં પાછા ફર્યા અને જ્ઞાતિના ખોટા રિવાજો સામે લડવા ટોળકી તૈયાર કરી. કોઈને ત્યાં શ્રાદ્ધના બારમા-તેરમાનો જમણવાર હોય તો ત્યાં બારણે ઊભા રહી જનારાને અટકાવતા અટકાવતા ગાય-

‘નહીં જમીએ નહીં જમીએ, લોહીના લાડુ નહીં જમીએ !’
હરિજનોને ઘેર બોલાવી સાથે જમે.

આનું પરિણામ બીજું શું આવે ? જ્ઞાતિજનો કહે – ‘કરો એને ન્યાત બહાર ! સાન ઠેકાણે આવી જશે !’ ત્યારે સામેથી કહ્યું – ‘હું જ તમારી સડેલી નાતમાં રહેવા માંગતો નથી. તમે મને શું નાતબહાર કરવાના ?’ 1930ની લડતમાં એમની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની. મીઠાના સત્યાગ્રહમાં એમનાં પત્ની દુર્ગાબહેન પણ જોડાયેલાં. ત્યાર પછીના સ્વરાજ્ય-પ્રાપ્તિના તમામ સત્યાગ્રહોમાં બંને ભાગ લે. એ દિવસોમાં તો જેલ જ એમનું ઘર બની ગયું હતું. 1933માં તો સગર્ભાવસ્થામાં દુર્ગાબહેન ભાવનગરની જેલમાં હતાં અને પૂરા દહાડા થતાં એમને પેરોલ પ્ર છોડવાં પડ્યાં હતાં. દીકરાના જન્મ બાદ ફરી પાછા જેલમાં. બેઉ દીકરા જેલવાસમાં સાથે. થોડા મોટા થયા પછી તો શાળાએ પણ જેલમાંથી જ જવાનું હોય. જેલના કર્મચારીઓ અને કેદીઓ સુધ્ધાં બાળકોને પ્રેમથી એટલું બધું જાળવતા કે પોતાના ભાગના તેલનું મોણ નાંખી બિસ્કીટ જેવી ભાખરી ખવડાવતા તે કદી ભુલાય નહીં એવું સ્મરણ છે. આત્મારામભાઈનું ત્યારે સૂત્ર જ હતું- ‘બંદા કાં બેડીએ, કાં મેડીએ !’ 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં વિશાળ ચોક વચ્ચે બુલંદ અવાજે ‘ઈન્કિલાબ ઝિન્દાબાદ’ના પોકારો કરતા.

1931માં તો વાઘની બોડમાં માથુ નાંખવા જેવું પરાક્રમ કરેલું. ત્યારના જામનગરના રાજા રણજિતસિંહના રાજ્યમાં સ્વરાજ્યના કદીઓને જેલમાં ખૂબ ત્રાસ અપાય છે, એવી વાત ગાંધીજી પાસે પહોંચી. અ બાબતની જાતતપાસ કરવાની હતી. પરંતુ જામસાહેબના રાજ્યમાં પગ મૂકવાની હિંમત કરવા પણ લોખંડનું જીગર જોઈએ. ગાંધીજીએ આ કામ આત્મારામભાઈને સોંપ્યું. એમણે તો જતાં પહેલાં જ જામસાહેબને પત્ર લખી પાઠવ્યો કે – ‘હું તપાસ કરવા આવું છું.’ આખરે તો પ્રજાની શક્તિ એ જ રાજાની શક્તિ છે. ત્યારે સાથી કાર્યકરો સગાંવહાલાં સૌમાં ફફડાટ પેસી ગયો કે આ લડતમાંથી પાછા ફરશે કે કેમ ? પરંતુ આ ભડવીર તો કરેલી જાહેરાત મુજબ જામનગર પહોંચ્યા અને સહીસલામત પાછા પણ આવી ગયા.

મોટા ભાગના સત્યાગ્રહીઓ સ્વરાજ્ય આવતાં સુધી સત્યાગ્રહીઓ રહ્યા, પણ આત્મારામભાઈ તો આજીવન સત્યાગ્રહી રહ્યા. સ્વરજ્યમાં પણ ‘અસત્ય’ કાંઈ મટી થોડું ગયું હોય ! કાંઈ ને કાંઈ ચાલ્યા જ કરે. 1954માં એક સહકારી મંડળી સામે અને 1956માં છાપાંની શબ્દ-રચના હરીફાઈ સામે બંડ ! એ કોઈની પણ શેહ ન રાખે. સામેનો માણસ જાણે કે એનો મામલો આત્મારામભાઈના હાથમાં ગયો છે એટલે સમજી જઈને જ વાટાઘાટો માટે તૈયાર થઈ જાય. આવા નિત્ય-જાગૃત, સાબદા ગાંધીજનો સરકારે આપેલા તામ્રપત્રને ન સ્વીકાર્યું, ન સ્વાતંત્ર્ય-સેનાનીને મળતા પેન્શનને ! કહેતા- ‘આ બધું મેળવવા થોડા જ લડ્યા હતા !’ સ્વરાજ્ય પછી પણ જાહેર જીવનના સત્યાગ્રહો તો ચાલુ જ રહ્યા. ઘરખર્ચ કેમ ચાલે ? હવે તો સંસાર પણ મોટો થયો હતો. નાછૂટકે દુગાબહેનને નોકરી સ્વીકારવી પડી. 1957ની ચૂંટણી લડવાની આવી ત્યારે ધારાસભા માટે ઊભા રહીને પગે ચાલી ગામડે ગામડે જતા. કેટલે પહોંચી વળે ? ડિપોઝિટ પણ ગુમાવવી પડી, એટલા મત મળ્યા. ચૂંટણીનો મુદ્દો હતો- સંતતિનિયમનમાં કૃત્રિમ સાધનોનો વિરોધ ! 1960માં ગુજરાત રાજ્યમાં ખાંડના કાળા બજારનો પ્રશ્ન હાથમાં લીધો ત્યારે વીસ ઉપવાસ કરવા પડ્યા. આવા તો અનેક સ્થાનિક પ્રશ્નો હાથમાં લઈને લડતા રહ્યા. પરંતુ ભારત સરકાર સામે બે મુદ્દા લઈને જીવનભર ઝઝૂમ્યા. દારૂબંધી અને સ્ત્રીપુરુષ માટે સમાન નાગરિક ધારો.

દારૂબંધીના પ્રચાર માટે ભાવનગરમાં રોજ સાંજે થાળી વગાડતા ફરતા અને દારૂ ન પીવા લોકોને સમજાવતા. દારૂબંધી માટે તો બે-ત્રણ વાર દીર્ઘ ઉપવાસ કરવા પડ્યા. બે વાર દિલ્હીમાં અને ભાવનગરમાં તો 39 દિવસ સુધી ઉપવાસ ખેંચવા પડ્યા. 1980માં તો ગુજરાત સરકારે દારૂબંધી હળવી કરવાની વાત ચલાવી તો અમદાવાદના ગાંધી આશ્રમમાં જ ઉપવાસ આદર્યા. આખરે ગુજરાત સરકારે વચન આપ્યું ત્યારે જ ઉપવાસનાં પારણાં કર્યાં. આ સત્યાગ્રહ વખતે તેમની ઉંમર 78 વર્ષની હતી. પોતાના જીવનનું પરિવર્તન ટોલ્સ્ટોયનું પુસ્તક વાંચીને થયેલું, એટલે સદવાચન પર એમને અપાર વિશ્વાસ બેસી ગયેલો. ભાવનગર જેવા ત્રણ-ચાર લાખની વસ્તીવાળા શહેરમાં એ બેઉ હાથમાં પુસ્તકોનાં મોટાં થેલા ઉપાડી મોટી સડક પરથી પસાર થતા કહેતા- ‘ખરીદો ભાઈ ! માનવતાનું ભાથું ખરીદો !’ આમ, ગાંધી-વિનોબાના પુસ્તકો એમણે ઘેરઘેર પહોંચાડ્યાં. તેમાં વળી 1975ની કટોકટી આવી. પણ આ માણસ કાંઈ ઝાલ્યો રહે ? ગયા જેલમાં…. જેલ તો એમના માટે બીજું ઘર જ હતું ને !

છેલ્લી વયમાં બધે પગે ચાલીને જવાતું નહીં, રિક્ષાના ખર્ચા પોષાય નહીં, જાહેર પ્રશ્નો લેવા કેવી રીતે ? ચિંતન ચાલ્યું અને નિર્ણય લીધો કે હવે આ થાકેલું શરીર ભગવાનને પાછું સોંપી દઈ નવું જીવન પામવું. બસ, એમણે તો નિર્ણય જાહેર કરી દીધો કે – ‘એક મહિનો થોડું દૂધ લઈશ ત્યાર પછી જુલાઈની પહેલી તારીખથી દૂધ બંધ. પાણી પર જિવાય તેટલું જીવીશ !’ 1987ની ચોથી જુલાઈએ, સામે ચાલીને દેહ-વિસર્જન થયું. એમના એક સેવકે ગાયું – ‘આત્મારામ શુદ્ધ રામ, જેવું નામ એવાં કામ.’

[કુલ પાન : 152 + 124. કિંમત : (ભાગ-1 અને ભાગ-2ની સંયુક્ત) રૂ. 100. પ્રાપ્તિસ્થાન : જનજાગૃતિ અભિયાન, મનહરભાઈ શાહ, c/o ઉપાસના, 31 રાજસ્તંભ સોસાયટી, પોલો ગ્રાઉન્ડ પાસે, વડોદરા. ફોન : +91 265 2434630. મોબાઈલ : +91 9427837672.]