બાળકને એની રીતે વિકસવા દો – અવંતિકા ગુણવંત

[ જીવનનાં મૂળભૂત મૂલ્યોની વાત સમજાવતા તાજેતરમાં પ્રકાશિત થયેલા બાળઉછેર વિષયક પુસ્તક ‘બાળકોને Develop કેવી રીતે કરશો ?’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ઉ[/dc]પમન્યુ નિશાળેથી આવ્યો કે તરત એની મમ્મી સ્મૃતિબહેન પૂછે, ‘આજે શું લેસન આપ્યું છે ?’ ઉપમન્યુ જવાબ નથી આપતો. કે.જી.માં ભણતું બાળક ભણવાથી કંટાળ્યું હોય ત્યાં ઘરે આવીને પણ લેસનની વાત ! ‘લેસન નથી લાવ્યો ? સાવ આળસુ, બેદરકાર…..’ એમ બોલતાં બોલતાં સ્મૃતિબહેન ઉપમન્યુની સાથે ભણતી સ્વીટુને ફોન કર્યો. સ્વીટુ સ્વભાવે ચોકસાઈવાળી છે. એણે કહ્યું, ‘મૅડમે લેસન નથી આપ્યું.’

આવું સાંભળ્યું એટલે સ્મૃતિબહેન બગડ્યાં. આજકાલના આ શિક્ષકો ભણાવવાની કાળજી નથી લેતા. લેસન તો આપવું જ જોઈએ ને ! કલાસમાં ભણાવ્યું એ બાળક કેટલું સમજ્યું એ ખબર પડે. લેસનના નામે બાળક કલાક બે કલાક ભણેય ખરું. ભણેલું એને યાદ રહી જાય. આધુનિક શિક્ષિત માતા એના બાળકને ઝડપથી જવાબદાર, પરિપક્વ પંડિત બનાવવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. એ ભૂલી જાય છે કે અત્યારે તો બાળકના રમવાના દિવસો છે. બાળક નિશાળમાં ત્રણ-ચાર કલાક તો ગોંધાઈને આવ્યું છે ત્યાં પાછું ઘરે પણ એને લેસનના નામે બાંધી રાખવાનું ? આ શું હિતાવહ છે ?

કેટલીક મમ્મીઓ શાળા ઊઘડે કે તરત શાળામાં જઈને આખી ટર્મનો અભ્યાસક્રમ પૂછી લાવશે, પાઠ્યપુસ્તકનું લિસ્ટ લઈ આવશે અને ઘરે બાળકોને ભણાવવાનું શરૂ કરી દેશે. વહેલો ઉઠાડીને સખતાઈથી વાંચવા બેસાડશે. સહેજ બેધ્યાન થાય તો વઢી કાઢે. એકાદ થપ્પડ મારી દે. પરંતુ મા-બાપનો વધારે પડતો ઉત્સાહ અને ચોકસાઈ બાળકને ભણતરથી દૂર લઈ જાય છે. અભ્યાસમાં વધારે વખત ગાળવાથી બાળકનો અભ્યાસમાંથી રસ અને એકાગ્રતા ઓછા થઈ જાય છે. એની સાહજિકતા, વિસ્મય, નવું નવું જાણવાનો ઉત્સાહ વધેરાઈ જાય છે. બાળક અભ્યાસમાં વેઠ ઉતારે છે. વિચક્ષણ બુદ્ધિવાળું બાળક સામાન્ય કક્ષાનું થઈ જાય છે. મા-બાપને ક્યારેક એટલા બધા ઉત્સાહ અને અધીરાઈ આવી જાય છે કે બાળકને મોટો ડૉક્ટર, એન્જિનિયર, ફાર્માસિસ્ટ કે ઉદ્યોગપતિ બનાવવા નાનપણથી જ એની પાછળ પડી જાય છે. વળી શિક્ષિત આધુનિક મમ્મીને એક સાથે ગૃહિણી, માતા અને પત્નીની જવાબદારી નિભાવવાની હોય છે, સાથે સાથે એને એની પોતાની ઓળખ ઊભી કરવી હોય છે, સમાન અધિકારની રુએ એ ઘર છોડીને બહારના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. બહાર પ્રવર્તી રહેલા સ્પર્ધાના વાતાવરણમાં પ્રવેશવું અને એમાં ટકી રહેવું બહુ અઘરું છે. બહુ કામનો બોજો એને બેબાકળી, બહાવરી બનાવી દે છે. એ ક્યા કાર્યને અગ્રિમતા આપવી, કોને કેટલું મહત્વ આપવું તે ભૂલી જાય છે.

વળી એ મહત્વાકાંક્ષી છે, બધા મોરચે એને લડવું છે અને વિજેતા બનવું છે. આથી એ બધાં કામ ઉતાવળા પૂરાં કરવા ધારે છે, પણ બાળક તો એની જેમ જેમ ઉંમર વધશે એમ એમ એ પરિપક્વ બનશે. એની બુદ્ધિ ખીલશે. સમજ વધશે. ભણવામાં ગંભીરતા આવશે. માની ઉતાવળ એને બેચેન બનાવી દે છે. ઘણી વાર એ એટલું તનાવમાં આવી જાય છે કે રાત્રે નિરાંતે ઊંઘી શકતું નથી. લેસન અધૂરું રહી ગયું છે, ગુસ્સે થઈને મમ્મી વઢે છે, એવાં સપનાં જોતો એ ચીસ પાડીને જાગી ઊઠે છે, એની પર વારંવાર એન્કઝાઈટીના હુમલા આવે છે. આવા ગભરુ બાળકની માતાએ ચેતી જવું જોઈએ. એના ડર અને ચિંતા દૂર કરવાં જોઈએ. ક્યારેક તીવ્ર ચિંતાભર્યા સ્વભાવના કારણે બાળક એટલું બધું ભયભીત રહે છે કે એના સ્વાભાવિક ઉમંગ, ઉલ્લાસ એ ગુમાવી દે છે. એના ધમાલમસ્તી ઓછા થઈ જાય છે, એ ઓછું બોલે છે અને કોઈનો સહેજ મોટો ઘાંટો સાંભળે તો રડી ઊઠે છે. શંકાકુશંકાથી ઘેરાઈ જાય છે. ભણવામાં એ એકાગ્ર થઈ શકતો નથી, પરિણામે મા-બાપ એને વધારે વઢે છે. આમ એક વિષવર્તુળમાં બાળક ઘેરાઈ જાય છે. એ ભણી શકતો નથી.

બાળકને સમયસર ઉઠાડવું, બરાબર બ્રશ કરાવવું, નવડાવવું, દૂધ-નાસ્તો કરાવવો એ નિત્યક્રમ જળવાય એવો આગ્રહ રાખો એ બરાબર છે. નાનપણથી જ બાળકને સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પાડવી જોઈએ. જો એ બાબતે બેદરકાર રહો તો મોટપણે એ ટેવ પાડવી અઘરું કામ થઈ પડે છે. જીવનમાં શિસ્ત કેળવવા ઘણી બધી નહીં ગમતી આદતો નાનપણથી જ કેળવવી પડે છે. માતા અને પિતાનો એ બાબતે સરખો આગ્રહ હોવો જોઈએ. જો એક જણ આગ્રહ રાખે અને બીજું જણ લાગણીમાં ખેંચાઈને બાળકના વર્તનમાં ઢીલ ચલાવી લે તો પરિસ્થિતિ બગડી જાય છે, બાળક શિસ્તનો આગ્રહ રાખનારને પોતાનું વિરોધી માની બેસે છે અને જ્યારે બાળક મોટું થશે ત્યારે પોતાનો પક્ષ લેનારને દોષી ઠરાવીને કહેશે મને તો ના સમજ પડે હું ગમે તે કહું, હું નાદાન હતો, પણ તમારે તો મારું હિત જોવું જોઈએ ને ! માત્ર મા-બાપ જ નહીં, પણ ઘરમાં બીજા સભ્યો હોય તેમણે પણ વગર વિચારે બાળકના ઉછેરમાં માથું ન મારવું જોઈએ, પણ પદ્ધતિસર ઉછેર થતો હોય એમાં સહકાર આપવો જોઈએ. અહમનો પ્રશ્ન વચ્ચે લાવવો ન જોઈએ. ઘરમાં એકસૂત્રતા અને એક સંપ જળવાવાં જોઈએ. બાળકના કુમળા માનસ પર ઘરના વાતાવરણની બહુ અસર પડે છે.

ઘરમાં ઝઘડો અને કંકાસ હોય તો બાળક અસલામતી અનુભવે છે. મા પોતાનો અસંતોષ, મનનો ઉકળાટ બાળક પર ઠાલવે છે, ઘણી વાર બાળકને વાંક ન હોય તોય ઠપકો સાંભળવો પડે છે, માર ખાવો પડે છે અને બાળકનું મન ચૂરચૂર થઈ જાય છે. ઉદાસીનતા અને નિરાશામાં સપડાયેલું આવું બાળક નિશાળના અભ્યાસમાં પાછળ પડી જાય છે, ઈત્તર પ્રવૃત્તિઓમાં રસ નથી લેતું અને એ મૂઢ બની જાય છે, શિક્ષકના ધ્યાનમાં આવી વાત આવે તો એણે તરત મા-બાપને બોલાવવાં જોઈએ અને ખૂબ સમભાવ અને સહૃદયતાથી વિનયપૂર્વક બાળકના વર્તન અને માનસ વિશે પોતાનાં મંતવ્યો રજૂ કરીને મા-બાપ સાથે ચર્ચા કરવી જોઈએ. મા-બાપમાં કોઈ ભૂલ કે ખામી દેખાય તો નમ્રતાથી એમનું ધ્યાન દોરવું જોઈએ અને મા-બાપે પૂરો સહકાર આપવો જોઈએ. બાળકના વિકાસની જવાબદારી શિક્ષક તથા મા-બાપ બધાંની છે. બાળક ડૉક્ટર, એન્જિનિયર કે મોટો માણસ બને તે બહુ મહત્વનું નથી, પણ બાળક ભણીગણીને સ્વસ્થ, સાચો અને સજ્જન માણસ બને, પોતે પ્રસન્ન રહે અને પોતાની આસપાસ સહુને પ્રસન્ન રાખે તે અત્યંત જરૂરી છે. બાળકને બીજાની કાળજી રાખવા જેટલો પ્રેમાળ બનાવો.

પોતાનું બાળક ખૂબ ભણે, પ્રથમ વર્ગમાં પથમ આવે એવી શુભેચ્છા બાળક માટે સેવીએ એ બરાબર છે, ઊંચી ટકાવારી લાવનારને સારી કૉલેજમાં પ્રવેશ મળે, સારી નોકરી મળે, સારું કમાય, એને પદ, પ્રતિષ્ઠા, માનમોભો મળે એવી ઈચ્છા દરેક મા-બાપને હોય જ, પણ ઘણી વાર સંપત્તિ અને માનમોભો મળે તોય માણસ ખુશ નથી રહી શકતો. મા-બાપે કંડારેલી કેડી પર આજ્ઞાંકિત બાળક વિરોધ કર્યા વગર આગળ પહોંચે છે, પણ એના ઊંડાણમાં તો મા-બાપ વિરુદ્ધ ફરિયાદ હોય છે, અસંતોષ હોય છે. એને કોઈએ ચીંધેલા માર્ગે જવું નથી ગમતું. માટે બાળકને એની રીતે વિચારવાની તક આપો, ખલીલ જિબ્રાને કહ્યું છે, ‘તમે તમારા બાળકને તમારો પ્રેમ આપી શકો, વિચારો નહીં. કારણ કે એની પાસે એના પોતાના વિચારો છે.’

બાળકને પોતે શું બનવું એ એને નક્કી કરવા દો. આ બાબતે બાળકને સ્વતંત્ર રહેવા દો. એનો જીવનમાર્ગ એને નક્કી કરવા દો. મા-બાપે તો એ માર્ગે ત્યારે સહકાર આપવાનો છે. બાળકને સંઘર્ષ કરવાની ટેવ અત્યારથી પડવા દો. ક્યારેક અસફળ થાય ત્યારે અસફળતા એને પચાવવા દો.

[ કુલ પાન : 127. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સલાહકારો બદલાઈ ગયા – શાહબુદ્દીન રાઠોડ
‘ભ’ ભજિયાંનો ‘ભ’ – જીજ્ઞેશ દેખતાવાલા Next »   

5 પ્રતિભાવો : બાળકને એની રીતે વિકસવા દો – અવંતિકા ગુણવંત

 1. ઇત્’સ ગોૂદ ફોર બેઇન્ગ હુમન સિર્
  it’s good for being human sir

 2. હર્ષ આર જોષી says:

  પોતાના જેવી મેચ્યોરીટી બાળકમાં શોધવાને બદલે માં-બાપ બાળકને બાળક રહેવા દે તોય ઘણું છે. માં-બાપની અતિ ઉચ્ચ મહત્વકાંક્ષાઓ બાળકને યુવાનીમાં જ વૃદ્ધ બનાવી દે છે. બાળકો પાસેથી અપેક્ષા “પોતાની જાતને બાજુ પર મુકીને ખૂબ ભણ, પૈસો કમાં અને સમાજના જડ વ્યવહારોને સાચવ.” એથી વિશેષ કશું નહિ?????

 3. Rajni Gohil says:

  અવંતિકાબેનને તો અભિનંદન આપીએ એટલા ઓછા છે. બીજા મા-બાપને આ લેખ વંચાવી તેમને સાચી સમઝણ મળે તે ઉમદા કાર્યમાં આપણે સહકાર આપવાનું ન ભૂલીએ.

  If children live with criticism, they learn to condemn.
  If children live with hostility, they learn to fight.
  If children live with fear, they learn to be apprehensive.
  If children live with pity, they learn to feel sorry for themselves.
  If children live with ridicule, they learn to feel shy.
  If children live with jealousy, they learn to feel envy.
  If children live with shame, they learn to feel guilty.
  If children live with encouragement, they learn confidence.
  If children live with tolerance, they learn patience.
  If children live with praise, they learn appreciation.
  If children live with acceptance, they learn to love.
  If children live with approval, they learn to like themselves.
  If children live with recognition, they learn it is good to have a goal.
  If children live with sharing, they learn generosity.
  If children live with honesty, they learn truthfulness.
  If children live with fairness, they learn justice.
  If children live with kindness and consideration, they learn respect.
  If children live with security, they learn to have faith in themselves and in those about them.
  If children live with friendliness, they learn the world is a nice place in which to live.

 4. Dilip says:

  darek balak tran shaktio sathe janmjat hoy 6
  1. Kalpanashil 2. Jignashu 3. Akhut xamata no bhandar. jarur 6 matra ene eni rite vikasava devani….

 5. SHRUTI MARU says:

  બાળક ને પોતાની કળા છે એની પોતાની ઇચ્છા જ્યારે કચડાય છૅ ત્યારે બાળક વિદ્રોહી બનતુ જાય છે.

  આવી બેઠુ બાળપણ પાંપણે,ઉડાઉડ
  લાવ,પકડું તને મારી ગુલાબડી હથેળીમાં ……શ્રુતિ મારુ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.