વિઝા અનુભવનું કાવ્ય – મૂકેશ જોષી

પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તોપણ એણે પૂછ્યું નામ;
વિધવા થયેલાં ફોઈ ફરીથી યાદ આવ્યાં, મેં કર્યા પ્રણામ.

બા-બાપુનું કામ પૂછ્યું ને પૂછ્યું એણે મારું ગામ,
શૈશવની શેરીમાં પાછો ધક્કો માર્યો એણે આમ.

જન્મતિથિ, તારીખ, વાર કે ચોઘડિયાનું કંઈ ના સૂઝ્યું,
સારું છે કે શું કરવા જન્મ્યો છું એણે એ ના પૂછ્યું.

મેં શ્રદ્ધાથી જોયું એણે શંકા જેવો ભાલો કાઢ્યો,
ટાઈપ થયેલો ભૂતકાળ મેં ત્યાંને ત્યાં એને દેખાડ્યો.

લોહી વચાળે સઘળી ઈચ્છા ટાઢ સમી થરથરતી દેખી,
કાતર જેવી નજર્યું એણે ઉપરથી સણસણતી ફેંકી.

ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દહાડા રહેશો ?
ઉપનિષદ પણ એ જ પૂછે છે, એનો ઉત્તર તમેય દેશો ?

તીખા તીખા પ્રશ્નોથી શું માણસને ઓળખવા માગો ?
જેને પૂછો એ માણસ તો પોતાનાથી ખાસ્સો આઘો.

વિઝનથી વિઝાની વચ્ચે શ્વેત-શ્યામ રંગીન કાયદા,
પંખીને પુછાય કદી કે ઊડવાના છે ક્યા ફાયદા ?

ભરદોરે જે સ્વપ્ન ચગાવ્યું, એક ઝાટકે એણે કાપ્યું,
ઝળઝળિયાંએ જાતે આવી આંખોને આશ્વાસન આપ્યું.

પાછા ફરતાં ફરી કોઈએ બૂમો પાડી મારા નામે,
હવે નથી અટવાવું મારે, ચાલ્યો હું સાચા સરનામે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “વિઝા અનુભવનું કાવ્ય – મૂકેશ જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.