સ્વામી વિવેકાનંદના બે પત્રો – ભીમજી ખાચરિયા

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઓગસ્ટ-2012માંથી સાભાર.]

[dc]ભા[/dc]રતીય ચિંતકો અને તત્વજ્ઞાનીઓ- ચરિત્ર સાહિત્યજગતમાં તેઓની આત્મકથા, ચરિત્રકથા કે અન્ય સર્જકોએ કરેલા રેખાચિત્રોમાંથી ઊપસતા હોય છે. સાહિત્યજગત કે સામાજિકજગતમાં જે ચિંતકો અને તત્વજ્ઞાનીઓ વિષે લખાયું ના હોય કે એમના સર્જનને મૂલવાયું ના હોય એ સમયે એમનો અન્ય સાથેનો પત્રવ્યવહાર એમના વ્યક્તિત્વ અને વિચારોને સમજવામાં ખૂબ કામ લાગે છે. અહીં આ ટૂંકા લેખમાં સ્વામી વિવેકાનંદના અસંખ્ય પત્રોમાંથી શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, સ્વામી વિવેકાનંદજી દ્વારા 1970માં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ ગ્રંથમાંથી બે પત્રો લીધા છે.

મૂળ અંગ્રેજી અને બંગાળી, હિન્દી વગેરે ભાષામાં લખાયેલા આ પત્રોમાંથી વિવેકાનંદજીનું જગદગુરુનું સ્વરૂપ ઊપસી આવે છે. આ પત્રો નિરાંતે વાંચતાં એમાંથી માનવજાતિને મળતા ઉપદેશની સાથે સ્વયં એક શ્રદ્ધાવાન, પ્રખર દેશભક્ત અને વિશ્વમાનવ પ્રેમી તરીકે પ્રગટતા વિવેકાનંદ આપણને મળે છે. માનવપ્રેમ કોઈ સંપ્રદાય, જ્ઞાતિ, ભાષા કે સરહદોમાં બંધાય નહીં, એમ અહીં આ પત્રોમાંથી નીતરતો વિવેકાનંદનો માનવપ્રેમ, ભારતના નવસર્જન માટેના પ્રયત્નો, પ્રાચીન સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ, માનવજાત સાથે પશુપંખી, પ્રકૃતિ અને જીવમાત્ર પ્રત્યે દયા અને સન્માનની લાગણી, આ રીતના અનંત વિચારો એમના પત્રોમાંથી પ્રગટ થાય છે. સાહિત્યિક દષ્ટિએ જોતાં આ પત્રોની શૈલી તાજગીસભર છે, શબ્દોની પસંદગી અને વાત કરવાની રીત શિષ્ટાચારને શોભે છે. પ્રેમઝરણમાંથી વહેતો એમનો આ શબ્દનાદ એમણે લખેલા પત્રોમાંથી કેવા કેવા ચિંતન લઈને આપણી સામે આવે છે, તે આ પત્રોમાંથી જોઈએ.

સાન ફ્રાન્સિસ્કો,
4થી માર્ચ, 1900

પ્રિય બહેન નિવેદિતા,

હું કર્મ કરવા ઈચ્છતો નથી; શાંત રહીને આરામ લેવા માગું છું. હું સ્થળને અને કાળને જાણું છું. છતાં ભાગ્ય કે કર્મ મને સતત કાર્ય કરવા ધકેલે છે. કતલખાને લઈ જવાતાં ઘેટાં જેવા આપણે છીએ. પીઠ પર ચાબુક પડે તો પણ ચાલતાં ચાલતાં તેઓ રસ્તામાં આવતું ઘાસ ઉતાવળે થોડુંક ચરી લે, તેવું જ આપણું પણ છે. દુઃખ, રોગ વગેરેની શરૂઆત એ ભયરૂપ છે, આપણો જ ભય છે, આ બધું આપણું જ કર્મ છે. નુકશાન થઈ જશે એવી બીકમાં ને બીકમાં જ આપણે વધુ નુકશાન કરીએ છીએ. અનિષ્ટથી દૂર રહેવાના વધુ પડતા પ્રયત્નને પરિણામે જ આપણે તેના હાથમાં સપડાઈએ છીએ. આપણી આસપાસ કેવા રેંજીપેંજી મૂર્ખાઓને એકઠા કરીએ છીએ ! તે આપણું કંઈ જ ભલું કરતા નથી; ઊલટું જેનાથી આપણે દૂર રહેવા ઈચ્છીએ છીએ તે દુઃખ તરફ જ તે આપણને ખેંચી જાય છે…. અહા ! નિર્ભય બનવું, સાહસિક બનવું તથા કશાની પણ પરવા ન રાખવી એ કેટલું સારું છે !….

ભવદીય,
વિવેકાનંદ.
*****

બેલૂર, મઠ,
7મી સપ્ટેમ્બર, 1901

પ્રિય બહેન નિવેદિતા,

આ કાર્યમાં આપણે બધા કટકે કટકે કાર્ય કરીએ છીએ. હું કમાનને દાબી રાખવા પ્રયત્ન કરું છું. પણ કંઈક ને કંઈક બને છે અને કમાન છટકે છે. જ્યારે તમે તો વિચાર કરતાં રહો છો, સંભારતાં રહો છો અને બધું ઉતાવળે લખી કાઢો છો !

વરસાદ વિષે કહું તો હવે તો તે બરાબર મંડી પડ્યો છે; રાત અને દિવસ ધોધ બંધ પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે; તેથી જલપ્રલય જેવું લાગે છે. કિનારાને છલકાવી દેતું નદીમાં પૂર આવ્યું છે; ખાડાઓ તથા તળાવડાંઓ અને સરોવરો છલકાઈ ગયાં છે. મઠના આંગણામાંથી પાણીનો નિકાલ કરવા એક ઊંડી ખાઈ ખોદવામાં મદદ કરીને હું હમણાં જ પાછો ફર્યો છું. કેટલાંક સ્થળોએ તો વરસાદનું પાણી ઘણા ફૂટ ઊંચું ચડ્યું છે. મારો મોટો સારસ, હંસો અને બતકો, બધાં ખૂબ આનંદમાં આવી ગયાં છે. મારું પાળેલું હરણ મઠમાંથી નાસી ગયું અને તેને શોધી કાઢવામાં કેટલાક દિવસો સુધી ચિંતા કરાવી. દુર્ભાગ્યે મારું એક બતક ગઈ કાલે મરી ગયું. એકાદ અઠવાડિયાથી તે છેલ્લા શ્વાસ લેતું હતું. મારો એક મશ્કરો સાધુભાઈ કહે છે : ‘સ્વામીજી ! ભેજ અને વરસાદથી જ્યાં બતકોને શરદી થઈ જાય છે અને દેડકાંઓ છીંકો ખાવા લાગે છે, એવા આ કળિયુગમાં જીવવાનો કોઈ અર્થ નથી !’ એક હંસીનાં પીછાં ખરતાં જતાં હતાં. બીજો કોઈ ઉપાય હાથમાં ન આવતાં તેને કાર્બોલિક સાબુના હળવા દ્રાવણવાળા પાણીના વાસણમાં થોડીક વાર મૂકી રાખ્યું, એમ માનીને કે કાં તો તે મરી જશે અને કાં તો સાજી થઈ જશે. હવે તદ્દ્ન સાજી છે.

ભવદીય,
વિવેકાનંદ.

વિવેકાનંદના આ પત્રોનું અર્થઘટન જુદી ભૂમિકાએ કરવા જેવું છે. ‘પ્રિય બહેન નિવેદિતા’ સંબોધન જ આત્મીયતાનો ભાવ રજૂ કરે છે. પત્રમાં આવતી સ્થળ અને કાળની વાત સ્થળનિરપેક્ષ અને કાળનિરપેક્ષતાની સમજણ, અને ઘેટાનું ઉદાહરણ આપણને માનવજીવનની લાચારી, માયાનાં બંધનો તરફ આંગળી ચીંધે છે. આપણે માનવો ઘેટાંથી દૂર નથી. જન્મથી મૃત્યુ વચ્ચે સતત જીવવાની ઝંખના તો છે પણ એ કેટલી ભ્રામક કે અંધારયુક્ત છે ! તેનો ખ્યાલ નથી. ભયની સામે નિર્ભય, ડરપોકની સામે સાહસિક, અનિષ્ટની સામે ઈષ્ટ અને આળસની સામે ઉદ્યમ મૂકીને આ પત્ર માનવજાતને નવો મર્મ આપે છે. ‘આપણી આસપાસ કેવા રેંજીપેંજી મૂર્ખાઓને એકઠા કરીએ છીએ, તે આપણું કંઈ જ ભલું કરતા નથી; ઊલટું જેનાથી આપણે દૂર રહેવા ઈચ્છીએ છીએ તે દુઃખ તરફ જ આપણને ખેંચી જાય છે.’ અહીં ઈ.સ. 1900ની આસપાસનું ભારત અને ભારતીય જનમાનસની છબિ આપણી સામે પ્રગટે છે. આ વિધાનને આધારે કહી શકાય કે એ સમયે ભારતના નેતૃત્વમાં રહેલી નબળાઈઓ, ભાષા, પ્રાંત, કોમ અને જ્ઞાતિભેદ, અંગ્રેજીની શોષણજાતિ, શિક્ષણ, આરોગ્ય, મનુષ્યગૌરવ, સાંસ્કૃતિક ચિંતન પ્રત્યેની ભારતીય પ્રજાની નબળાઈ, નબળી અને દષ્ટિવિહિન રાજાશાહી, શાહુકારો અને વ્યાજખોરો, સાધુસંતોના લંપટવેડા વગેરેથી ખદબદતા સમાજ સામે આ લોકો પ્રજાને સાચું સુખ આત્મગૌરવ, દેશાભિમાન આપવાને બદલે નબળી માનસિકતા, આત્મહનન અને નિર્બળતા તરફ દોરી જાય છે.

બેલૂરમઠમાંથી બહેન નિવેદિતાને 1901માં બીજો પત્ર લખાયો છે. ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્રબિંદુ, રામકૃષ્ણ પરમહંસની ચેતના બેલૂરમઠનો પર્યાય ગણાય છે. પ્રાકૃતિક પરિવેશમાંથી લખાયેલ આ પત્રમાં વરસાદ અને ગંગાનું સૌંદર્ય છલકે છે. પ્રકૃતિનાં રૂપોમાં વરસાદ અને નદી અન્ય જીવો સાથે કેવા કેવા સંબંધો બાંધે છે એ અહીં સમજાય છે. નદીનાં પૂર, તળાવ અને સરોવર છલકાઈ ગયાં હોય એ સમયે સારસ, હંસ, અને બતકોનો આનંદ, હરણ સાથેની મિત્રતા, બતકના મૃત્યુની વેદના, હંસીના પીંછા ખરવાના સમયનો ઉપચાર અને મૃત્યુના સત્યની સભાનતા વગેરે ઈંગિતો આ પત્રમાંથી સહજ મળે છે. વિવેકાનંદના અપાર રૂપોમાં આ પત્રો એમની જુદી જ આભા આપણી સામે મૂકે છે. આ પત્રોની જેમ અન્ય પત્રોમાંથી વિવેકાનંદનું એક સમર્થન અને વંદનીય ચારિત્ર્ય આપણી સામે દશ્યમાન થાય છે.

ભારતીય જગતમાં મહાત્મા ગાંધી, વિનોબાજી, નહેરુ, મેઘાણી, સરદાર વગેરેના પત્રોમાંથી જેમ ભારતીય ઈતિહાસ અને માનવજાતનું ગૌરવ મળે છે એમ વિવેકાનંદજીના આ અને અન્ય અસંખ્ય પત્રોમાંથી વિશ્વબંધુત્વ, માનવપ્રેમ, માનવીય ગૌરવ અને ભારતીય અધ્યાત્મયાત્રાનો સાચો ઉદય થતો જોઈ શકાય છે. વિશેષ માટે તો આ પત્રો આત્મસાત કરવા જ રહ્યા.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મંગલાચરણ – હિમાંશી શેલત
વીર આત્મારામ – મીરા ભટ્ટ Next »   

5 પ્રતિભાવો : સ્વામી વિવેકાનંદના બે પત્રો – ભીમજી ખાચરિયા

 1. priyangu says:

  અનિષ્ટથી દૂર રહેવાના વધુ પડતા પ્રયત્નને પરિણામે જ આપણે તેના હાથમાં સપડાઈએ છીએ. આપણી આસપાસ કેવા રેંજીપેંજી મૂર્ખાઓને એકઠા કરીએ છીએ ! તે આપણું કંઈ જ ભલું કરતા નથી; ઊલટું જેનાથી આપણે દૂર રહેવા ઈચ્છીએ છીએ તે દુઃખ તરફ જ તે આપણને ખેંચી જાય છે

  ખુબ સુંદર આજે શાહબુદ્દીન રાઠોડ ના લેખ સાથે જોડીએ તો આવા રેંજીપેંજી કાગડા જેવા સલાહકારો ઊન્નત ભાવિ કે નેતા કેવી રીતે આપે? ખરેખર સલાહ આપવી બંધ કરી જાત બદલવાની જરૂર છે તોજ દેશનું ભાવિ ઉજળુ બનશે.

 2. ઇત્સ વેરિગુદ્

 3. manoj gamara says:

  મજા આવે તેવુ છે.

 4. himanshu says:

  લેખ સાર્રો લાગ્યોૂ

 5. sapna says:

  સચેજ ઘનુ જન્વ મલ્યુ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.