[ એક ગૃહિણીની સ્વાદબ્રહ્મથી માંડીને શબ્દબ્રહ્મ સુધીની સીધી-સાદી સાધનાને તાજેતરમાં અરુણાબેને ‘લખવૈયાગીરી’ પુસ્તક હેઠળ શબ્દસ્થ કરી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ અરુણાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26449691 અથવા આ સરનામે arunaj50@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[dc]સૂ[/dc]રજ માથે આવે અને બધા રોટલા ભેગા થાય. ફળિયામાંથી ભાથું ભેગું કરતો-કરતો ભથવારો વાડીએ આવે. જેવું ભથાયણું ખૂલે કે દરેક આદમી માત્ર મોંકળા જોઈને જ કળી જાય કે કયો રોટલો કોને ઓટલેથી આવ્યો છે. આ તે કેવા રોટલાકળા (પારખુ) અને આ તે કેવી રોટલાકળા ? રોટલાનું નામ પડતાં જ પગ વતનની વાટ પકડે. અમેરિકાના ‘મૅકડોનાલ્ડ’માંથી બહાર નીકળીનેય આ રોટલાની અંગાખરી ગંધ ક્યાંકથી આવીને દેશીમાડુના નાકમાં પરાણે પેસી જાય અને આંખને પાછી પલાળતીય જાય. ક્યાંકથી શું, એ તો માટીનાં મૂળિયાંમાંથી જ ઝમતી હોય.
How green was my velly !
વાત છે આ અંગાખરા રોટલાની. આ રોટલો પ્રાયમસ, સગડી કે ગૅસ પર પણ થઈ શકે. પણ ગોબરિયાળી ગંધે ગૂંદાયેલો અને લીંપેલા-ગૂંપેલા ચૂલે ચડેલો રોટલો તો નિરાળો જ. તડતડતા અંગારે ખરો થયેલો આ જ ખરો અંગાખરો ! રસ્તાની એક કોરે પડાવ નાખીને બેઠેલી વણજારણે ત્રણ ઢેખાળા પર ઠીકરું મૂકીને સાંઠીકડાના તાપે ચડાવેલો રોટલો તો મોડી રાતે જામતી મહેફિલની રંગત લઈને આવે. શરત એટલી જ કે ભૂખ કકડીને લાગેલી હોવી જોઈએ. ‘એને માણવું એ જ છે એક લહાણ.’ રોટલો આમ તો પાણી જેવો. જ્યાં જાય ત્યાં ભળી જાય. એકલા મીઠા સાથે પણ ચાલે, બેકલા ડુંગળી-મરચાં સાથે તો દોડે. નખરાળો જરાય નહિ. હા, લાડ લડાવો તો ઔર ખીલે. ચારેકોર લદબદતા ઘી સાથે કે લસલસતા માખણ સાથે, શેડકઢા દૂધ સાથે કે ઘાટી-રોડ છાશ સાથે. ગમે તેની સાથે જમો. જાત જ મૂળે મીઠી. એમ તો રોટલાને પાછું પોતાપણું ખરું. રાય કે રંક એવી સાડીબારી નહિ. જોકે રંક તરફ પલ્લું ઢળે. ગરીબોનો બેલી ખરો ને. ઓડકાર તો એકસરખો જ.
તાવડીથી ઊતરતો ગરમાગરમ ફૂલીને ફાળકો થયેલો રોટલો ખાઓ કે સમાધિસ્થ યોગી જેવો ટાઢો રોટલો ખાઓ, ધૂંવારેલા ભડથા સાથે ખાઓ કે પછી ગાંઠિયાના ખાટા શાક સાથે ખાઓ. – શાક મસાલે ચડિયાતું જોઈએ. બટકે ખાઓ કે ચોળીને, વહાલો લાગ્યા વિના ન રહે. રોટલાની સંગતે, વલોણાનાં તાજાં છાશ-માખણની તોલે કોઈ ન બેસી શકે. ગોળ-રોટલાની જોડી તો ભલભલી મીઠાઈયુંને પણ પછાડે. હરિની જેમ એનાં હજારો રૂપ. દ્યો રોટલાનો ટુકડો, આવે હરિવર ઢૂંકડો. શિરામણ શું કે વાળુ શું, રોટલાના બટકે-બટકે દૂધના ઘૂંટડેઘૂંટડા સાથે અદ્દભુત રસાયણ રસાતું જાય. છાશ-રોટલાની જુગલબંદી તો ક્યાંય ન જડે. એ તો પછી જેવી જેની તાસીર. બાકી એંસી વર્ષનાં સાસુમાને તો ખરો (કડક) ખપે, ગારો (પોચો) નહિ. સાત દાયકા વટાવી ચૂકેલા શહેરી બાપુને આજે પણ, લિટર દૂધ અને મસમોટો રોટલો વાળુટાણે ખાતાપીતા અને પચાવતા જોયા છે. આ રોટલાના જોમે વૃદ્ધાવસ્થાને એવી ને એવી અકબંધ રાખી છે. એવી છે રોટલાની કરામત. એની આણ પાછી એકહથ્થુ. ‘ડૉમિનેટિંગ પર્સનાલિટી’ – સત્તાધારી વ્યક્તિત્વ. દેશ-વિદેશ ફરેલા નામાંકિતો અને શ્રીમંતોને સામે ચાલીને ખુશીથી રોટલાનું જમણ નોતરી લેતા જોયા છે. I heartily invite myself to ‘DESI’ dinner (સામે ચાલીને તમારા દેશી જમણનું આમંત્રણ માગી લઉં છું.)
ઘંટુલો અને હાથદળણું તો હવે રહ્યાં ઈતિહાસમાં. એનાં સત્વ-તત્વ શોધ્યાં ન મળે. છતાંય રોજેરોજ દળાતા તાજા લોટનો સ્વાદ ચડિયાતો. વાસી લોટે વંકેય ન વળે. સ્વાદેય નહિ ને સિકલેય નહિ. લીંપણકળાની જેમ ટીપણકળામાંયે આવડત તો ખરી જ. રોટલો અને ચોટલો બન્નેમાં હાથનો કસબ સમાયો છે. ઘડાતા રોટલા સાથે ટીપી-ટીપીને સંઘેડાઘાટ સુંદર રચના આકારાતી જાય. રોટલા ભાતીગળ. લોટનું જાડું ખીરું તાવડી પર થેપીનેય રોટલા થાય. દક્ષિણ ગુજરાતની અમુક કોમ ચોખાના રોટલા એવી રીતે બનાવે. શહેરી લોક વણીને કરે, પાટલી પર થેપીને કરે. પણ સૌથી શ્રેષ્ઠ તો બે હાથે ટીપી-ટીપીને ઘડાયેલો રોટલો. રોટલો અમુક બાબતમાં મિજાજી ખરો. જલદી માની ન જાય. અને એમ કાંઈ ચૂલે ચડી બેસવાથી કે કેટલીય સાત ઉતાવળ કરવાથી રોટલા ન ઘડાય. સાત પાણીનો રોટલો અને એક પાણીની ખીચડી. એકએક રોટલાનો લોટ લેવાતો જાય, મીઠાવાળું પાણી ધીમે-ધીમે ઉમેરાતું જાય, લોટ બરાબર મસળાતો જાય, કણેકણ સમરસાતો જાય. બહાર બેઠેલા પરોણા રોટલાનું બટકું તોડતાંની વારમાં જ પારખી લે કે અંદર બેઠેલાં ઘરવાળાંનાં કાંડામાં કેટલું જોર છે. આ જ કાંડાબળને જોરે જિંદગી જોમે-જોમે જિવાતી જાય. ફરતી કોરે એકસરખો રોટલો ટિપાતો જાય. સાસરે જનાર દીકરીઓને મા વચ્ચે-વચ્ચે ટપારેય ખરી. છીંક કે ઉધરસની જેમ ટપાકાયે બહાર ન જવા જોઈએ. ઘરની વાત ઘરમાં જ. સરખો ઘડાયેલો રોટલો સરખા ફરતા તાપે તપેલી તાવડી પર એક હાથે સાચવીને નાખવાનો, ન ફાવે તો બે હાથે સુવડાવવાનો. ધ્યાન રહે, ભમરો ન ઊઠે; નહિ તો રોટલાનું રૂપ રોળાઈ જાય. વળી પાછાં અપશુકન. મા ચેતવે : સાચવીએ, બેટા ! સાસુમા ભમરો જોઈને મમરો મૂકે : ભમરાળી વહુને રોટલે ભમરો જ ને ! વખતોવખત તાપ વત્તોઓછો થતો રહે. ધુમાડા ફૂંકી-ફૂંકીને ફેફસાં બળૂકાં થતાં જાય. કોક વળી ઊંધું લે, ધુમાડામાં ફૂંકણીનું કામ કરતા ફરે.
શહેરમાં રહેતી દીકરીઓને ચૂલિની (ગૅસની) ટેવ તે ચૂલા શાના ફાવે ? એમ તે કાંઈ ચાલે ? ચાલો વતનમાં, ભાભુ કે કાકીમાની ટ્રેનિંગ લેવા. મહિનોમાસ ચૂલે બેસો (સાવ નજીકનો ભૂતકાળ – પંદરવીસ વર્ષ પહેલાં). પાકે ઘડે કાંઠા ન ચડે એ વાત સાચી, પણ પાકી વયે રોટલો જરૂર ચડે એની આ લખનારને ચોક્કસ ખબર છે. પણ હા, ચૂલાની ધગધગતી ધગશ ખાસ જરૂરી. A burning ambition. ઊના-ઊના રોટલાનું ફૂલેકું નીકળતું જોઈને ઘરધણી તો શું મહેમાન સિક્કે તેડાની રાહ જોયા વિના પાટલે બેસી જાય. પછી તો ચડે એટલી વાર ખરી, ઠરવાની વાટ કોણ જુએ ? આ રોટલો, એક વાર હેવાયો થઈ જાય પછી તો તમારો જ. ઘડાયેલા હાથે ટપોટપ રોટલા ઘડાતા જાય. ચૂલાની ભીંતે સૈનિકોની જેમ એક હારમાં શિસ્તબદ્ધ ગોઠવાતા જાય. કચ્છ-કાઠિયાવાડમાં ખાસ જોવા મળતો ભાતીલો રોટલો. ખાડાવાળો રોટલો. તાવડી પર ચડી રહેલા રોટલાના ઉપર પડ પર કાણાવાળી નાની કૂંચીથી ઝીણી-ઝીણી નકશી ઉપસાવવામાં આવે. નકશીવાળો ઉપલો ભાગ પલટાવીને ખરો કરવામાં આવે. આ નાના-નાના ખાડામાં ઊનું-ઊનું ઘી પૂરીને ગોળ સાથે જમવાની મજા પડી જાય. પણ ખરી મજા તો ખાડાવાળા રોટલા પર થીનું ઘી કે માખણ ચોપડીને ખાધે જ રાખો. ‘વીક-એન્ડ’માં ‘બાય-રોડ’ જતાં-જતાં લસણના ‘ટૉપિંગ્સ’વાળો ‘ડિઝાઈનર્સ એમ્બૉસ્ડ’ રોટલો ખાઈ જુઓ. સ્વર્ગ વેંત છેટું જ લાગશે. ‘મોઝરેલા ચીઝ’થીયે ચાર ચાસણી ચઢે એવો આ દેશી ‘પિત્ઝા’.
રોટલો ભલે રહ્યો થોડો મિજાજી, પણ છે તો શિવજી જેવો ભોળોભટ્ટ, એમ કહો ને સાવ અલગારી. ન પાટલી-વેલણ, ન મરી-મસાલા, ન તેલ-મોણ. બે વાનાં, મીઠું અને પાણી. જમનારને ભાવતું અને કરનારને ફાવતું. અધરાતે-મધરાતે ચૂલો ભભડી ઊઠે ત્યારે અથવા તો બંદોબસ્ત પતાવીને મોડી રાતે ઘરે પાછા ફરનારા નિશાચરો માટે હાથવગી રસોઈ એક જ, રોટલો. ઊંઘરેટી આંખે અને કાયમી હથોટીએ મજાનો રોટલો ઘડાય, દૂધનું તાંસળું છલકાય અને ભરથારનું મન ભરાય. નિતનવીન અને અદ્યતન વાનગીઓ પીરસનારી જાણીતી હોટેલના માલિક પણ રાત્રે દોઢ વાગ્યે ઘરે આવીને માગે તો એક જ રોટલો. આ ભોળાબ્રહ્મને અમથો લોકોએ ફટવી માર્યો છે. કંઈ મોંઘો કરી નાખ્યો છે ! મોંઘામૂલો ખરો ને ? એ તો બત્રીસો, બત્રીસે કોઠે દીવા કરે એવો.
ઈતિહાસની સાથે ધર્મ પણ રોટલાની હામાં હા ભણે છે. ઘરમાં ગૅસનો બાટલો ખલાસ થઈ જાય, ઈંધણ ઓછું પડે કે તાવડી નંદવાઈ જાય તો ‘ઈમરજન્સી’માં પરમકૃપાળુ પતિદેવ કે સર્વસત્તાધીશ સાસુમાના તણખિયા માથાનો ‘હાજર સો હથિયાર’ તરીકે ઉપયોગ થઈ શકે. ગૅસ અને તાવડીની બચત થાય એ વળી નફામાં. રોટલો ફૂલીને દડા જેવો થશે એની સો ટકા ખાતરી મુક્તાબાઈ આપે છે. કુંભારની હડતાળને કારણે તાવડી અલભ્ય હોવાથી ભાઈ જ્ઞાનેશ્વરની તાવથી ધગધગતી પીઠ પર બહેને રોટલો ફુલાવેલો. સંત જ્ઞાનેશ્વરનાં બા નાનપણમાં દેવ થયેલા, નહિ તો દરેક પુરુષની જેમ એમના મોંએ પણ આ જ બ્રહ્મવાક્ય હોત – મારી બા જેવો રોટલો કોઈનો નહિ ! આ સનાતન સત્યમાં માની મમતા ઉપરાંત દશકા-જૂનો કરતબ કામ કરી જતો હોય છે. સચરાચરમાં વ્યાપક એવો આ રોટલો ગુજરાતમાં વેસણ-રોટલાના રૂપે, મહારાષ્ટ્રમાં ઝુણકા-ભાકરના રૂપે કે પંજાબમાં મક્કી-કી-રોટી અને સરસોં કા સાગરૂપે સમાયેલો છે. ઘઉંનો રોટલો ભલે રૂપાળો પણ કામણગારો તો બાજરાનો જ (સીદીભાઈને સીદકાં વહાલાં). બાજરા સાથે વણાયેલું છે કચ્છ-કાઠિયાવાડ. મેઘાણી હોય કે કારાણી, બધે બાજરાનો જયજયકાર.
ધિંગા તોંજા હથડાં ધિંગી બાજરજી માની,
દેવ કે પણ દુર્લભ મીઠડી માજી માની. (શ્રી કારાણી)
અર્થાત માનો હાથ શું કે બાજરો શું, બધું જ જોમવાન. દેવોને પણ દુર્લભ એવો મીઠો, માડી, તારો રોટલો (માની). વાળુ ટાણે રોટલા ઘડતાં-ઘડતાં બે હાથ જોડી (વચમાં રોટલો રાખી) હજાર હાથવાળાને માડી શું વીનવતી હશે ? – બારે મહિના સહુને રોટલાભેગા કર, એ જ ને !
[કુલ પાન : 86. કિંમત રૂ. 55. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
17 thoughts on “રોટલો – અરુણા જાડેજા”
આજે રોતલો વાચિને વતન યાદ આવે ચ્હે
આજે રોતલો વાચિને બા યાદ આવે ચ્હે
બા કહેતિ કે પહેલા કુતરાને રોતલો નાખિ આવો પ્ચ્હિ જમવા બેસો અમિર ગરિબ નુ સ્વદિસ્ત ભોજન એતલે રોતલો પસિનનો રોતલો લગે બહુ મિથો જય વસે રોતલો ત્યા સદાકાલ ઓતલો સસ્તુ ભોજન અને સિધપુર્નિ યત્ર એતલે દુન્ગલિ ને રોતલો રોતલ નિ સગાય કદિ ના વિસરાય રોતલનિ ભાત કહે દિલનિ વાત ઇસ્વરે આપેલો રોતલો કદિ ન થુકરાવવો આભાર
ઘનો સારો લેખ. જાને રોત્લો ખાતા હોઇઅએ તેવો અનુભ્વ થ્યો. તમારિ લખવાનિ પધ્ધતિ ઘનિ સરસ ચ્હે.
rotala thi kam ke tap tap thi
આ સરસ લેખ વાચવાનિ મજા પડી.ળૅખિકા એ સરસ વર્ણન કરિ ને,મ્હો મા પાણી લાવિ
દિધુ.આભાર્
Rotla vise vaachee ne momaa panee aavi gyu, rotla khavanu man thay gyu,
superb….!
ખુબજ સુંદર રજૂઆત છે.
અત્યાર સુધિ ફક્ત મુખેથિ રોતલો ખાધો હતો,આજે પહેલિ વાર આન્ખેથિ ખાધો…..અભાર તમારો.
સુંદર
રોટલા વિષે પણ વાંચીને ….રોટલો એટલે રોટલો કહેવાનુ મન થઇ જાય્
હુ મારા ગામ બજર્ંગપુરા થી વણા ૬ કિમિ દુર હાઇસ્કુલમા ભણવા જતો હતો. મારી બા દરરોજ ટીનના ટિફિનમા રોટલો જિણો ચોરીને તેમા ગોળ અને લચપચતુ ઘી ભેળવીને અને ટિફિનનો આખો ડ્બ્બો ભરી દેતા આજે ૩૫ વર્ષ બાદ પણ તે રોટ્લાનો આ લેખ વાંચીને યાદ આવી ગયો………વાહ રોટલો વાહ……….
જી.જી. હેરમા
ગાંધીનગર
ખુબ જ સરસ સમૃદ્ધ લેખ. રોટલો નિરાંતે ખાતા હોઈએ એવી લાગણી.શ્રી અરુણાબેનને અભિનંદન. સીધીસાદી ભાષામાં ખુબ જ હ્રદયને આકર્ષે એવું રસપ્રદ લખાણ. રોટલા અને તે બનાવનારની વિશાળતા ને મીઠાશનું તો શું કહેવું? જકડી રાખે એવી ઉત્કૃષ્ટ રજૂઆત.વાહ.રોટલો એટલે મીઠપનો મોરલો. શ્રી મ્રુગેશભાઇ આપને પણ અભિનંદન.-દુર્ગેશ ઓઝા પોરબંદર
રોટલો એટલે રોટલો. રોટલો એટ્લે અમારો. કચ્છનો બાજરો એટલે? બસ્ એક વાર ખાઓ તો ભુલાય નહેીં. અરુણાબહેન તો ઠકરાણાં એમના હાથે ટિપાયેલો રોટલો એટલે વાત જ શું કરવેી? આવો રોટલો ખાવાનેી મઝા કરાવવા બદલ ‘રેીડ ગુજરાતેી’નો આભાર્.
સુંદર …..
અરુણાબેન્ની માતૃભાષા મરાઠી, પણ રોટલાનુ એવું તો તળપદૂં વર્ણન કર્યું છે કે ્કોઈ જનમથી રોટલા ખાનાર પણ ન કરી શક્યુ હોત.
બહુજ વસ્તવિક રજુઆત લેખક્ને ધન્યવાદ્
ખુબ જ સુન્દર. વર્શો પેહલા અમારે ગામ જવાનુ થતુ ત્યારે આ લાભ મલતો.આજે પન એનિ યાદ ભુલાતિ નથિ.લેખિકા નો ખુબ ખુબ આભર .
અરુણાબેન,
ભોજનનો રાજા રોટલો બધાથી અનન્ય છે. તેનો સૌથી મોટો ગુણ કે રોજેરોજ તેને ખાઈએ પરંતુ તે કોઈ દિવસ અબખે નથી પડતો !
ખૂબ જ મહિમા કર્યો તમે રોટલાનો, આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
chokhano rotalo & Val nu shak mara mate panch pakavan