- ReadGujarati.com - http://www.readgujarati.com -

સલાહકારો બદલાઈ ગયા – શાહબુદ્દીન રાઠોડ

[‘વાહ દોસ્ત વાહ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ડા[/dc]યરો આજે મોજમાં હતો. ગણેશચોથ હતી. જમવાનું બાપુ તરફથી દરબારગઢમાં હતું. સવારમાં કારભારી, જીવલો, મા’રાજ, કાસમ જમાદાર, રૂપચંદ શેઠ, દલપતરાય વૈદ્ય, મેરામણ દરજી – બધાં એક પછી એક આવી ગયા. ચા-પાણી પીવાઈ ગયાં. નાસ્તા હારે ફરી પિવાણાં. કસૂંબો કાઢવામાં આવ્યો. સામસામી તાણું થઈ. આગ્રહ થયા, ‘મારા સમ, તારા સમ’ થયું અને કસૂંબો લેવાઈ ગયો. બંધાણીઓએ માથે બીડિયું ટેકવી, ભૂંગળિયુંવાળાએ ભૂંગળિયું સળગાવી, તમાકુ-સોપારીની ઠોર વાગી, ડાયરો કાંટામાં આવી ગયો, ખોંખારા ખાઈ મંડ્યો હાંકોટા-પડકારા કરવા ! હવે આવી જમાવટ થઈ હોય એમાં જો અલકમલકની વાત ન થાય તો ડાયરાની મજા મરી જાય.

સહુ મંડ્યા સામસામી તાણ કરવા. જીવલો કહે, ‘બાપુ, આજ તો આપ વાત કરો. સૌને મોજ આવી જાય.’ બાપુ કહે, ‘ના, પહેલાં તમારામાંથી કોક હિંમત કરો. પછી હું વળી ઊજમ ચડે તો બે વેણ કહું.’ ઘડીક રૂપચંદ શેઠને, તો ઘડીક રામદાસ મા’રાજને, તો વળી પથુ પગીને આમ આગ્રહ થયા. પણ વાત ખીલે નો’તી બંધાતી. છેવટે બાપુએ હુકમ કર્યો, ‘દલપતરામ વૈદ્ય, તમે વાત માંડો. બામણના ખોળિયે જીવ છે એટલે સરસ્વતી તમારી જીભે હોય.’ દલપતરામે હા-ના કર્યું, પણ ત્યાં ડાયરો આખો મંડ્યો આગ્રહ કરવા, ‘હા દલપતરામ, થાવા દ્યો. બાપુનું વેણ પાછું નો ઠેલાય.’ અને દલપતરામ જોશીએ વાત માંડી : ‘એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. સીમમાં ખેતર નહીં, ગામમાં ઘરનું ઘર નહીં, વાંહે કોઈ રોવાવાળું નહીં. મા’રાજ પડ્યો પંડ. આ તો ઠીક પણ ભૂદેવમાં ધરમ નહીં, જશ દાન નહીં, વિદ્યા નહીં, ભૂદેવને થયું, આ જીવતર કરતાં તો મોત સારું. સમાજમાં હડધૂત થઈને જીવવું એના કરતાં આયખું ટૂંકાવી નાખવું શું ખોટું ? મા’રાજને સંસાર માથેથી ઓછું આવી ગયું. મન ઊઠી ગયું. પણ તેણે વિચાર્યું, જંગલમાં હાલ્યો જાઉં, એવી જગ્યાએ પહોંચી જાઉં, જ્યાં જાનવર ફાડી ખાય. પછી તો ‘માટી ભ્રખે જનાવરાં અને મૂઆ ના રોવે કોઈ.’

ભૂદેવે અરણ્ય તરફ પ્રયાણ કર્યું. રસ્તો પગદંડી બની ગયો અને ગાઢ જંગલ શરૂ થયું. અડાબીડ વનરાઈ, વખંભર ખાયું, નદીનો પહોળો પટ, કાંઠે તડકો ખાતી મગરું, ઘેઘૂર વડલો, સાગની ઝાડી, કરમદાના ઢુંવા….. જંગલની ભીષણતા વધતી જતી હતી, પરંતુ આજે ભૂદેવને શેનીય બીક નહોતી. મોતને જ ભેટવા નીકળનાર માનવીને વળી બીક શેની હોય ? આ તરફથી ભૂદેવ આવતો હતો અને બરાબર સામેની કાંડ્યમાંથી એક સાવજ (સિંહ) હાલ્યો આવતો હતો. અંગારા જેવી આંખો, ખીલા જેવા દાંત, લાંબી કેશવાળી અને વિકરાળ મોં…. પોતાના સામ્રાજ્યમાં પ્રવેશેલા કાળા માથાના માનવીને જોઈ વનરાજે ક્રોધના આવેશમાં ગર્જના કરી, પણ એક જ ગર્જનાએ તો આખું જંગલ કંપી ઊઠ્યું, પરંતુ બ્રાહ્મણ ઉપર તેની કોઈ અસર ન થઈ. આ જ સમયે માનસરોવરના રાજહંસો દ્વારકાધીશની યાત્રાએ નીકળેલા. યાત્રાના પરિશ્રમથી થાકેલા રાજહંસો નદીકાંઠેના ઘેઘૂર વડલા માથે વિશ્રામ કરી રહ્યા હતા. વડનાં પાંદડાંના લીલા ઘેરાવામાં સફેદ રાજહંસો નીલમના ઢગલામાં મોતી પડ્યા હોય એવા લાગતા હતા.

રાજહંસોનો જેવો ઉમદા દેખાવ હતો એવો જ ઉમદા સ્વભાવ હતો. તેમને થયું, ભારે કરી ! હત્યા કરશે અને તેને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. નિર્દોષ ભૂદેવ અમસ્તો કાળનો કોળિયો બની જશે. ભૂદેવ તરફ જતા વનરાજને જોઈ રાજહંસોએ કહ્યું, ‘મહારાજ, જરાક વિચારજો. ગમે તેમ તોય ભૂદેવ છે. ભૂદેવનો ઘાત રાજાથી ન થાય. જોજો પાપમાં ન પડતા. અમે તો પ્રવાસી પંખીઓ છીએ. આ તો અનર્થ ન થાય એટલા માટે આપને વિનંતી કરીએ છીએ.’ રાજહંસોની વાત સાંભળી વનરાજ અટકી ગયા. વનરાજે કહ્યું, ‘રાજહંસો, તમે તો નીર અને ક્ષીર જુદાં કરી શકો એવી વિવેકબુદ્ધિ ધરાવો છો. આજે તમે મને આ સલાહ ન આપી હોત તો અવશ્ય અનર્થ થઈ જાય. આભાર, અતિથિઓ !’
રાજહંસો કહે : ‘મા’રાજ, આભાર તો આપનો અમે માનીએ છીએ. આ ભૂદેવ આપને આંગણે આવ્યા છે. ભલે તેણે યાચના નથી કરી, પણ તેને દાન-દક્ષિણા આપવી એ આપનો રાજા તરીકે ધર્મ છે.’ વનરાજ કહે, ‘જરૂર.’ વનરાજે ભૂદેવને જઈ પ્રણામ કર્યા અને તેનું ઉપરનું વસ્ત્ર ખેંચ્યું. ભૂદેવ વનરાજની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. એ એક ગુફા પાસે આવી ઊભા. અહીં ભૂદેવને છોડી વનરાજે પ્રયાણ કર્યું. ભૂદેવે ડરતાં-ડરતાં ગુફામાં જોયું. ચારે તરફથી દુર્ગંધ આવતી હતી. ક્યાંક-ક્યાંક માંસ અને હાડકાં પડ્યાં હતાં. ભૂદેવનું ધ્યાન એક મૃતદેહ તરફ ગયું. વનરાજના શિકારે આવેલા પણ ખુદ શિકાર બની ગયેલા કોઈ રાજવીનો મૃતદેહ પડ્યો હતો. ભૂદેવે હિંમત કરી, મૃતદેહ પરનાં મહામૂલ્યવાન આભૂષણો, મુગટ અને સોનાની મૂઠવાળી હીરાજડિત તલવાર- બધું કપડામાં બાંધી નીકળાય તેટલી ઝડપથી નીકળી ગામ તરફ પ્રયાણ કર્યું. રાત પડી ગઈ હતી. એ જ જૂના ખંડેરમાં સંપત્તિ જમીનમાં દાટી. માત્ર એક જ આભૂષણ ભૂદેવ બાજુના ગામમાં વેચી આવ્યા, પણ એટલામાં તો જમીન આવી ગઈ અને મકાન પણ બની ગયું. ધીરજ રાખી કોઈને ખ્યાલ ન આવે તેમ ભૂદેવે ધીરેધીરે જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વસાવી લીધી. નિર્ધનમાંથી ધનવાન બનેલ ભૂદેવના એક સુંદર સુલક્ષણી કન્યા સાથે ધામધૂમથી લગ્ન થયાં. નવેસરથી એક વિશાળ આલીશાન આવાસ બાંધી, ભૂદેવ જીવનના સુખી દિવસો પસાર કરવા લાગ્યા. સુંદર પત્ની, રૂપાળાં બે બાળકો અને ભૂદેવ સદૈવ આનંદમાં રહેતા. પણ ભૂદેવને ક્યારેક-ક્યારેક ઊંડે ઊંડે એક અજંપો રહ્યા કરતો : મેં ભાગ્યના જોરે આ બધું મેળવ્યું, પરંતુ મારાં બાળકોનું શું થશે ? માનવી પાસે ગમે તેટલું ધન આવે. એ સંતુષ્ટ નથી રહી શકતો, કારણ, માનવીની દોડમાં અહમનું જીવન છે, એ દોડની પૂર્ણાહુતિમાં અહમનું મૃત્યુ છે.

મારી લાયકાત કરતાં તેં અનેકગણું આપ્યું છે, પ્રભુ, ધન્ય છે તારી કૃપાને ! – આવી પ્રાર્થના કરી સંતોષપૂર્વક જીવન જીવવાને બદલે ભૂદેવ એક દિવસ કોઈને ખબર ન પડે એમ પાછા વનરાવનની વાટે રવાના થયા. તેમને થયું : મારે તો માત્ર જંગલમાં પહોંચવાની જ વાત છે ને ? ભૂદેવ ચાલ્યા જાય છે, પણ નિર્ભય નથી. કોઈ મારી નાખશે તો ? બાળકોનું-પત્નીનું શું થશે ? આવા વિચારમાં તે ચાલ્યા જાય છે, ત્યાં વળી ગાઢ જંગલ શરૂ થયું. એ જ નદીનો કિનારો, એ જ ઘેઘૂર વડલો. સામેથી વનરાજને પણ ભૂદેવે જોયા, પણ આ સમયે કોઈ મહત્વનો કજિયો પતાવવા કાગડાની નાત વડલા માથે મળેલી. નાતના આગેવાનોએ ખાઈ ખાઈને વકરી ગયેલા ભૂદેવને જોયા અને સામેથી આવતા સિંહને જોયો. આગેવાનોએ અંદાજ કાઢી લીધો. જો સિંહ ભૂદેવને ફાડી ખાય તો વાંહે જે વધે તેમાં ન્યાતનો સુખેથી ભોજન સમારંભ ઊકલી જાય. કાગડાઓએ કહ્યું, ‘હા વનરાજ, જાવા દેશો મા, પાડી જ દ્યો ! ભૂદેવ માંડ ઘામાં આવ્યા છે. ભૂદેવ આપનું ભોજન છે.’ સિંહે આ સાંભળ્યું. તેણે ભૂદેવ પાસે જઈ કહ્યું ‘તમે લોભના માર્યા અહીં આવ્યા છો, પરંતુ જેવા આવ્યા છો તેવા પાછા ફરી જાવ.’ ભૂદેવ કહે, ‘વનરાજ, એ જ હું છું. એ જ આપ છો. આ જગ્યા પણ એ જ છે. તો પછી આ ફેરફાર ક્યાંથી થઈ ગયો ?’ વનરાજ કહે : ‘બધું એનું એ જ છે. માત્ર સલાહકારો બદલાઈ ગયા છે.’

દલપતરામે વાત પૂરી કરી ને મહામુશ્કેલીએ અત્યાર સુધી શાંત ચિત્તે સાંભળતો ડાયરો દલપતરામ માથે ખુશ થઈ ગયો, ‘વાહ ભૂદેવ વાહ ! અરે વાહ સલાહકારો !’
દલપતરામ : ‘ધન્ય છે તમને અને તમારી વાર્તાને !’
ત્યાં જીવલે આવીને કહ્યું : ‘એ ડાયરો પધારો જમવા !’ અને સૌ જમણવાર માટે ઊઠીને પંગતમાં ગોઠવાઈ ગયા.

[ કુલ પાન : 104. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]